Thursday, September 25, 2014

મહમંદ અલી ઝીણા અને ઘોડાગાડીવાળો



મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૧-૦૯-૨૦૧૪ | અધીર અમદાવાદી |
---
પૂર ઓસરે પછી
ગંદકી દેખાય છે,
પછી લાગણીનું
હોય કે હોય નદીનું.
--
કોઈ કવિ નહીં, અમે પોતે આવું કહ્યું છે. પૂર વખતે જાનમાલની બાજી લાગે છે. પણ ખરી વિટંબણાઓ પૂર ઓસરે પછી શરુ થાય છે. ઉત્સાહના ઘોડાપૂરને પણ લાગુ પડે છે. પપ્પા પાસેથી સાંભળેલી વાત છે. આઝાદી સમયે અમદાવાદમાં મહમંદ અલી ઝીણાનું પ્રેરક પ્રવચન સાંભળીને એક ઘોડાગાડીવાળાએ પોતાની પાસે હતાં બે રૂપિયા પણ ડોનેશનમાં આપી દીધાં. ઝીણા ગયા પછી એને ભાન થયું કેઅબ સાલા ખાયેગા ક્યા?’ અહીં તો સ્વતંત્રતા માટે રૂપિયા ગયા હતાં એટલે લેખે લાગ્યા હશે. બાકી ઉત્સાહમાં આવી જઈ કરેલા કામ ઉત્સાહ ઓસરે પછી આપણે કેમ કર્યા હશે તેવા પ્રશ્નો સર્જે છે. સંસ્કૃતમાં ભલે એમ કહ્યું હોય કે निरुत्साहद् दैवं पतति અર્થાત ઉત્સાહ ન હોય તો ભાગ્ય (પણ) રસ્તો પકડે છે, છતાં હકીકત એ છે કે આરંભમાં જેટલો હોય છે એટલો ઉત્સાહ કાયમ જાળવી શકાતો નથી.  
આ ઘોડાગાડીવાળા જેવી જ પરિસ્થિતિ વોટરની થાય છે. અનેક માધ્યમોનાં પ્રચારથી પ્રભાવિત થઈ એ મેં તો દબાવ્યું બટન તારા નામનુંકરી નાખે છે. પણ સામાન્ય રીતે બટન દબાવાથી વસ્તુ ચાલુ થતી હોય છે, ખુલે છે, પણ અહીં આ બટન દબાવવાથી જે ચૂંટાયો છે તે આગળ જતાં દેખાતો બંધ થઈ જાય છે. એમઓયુ અને એન્ગેજમેન્ટ પણ કરતી વખતે જે ઉત્સાહ હોય છે તે સમય જતાં ધોવાઈ જાય છે. બંનેમાં ફોટા પડે છે, હાથ મિલવાય છે. સરકાર હોય કે સપ્તપદી, નવુંસવું હોય અને જે મઝા આવે એ પછી નથી આવતી. નવા પ્રોજેક્ટના ભૂમિપૂજન વખતે જેટલી પવિત્રતા વાતાવરણમાં હોય છે એટલી મજૂરકૃપાથી બાંધકામ દરમિયાન જોવા કે સુંઘવા નથી મળતી.
સંતો અને યોગગુરુઓનાં પ્રવચનની પણ કેફી અસર હોય છે. તમે અઠવાડિયાની શિબીર ભરી હોય, જમીન પર સુઈ અને સાદું ખાઈને તમે ‘લો લીવીંગ એન્ડ હાઈ થીન્કીંગ’ નિભાવ્યું હોય, ને છેલ્લા દહાડે ગુરુ તમને કહે તે તમે મૂકી દો છો. એ કહે દારૂ, તો કહે લો દારૂ મૂકી દીધો આજથી. એ કહે સિગરેટ, તો કહે લો સિગરેટ મૂકી દીધી આજથી. એ કહે બ્રહ્મચર્ય, તો કહે લો આજથી પત્નીને બા કહેવાનું ચાલુ કરી દીધું! પણ રાજીનામું આપ્યા પછી બંગલો ખાલી કરવો પડે ત્યારે ખબર પડે છે કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં બાફી માર્યું!
પહેલવહેલી વખત પ્રેમમાં પડનારની પરિસ્થિતિ આવી જ હોય છે. પ્રેમમાં પડેલા એક ફ્રેન્ડને  અમે પૂછ્યું કે અમને કેમ કોઈ દિવસ પ્રેમ થતો નથી?’ તો એણે જવાબ આપ્યો હતો કે પ્રેમ કરવાનો ન હોય, થઈ જતો હોય છે’. યાર, આ પ્રેમ છે કે સુસુ? આ પ્રેમની ઉચ્ચ ફિલોસોફી અમે હજી પણ સમજી શક્યા નથી. પણ અમે એટલું જોયું કે, એ પ્રેમમાં પડ્યો, ને પછી એનાં હૈયામાં પ્રેમની ભરતી આવી. વડોદરામાં વરસાદ પડે ને પાર્ટી અમદાવાદમાં ભીની થાય એવાં અવૈજ્ઞાનિક બનાવો બનવા લાગ્યા. આવક કરતાં જાવક વધારે થવા લાગી અને અંતે કંપની ફડચા તરફ ધસવા લાગી. એકબીજા સિવાય કોઈ દેખાય નહી એવો ઓપ્થેલ્મોલોજીસ્ટ પણ ન સમજી શકે એવો રોગ થયો. દરિયાની ભરતી તો નિયમિત સમયે આવે અને પછી ઓટ આવે અને એમ ચાલ્યા કરે. પણ આ ભરતી નહી, સુનામિ હતી જે કોકવાર આવે અને એવી આવે કે વહાણ બિલ્ડીંગ ઉપર ચઢી જાય! થોડા સમયમાં જ ભાઈને, અને સામે પક્ષે બેનને પણ સમજાયું કે એ બે જણા એક દુજે એ લીયે નથી સર્જાયા. પછી ઓટ જ ઓટ. છેલ્લે તો એને એની ગર્લફ્રેન્ડમાં એટલાં બધાં ખાંચા દેખાયા જેટલા અમદાવાદની પોળોમાં ન હોય. સામે પેલીએ પણ એક જ વરસમાં અમારા મિત્રમાં એટલી ત્રુટિઓ શોધી બતાવી જેટલી અમને પંદર વરસની દોસ્તીમાં નહોતી દેખાઈ! જોકે અત્યારની પેઢીની એક ખૂબી સારી છે, કે નવી ગીલ્લી નવો દાવ તરત અમલમાં મૂકી દે છે.
પ્રસિદ્ધ હિન્દી ક્રિકેટ કોમેન્ટેટર સુશીલ દોશી કોમેન્ટ્રી કરતાં ત્યારે એવું બોલતાં કે ‘અપીલમેં ઉત્સાહ જ્યાદા ઓર વિશ્વાસ કમ હૈ’. કામની શરૂઆતમાં આવું જ હોય છે. પણ પછી મરીઝવાળી ‘બધીએ મઝાઓ હતી રાતે રાતેને સંતાપ એનો સવારે સવારે’ થાય છે. ગુજરાતીમાં આવા લોકો માટે આરંભે શુરા એવી કહેવત જાણીતી છે. જીમ અને ફિટનેસ સેન્ટરવાળા આરંભે શૂરી પ્રજાનો લાભ લઈ અવનવી સ્કીમો કાઢે છે. ખાસ કરીને નવું વરસ શરુ થાય ત્યારે. અથવા તો કોઈ સ્ટારના સિક્સ-એઈટ પેકવાળા ફોટોશોપ કરેલા ફોટાં ઈન્ટરનેટ પર આવે ત્યારે. આવી સ્કીમમાં જોડાવા લોકો ધસારો કરે છે. પણ નવી સ્કીમ અમલમાં મુકાય તુર્ત જ નવું નવ દહાડા કહેવતને સાચી પાડવા જીમમાં આવનારની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે. કારણ કે ગુજ્જેશોમાં સિક્સ પેક અને એઈટ પેક કરતાં ફેમીલી પેક અને પાર્ટી પેકનું માહત્મ્ય વધારે છે. ગુજ્જેશ પરસેવો પાડીને નહી પરંતુ અક્કલ વાપરી, જીમ ખોલી, બીજાં પાસે પરસેવો પડાવી રૂપિયા કમાવામાં માને છે.
કાલિદાસે आषाढस्य प्रथम दिवसे..’ કહ્યું છે. મેઘદૂતમાં અષાઢનાં પ્રથમ દિવસે કવિએ બધું રમ્ય દેખાડ્યું છે. આ કવિઓ સુંદરતા ઉપર અને આર્ટ ફિલ્મ-મેકર્સ દરિદ્રતા ઉપર જીવે છે. પણ જરૂર છે કોઈએ श्रावणस्य अंतिम दिवसे.. લખવાની. બે મહિના પછી શ્રાવણનાં છેલ્લા દહાડે કોઈ શહેરમાં આવે તો એને ખબર પડે કે કેટલો કીચડ, કેટલી ધૂળ અને કેટલાં ખાડા છે. અમદાવાદના રસ્તા ઉપર ચોમાસામાં પડેલા ભુવા (એક અંદાજ મુજબ સો ખાડા ભાંગો ત્યારે એક ભૂવો બને છે!) છેક ચંદ્ર ઉપરથી દેખાય છે. ચીનની દીવાલ પછી આ બીજી માનવસર્જિત વસ્તુ છે જે ચન્દ્ર ઉપરથી દેખાય છે. કાલિદાસનો મેઘ જો પૂર્વ અમદાવાદ ઉપરથી પસાર થાય તો એને દેખાતાં દ્રશ્ય ‘તંત્રની ખુલી પોલ’ વિષય ઉપર ઘણો મસાલો પુરો પાડે!    

3 comments:

  1. પણ પછી મરીઝવાળી ‘બધીએ મઝાઓ હતી રાતે રાતેને સંતાપ એનો સવારે સવારે’ થાય છે.-This is creation of "Venibhai Purohit, not by Mariz Saheb. I respect Mariz very much.

    ReplyDelete
    Replies
    1. Respectfully disagree ...
      http://tahuko.com/?p=603

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete