Monday, June 25, 2012

જોઈએ છે રાષ્ટ્રપતિ


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૬-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

છેલ્લા કેટલાય દિવસોથી કોણ રાષ્ટ્રપતિ બનશે એ બાબતે ભારે ચર્ચા ચાલી રહી છે. આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં કદાચ ઉમેદવાર નક્કી થઈ ગયાં હશે. મિક્સ વેજીટેબલ સરકારનું આ દુ:ખ છે. પહેલાં તો રાષ્ટ્રપતિ બની જાય પછી ખબર પડતી. હવે તો જુદી જુદી પાર્ટીઓ પોતાના ઉમેદવાર આગળ કરી રહી છે. મમતા દીદીએ મનમોહન સિંઘનું નામ સૂચવી બધાંને ચકિત કરી દીધાં છે. જોકે અણ્ણાએ ડો. સિંઘને ક્લીનચીટ આપી હોવાથી મનમોહન સિંઘ પણ રાષ્ટ્રપતિ બની શકે છે. પણ આ બધી મગજમારી કરવાને બદલે ધારો કે રાષ્ટ્રપતિ પદ માટે જાહેર ખબર આપી યોગ્ય વ્યક્તિ શોધવામાં આવે તો ? તો એ જાહેરાત કેવી હોય તેની અમે કલ્પના કરી છે.

જોઈએ છે
ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ભારતીય નાગરિક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ નોકરીમાં સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન, ભથ્થાં, સગવડો અને રહેવા માટે બધાંને ઈર્ષ્યા આવે એવો બંગલો મળશે. અગાઉના ઉમેદવારોએ કઈ સગવડો ભોગવી કે તેઓએ કેટલી વખત સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લીધી હતી તે જાણવા માટે ૨૦ રૂપિયા ભરીને આર.ટી.આઈ. હેઠળ અલગથી અરજી કરવી. ઉમેદવારની  યોગ્યતા માટે નીચે મુજબના ધારાધોરણ ઠેરવેલા છે, જે સમય અને સંજોગો અનુસાર ફેરફારને પાત્ર રહેશે. તો આ પદ માટે યોગ્યતા ધરાવનાર ઉમેદવારોએ નિયત ફોર્મમાં અરજી પોતાની સહી/અંગૂઠાનું નિશાન કરી, તાજેતરનો ઓરીજીનલ ફોટો (ફોટોશોપ કર્યા વગરનો), બાયૉડેટા, જરૂરી પ્રમાણપત્રો સાથે દિન સાતમાં અરજી કરવી. જાહેરાતનો હેતુ યોગ્ય પસંદગી જ છે.

આ પદ માટે નીચેની વયમર્યાદા ૩૫ વર્ષની છે પણ ઉપરની વયમર્યાદા નથી. જોકે ઉમેદવારની શારીરિક ફિટનેશ સારી હોય તે ઇચ્છવા યોગ્ય છે. કાર્યકાળ દરમિયાન ઉમેદવારે અવારનવાર સ્ટેજ પર ચડવાનું રહેતું હોઈ ચડ-ઉતરમાં સ્ફૂર્તિ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. આ પદવાન્છુક ઉમેદવાર દેશ વિદેશમાં મુસાફરી કરવાનો શોખીન હોવો જોઈશે. જેટ લેગ ઉતરવામાં અઠવાડિયું થતું હોય તેવાં ઉમેદવારે અરજી કરવી નહિ. વિમાનમાં બેસવાથી પગમાં દુખાવો થતો હોય કે વિમાની મુસાફરીમાં ઊલટી ઉબકા થતા હોય એવા ઉમેદવારે અરજી કરવાની તસ્દી લેવી નહિ. ઉમેદવાર કોઈનાં ટેકા વગર  વિમાનમાં જાતે ચઢી ઉતરી શકે તે જરૂરી છે. ઉમેદવાર હારતોરાનો ભાર ઊંચકવા માટે જાતે સક્ષમ હોવો જોઈશે.

આ પદના ઉમેદવારને પ્રેરણાદાયી ભાષણનો અનુભવ જરૂરી છે. અગાઉ કરેલાં ભાષણો પૈકી ત્રણ ભાષણની  સીડી અરજીની સાથે મોકલવાની રહેશે. આ ઉપરાંત અરજદારને ઉદઘાટન કરવાનો અનુભવ જરૂરી છે. આ પોસ્ટની પૂર્વ લાયકાત તરીકે એક વરસમાં ઓછામાં ઓછાં ૧૦૦ ઉદઘાટન કરેલાં હોવા જરૂરી છે. અરજી સાથે અગાઉ કરેલાં ઉદઘાટનનાં ફોટાઓની સીડી ત્રણ નકલમાં સામેલ કરવી. પુરુષ ઉમેદવારોની પત્ની જરૂર પડે ઉદ્ઘાટન કરી શકે તેવી હોય તે આવશ્યક છે. કુંવારા ઉમેદવારોની અરજી પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

આ પદ માટે કપડાં કે હેરસ્ટાઈલ અંગે કોઈ બાધ નથી. પુરુષોમાં ધોતિયું, લુંગી અને લેંઘો પહેરનારની અરજી પણ સ્વીકારવામાં આવશે. જોકે ભૂતકાળમાં જાહેરમાં બર્મુડા પહેરીને ફરેલ લોકોએ અરજી કરવી નહિ. આજ રીતે વાળની લંબાઈ અને રંગ અંગે કોઈ જરૂરિયાત નક્કી નથી થઈ. ખભા સુધી લાંબા કે વાંકડિયા વાળધારી પુરુષો પણ અરજી કરી શકે છે. વાળનો રંગ કુદરતી રીતે સફેદ હોય તેવાને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે. સ્ત્રી ઉમેદવારની વેશભૂષા અંગે કોઈ ધારાધોરણ નક્કી થઈ શક્યા નથી, જે નક્કી થશે તો એ ઉમેદવારને બંધનકર્તા રહેશે.

ઉમેદવારે વડાપ્રધાન અથવા વડાપ્રધાનથી મોટી હસ્તી કહે તો ઝાડુ મારવા તૈયાર છુંએ મુજબનું સોગંદનામું સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરવાનું રહેશે. ઉમેદવારને જ્યાં કહે ત્યાં, અને જ્યારે કહે ત્યારે સહી કરવાની ટેવ હોય તે આવકાર્ય છે. જે ઉમેદવારને હાં જી હાં’  એવું બોલવાની ટેવ હોય તેવાં ઉમેદવારને સિલેક્ટ થયાં બાદ આપવામાં આવતી ફરજિયાત ટ્રેનીંગમાંથી મુક્તિ આપવામાં આવશે. સરકાર તરફથી આવેલા કાગળિયાં સહી વગર પાછાં મોકલવાના સ્વપ્ના જોતાં વ્યક્તિઓની અરજી સ્વીકારવામાં આવશે નહિ. સરકારના રબર સ્ટેમ્પ છેઆવી કૉમેન્ટ સાંભળી જેનું લોહી ઊકળી ઊઠતું હોય તેવાં લોકોએ અરજી કરવાની તસ્દી લેવી નહિ. તો ઉપર મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારે રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી મોકલી આપવાની રહેશે. ઉમેદવારની પસંદગીની જાહેરાત સૌથી તેજ ચેનલ પર કરવામાં આવશે જેથી રૂબરૂ ધક્કો ખાવો નહિ.
ડ-બકા
આકાશમાં જ્યાં દેખાઈ પહેલી વાદળી બકા,
ચસકી ગઈ કેટલાય કવિઓની ડાગળી બકા.

No comments:

Post a Comment