Tuesday, September 13, 2011

અમદાવાદનાં ભૂવા મોતના કૂવા ..


| અભિયાન  | હાસ્યમેવ જયતે | ૧૩-૦૮-૨૦૧૧ | અધીર અમદાવાદી |

અમદાવાદ શહેરના નામ અંગે ઘણી ચર્ચા થઇ છે. ઘણાં હિન્દુત્વવાદી નેતાઓ તો હજુ પણ અમદાવાદને કર્ણાવતી નામથી ઓળખે છે. એમના વીઝીટીંગ કાર્ડ, લેટર હેડ અને નેઇમ પ્લેટ પર પણ કર્ણાવતી લખાવે છે. તો વચ્ચે એક નેતાએ અમદાવાદને સિંગાપોર બનાવવાની મહેચ્છા પણ જાહેર કરી હતી. પણ અત્યારે તો અમદાવાદનાં રસ્તા ઉપર ગાયો અને ભૂવાઓને જોઈ અમદાવાદનું નામ બદલવાની જો કોઈ દરખાસ્ત આવે તો ગોકુળ અથવા તો ભૂવાબાદ આ બે માંથી પસંદગી કરવાની રહે. અને આજકાલ તો એવું સંભળાય છે કે અમદાવાદના ભૂવા, ગાયો, ટ્રાફિક જેવા પ્રશ્નો સોલ્વ કરવા કરતાં નવું શહેર બનાવવાનું સહેલું છે એવું લાગતા સરકાર અમદાવાદથી નજીક બબ્બે નવા શહેર બાંધી રહી છે!   

અમદાવાદી ન હોય તેને ભૂવા વિષે જાણકારી ન હોય તે સ્વાભાવિક છે એટલે પહેલાં ભૂવા શું છે તે વિષે વાત કરીએ. ભૂવા એ રસ્તા ઉપર સ્વયંભૂ બનતા મોતના કુવા છે. ભૂવાની શરૂઆત એક નાનકડી ભૂવીથી થાય છે. આ ભૂવી એટલે એક મીનીએચર ભૂવો. વરસાદ પડે એટલે પાણી ભુવીઓમાં પ્રવેશે. ભુવીઓમાં પ્રવેશેલું પાણી પોતાનો રસ્તો કરી જમીનમાં ઉતરવા આગળ વધે ત્યાં એને પાઈપ લાઈનમાં પડેલું કોક જુના દોસ્ત જેવું જુનું ભગદાળું જડે. આ ભગદાળુ એટલે સુમો સાઈઝનું કાણું. પાણી પછી પોતાની સાથે યથાશક્તિ માટી આ ભગદાળામાં ખેંચીને લઇ જાય છે. જોકે પાણી જાદુઈ હોવાથી એ કોન્ટ્રાક્ટર્સ અને અધિકારીઓના પાપ ધોવાનું પવિત્ર કાર્ય પણ કરે છે. અમદાવાદીઓના કમનસીબે પાણીની શક્તિ ઘણી હોવાથી જોત જોતામાં રોડની નીચે પોલાણ સર્જાય છે. આમાં પાછુ નવી નાખેલી પાઈપ લાઈનોના પુરાણમાં થતી કમીઓ પોલાણને મોટી પોલમપોલ બનાવી દે છે. આમ સર્જાય છે અમદાવાદના પ્રખ્યાત ભૂવાઓ

ભૂવાને ખાડો કહેવો એ ભૂવાનું અપમાન છે. ખાડો એ ભૂવા સામે સાવ બચ્ચું છે. પૃથ્વીની સરખામણીમાં જેમ ચંદ્ર બચ્ચું છે એમ . એવું કહેવાય છે કે ચંદ્ર ઉપરથી પૃથ્વીની બે વસ્તુઓ નરી આંખે જોઈ શકાય છે, એક ચીનની દીવાલ અને બીજા અમદાવાદના આ ભૂવાઓ. મામુલી ખાડાઓ કાંઈ ચંદ્ર પરથી ન દેખાય. જેમ ગાંઠીયા દરેક શહેરમાં બનતા હોવા છતાં ભાવનગરના ગાંઠિયા વખણાય, એમ ખાડા દરેક શહેરમાં હોય, પણ ભૂવા તો અમદાવાદના . અને કેન્દ્ર સરકારની જેએનએનયુઆરએમ જેવી યોજનાઓમાં રૂપિયા લાવવા અને વાપરવામાં જેમ ગુજરાત અને અમદાવાદ અગ્રસ્થાને છે, તેમ જો ઇન્ટરસિટી ભૂવા સ્પર્ધા યોજાય તો અમદાવાદનાં ભૂવાઓ મેદાન મારી જાય. એમાં પાછું વેઈટ લીફટીંગના ખેલાડીઓમાં જેમ  વજન પ્રમાણે કેટેગરી હોય તેમ જો ખાડાઓની સ્પર્ધા થાય તો ૧૦૦ ફૂટ અને ઉપર પહોળાઈની તમામ કેટેગરીમાં કદાચ અમદાવાદના ભૂવાઓ બિનહરીફ જીતી જાય. જય હો!

અમદાવાદની મુલાકાત લેનાર દરેકે અમદાવાદના આ પ્રખ્યાત ભૂવાઓ જોયા હશે. પણ ભૂવા વિષે વાંચનાર કે ગુગલ કરનાર અમદાવાદનાં ધરોહર સમાન આ અદ્દભુત ભૂવાઓને પેલા ભૂત ભગાડનાર અંધશ્રદ્ધાકારક ભૂવાઓ સાથે ભેળસેળ કરી દે એવું પણ બને. પણ બે ભૂવાઓની કોઈ સરખામણી ન થઇ શકે. એક ભૂવા ભૂત ભગાડવાનું કામ કરે છે, જ્યારે રસ્તા પરના આ અદ્દભુત ભૂવાઓ ખુદ પડે છે, એ સ્વયંભૂ છે, એ માણસોને અકાળે સ્વર્ગસ્થ કે નર્કસ્થ કરી ભૂત બનાવે છે, અને ભૂવાઓને કામ અપાવે છે. ભૂત ભગાડનાર ભૂવાઓ સમાન્ય રીતે પોતે ધૂણે છે, જ્યારે રસ્તા પરના ભૂવાઓ લોકોને ધુણાવે છે. વિજ્ઞાનની રીતે ભૂત કાલ્પનિક છે, પણ ભગાડનાર ભૂવાઓ હકીકત છે. રસ્તા પરના ભૂવાઓ હકીકત છે, અને એ દૂર થશે એ એક અદ્દભુત કલ્પના છે!

એક વાયકા પ્રમાણે જ્યારે અમદાવાદનો કોટ બનતો હતો ત્યારે માણેકનાથ બાબા એક સાદડી ગૂંથતા હતાં જે એ દિવસે ભરી અને રાતે ઉકેલી નાખતા હતાં. માણેકનાથની સાદડીનો કોટની દીવાલ સાથે હિન્દી સિરીયલમાં આવે એવો કોઈ નામ વગરનો રિશ્તો હશે એટલે બાબા સાદડી ઉકેલે એટલે એ સાથે અમદાવાદના કોટની દીવાલ રાત્રે પડી જતી હતી. આમ જુઓ તો આમાં માણેકનાથ બાબા અમદાવાદના કોન્ટ્રાક્ટરોના ગોડ ફાધર થયા. બાબાના આશીર્વાદથી આજે પણ કોન્ટ્રાક્ટરો એકનું એક કામ ફરી ફરીને કરે છે, પછી એ રસ્તા હોય, દીવાલો હોય, હોર્ડીંગ્સ હોય, ચોમાસામાં વાવેલા વૃક્ષ હોય કે પછી ભૂવામાં પૂરેલી માટી. અમારા જૈમિન જાણભેદુએ આપેલી માહિતી મુજબ તો અમદાવાદનાં કોન્ટ્રકટર ભાઈઓ બાબાના ફોટા પોતાની પોશ ઓફિસોમાં જરૂર લગાવે છે. અને ન કરે અધિકારીને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરનો ખરાબ સમય આવે અને કામનો અભાવ હોય તો બાબાની મન્ન્ત રાખે તો નાના છોકરાના સુસુ કરવાથી ભૂવા પડ્યા હોવાના દાખલા પણ કોન્ટ્રાક્ટરોની બે નંબરના વ્યવહારની ડાયરીઓમાં પેન્સિલથી લખેલા નોંધાયા છે.

પણ આવો ભવ્યાતિભવ્ય ભૂવો એક વાર સર્જાય એટલે એ કોઈનો ભોગ લે છે. પછી એ માણસ, ગાય, રીક્ષા, કાર, કે પછી બસ હોઈ શકે. ફાયર બ્રિગેડના જવાનો પણ હવે ભૂવાઓથી સુપરિચિત હોવાથી યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં લાગી જાય છે. હવે, ભૂવામાં પડેલ વ્યકિત અને વાહન બહાર નીકળે, માટી ધોવાઈ જાય અને વરસાદ બંધ થાય એટલે ભૂવો મહદ અંશે નિષ્ક્રિય થઇ જાય છે. ભૂવો નિષ્ક્રિય થાય એટલે નાનાથી માંડીને મોટા અધિકારીઓ વારાફરતી આવીને ભૂવાનું નિરીક્ષણ કરી જાય છે. લોકો પણ પોતપોતાની રીતે સમસ્યાના સામાધાન માટે દરખાસ્તો કરે છે. એમ અમુક લોકોએ એવી  દરખાસ્ત પણ કરી હતી કે સંવેદનશીલ વિસ્તારમાં જેમ સરકાર પોલીસની તંબુ ચોકી કે પોઈન્ટ મુકે છે, તેમ ભૂવા સંભવિત વિસ્તારોમાં ફાયર બ્રિગેડના પોઈન્ટ મુકવામાં આવે. પણ દરખાસ્તમાં રાજકીય ફાયદો કે ફદિયા ન દેખાતા, દરખાસ્ત તેના કાયમી નિવાસ્થાન એવી અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી.

ભૂવો પડે એટલે નવરા અને કુતૂહલ ગ્રસ્ત લોકો કમર પર હાથ મૂકી ભૂવાને ઘેરી વળે છે. ફોટોગ્રાફર્સ ફોટા પાડી જાય છે. ફેરિયાઓ ભૂવો થવાથી બંધ થયેલા રસ્તા નજીક પોતાની લારીઓ કે પાથરણાં પાથરી પાન-મસાલા, પડીકી, હાથ રૂમાલ વિ વેચવા લાગી જાય છે. ભૂવાની આસપાસમાં ઉભેલ લારી વાળો ભૂવો પડે એટલે ટેમ્પરરી ગાઈડની ભૂમિકામાં આવી જાય છે અને અધિકારીઓથી માંડીને પત્રકારોને ભૂવાના ઇતિહાસથી માહિતગાર કરે છે.હું તો ઓગણીસો ચોર્યાસીથી અહિ લારી લઈને ઉભો રહું છું, એકે વરસ એવું નથી ગયું કે અહિ ભૂવો પડ્યો હોય. એવું કહે છે કે જ્યારે અહિ પાકો રસ્તો પણ નહોતો ત્યારે એક સ્ત્રી પોતાના પરદેશ ગયેલા પતિની રાહ જોતી આ જગ્યાએ ઉભી રહેતી હતી, પતિની રાહમાં સતિ જેવી આ સ્ત્રી પોતાનાં પગના અંગૂઠાથી જમીન ખોતરતી રહેતી હતી, એનો પતિ તો પરદેશથી કદી પાછો આવ્યો નહિ પણ જમીન ખોતરાવા અને આંસુ પડવાને લીધે ધરતી નરમ પડી ગઈ. એક વરસે એ સ્ત્રી મરી ગઈ, અને ત્યારથી દર વર્ષે આ જગ્યાએ થોડોક વરસાદ પણ પડે એટલે ભૂવો પડે છે. આમ એક વખત વરસાદ પછી ભૂવો પડ્યો, ને અંદર પાણી ઉતર્યું ત્યારે અહીં એક મૂર્તિ જડી હતી. સામેની ખાડાવાળી પોળમાં આ મૂર્તિની સ્થાપના કરી ભુવેશ્વરનું મંદિર પણ પોળનાં લોકોએ બનાવ્યું છે. દર વર્ષે લંડનથી આખો સંઘ આ ભુવેશ્વરના દર્શન કરવા આવે છે. અને અમદાવાદનાં કોન્ટ્રાક્ટરો તો એમને ઇષ્ટદેવ તરીકે પુજે છે, બોલો’.   

અમદાવાદમાં તો એવું પણ પડીકું ફરે છે કે ભૂવાઓ પાછળ એક ગેંગ કામ કરે છે. આ ગેન્ગના સભ્યો રાતે રાતે વરસાદી પાણીની લાઈનોમાંથી ગાબડા પાડી આજુબાજુ ખોદકામ કરે છે. સીઆઇડી સિરીયલના શોખીનોને તો ખબર પડી ગઈ હશે કે આ ગેંગ અહમદશાહ બાદશાહનો ખજાનો શોધવા ભૂગર્ભમાં શોધખોળ ચલાવે છે. તેઓ ખોદાયેલી બધી માટી ગટરોમાં ઠાલવે છે. અને બાકીનું તો તમને ખબર છે. અમુક તો એટલે સુધી કહે છે કે એક ટોચના અધિકારી કોન્ટ્રાકટર સાથે ભાગીદારીમાં ખજાનાની શોધ ચલાવે છે. અમારો જૈમિન જાણભેદુ તો ત્યાં સુધીની ખબર લાવ્યો છે કે એ અધિકારીને જૂની ફાઈલો અને કાગળોમાંથી અમુક જુના નકશા મળ્યા છે. એ નકશા મુજબ દિવસે ઓફિશિયલી પાઈપ લાઈનો માટે ખોદકામને બહાને ખજાનો શોધાય છે, અને રાતે ગટરોમાં ખણખોદ તો ચાલે છે. જો કે ખોદકામ હજુ પણ ચાલુ છે, એટલે ખજાનો મળ્યો નહિ હોય તેવી સહેજે ધારણા કરી શકાય. આમાં સાચું ખોટું જે હોય તે, અમારા જેવા સામાન્ય માણસને તો થાય કે ખજાનો દાટ્યો હશે ત્યારે આમ ખોદમખોદ કરતાં હશે ને

કોર્પોરેશને તો દેશ વિદેશથી તજજ્ઞોને બોલાવીને ભૂવા દર્શન કરાવ્યા, છતાં ભૂવાની સમસ્યાનો હજુ કાયમી ઉકેલ જડ્યો નથી. અને ભૂવામાં માટી સાથે દર વર્ષે પાલિકાની આબરુ ધોવાયા કરે છે. એટલે છેવટે અમે ભૂવાઓ વિષે ઘણું ચિંતન કર્યું, સંશોધન કર્યું, લાગતા વળગતા અને તજજ્ઞો જોડે વિચાર વિમર્શ કરી ભૂવા સમસ્યાનાં અમુક ઇનોવેટીવ ઉપાયો વિચાર્યા છે. મેનેજમેન્ટમાં એવું કહે છે કેટર્ન પ્રોબ્લેમ ઇન ટુ ઓપોર્ચ્યુંનીટી’, એટલે કે પ્રોબ્લેમમાંથી તક ઉભી કરો. તો આ ભૂવાની સમસ્યામાં અમને તક દેખાય છે. જેમ કે ભૂવાને મેળા માટે ભાડે આપી શકાય. મેળાના આયોજકો ભૂવાની કિનારી ઉપર પાટિયા મારી એનો મોતના કુવા તરીકે બાઈકનાં સ્ટંટ માટે ઉપયોગ કરી શકે. તમે જોયું હશે કે સ્ટંટમેન મોતના કુવાઓમાં મારુતી કાર પણ ફેરવતા હોય છે, તો અમદાવાદના એક્સ્ટ્રા લાર્જ ભૂવાઓમાં એથી પણ એક ડગલું આગળ વધીને એક સાથે બે બે બસ ગોળ ગોળ ફેરવી શકાય, અને જરૂર પડે તો એરકન્ડીશન્ડ મર્સિડીસ કંપનીની બીઆરટીએસ માટે લાવેલી બસો પણ ભૂવાઓમાં ફેરવી શકાય. અને પબ્લિક પણ ટીકીટ ખરીદીને આ સેવાનો લાભ લઇ શકે. અનેબે બસો ભૂવામાં ફેરવી શકાય કે કેમ?’ એ અંગે જો શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવાનું ભંડોળ પાલિકા પાસે હોય, તો આ લખનાર આ કામ હાથ ધરવા તૈયાર છે!


1 comment: