Tuesday, November 06, 2012

સંઘરેલા સાપ



| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી |


નવરાત્રિ જાય અને દિવાળી આવે એ વચ્ચે વિદ્યાર્થીઓ વેકેશનની રાહ જુએ છે. વેપારીઓ દિવાળીનાં નામે બાકી ઉઘરાણી વસુલવા લાગી જાય છે. નોકરિયાત વર્ગ વેકેશનમાં બહારગામ જવાના પ્લાનિંગને આખરી ઓપ આપે છે. ગૃહિણીઓ ક્યાંથી તૈયાર નાસ્તા ખરીદવા એ અંગેની ચર્ચા-વિચારણાઓમાં વ્યસ્ત થઈ જાય છે. લેખકો દિવાળી અંક માટે લેખ ઘસડવા માંડે છે. આ બધાં વચ્ચે હાસ્યલેખક માટે દિવાળીની સાફસફાઈ વિષે આર્ટીકલ લખી પત્નીઓ દ્વારા થતા દમન વિશે વાંચકોને હસાવવા યથાયોગ્ય પ્રયત્ન કરવો એવો પણ એક શિરસ્તો છે. તો પછી અમે કેમ બાકી રહી જઈએ ?

દિવાળીમાં માળિયા સાફ કરવા પડે છે. આમ કરવાથી ધૂળ ઉડે છે. એનાથી છીંકાછીંક થાય છે, શરદી થાય છે. આમ શરદીનું મૂળ કારણ ધૂળ નહિ માળિયાનું હોવું છે તેવું અમને કાર્યકારણ સંબંધ ચકાસતા માલુમ પડ્યું છે. દિવાળીની સાફસૂફીમાં ખાસ રસ ન હોવા છતાં જેમને પરાણે સાફસૂફીમાં જોતરવામાં આવતાં હોય તેવા લોકોએ અગમચેતી વાપરી નાનાં, માળિયા વગરના ઘર ખરીદવા જોઈએ તેવી અમારી મફત સલાહ છે. ન રહેગા માળિયા, ન બચેગા સામાન, ન હોગી સાફસૂફી જેવું ચીલાચાલુ સૂત્ર આપવું હોય તો પણ પછી આપી શકાય. જેમ નાસ્તા, દીવા, ફટાકડા વગરની દિવાળી ન હોઈ શકે એવી જ રીતે સાફસફાઈ વગરની દિવાળીની કલ્પના કરવી મુશ્કેલ છે. દિવાળીની આ સાફસફાઈ લોકોની સંઘરવાની વૃત્તિને કારણે અઘરી બને છે.  

ભારતીય લોકો બચતમાં માને છે. અમેરિકન્સ ભોગવવામાં માને છે. અમેરિકન પ્રજા ખાસ બચત કરતી નથી. એ લોકો પાંચ દિવસમાં કમાય એથી વધારે વિકેન્ડમાં ઉડાવી મારે છે. કેટલાય તો ક્રેડીટકાર્ડ પર વગર કમાયેલું પણ એડવાન્સમાં ખર્ચી નાખે છે. ભારતીય લોકો પોતે મોજશોખ ત્યજી આવનાર પેઢી માટે બચત કર્યાં કરે છે. અમેરિકન્સ ઘર ખાલી કરે એટલે સોફા, ફર્નીચર, ટીવી જેવી વસ્તુઓ કચરાપેટી પાસે છોડીને જતાં રહે છે, જ્યારે આપણે મેડ ઇન ચાઈના આઇટમને પણ વર્ષો સુધી સાચવી રાખી એન્ટીકમાં ફેરવવા કોશિશ કરીએ છીએ. આ બચતના સંસ્કાર જે ભારતીયોના રંગસુત્રોમાં ઘૂસી ગયા છે એનાં કારણે સંઘરાખોરી વ્યાપી ગઈ છે. પાંચ રૂપિયાની પેનનું ઢાંકણું, કી-ચેઇનની ગોળ કડી, દવા પીવાની પ્લાસ્ટિકની ઢાંકણી, ઘરમાં ફર્નીચર કરાવતા વધેલા પ્લાયવુડનાં ટૂકડા, ચા પીવાના હેન્ડલ તૂટેલા કપ, જુનાં ટુથબ્રશ, મીનરલ વોટર અને કોલ્ડ્રીંકની પેટ બોટલ્સ જેવી અગણિત વસ્તુઓ ક્યારેક કામ આવશેએ શુદ્ધ આશયથી જે તે સમયે નિકાલ પામતી નથી. બાલમુકુન્દ દવેએ લખેલી ‘જુનું ઘર ખાલી કરતાં’ કવિતામાં કવિને જે વસ્તુઓ હાથમાં આવે છે તે આ સંઘરાખોરીનો ઇતિહાસ દર્શાવે છે.

નિકાલ માંગતી આ વસ્તુઓ પછી છ છ મહિને સોર્ટિંગ થઈને અમુક ખાનાઓ, ડબ્બાઓ, કબાટ કે માળિયામાં સ્થાન પામી બેન્કની નોન-પરફ્રોમીંગ એસેટ્સની જેમ ઘરની નકામી પણ ક્યારેક કામ લાગે તેવી વસ્તુઓની બેલેન્સ શીટમાં સ્થાન પામે છે. આ કારણે જ ઇલેક્ટ્રિકનો સામાન, પ્લમ્બિંગ સમાન, પરચુરણ વસ્તુઓ નામનાં લેબલ ધરાવતા ડબ્બા ઘણાં ઘરોમાં જોવાં મળે છે. આ નકામી વસ્તુઓને વર્ગીકરણ કરવાની, એનાં ડબ્બા બનાવવાની મહેનત પાછળ સંઘર્યા સાપ પણ કામ આવે તેવી ઉચ્ચ ભાવના કામ કરે છે. પણ સંઘર્યા સાપ જરૂર પડે ત્યારે ખોવાઈ ગયેલા હોય છે એવો અમને જાત અનુભવ છે. જનરલી એવું બને કે ઘેર પ્લંબર આવે અને બેન વાઈસર છે?’ એવું પૂછે એટલે તમે હોંશે હોંશે પ્લમ્બિંગનો ડબ્બો એને હવાલે કરો અને વાઈસર સિવાય એ બધું જડે જે કામનું ન હોય. પછી ત્રણ મહિના પછી ઈલેક્ટ્રીશિયન માટે ખાંખાખોળા કરતાં હોવ ત્યારે પેલું વાઈસર ન માંગ્યું દોડતું આવેછે.

સંઘરાખોરી એ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે. વેપારીઓ વધારે પ્રોફિટ માટે સંઘરાખોરી કરે એ સમજી શકાય એવી વાત છે, પણ સામાન્ય માણસ ઘરમાં રહેવા માટે જગ્યા ન હોવા છતાં બાલ્કની, છજ્જા, માળિયા, કબાટ, પટારા, બગડેલા વોશિંગ મશીનમાં વસ્તુઓ સંગ્રહ કરે છે. પછી દર વર્ષે એ સાફ કરવા બહાર કાઢે છે. પાંચ સાત વર્ષે બ્રહ્મજ્ઞાન લાધે છે કે આ તો કોઈ કામમાં આવે એમ નથીઅથવા તો ભેજ, ઉધઈ, ઉંદર વગેરેના પ્રતાપે આ હવે કોઈ કામમાં આવે એમ નથી’. પછી એ ચીજ નિકાલ પામે છે. જોકે ત્યારે એ વસ્તુ ભંગારવાળો પણ એમ કહી બાજુમાં મૂકી દે છે કે આનું કંઈ ન આવે’.

દિવાળીની સાફસફાઈમાં ઘરઘાટી અને ઘરધણીનો ઉપયોગ સર્વસામાન્ય છે. આ કારણે જ દિવાળી પહેલાનાં દિવસોમાં પતિ લોકો ઓવરટાઈમ કરતાં થઈ જાય છે. આમ છતાં રીટાયર્ડ, વેકેશન ધરાવતા શિક્ષક પ્રકારના પતિદેવો, અને અન્ય ભોળા જીવો કે જેમને ઓવરટાઈમ કરવાની સુઝ પડતી નથી તેઓ સફાઈના ચક્કરમાં પડી જાય છે. આ સાફસફાઈનાં લીધે વર્ષોથી સાચવીને રાખેલી બ્રેકેબલ વસ્તુઓ તૂટી જાય છે. અનબ્રેકેબલ વસ્તુઓ સડી જાય છે, ખોવાયેલી અને જે તે સમયે ઉપયોગી પરંતુ હવે નકામી વસ્તુઓ જડી આવે છે, અને નવી ઉપયોગી વસ્તુઓ આ ડબચરમાં ખોવાઈ જાય છે, જે ચાર પાંચ દિવાળી પછી મળે છે.  

જોકે આ સાફસફાઈનાં કાર્યક્રમ દ્વારા ઉત્પન્ન કચરામાંથી ભંગારવાળાને શું આપવું અને શું નહિ, એ બાબતે ગૃહિણીને કોઈ પણ સલાહ-સૂચન આપવાથી દૂર રહેવું. એણે પસ્તી કે ભંગારમાં આપવા માટે કાઢેલા સામાનમાં તમને પ્રિય હોય એવી ચીજવસ્તુઓ (સંઘરેલા સાપ?) હોઈ શકે છે. પણ એવા સંજોગોમાં તમારે ગુરુ ઉદય શેટ્ટીનું સ્મરણ કરી (કંટ્રોલ ઉદય!) કાળજું કઠણ રાખવું. પસ્તીમાં કે ભંગારમાં ગયેલી તમારી પ્રિય વસ્તુઓ પત્નીની નજર ચૂકવીને થોડીવાર રહીને બાજુની સોસાયટીમાં પહોચેલા ભંગારવાળા પાસેથી પાછી મેળવી લેવી. અલબત્ત વજન પર વેચાયેલી વસ્તુઓ એ તમને નંગ પર વેચશે, લેકિન કિન્તુ પરંતુ પ્યારમે યે સબ જાયઝ હૈ !!! <

4 comments:

  1. પ્રભુ, અમેરિકાનો પણ હવે બધી વસ્તુઓ કચરાપેટી પાસે છોડી શકતા નથી, એમાએ આ પ્રયાવારણનું તુત ચાલ્યું છે પછી તો જરાએ નહિ, મારી એક વાત કહું, મારી પાસે બે એસી હતા જુના, કઈ ચાલીસ કે પચાસ દોલ્લારમાં લીધેલા, અંદર ફ્રીઝોન ગેસ ખલાસ થઇ ગયો, બધું ઉચકીને એસો વાળા ની દુકાને ગયો, ગેસ ભરવાના ર્ક એસીના 80 ડોલર કહ્યા, મેં કહ્યું કે ભાઈ સો ડોલરમાં નવું એસી આવે, તો કહે હું તમને 86 માં આપીશ, પાછો આવ્યો, ગાર્બેજ એજન્સીને પૂછ્યું, તેને લઇ જવાના પણ 80 ડોલર માંગ્યા, કહ્યું કે આ તો મોંઘુ પડે તો શું કરવું, સલાહ મળી " ખાડો ખોદીને અંદર નાંખી દે,અને ફ્લાવર બેડ બનાવ, મેં પણ એવું જ કર્યું છે," એક આડ વાત,
    સુંદર લેખ અને સરસ અવલોકન,

    ReplyDelete
  2. આપણે મેડ ઇન ચાઈના આઇટમને પણ વર્ષો સુધી સાચવી રાખી એન્ટીકમાં ફેરવવા કોશિશ કરીએ છીએ.:)

    ReplyDelete
  3. good chhe.....sangrahyeli yado ane vastu.........banne kaam nu.
    depend on paristhiti o....baki vaaysar k khila jevi vastu o no sangrah ,,a chikna loko nu kaam,,ane ej karane nakaami vastu o no updrav vadhto hoy. aa mari manyta chhe.

    ReplyDelete
  4. Good chhe article..sangrahayeli yado ane saaman banne kaamnu.ane amuk vastu to tamare sangrah karvo j pade na chahta pan. gani evi vastu o chhe....ha vaysar k khila jevi vastu sangrahi rakhe a chikna loko nu kaam.baki j jaruri chhe jivan ma a chhej. darek vastu o no vaprash samayantare thato rehvo joiye.....

    ReplyDelete