Monday, June 25, 2012

આજે કયું શાક કરું ?


 | મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

ડોલરની સરખામણીમાં ઘસાઈ ગયેલ રૂપિયો, મોંઘવારી, અબજો રૂપિયાનાં ભ્રષ્ટ્રાચાર થયાનાં આરોપો, અને સાથી પક્ષોને કઈ રીતે સાચવવા? કે ભારતના પ્રૅસિડેન્ટ કોને બનાવવા? જેવા અનેક યક્ષ-પ્રશ્નો અને બીજાં અનેક મીની-યક્ષ પ્રશ્નો વચ્ચે પ્રધાનમંત્રીએ દેશ કઈ રીતે ચલાવવો એ નક્કી કરવામાં નહિ પડતી હોય એટલી તકલીફ ગૃહિણીને આજે કયું શાક કરવુંએ નક્કી કરવામાં પડે છે. પાછું દેશની અમુક સમસ્યાઓ અને કોયડાઓને તો નફ્ફટની જેમ અધ્ધર લટકતા છોડી શકાય છે, પણ ગુજરાતી ઘરોમાં શાક તો રોજ બને એટલે શાક બનાવનારને જ્યાં સુધી આ સવાલનો મનગમતો જવાબ ન મળે ત્યાં સુધી આખા ઘરને બાનમાં લઈને ફરે છે.

જો દરેક ઘરને એક દેશ ગણો તો એમાં સત્તાધારી પક્ષ, વિપક્ષ, અપક્ષ અને સમર્થકો મળી આવે છે. સંસદની જેમ આ પક્ષો અંદર અંદર લડ્યા કરે છે. પછી એ ટીવી પર કઈ સિરીયલ જોવી, કોણે ક્યારે છાપું વાંચવું અને કેટલી વાર સુધી વાંચવું, કે પછી કયું શાક બનાવવું એ બાબત હોય. એકંદરે ગુજરાતી પરિવારમાં ભાખરી, શાક અને ખીચડી ખવાતા હોય છે. એમાં ભાખરી અને ખીચડીમાં ઝાઝા પર્યાય મળતાં નથી, એટલે શાક દ્વારા ભોજનમાં વૈવિધ્ય લાવવાની કોશિશ લાગતી વળગતી વ્યક્તિઓ દ્વારા થતી હોય છે. સંસદમાં જેમ અમુક બિલ વિપક્ષને ચર્ચાનો મોકો આપ્યા સિવાય ગુપચુપ પસાર કરી દેવામાં આવે છે એમ જો ગૃહિણી ધારે તો એ પોતાની મરજીનું શાક બનાવી દે છે. પછી જમતી વખતે જે ધાંધલ થાય એનો સામનો સરકાર જેમ પેટ્રોલનાં ભાવવધારાનો બચાવ કરે એમ કરે છે. રોજ નવા શાક ક્યાંથી લાવું?’, ‘રસ્તામાં શાકમાર્કેટ આવે છે તો આપણને એમ થાય છે કે કોઈ દિવસ હું શાક લેતો આવું?’ ‘ઉનાળામાં ત્રણ જ શાક આવે છે, એમાંથી રીંગણ તો તમને ભાવતાં નથી’, ‘ભાવ સાંભળ્યા છે?’, ‘ચાર દિવસથી શાકવાળી નથી આવી’, જેવા જુનાં અને નીવડેલા કારણો આગળ ધરી દેવામાં આવે છે.

આમ શાક ન મળતાં હોવાને લીધે ઘણાં ઘરોમાં બટાકા ડીફોલ્ટ શાક તરીકે બને છે. જોકે આ બટાકામાં ઘણી વરાઇટી આવે છે, જેમ કે બટાકા, બટાટા, બટેકા, બટેટા, આલુ, પોટેટો, વગેરે. બટાકા સહિષ્ણુ એટલે બધા શાક સાથે એ જાય એટલે એ યુનિવર્સલ શાક પણ કહેવાય. પણ બટાકાનું શાક એટલું ઓછી મહેનતે બને છે એ કારણે કાળક્રમે અનુભવોથી શાક સુધરવાને બદલે બગડતું જાય છે. એમાં પાછું આજકાલ આરોગ્ય સંબંધિત જાગૃતિ વધી છે એટલે બટાકાના રસાવાળા શાકમાં તેલ ઓછું અને પાણી વધતું જાય છે. એકંદરે હળદરના સૂપમાં બટાકાના ટુકડા (ક્રમ્સ) નાખ્યાં હોય એવા બટાકાના શાક ખાવા મળે છે. બટાકાની અન્ય વરાઈટી એટલે બટાકાની સૂકી ભાજી. એમાંય હળદર, જીરું અને લાલ-લીલાં મરચાં સિવાય ખાસ કશું પડતું ન હોઈ અમુક સમયે તો બાફેલા બટાકા જ ખાતાં હોઈએ એવું લાગે. એમાં પાછાં બટાકા બાફવાના ધારાધોરણ નિર્ધારિત ન હોઈ ક્યારેક કાચાં તો ક્યારેક વધારે બફાઈને બટાકાનો શીરો પણ પણ બની જાય. પણ હોમમેકર જો માર્કેટિંગ સારું જાણતી હોય તો એ ગમે તેવો માલ પધરાવી શકે છે.

પણ જે લોકશાહીમાં માને છે એ ઘરનાં સૌ સભ્યોને સાથે લઈ ને ચાલે છે. તો કોઈક અનિર્ણીત હોવાને કારણે આ પ્રશ્ન પૂછે છે. આજે કયું શાક બનાવું ?’ એ પ્રશ્નનો એક જવાબ જો મળે તો સવાલ પૂછનારે પૂર્વજન્મમાં ઘણાં પુણ્ય કર્યા હશે અને એનું ફળ આ જન્મે મળે છે એમ માની લેવું. સામાન્ય રીતે ઘરમાં ચાર જણને જો આ સવાલ પૂછવામાં આવે તો ચારેય જુદો જવાબ આપે છે. એમાંથી બે જણના જવાબ પ્રમાણેનું શાક હાજરસ્ટોકમાં ન હોવાથી એમની દરખાસ્તને બરખાસ્ત કરી દેવામાં આવે છે. હવે રહ્યા બે જણા. આમાંથી એક જણ ગૃહિણીની પસંદનો જવાબ આપે છે અને બીજો વિરુદ્ધનો. પણ અંતે ધાર્યું ગૃહિણીનું થાય છે. આમ છતાં જેમ ડિમ્પલ યાદવ બિનહરીફ ચૂંટાઈ આવે તોયે એ લોકશાહી કહેવાય, એમ ગૃહિણીએ સૌને વિશ્વાસમાં લઈ શાક બનાવ્યું એનો યશ તો એ મેળવે જ છે.

જોકે આવા સવાલ પુછાય એટલે અમુક અબુધ જીવો હરખાઈ ઊઠે છે કે જોયું, મારા ઘરમાં મારી મરજી વિરુદ્ધ પાંદડું (શાક) પણ બનતું નથી’. રોજ રીંગણ કે રોજ બટાકા ખાઈ કંટાળેલ આવો અબુધ જીવ બે ઘડી તો હવે પોતાની પસંદગીનું શાક બનશે એવા દિવાસ્વપ્નમાં રાચતો થઈ જાય છે. પણ દૂધી, ચોળી, સૂરણ, કંકોડા, પરવળ જેવા ચિત્ર વિચિત્ર સ્વાદ ધરાવતાં શાક બે વાર ઘરમાં બને એટલે માઈનો લાલ ફરમાઇશ કરતો બંધ થઈ જાય છે. અને ફરી વાર અલી પૂછવા આવે કે આજે કયું શાક કરુંતો એક પણ સેકન્ડના વિલંબ વગર કહે છે કે તું તારે કરને જે કરવું હોય તે, મહેરબાની કરીને મને પૂછીશ નહિ’.  

પણ આ શાકની કર્તા ભારે ચતુર હોય છે. ઘણીવાર તો ઘરમાં એક જ શાક પડ્યું હોય તેમ છતાં આજે કયું શાક કરું?’ એવું પૂછે. આવા પ્રશ્ન પૂછનારની હિંમતને પણ આ લખનાર સલામ કરે છે. લિંકને કહ્યું છે કે તમે બધાં લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો, તમે થોડા લોકોને બધો સમય મૂર્ખ બનાવી શકો, પણ તમે બધાં લોકોને બધો સમય મૂર્ખ ન બનાવી શકો. અમને લાગે છે અબ્રાહમ લિંકનના ઘરમાં શાક બનતું જ નહીં હોય.

2 comments:

 1. Welcome to Hasyadarbar....

  Rajendra Trivedi, M.D.
  www.bpaindia.org

  ReplyDelete
 2. અધીરાજી,
  'આજે કયું શાક કરું ?'
  ટેસ્ટી શાક જેવો લેખ!
  આમ છતાં જેમ ડિમ્પલ યાદવ બિનહરીફ ચૂંટાઈ આવે તોયે એ લોકશાહી કહેવાય, એમ ગૃહિણીએ સૌને વિશ્વાસમાં લઈ શાક બનાવ્યું એનો યશ તો એ મેળવે જ છે.... અસરકારક.
  મજા આવી.

  ReplyDelete