Tuesday, June 12, 2012

બંધમાં ચાલુ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૦-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી |  
 

૩૧મીનો ભાજપ પ્રેરિત ભારત બંધ અંશતઃ સફળ રહ્યો હતો. વેકેશનમાં બંધનાં એલાન આપવાં એ સાહસિકતાનું લક્ષણ છે. શાળા, કોલેજો ચાલુ હોય તો વિદ્યાર્થીઓ રજા પાડવા ટાંપીને બેઠા હોય કે કોક આવે અને બંધ કરાવે, પણ વેકેશનમાં શાળા, કોલેજો પહેલેથી જ બંધ હતી. વેપારીવર્ગને તો મોંઘવારી વધે તોપણ શું અને ઘટે તો પણ શું. એમને ધંધો ચાલુ રાખવામાં વધુ રસ હોય. એમની દુકાનોને સીલ વાગે તો એ લોકો રસ્તા પર આવે. બંધના દિવસે સામાન્ય રીત દસ સાડાદસના અરસામાં ચા-પાણી, નાસ્તો કરી તરોતાજા થયેલ કાર્યકરો જે ચાલુ કે ખૂલ્યું હોય એ બંધ કરાવતા હોય છે. બંધની આ મઝા છે. બંધનો અમલ મોટેભાગે ઓફિસ ટાઇમ મુજબ થતો હોય છે. સવારે દસ વાગ્યે ચાલુ થાય અને રાતે છ-સાત વાગ્યે પૂરો થઈ જાય. સાંજે પડે ત્યાં તો અમુક દુકાનદાર અડધું શટર ખોલી ધંધો ચાલુ કરી દેતા હોય છે. આજકાલ ઉપવાસ અને બંધ ચોવીસ કલાકના પણ ક્યાં થાય છે?

પણ હું તો ભારત બંધ છે એ ભૂલી સવારે છ વાગ્યે રાબેતા મુજબ ચાલવા ગયો તો લોકો રોજની જેમ જ ચાલતા જોવા મળ્યા હતા. લાફિંગ ક્લબના સભ્યોનું હસવાનું પણ ચાલુ હતું. કબૂતરો રોજની જેમ જ દાણા ચણી રહ્યાં હતાં. એટલામાં સૂર્ય પણ ઊગ્યો. ચાલવાનું પતાવીને મહાદેવજીના મંદિરે ગયો તો મંદિરમાં ભગવાનનાં દર્શન ચાલુ હતાં. એ પછી ફ્લેટ પર પહોંચ્યો અને લિફ્ટમાં પ્રવેશી પંખો ચાલુ કર્યો. ઘરે પહોંચી છાપું વાંચ્યું અને ચા પીધી, કારણ કે છાપું અને દૂધ તો રાબેતા મુજબ ચાલુ જ હતાં. નળમાં પાણી પણ ચાલુ હતું, એટલે મેં દાઢી કરવાનું અને નહાવાનું પણ રોજની જેમ ચાલુ જ રાખ્યું.

રેડિયો ચાલુ કર્યો તો એમાં રેડિયો જોકીઓની કચકચ પણ રોજની જેમ સવારથી જ ચાલુ હતી. ઓફિસો અને દુકાનો બંધ હોવાથી નવરા પડેલ નેટિઝન્સ ફેસબુક પર જમા થવાનું ચાલુ થયું હતું. અમુકે ચેટિંગ પણ ચાલુ કર્યું હતું. ફેસબુક પર એકબીજાનાં ખોટાં વખાણ કરવાનું અને 'લાઇક' બટન દબાવવાનું પહેલાં કરતાં બમણા જોરથી ચાલુ હતું. અડધિયા અને પોણિયા કવિઓ દ્વારા હંમેશાંની જેમ ત્રાસ ફેલાવવાનું પણ ચાલુ હતું. એસએમએસની સ્કિમોમાં ત્રીસ રૂપિયાનો ખર્ચો પાડનાર ટેક્સ્ટવીરોએ 'ગુડ મોર્નિગ' સાથે સાથે બંધ સંબંધિત જોક્સ એસએમએસ કરવાનું ચાલુ કર્યું હતું, કારણ કે મોબાઇલ સર્વિસ પણ ચાલુ જ હતી. આજના દિવસે કડકાઓએ હંમેશની જેમ મિસકોલ મારવાનું પણ ચાલુ જ રાખ્યું હતું અને બાકી વધેલા અમારા જેવા ઇતર નવરાઓ માટે ટીવી ચેનલો પણ ચાલુ જ હતી. એટલે ટીવી ચાલુ કરી શું શું બંધ છે, તે હું જોવા લાગ્યો.

સમાચારની ચેનલ મૂકી તો જાણવા મળ્યું કે અમુક જગ્યાએ ટોળું જમા થવાનું ચાલુ થયું હતું. બીજા એક ઠેકાણે કેટલાક લોકોએ બસનાં ટાયરોમાંથી હવા કાઢવાનું ચાલુ કરી દીધું હતું. અન્ય એક શહેરમાં બસ અને ટ્રેન પર પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો હતો. આ ઘટનામાં જાણે એના પર પથ્થર પડતા હોય એમ ન્યૂઝ એન્કરનું ઉશ્કેરાટથી બોલવાનું ચાલુ હતું. એક ચેનલ પર રાજકીય પ્રવક્તાઓએ એકબીજા ઉપર દોષારોપણ ચાલુ કરી દીધું હતું. અંતે કંટાળીને મેં મ્યુઝિક ચેનલ મૂકી તો એકના એક ગીત માથામાં વાગવાનાં ચાલુ થયાં, આથી મારું માથું દુખવાનું ચાલુ થયું એટલે મેં રિમોટને બાજુમાં મૂકી ચોપડી વાંચવાનું ચાલુ કર્યું.

બપોરે જમ્યા પછી થોડી ઊંઘ લઈ બાલ્કનીમાં આવ્યો તો ગરમીનો પ્રકોપ ચાલુ હતો, પણ ચાલુ દિવસે ઘરે રહી હું કંટાળી ગયો હતો એટલે બહાર આંટો મારવા નીકળ્યો. નીચે ઊતર્યો તો હંમેશાંની જેમ કૂતરું પૂંછડી હલાવવાનુ ચાલુ કરી મારી તરફ આશાભરી નજરથી તાકી રહ્યું. મેં બાઇક ચાલુ કરી. ચાર રસ્તા પર ટ્રાફિક ખાસ નહોતો, પણ સિગ્નલ ચાલુ હતું, એટલે પેલા પીળા સિગ્નલનું ઝબક ઝબક ચાલુ હતું. થોડે આગળ જતાં ગાયોનું ઝુંડ રસ્તા વચ્ચે બેઠું હતું અને બેઠાં-બેઠાં એમનું વાગોળવાનું ચાલુ હતું, પણ ચાની કીટલી અને પાનની દુકાન એ બંને બંધ હોવાથી બધું જ બંધ છે એવા ભાવ સાથે છેવટે હું ઘરે પાછો આવ્યો. આમ ભારત બંધ એકંદરે સફળ રહ્યો હશે એવું મને લાગે છે. 

1 comment: