Wednesday, March 29, 2017

મોજડીની શોધ કઈ રીતે થઈ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૯-૦૩-૨૦૧૭

ધૂળના કારણે રાજા કંટાળી ગયો હતો. રાજા કદાચ અમદાવાદ જેવા નદીની રેતમાં રમતા પ્રદેશનો હશે. આમ તો જંગલમાં શિકાર કરવા જાય ત્યાં ધૂળ ઉડે એનો રાજાને વાંધો નહોતો, પરંતુ પોતાના રાજ્યમાં જ્યાં ત્યાં ખોદકામ થયેલું હતું તેવામાં મોર્નિંગ વોક કરવા જાય તો એના પગ ગંદા થઈ જતાં હતા. તેમાં પટરાણી એને ગંદા પગે રાણીવાસમાં પ્રવેશ કરવા દેતી નહોતી. આ ઉપરાંત લોકો પણ ધૂળથી કંટાળી ગયા હતા અને અગામી ઇલેકશનમાં વોટ નહીં આપીએ એવી ફોગટ ધમકીઓ પણ આપતા હતા. ખુલ્લા માથે ફરનારના માથા ધૂળથી ભરેલા રહેતા અને એ રીતે ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ..’ પંક્તિઓ અનાયાસે યથાર્થ ઠરતી. કોઈપણ જાતનો ‘હસીન ગુનો’ કર્યા વગર વૃદ્ધોના ધોળામાં ધૂળ પડતી. તો એની સામે માશુકાની ઝુલ્ફોમાંથી નીકળેલી ધૂળ બિલ્ડીંગ કોન્ટ્રાકટરોને વેચીને કવિઓ પણ બે પાંદડે થયા હતા.

કંટાળીને રાજાએ મુનસીટાપલીના ઈજનેરોને ધૂળ માટે જવાબદાર ઠેરવવા ફરમાન બહાર પાડ્યું હતું. પરંતુ ખાડા ખોદાય તો ધૂળ ઉડે છે, માટે જો કામ જ ન થાય તો ધૂળ ઉડે નહીં, અને આ મુદ્દે પણ ઈલેકશન હારવાની સંભાવના રહેલી હતી. આમ ઈજનેરોએ પોતાની નિષ્ફળતા એવી ધૂળ વિકાસની નિશાની છે, એવું રાજાના મગજમાં ઠસાવી દીધું હતું. એકંદરે રાજાએ ધૂળનો ઉપાય શોધવા કન્સલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પાડ્યા હતા. ‘ટેન્ડર બહાર પડી ગયા છે તો વહેલામોડા કામ થશે જ’ એવું ગાજર લટકાવી બીજા છ મહિના ખેંચી શકાશે તેવું રાજાને એના ચીફ સેક્રેટરીએ સમજાવ્યું હતું.

ટેન્ડરની શરતો મુજબ અરજદારે પોતાનો ઉપાય બતાવવાનો હતો, જેમાં ‘ખાડા ખોદવા બંધ કરવા’ જેવો ઉપાય માન્ય નહીં ગણાય તેવું સ્પષ્ટ શબ્દોમાં ત્રણ જુદી જુદી જગ્યાએ લખેલું હતું. અરજદારે બતાવેલો ઉપાય કારગત નીવડે તો જ એને ફી મળે, એવી કડક શરત પણ ટેન્ડરમાં હતી. અને અરજદારોને પણ ખબર હતી કે કદાચ એમનું ટેન્ડર મંજુર થાય તો પણ મુનસીટાપલી પાસેથી રૂપિયા કઢાવવા એ અંગુરી રબડીમાંથી અંગુર કાઢવા જેટલું અઘરું કામ હતું.

આમ છતાં બાંકડે બાંકડે કોર્પોરેટરના નામ લખવા માટે મશહુર મુનસીટાપલીના આ કામમાં આકડે મધ દેખાતા ઘણા ટેન્ડરો આવ્યા. એક અરજદારે તો રોડ પર સવાર સાંજ પાણી છાંટવાનો પ્રયોગ બતાવ્યો હતો. જોકે પ્રજાને પીવા પાણીના ધાંધિયા હોય ત્યારે રોડ પર પાણી છાંટવાની મુર્ખામી કરાય નહિ તેમ છતાં પાર્ટી ભલામણ વાળી હતી એટલે એના ઉપાયને પ્રાયોગિક ધોરણે ચકાસ્યા બાદ, ઘણું દબાણ હોવા છતાં, રાજાનો મૂળ પ્રશ્ન સોલ્વ થતો ન હોવાનાં કારણે રીજેક્ટ કરાયું હતું.

એક એજન્સીએ આખા શહેરની ખુલ્લી જમીન પર લીંપણ કરવાના ‘ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ’ સાથે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગીના એક વિસ્તારમાં સ્વખર્ચે લીંપવાની કામગીરી કરી આપવાની ઓફર પણ મોકલી હતી. પરંતુ નગરની ભેંશો અને ગાયોની કુલ છાણ ઉત્પાદન ક્ષમતા સામે છાણાચ્છાદન કરવાનો થતો વિસ્તાર વધુ હોઈ છાણની આયાત કરવાના પ્રશ્ને મામલો અટક્યો હતો. દરમ્યાનમાં પાયલોટ પ્રોજેક્ટમાં પણ હતાશાજનક પરિણામ મળતા ‘ધૂળ પર લીંપણ’ કહેવત અસ્તિત્વમાં આવી હતી.

રોડ સાફ કરવાના ઓટોમેટીક મશીન ખરીદવા જેવો મોડર્ન ઉપાય પણ એક પાર્ટીએ બતાવ્યો હતો પરંતુ ટ્રાયલ રનમાં જ રસ્તા ઉપર રોડા અને પોદળાને લીધે મશીન ખોટકાઈ ગયું હતું. એકંદરે અનેક ઉપાયોની નિષ્ફળતા બાદ એક અરજદારે પગમાં પહેરી શકાય તેવા ચામડાના ઉપરથી ખુલ્લા અને નીચે અને આજબાજુથી બંધ એવા એક પરિધાનની શોધ કરી હતી. કન્સલ્ટન્ટના એક જાણીતા અને માનીતા મેન્યુફેકચરર દ્વારા આ પદાર્થ કે જેને ‘મોજડી’ નામ આપવામાં આવ્યું હતું તેના સેમ્પલ પણ રાજા અને એની આખી ટીમને ભેટ આપવામાં આવ્યા હતા જે રાજાને પસંદ પડી ગયા હતા. આ મોજડી સમય જતા ચંપલ,​ ​જોડા,​ ખડાઉ, જૂતા, ખાસડા, બૂટ, સેન્ડલ, જેવા અનેક નામે ઓળખાતી થઈ.

મર્ફીઝ લૉ મુજબ દરેક મોટા પ્રશ્નની અંદર બીજા નાના નાના પ્રશ્નો બહાર આવવા મથી રહ્યા હોય છે. એવું જ આ કિસ્સામાં પણ બન્યું. પગ પર લાગતી ધૂળનો પ્રશ્ન જૂતાની શોધથી ઉકલ્યો તો માધ્યમિક સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના માથે હિન્દીના પેપરમાં ‘જુતે કા આવિષ્કાર’ પાઠમાંથી પૂછાતી ખાલી જગ્યા, ટૂંક નોંધ અને ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાની ઉપાધી આવી પડી. કાળક્રમે અણવરોના માથે પણ વરરાજાની મોજડીને ‘દુલ્હે કી સાલીઓ’થી બચાવવાની નવી જવાબદારી આવી. નેતાઓ માટે કઠણાઈ એ થઇ કે પ્રજા પાસે તેમના પર દૂરથી પ્રહાર કરવા માટે એક નવું પ્રક્ષેપાસ્ત્ર આવ્યું અને એના સફળ પ્રયોગો પણ થવા માંડ્યા. આથી વિરુદ્ધ નેતાઓ અધિકારીઓ સામે ધાર્યું ન થતા ચંપલ પ્રયોગ કરવા લાગ્યા. જોડાને પાછળ લટકાવી બુરી નજરથી ખટારાને બચાવવાના પ્રયાસો પણ થયા, પરંતુ આ લટકતા જોડા ખટારાની બુરી નજરથી પ્રજાને બચાવી શક્યા નહીં. મંદિરમાં ચિંતામુક્ત થવા માટે જતા ભક્તજનો માટે મંદિર બહાર ઉતારેલા ચંપલની ચિંતાએ ‘મન માળામાં અને ચિત્ત જોડામાં’ જેવી પરિસ્થિતિ ઉભી કરી. આની સામે બહાદુર યુવતીઓને એન્ટી-રોમિયો સ્કવોડની મદદ વગર રોડ-સાઈડ રોમિયોનો સામનો કરવા માટે એક સુગમ અને પગવગું શસ્ત્ર મળ્યું, આથી વધારે બહાદુર મહિલાઓએ પેન્સિલ હિલના ફેશનેબલ સેન્ડલ પહેરીને સોફ્ટ કાર્પેટ પર ચાલી બતાવવાના પ્રયોગો પણ કરી બતાવ્યા. તો હિલસ્ટેશન ફરવા ગયા બાદ, વાહનોના પ્રતિબંધને પગલે, ચાલી ચાલીને ચંપલ તોડનારી પત્નીઓના ચંપલ રીપેર કરાવવાનું ભગીરથ કાર્ય પતિઓના ભોગે આવવા લાગ્યું. આમ એકંદરે ધૂળથી બચવા જેની શોધ થઈ હતી તે મોજડી સમય જતા માથાનો દુખાવો બની ગઈ છે, જોકે ધૂળની સમસ્યાનો એ હજુ પણ એકમાત્ર ઉપાય બની રહી છે.

મસ્કા ફન

રોડ પર સીટીઓ મારતો હોય એ કૂકરની સીટીઓ ગણતો થઈ જાય એનું નામ લગ્ન.




No comments:

Post a Comment