Sunday, June 03, 2012

ડોગીને ગાતાં શીખવાડો ♪ ♪ ♪

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૩-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી |


ટચુકડી  વેકેશન સ્પેશિયલ જાહેરાતો

ઓછી મહેનતે છૂંદો બનાવો
શું આપ લિફ્ટ વગરના એપાર્ટમેન્ટમાં રહો છો? શું આપને ત્યાં ધાબા પર જવા સગવડ નથી? શું ધાબા પર પકાવવા મૂકેલ છૂંદો તમારા પતિ કે બાળકો કરતાં પહેલાં વાંદરાં ખાઈ જાય છે? શું છૂંદાનું તપેલું મૂક્યા પછી આજે વરસાદ પડશે તોની ચિંતામાં આખો દિવસ બહાર નથી જઈ શકતાં? શું ધાબા પર છૂંદાનાં તપેલા ચઢાવ ઉતાર કરી તમારી કમર ભાંગી ગઈ છે? આમાંના કોઈ પણ પ્રશ્નનો જવાબ હાહોય તો તમારા ઘેર આવી માત્ર બે કલાકમાં ખાસ ચાઈનીઝ સોલાર મશીન દ્વારા વાજબી ભાવે ઘર જેવો છૂંદો બનાવી આપવામાં આવશે.

ઈમ્પોર્ટેડ ઈયર પ્લગ્સ
ખાસ ચાઇનાથી આયાત કરેલાં ઈમ્પોર્ટેડ ઈયર પ્લગ. આ ઉનાળામાં કેટલી બધી ગરમી પડે છેએ વાક્ય વારંવાર સાંભળી જેને કાનમાં સણકા આવતાં હોય તેમના માટે ખાસ, ચાઈનીઝ ઈએનટી એસોશિયેશન દ્વારા પ્રમાણિત યુઝ એન્ડ થ્રો ઈયર પ્લગ્સ. એક પર એક ફ્રી. (કુલ બે). ફેમિલી ઑર્ડર પર હોમ ડિલિવરી ફ્રી. 

સ્પેશિયલ થીમ પાર્ટી
રેઇડ પડવાના ડર વગર વેકેશન સ્પેશિયલ થીમ પાર્ટી માણો. ચોર-પોલીસ, ટોમ એન્ડ જેરી, યુપીએ અને એનડીએ, અમેરિકા અને અલ-કાયદા, જોન અને અભિષેક, અને પતિ-પત્ની જેવા આકર્ષક થીમ પર શહેરથી તદ્દન નજીકનાં સ્થળે પાર્ટી માણો. ગરમ-ઠંડા બધાં પ્રકારનાં પીણા મળશે. ઓન્લી કપલ એન્ટ્રી. 

ક્રિકેટ કોચિંગ
રણજી ટ્રૉફીમાં પંદરની ટીમમાં પસંદગી પામેલા સચિન સર દ્વારા પાંચથી બાર વરસની ઉંમરના સ્માર્ટ છોકરાઓ માટે સ્પેશિયલ કોચિંગ. સચિન ક્રિકેટ એકેડેમી. મમ્મીઓ માટે ગ્રાઉન્ડ પર જ સ્પેશિયલ એરકન્ડિશન્ડ, ટીવી, ઠંડા મીનરલ વોટર સાથેની વેઇટિંગ લાઉન્જની સગવડ. દિન ત્રણમાં રજિસ્ટર કરનારને કોચિંગ દરમિયાન બેન્ડ એઇડ સાવ મફત લગાડી આપવામાં આવશે.

ડોગીને ગાતાં શીખવો
તમે આ વેકેશનમાં તમારા ડોગીને શું નવું શિખવાડ્યું? કશું નહિ? તો છેલ્લી તક, તમારા પ્યારા ડોગીને આ વેકેશનમાં ગાતાં શિખવાડવાની. વાઉ વાઉ કોચિંગ ક્લાસ. સાત વર્ષના અનુભવી અમેરિકા રિટર્ન ટૉમી સર દ્વારા ખાસ ટ્રેનિંગ. વેસ્ટર્ન ક્લાસિકલ, જાઝ, સોલો, રીમિક્સ, તથા સૂફી સંગીત સહિત બધાં પ્રકારની બિન-રહેવાસી તાલીમ માટે આજે જ સંપર્ક કરો. પીક અપ એન્ડ ડ્રૉપ સર્વિસ મળશે. 

મહિલાઓ માટે ખાસ
વેકેશનમાં પતિ કે બાળકોનાં કકળાટથી બચો. વેકેશનમાં બાળકો કે પતિને વ્યસ્ત કેમ રાખશો ?’ એ વિષય પર મહિલાઓ માટે ખાસ ક્લાસિસ. અનુભવી પ્રશિક્ષક અને ખાસ રોલ પ્લે ટાઈપના પ્રેકટીકલ્સ  સાથે. બાળકોની સાથે સાથે વેકેશન ધરાવતાં (પ્રોફેસર અને શિક્ષક પ્રકારનાં) પતિઓની પત્નીઓ માટે વિશેષ કોર્સ.

ગેસ કન્વર્ટર
પાચનતંત્રમાં થતી ખરાબીને કારણે ઉત્પન્ન થતાં ગેસથી વાહન ચલાવો. અમારી કંપનીનું કન્વર્ટર નખાવો. કીટ સાથે ૩૦ ગેસવર્ધક ફૂડ આઈટમની રેસિપી તદ્દન મફત. ૩૦% સુધીની સરકારી સબસિડી માત્ર બલ્ક ગેસ પ્રોડ્યુસર્સ માટે. ઇન્ક્વાયરી માટે ફોન કરવો, રૂબરૂ આવવું નહિ. સેવાભાવી ડોનરો ગેસ ડોનેશન માટે લખે.

ધક્કા પાર્ટી
શું પેટ્રોલનાં વધેલા ભાવને કારણે તમે ઓફિસ કારમાં નથી જઈ શકતાં? તો અમારી ધક્કા પાર્ટી પેટ્રોલ કરતાં ઓછાં ખર્ચમાં તમને ઓફિસ પહોંચતા કરી દેશે. ઓફિસ નજીક પહોંચી કાર સ્ટાર્ટ કરી રુઆબથી ઑફિસમાં પ્રવેશ કરો.  

જ્યોતિષ
આ ઉનાળામાં કેરીઓ બગડે, લિફ્ટ કે પાણીનો બોર બગડે, રાત્રે વીજળી ગુલ થાય, ગરમી લાગે, બરફ ગોળાની લારી પર લાઈનમાં ઊભા રહેવું પડે, બોસ આઉટડોર કામ સોંપે, બહારગામ રહેતાં સંબંધી ઉનાળામાં લગ્ન ગોઠવે જેવી મલ્ટીપરપઝ આપત્તિઓથી રક્ષણ આપતું સુરક્ષા કવચ માત્ર રૂપિયા એકાવનમાં.

અમદાવાદનાં જોવાલાયક પંપો
એક જ દિવસમાં અમદાવાદના બધા જોવાલાયક પેટ્રોલ પંપ મ્યુઝિયમ બતાવવામાં આવશે. પેટ્રોલની ઉત્પત્તિથી ૨૦૧૨નાં ભાવવધારા સુધીની તવારીખ અને પેટ્રોલ પંપ પર લાગતી લાઈનના ઐતિહાસિક ફોટા જોવા મળશે. એ પણ ખાસ શણગારેલી બેટરી ઓપરેટેડ ટેબલ ફેન ફીટ કરેલી ઊંટગાડીમાં. ચઢવા ઊતરવા માટે બીઆરટીએસ જેવું ચાલીસ લાખનું અદ્યતન પ્લેટફોર્મ. પહેલાં દસ પ્રવાસીને પંપ પર પેટ્રોલનાં અવશેષ સૂંઘવા દેવામાં આવશે. 

વિદેશથી પાછાં આવી ગયાં છે
આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં હાજરી આપી ડૉક્ટર વિદેશથી પાછાં આવી ગયાં છે. પેટ્રોલનાં ભાવવધારા, શેરબજારમાં ઘટાડા, વેકેશનમાં પતિ અને છોકરાં ઘેર રહેવાથી કે આવા લેખ વાંચીને જેમની ડાગળી ચસકી ગઈ છે, તેવાં લોકોનો કાયમી ઇલાજ વાજબી ભાવે કરી આપવામાં આવશે. એપોઈન્ટમેન્ટ માટે કૉન્ટેક્ટ કરો, ડૉ. અધીર અમદાવાદી, adhir.amdavadi@gmail.com

ડ-બકા
પેટ્રોલનાં ભાવની જેમ કેરોસીનનાં પણ વધે તો સારું બકા,
કોઈને સળગાવી મારવું કોઈને પોસાય નહિ તો સારું બકા.

No comments:

Post a Comment