Wednesday, March 22, 2017

પત્નીને પૂછીને

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૨-૦૩-૨૦૧૭

અમેરિકાના કેન્ટકીમાં એવો કાયદો આવી રહ્યો છે જેમાં પતિએ જો વાયગ્રા ખરીદવી હોય તો પત્નીની પરમીશન લેવી પડે. સુજ્ઞ અને અન્ય વાંચકોને વાયગ્રા નામની દવા શેના માટે વપરાય છે એ જાણકારી હશે જ. જોકે આ સમાચાર ટ્વીટર પર પ્રસારિત થયા એ પછી અનેક સ્ત્રીઓ ખુશીથી ઉછળી પડી હતી. કેટલીકે તો બીજી કઈ કઈ બાબતોમાં પત્નીની પરમીશન ફરજીયાત હોવી જોઈએ એ અંગે બ્રેઈનસ્ટોર્મીંગ પણ કરવાનું શરુ કરી દીધું છે.

હે ભક્તજનો, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમ ગોવા, મણિપુર અને પંજાબમાં સરકાર બદલાઈ હશે, પરંતુ તમારા ઘરમાં હજુ એજ પાર્ટી સત્તામાં છે જે તમે લગ્ન કર્યું એ પછી સત્તામાં આવી હતી. જેમ બેંકમાંથી કેટલા રૂપિયા ઉપાડવા અને એના માટે કેટલો ચાર્જ લાગશે એ રીઝર્વ બેંક નક્કી કરે છે, તેમ આપણી આસપાસ હજારો પતિઓ રહે છે જેમણે પાણી પીવું હોય તો પત્નીની પરમીશન લેવી પડે છે. પોતાની પત્નીની. બીજાની પત્નીને પૂછવાનો મોકો મળતો હોય તો ગુજ્જેશ છોડે નહિ. એટલે જ આવી ચોખવટ કરવી પડે. પત્નીને પૂછીને પાણી પીવામાં વિલંબ થાય, પરંતુ જબરજસ્ત સંતોષ થાય. પત્નીનેસ્તો.

‘હું વિચારતો હતો કે પાણી પીવું’

‘તો એમાં શું વિચારવાનું, પીવાની ઈચ્છા થાય તો પી લેવાનું, એમાં ગામને કહેતા ફરો તો સવાર પડી જશે’

‘તો પીવું?’

‘લો, જાણે મારા ના કહેવાથી તમે ન પીવાના હોવ એવી વાત કરો છો’

‘ખરેખર, તું ના પાડે તો ન પણ પીવું’

‘તો હું ના કહું છું’

‘મને ખબર હતી’

‘હવે શું કરીશ?’

‘ફરી ટ્રાય કરીશ’

‘કેવી રીતે?’

‘આજે ઝવેરીના શોરૂમ પાસેથી પસાર થતો હતો ત્યાં શોકેસમાં એક નેકલેસ જોયો, અને યાદ આવ્યું કે આપણી એનીવર્સરી આવે છે..... એક મિનીટ આ પાણી પી લઉં?’

‘હા પી ને ડાર્લિંગ, નેકલેસ નું શું કહેતો હતો’

‘થેંક્યું, પણ તેં ખોટા ખર્ચા કરવાની ના પાડી છે એ યાદ આવ્યું એટલે આગળ વધી ગયો’.

--
પત્નીને પૂછીને કામ કરવામાં અપજશ નથી મળતો. આવું ઘણા માનતા હશે. પણ એવું જરૂરી નથી. ઘણીવાર તો એમ બને કે એક સરખા કામ તમે કરો તો એમાં તમારી ભૂલ થાય તો એ ભૂલ ગણાય પણ પત્નીએ કરેલા કામમાં ભૂલ થાય તો એમાં ટેકનીકલ મુદ્દાઓ કામ કરી જતાં હોય.

‘ફ્રુટમાં શું લાવું, સંતરા કે મોસંબી?’

‘દ્રાક્ષની સીઝન છે અત્યારે ને ભલીવાર વગરના સંતરા મોસંબી લાવીશ?’

‘સારું તો દ્રાક્ષ લાવું ને?

‘હા પાછી જોજે ખાટી ન આવે, ગઈ વખત યાદ છે ને ?’

‘એ તો તું ઘઉં લાવે છે, એમાં રોટલીઓ ફૂલતી નથી એવું નથી બનતું?’

‘એ જુદી વાત છે, ઘઉંમાં ટેસ્ટ ન થાય ઇડીયટ’

--

સામેવાળી વ્યક્તિ પાસે પોતાનું ધાર્યું કરાવવું છતાં, પોતે કીધું છે એવું ન દર્શાવવું એ પણ એક કળા જ છે. વેકેશનના પ્લાનિંગ અંગે અમે વાત શરુ કરી.

‘આ વખતે ઉનાળામાં ગોવા જઈશું?’

‘ઉનાળામાં ગોવા બફાવા જવું છે?’

‘આપણે ભારતીય છીએ, આપણે કંઈ વિદેશીઓની જેમ બીચ પર પડી રહેવા થોડા જઈએ છીએ.’

‘તો એનો મતલબ કે તું ફરવા માટે નહીં, હોટલમાં પડી રહેવા જાય છે?’

‘ના એવું પણ નથી, પરંતુ હોટલના રૂપિયા ખર્ચીએ અને ત્યાં ખાલી રાતે સુવા જઈએ તોયે અમદાવાદી તરીકે અમને લાગી આવે છે’

‘ના, પણ મારે ગોવા નથી જવું’

‘તો શું હું એકલો જઉં?’

‘મેં એવું ક્યાં કીધુ છે?’

‘તો, આપણે હિલ સ્ટેશન જઈએ? જેમ કે આબુ.’

‘એ તો એનું એ જ થયું ને?’

‘કેમ, આબુમાં બફારો નહિ લાગે ... તું ગોવા બફારાને કારણે ના પાડતી હતી ને’

‘ના, ગોવા માટે ના પાડવાના બીજા પણ કારણો હતા, અને એ જ કારણો આબુમાં પણ લાગુ પડે છે.’

‘તો તું ચોખ્ખે ચોખ્ખું કહેને તને પેટમાં શું દુખે છે.’

‘તને ખબર તો છે’.

‘તો પછી ક્યાં જઈશું? કેરાલા જવું છે?’

‘કેરાલામાં પછી ખાવાના વાંધા પડશે નહિ? યાદ છે ને સાઉથની ટુર?’.

‘તો પછી સિમલા કુલુ મનાલી જઈએ.’

‘ત્યાં તો ભૈશાબ બહુ ઠંડી પડે છે, હજુ હિમવર્ષા ચાલે છે ત્યાં.’

‘ઠંડી ભગાડવાના ઉપાયો છે’.

‘હા, જેકેટ ખરીદ્યા છે આપણે’.

‘એ સિવાય પણ ઘણા ઉપાય છે.’

‘ત્યાં જઈને જોગીંગ કરવાની મારી ઈચ્છા નથી’.

‘તું સમજતી નથી’.

‘મારે સમજવું પણ નથી’.

‘સારું તો પછી આપણો કોઈ પ્રોગ્રામ ન થતો હોય તો હું ઓફીસના કામે થાઈલેન્ડ જવાનું છે તે ફાઈનલ કરી દઉં.’

‘સારું તો ગોવાની ટીકીટ કરાવી દે ત્યારે’.

--
પત્નીને કન્વીન્સ કરવાના વધુ ઉપાયો જાણવા માટે સંત બેલડી અધીર-બધિરનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી છે. આ અંગે ફીની માહિતી માટે પૂછપરછ આવકાર્ય છે.

મસ્કા ફન
બોલપેનથી ખણવાની ટેવ હોય તો શર્ટમાં લીટા પણ પડે. 

 

1 comment:

  1. એકદમ નાગર ભાયડો, પોતે લેવા હોય એ નિર્ણય પત્ની પાસે લેવડાવે અને પોતે પોતાને henpecked husband કહેવડાવે. ઉપાયો માટે મળો અધીર બધિર અમદાવાદીને.

    ReplyDelete