Wednesday, March 01, 2017

વોશરમેનના ડોબરમેન જેવી પરિસ્થિતિ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૧-૦૩-૨૦૧૭

બીલ ગેટ્સ વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમની ભેટ આપીને પોતે દુનિયાનો સૌથી પ્રખ્યાત માણસ બની ગયો, પણ આ વિન્ડોઝ માર્કેટમાં આવી ત્યારથી હેંગ થઈ જવા માટે કુખ્યાત છે. કન્ડકટરની સ્મશાનયાત્રા જેમ દરેક બસ-સ્ટેન્ડે અટકતી અટકતી ચાલે એમ એના શરૂઆતના વર્ઝન ચાલતા. જુના જમાનામાં જેમ રેડીઓને ટપલા મારી મારીને ચલાવતા અમુક જુગાડુઓ તો કોમ્પ્યુટરને પણ ટપલા મારીને ચાલતું કરવાની કોશિશ કરતા. હવે જોકે સુધર્યું છે. ન સુધર્યું હોત તો પણ વાંધો ન આવત કારણ કે ભારતમાં ધરમની ગાયના દાંત ગણવામાં આવતા નથી. અર્થાત આપણે ત્યાં મોટેભાગે પાઈરેટેડ વર્ઝન વપરાતા હોવાથી મોટાંભાગના લોકો મોટું મન કરી આવી ક્ષતિ ચલાવી લે છે. બાકી એ જમાનામાં કહેવાતું કે જયારે જયારે વિન્ડોઝ હેંગ થાય ત્યારે બીલ ગેટ્સના માથાનો એક વાળ ખરતો હોત તો એ સાડા ત્રણ મિનીટમાં અનુપમ ખેર બની જાત! 
 
હેંગ થવું એટલે કે લટકવું એટલે ન ચાલુ કે ન બંધ હોય એવી લપટી સ્વીચ જેવી અવસ્થા. એક બસમાં બેઠા હોવ અને પાછળ સીધી આપણા ઘર સુધી જતી બસ દેખાય એટલે ઉતાવળે આ બસમાંથી ઉતરી જઈએ અને જેમાં ચઢવાનું હતું એ બસ ઉભી ન રહે એ સ્થિતિ. માથામાં વાળ અમુક હદ સુધી ઓછા થાય કે ટાલીયા કહેવાઈએ પણ નહિ પરંતુ ટાલ પડશે એવી ગભરામણ છાતીમાં માળો કરી જાય એ વચ્ચેની અવસ્થા. બિલ્ડરને રૂપિયા આપો અને તમને એ ફ્લેટનું પઝેશન આપે એ વચ્ચેનો ગાળો. હેંગ થઇ જવું એટલે છોકરી “ના” પણ ના પાડે અને “હા” પણ ના પાડે એ વચ્ચેની ભયંકર પરિસ્થિતિ. એન્ગેજમેન્ટ અને મેરેજ વચ્ચેની અવસ્થા પણ આવી જ છે. જેમાં નવા ઇન્વેસ્ટમેન્ટ કરાતા નથી અને જે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે એના રીટર્ન બહુ મળતા નથી. ટૂંકમાં વોશરમેનના ડોબરમેન જેવી પરિસ્થિતિ; ન સોસાયટીના કે ન રીવરફ્રન્ટના !

અર્થની રીતે હેંગ થવું એટલે કે લટકવાની ક્રિયા ઘણી જ ક્લિષ્ટ છે. જેમ કે ગંભીર ગુનો સાબિત થાય તો ગુનેગારને ફાંસી પર લટકાવી દેવામાં આવે છે. આ પ્રકારના લટકવામાં એક છેડો ફિક્સ હોય અને બીજા છેડા ઉપર - આ કિસ્સામાં - માણસ લટકી જતો હોય છે. ખીંટી ઉપર શર્ટ લટકાવવામાં આવે છે. છતમાંથી ઝૂમ્મર અને પંખા લટકતા હોય છે. કાનમાં ઈયરીંગ્ઝ અને ગળામાંથી ટાઈ લટકતી હોય છે. ફ્લેટમાં ઉપરના માળે રહેનારા લોકો દૂધ-શાક લેવા માટે દોરીના છેડે બાસ્કેટ કે થેલી બાંધીને બાલ્કનીમાંથી લટકાવતા હોય છે. આ કિસ્સામાં ઉપરની બાજુનો છેડો કસીને બાંધેલો ન હોય તો નીચે ઉતરવું પડતું હોય છે. આપણે ત્યાં પરંપરા મુજબ આ કામ માટે બિનવપરાશી લેંઘા અને ચણીયાના નાડા જોડીને ચલાવવામાં આવતા હોય છે જે ભાર ખમી શકતા ન હોઈ ભોંયતળિયાના ધક્કા ખાવાનું પ્રમાણ ઊંચું હોય છે.

એકવાર ગુજલીશમાં ‘હેંગ થવું’ એટલે ‘લટકવું’ એવો અર્થ પકડો પછી તો એના ઘણા અર્થ નીકળે એમ છે. ઘણીવાર લબડી પડવા કે રખડી પડવાના અર્થમાં પણ એનો પ્રયોગ થતો હોય છે. પક્ષપલટો કરીને હરીફ પક્ષમાં જનાર જો ચૂંટણીમાં હારી જાય ત્યારે એ ‘લટકી પડ્યો’ ગણાય છે. આ અવસ્થા પણ વોશરમેનના ડોબરમેન જેવી છે. પોતાના મૂળ પક્ષમાં તો એ તિરસ્કૃત હોય જ છે પરંતુ નવા પક્ષમાં જેની ટીકીટ કાપીને ઘુસ્યા હોય એ પણ એના દુશ્મન બની જાય છે. પ્રમોશન માટે પોતાના જ સાથીઓ સાથે દગો કરીને કાવાદાવાથી પ્રમોશન મેળવવા જતા લટકી પડનારની પણ આ જ હાલત હોય છે. આવી રીતે લટકી પડવામાં બોસના હાથમાં રહેલો બીજો છેડો જવાબદાર હોય છે. બોસના હાથમાં ઘણા છેડાં હોય છે. એ ધારે એને લટકાવી શકે અને ધારે એને છુટ્ટો દોર આપી શકે છે.

ઇંગ્લીશમાં કહેવત છે – A bird in hand worths two in the bush. અર્થ સ્વયં સ્પષ્ટ છે. ગુજરાતીમાં ‘હાથમાં તે બાથમાં’ એવું કહેવાય છે. સંસ્કૃતમાં સ્થિર કે પ્રાપ્ત કરી શકાય એવા લક્ષ્યને પડતું મુકીને હેતુહીન-અસ્પષ્ટ-અનિશ્ચિત ધ્યેય પાછળ ભાગનાર માટે આવું જ કૈંક કહ્યું છે,

यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते|
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव हि||
 
આ રીતે રખડી પડનારની હાલત મૃગજળ પાછળ દોડનાર હરણ જેવી હોય છે.

ઘણીવાર આવી રીતે આંધળું સાહસ કરતા લટકી જનાર લોકો ભોંઠા પડવાને બદલે એ પરિસ્થિતિ સ્વેચ્છાએ જ સ્વીકારી હોવાનો દાવો કરતા હોય છે જેને બાકીના લોકો ‘ટંગડી ઉંચી’ ગણાવતા હોય છે. અલબત્ત, આથી વિરુદ્ધ આનંદી કાગડાઓ પણ હોય છે જે ગમે તે પરિસ્થિતિમાં સ્વસ્થ રહેતા હોય છે. આવા લોકો પૂરી તૈયારી સાથે સાહસ કરતા હોય છે. ઘણીવાર વ્યક્તિનો પ્રયત્ન સાચી દિશામાં હોય છે પણ પરિસ્થિતિ વિપરીત હોય છે. આ સંજોગોમાં સાચા કર્મયોગીઓ ત્રિશંકુની જેમ પોતાનું અલગ સ્વર્ગ રચતા હોય છે.

બાળપણથી લઈને બુઢાપા સુધી જીંદગીમાં તો લટકવાનો અનુભવ દરેકે કર્યો જ હોય છે, ફરક એટલો જ કે યુવાનીમાં લટકવાની, એ પણ જાતે, મઝા આવે છે જયારે અમુક ઉંમરમાં લટકી પડો તો બ્લડપ્રેશર વધી જાય છે. ટૂંકમાં બધો આધાર લટકવાની રીત પર છે. આમ છતાં અમે માનીએ છીએ કે લટકીને લાંબા થવા કરતાં કર્મથી ઊંચા બનવું જોઈએ.

મસ્કા ફન


પકો: બકા આ અર્બન ગુજરાતી મુવી એટલે ?

બકો: અર્બન ગુજરાતી મુવી એટલે મુન્સીટાપલીનું ખોદકામ, બધા ક્યારે પૂરું થશે એની રાહ જોતા હોય છે
!

No comments:

Post a Comment