Wednesday, March 15, 2017

દૂધના ભાવ

 

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૫-૦૩-૨૦૧૭


Note: Image is not same as published in newspaper

બબ્બે રૂપિયા કરીને દુધના ભાવ વધી રહ્યા છે. નવજાત શિશુને માતાનું જ દૂધ પીવડાવવું જોઈએ એ ઝુંબેશમાં આ ભાવવધારો મદદરૂપ થઇ રહ્યો છે. દુધમાં ફેટ હોય છે અને વધુ ફેટ લેવાથી ફેટ થવાય છે, મેદસ્વીતાની સમસ્યાનો ભાવવધારો કેટલાક અંશે ઉકેલ છે. આ ઉપરાંત દૂધ અને દુધની બનાવટનો ઉપયોગ ઘટે તો ફૂડ પોઈઝનીંગના કેસ પણ ઘટશે એ ફાયદો પણ અમને જણાય છે. દુધના ભાવ વધતા જે છોકરાઓને મમ્મીઓ કાલીઘેલી ભાષામાં ‘લે દુ દુ પી લે’ કહી પાછળ પડતી હતી તે એમ કરવાનું બંધ કરશે. આમ થવાથી મમ્મીઓની ઘેલાશમાં તો ઘટાડો થશે જ પણ છોકરાઓને પણ રાહત થશે. ટીવી પર એક આયુર્વેદાચાર્યને કોઈપણ શારીરિક સમસ્યાના ઉપાય તરીકે રોજ ચા-કોફી બંધ કરવાનું જણાવે છે. આ હિસાબે દૂધ મોંઘુ થતાં, લોકો ચા પીવાનું છોડી દે તો લોકોની તબિયતમાં જરૂર સુધારો આવે. અમુક ઘરોમાં દૂધ કોલ્ડ્રીંકના નામે જે દુધમાં શરબત નાખી ફટકારવામાં આવે છે તે બંધ હવે બંધ થશે, જેનો આનંદ અમે વર્ણવી નથી શકતા (એવા રજનું ગજ ટાઈપના વર્ણનો વાંચવાનો શોખ હોય તો કોઈ કાઠીયાવાડી લેખકના લેખ વાંચવા અથવા ડાયરાના કલાકારને સાંભળી લેવા !).

દુધના ભાવ વધે છે એમ ચા પાણી જેવી થતી જાય છે ખાસ કરીને કીટલી પર. આ ઉપરાંત કપની સાઈઝ નાની થતી જાય છે. હવે તો દવાની ઢાંકણી જેટલા કપમાં ચા પીવડાવવામાં આવે છે, ખાસ કરીને વોલ સિટીમાં ઘરાકને દુકાનદારો આવી ચા પીવડાવે છે. એટલે જ કદાચ દુધના વિકલ્પ તરીકે હવે ધીમે અને મક્કમ રીતે બ્લેક ટી માર્કેટમાં પગ જમાવી રહી છે. આમ તો બ્લેક ટી એ સ્ટેટ્સ સિમ્બોલ છે. અમીરોનું પીણું છે. દિલ્હી યુનીવર્સીટીએ સર્વે કર્યો હોત તો સાયકલ ચલાવનારા આખા દૂધની, મોટરસાઈકલ ધારકો અડધા દુધની અને મોંઘી કાર ધરાવનારા બ્લેક ટી પીવે છે એવું બહાર આવત.

દુધના ભાવ વધે છે પરંતુ દૂધ સાથેની બે મૂળભૂત સમસ્યાઓનું હજુ સુધી સમાધાન નથી આવ્યું. પહેલી દૂધ ફાટી જવાની અને બીજી દૂધ ઉભરાઈ જવાની. દૂધ બીકણ નથી તોયે ફાટે છે. અને એ છલોછલ ન હોય તો પણ એ ઉભરાય છે. એમાય ગુજરાતી સાહિત્યની તકલીફ એ છે કે ફાટેલું દૂધ સાંધી શકાતું નથી અને ઉભરાયેલ દૂધ પર અફસોસ કરી શકાતો નથી. પ્રેશરકુકરમાં ત્રણ સીટી વાગે એટલે દાળ કે કઠોળ ચઢી જાય એમ માનીને ગેસ બંધ કરવાનો રીવાજ છે. પરંતુ દૂધ જયારે ગરમ કરવા મુક્યું હોય ત્યારે એની સામે ફાટી આંખે જોઈ રહેવા સિવાય કોઈ ઉપાય કે એ અંગે અગ્રીમ ચેતવણી આપતું કોઈ ઉપકરણ ઉપલબ્ધ નથી. જો દૂધ ગરમ કરવા મુક્યું હોય અને વચ્ચે મોબાઈલ પર નજર નાખવા જઈએ તો હાઈવેની જેમ જ નજર હટે અને દુર્ઘટના ઘટે છે. એવી જ રીતે ફ્રીજમાં દૂધની તપેલી મુકવાની રહી જાય તો દૂધ ફાટી જાય છે. મોટે ભાગે તો ચામાં આ ફાટેલું દૂધ નાખીએ અને ચા ફાટી જાય ત્યારે પછી આખી ફાટવાની ઘટના ખબર પડે છે. આવા સમયે જેને ચાનો સૌથી વધારે શોખ હોય એને માથે દૂધ લેવા જવાનું કંટાળાજનક કામ ઢોળવામાં આવે છે.

દૂધનો ભાવ જનતા માટે આજે જ નહિ ઐતિહાસિક સમસ્યા હોય એવું લાગે છે. અકબરના વખતમાં બાદશાહે હોજમાં લોટો દૂધ નાખવાનું ફરમાન આપ્યું હતું ત્યારે લગભગ બધા લોકોએ દુધને બદલે પાણી જ નાખ્યું હતું. હવે વિચારો કે પાણી બધું બાદશાહના હોજ ભરવામાં જાય તો રાજ્યમાં દુધના સપ્લાયનું શું થાય? હવે તો મોટાભાગના લોકો પાઉચમાં દૂધ ખરીદે છે એટલે પાણી ઉમેરવાનો પ્રશ્ન નથી રહેતો. બાકી વર્ષો પહેલા શહેરની પાણીની અડધી સમસ્યા આ દુધમાં પાણી નાખવાને લીધે હતી.

ચાનો વિકલ્પ તો કોફી છે. પણ દુધનો વિકલ્પ શું? દ્રોણના પત્ની તો દુધને બદલે લોટનું પાણી અશ્વસ્થામાને પીવડાવી દેતા. અશ્વસ્થામા તો અમર હતો એટલે ગમે તે પીને એ જીવી શકે, પણ આપણે તો માણસ છીએ. આમ તો કુદરતે દૂધ આપવાની ક્ષમતા માત્ર માદા પ્રાણીઓને જ આપી છે. પરંતુ કેટલાક કાળા માથાના માનવી કુદરતને ચેલેન્જ કરી યુરીયા, ફોર્મેલીન, ડીટરજન્ટ વગેરે વડે પણ દૂધ બનાવી જાણે છે. આવા દુધના ભાવ દેશમાં ખાતરની જરૂરીયાતને આધારે નક્કી થતા હશે.

દુધના ભાવ વધતા હવે રૂપિયા દુધે ધોઈને આપી નહિ શકાય. સંસ્કૃતમાં કહ્યું છે કે एकवर्णं यथा दुग्धं भिन्नवर्णासु धेनुषु । અર્થાત જેમ ગાયો જુદાજુદા રંગની હોય છે તેમ છતાં એ બધી એક જ રંગનું દૂધ આપે છે. જેમને ‘દૂધો નહાઓ પૂતો ફલો’ પોસાતું હોવા છતાં નેતાઓ અને અધિકારીઓમાં દુધે ધોયેલા હોય એવા સહેલાઈથી નથી મળતા. અર્થાત બધા જ ભ્રષ્ટ્રાચારના એક જ, કાળા, રંગમાં રંગાયેલા હોય છે. આપણા દેશમાં એક જમાનામાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી એવું કહેવાય છે પરંતુ હવે તો નદીઓમાં ગટરના પાણી જાય છે એટલે દૂધ-ઘીની નહીં ગટરના પાણીની નદીઓ વહે છે. આતો સારું છે કે દિલ્હીના યુગપુરુષ જેવું કોઈ એમ નથી પૂછતું કે ભારતમાં ઘી-દુધની નદીઓ વહેતી હતી એનું પ્રમાણ આપો !

જોકે દેશ અને દુનિયાની ઘટનાઓ અને સમસ્યાઓને પોતાની પ્રોડક્ટ સાથે જોડીને રમૂજી જાહેરાતો બનાવનાર જાણીતા દુધની બટકબોલી બ્રાંડ એમ્બેસેડર છોકરી દુધના ભાવવધારાની સમસ્યા અંગે ચુપ છે, તે બતાવે છે કે હિપોક્રસી માણસોમાં જ નહિ, કાર્ટુનોમાં પણ છે!

મસ્કા ફન

ફેસબુક પર ફેક એકાઉન્ટ શહેરના ગેરકાયદેસર બાંધકામ જેવા છે. એ જેમ છે તેમ સ્વીકારો પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દૂર રહો.

1 comment:

  1. I Always found something new and interesting on your blog.. Thanks for awesome post...
    from - Spiritual Forum

    ReplyDelete