Wednesday, June 20, 2012

કભી હા, કભી ના

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૬-૨૦૧૨ |અધીર અમદાવાદી |

ઘણાં લોકો નિર્ણય લઈ ન શકે એટલે સિક્કો ઉછાળે છે. પછી સિક્કો જે નિર્ણય આપે એ નિર્ણય ગમે નહિ એટલે બીજી વાર સિક્કો ઉછાળે. બીજીવાર સિક્કો પહેલાથી વિરુદ્ધ પડે એટલે પછી ત્રીજીવાર સિક્કો ઉછાળે. આખરે સિક્કો જે ચુકાદો આપે તે મંજૂર ન હોઈ પોતે જે નિર્ણય માટે કૂણી લાગણી ધરાવતાં હોય તે નિર્ણય લેવા સિક્કો અને સિક્કો ઉછાળવાથી આવેલું પરિણામ બંને બાજુમાં મૂકી દે છે. પણ એમ જાતે નિર્ણય લે તો આવનાર પરિણામની જવાબદારી પણ ઊઠાવવી પડે એ કારણસર છેવટે પોતાનાં મિત્ર, ગુરુ, મમ્મી કે પપ્પા, અને આખરે પત્નીને પૂછે છે. છેવટે પત્ની એમ કહે કે આ વખતે દરિયા કિનારે નહિ, હિલસ્ટેશન જઈએ’, ત્યારે એ કોઈ નિર્ણય પર પહોંચી શકે છે. આવા લોકો પાસે શોલેવાળો સિક્કો હોય તોયે નકામો !

નિર્ણય લેવામાં મદદરૂપ થવા વિજ્ઞાન ન હોત તો આપણે કદાચ અડધાં ભૂખ્યા રહેતાં હોત. હા, ‘દાળ ચઢી હશે કે નહિ?’ એ નિર્ણય લેવામાં ગૃહિણી જો ઉતાવળ કરે તો કાચી દાળ થાય, અને જો મોડો નિર્ણય લેવાય તો દાળ ગળી અથવા બળી જાય. એટલે કૂકરમાં વ્હીસલ ઉર્ફે સીટી મૂકવામાં આવી છે. ત્રણ સિટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો’. આ સૂચના બાથરૂમના બંધ બારણાં પાછળથી એટલી બધી વખત અપાઈ હશે કે ભારતીય પતિદેવો, કે જે રસોઈમાં કાચાં છે, એ લોકો પણ એટલું તો શીખી જ ગયાં છે. આવું જ બે મિનિટમાં બનતા નુડલ્સનું છે. કેટલું પાણી નાખવું અને કેટલી વાર ગેસ ચાલુ રાખવો એની સૂચના પેકેટ ઉપર લખી હોય. અંદર સ્વાદ અનુસાર કેટલું મીઠું, મરચું, હળદર વગેરે નાખવાનું એ પણ નક્કી કરવાની તક પણ કોઈને આપવામાં આવતી નથી. મસાલાનું પેકેટ તૈયાર જ હોય. આમ, વિજ્ઞાન અને રેડી-ટુ-કૂક ફૂડ્ઝ આપણી નિર્ણય લેવાની શક્તિને કુંઠિત કરી રહ્યા છે, જે દેશ માટે એક અતિ ગંભીર સમસ્યા છે. આવું અમને લાગે છે.

અમારા મિત્ર પવન કનનનો કિસ્સો જાણવા જેવો છે. કનન એની અટક નથી, ઉપનામ છે. કનનએટલે કશું નક્કી નથી’.  એને પૂછો કે રવિવારે હું કવિ સંમેલનમાં જવાનો છું, આવવું છે ?’ તો જવાબ મળે કનન’. એને પૂછો કે વેકેશનનો શું પ્રોગ્રામ છે?’ તો જવાબ મળે કનન’. આ પવનીયો પરણવા લાયક થયો, જાતે છોકરી પસંદ કરવાનો તો સવાલ જ નહોંતો, મા-બાપે છોકરી પસંદ કરી લીધી ત્યારે પણ એ હેમ્લેટી દ્વિધામાં હતો. ધ કેવ્શ્ચન વોઝ, ટુ મેરી ઓર નોટ ટુ મેરી? પણ થનાર થઈને રહે છે, એટલે લગ્ન થયાં, અને પછી એની પત્નીએ બાજી સંભાળી લીધી હતી.

મહાન યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટે યુદ્ધમાં નિર્ણય લેવાની શક્તિને અગત્યની ગણાવી હતી. ડોક્ટરોને તો ચાલુ ઓપરેશને કટોકટીમાં નિર્ણય લેવા પડતાં હોય છે. ક્રિકેટરો પણ ઘડીના છઠ્ઠાં ભાગમાં ડાઈવ મારી કૅચ ઝડપતાં હોય છે, જોકે એમાં કોકવાર એવું બને કે ચોગ્ગો રોકું કે કૅચ કરું?’ એ દ્વિધામાં બંને હાથથી જાય. વાહન હાંકતી વખતે કે રસ્તો ક્રોસ કરતી વખતે પણ ત્વરિત નિર્ણય લેવો પડે છે. અરે, ચાલવામાં પણ ક્યારેક રમૂજી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તમે જોજો, ગાર્ડનનાં નાના ટ્રૅક પર તમે ચાલતાં હોવ અને સામે બીજાં સજ્જન સામે આવે તો તમે જમણી બાજુ ખસો તો એ સજ્જન પણ એ જ દિશામાં ખસશે, પછી તમે ડાબી બાજુ જશો તો એ પણ એજ દિશામાં ખસી રસ્તો આપશે. બંનેનાં મગજ જાણે મિરર ઈમેજની જેમ ન વર્તતા હોય! અમે તો આવા સંજોગોમાં ઊભા રહી જઈ સામેવાળા પર નિર્ણય છોડી દઈએ છીએ. અમે પરણેલા છીએ ને!

જોકે અમુક સંજોગોમાં નિર્ણય ન લેવો ફાયદાકારક બની રહે છે. આ દર્દ માટે ડૉક્ટર પાસે જવું કે કેમ?’ આ નિર્ણય લેવામાં વાર કરો તો દરદ જાતે મટી જાય એવું પણ બને. આવું જ ઘણાં ઉપવાસીઓનું હોય છે, બે ચાર દહાડા ભૂખ્યા રહેવા દો એટલે ઉપવાસ જાતે સમેટી લે. પત્ની વારંવાર રિસાઈને પિયર જતી રહેતી હોય ત્યારે પણ થોડી ઢીલની નીતિ અપનાવો તો એ જાતે પાછી આવી જાય. પણ આ બધાં કિસ્સામાં નિર્ણય ન લેવો જોખમી સાબિત થઈ શકે છે.

પણ અમુક લોકોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશું’, એવું કહી નિર્ણય ટાળી દેવાની ટેવ હોય છે. નિર્ણય ન લેવાથી પછી થવા કાળે થવાનું થઈને રહે છે. કૉમન વેલ્થ ગેમ્સમાં છેલ્લી ઘડી સુધી કૉન્ટ્રેક્ટ અપાયા નહિ, પછી ઉતાવળે કામ પૂરું કરાવતાં ઓછી ગુણવત્તાનું એકંદરે મોંઘું કામ આપણને મળ્યું હતું. આ નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય છે. ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ નિર્ણય લેવા બાબતે ઢીલી નીતિ માટે એટલાં જાણીતાં હતાં કે એમની એ નીતિ નરસિંહરાવ નીતિ તરીકે જાણીતી થઈ હતી.  

સિવિલ એન્જીનીયરીંગ પ્રોજેક્ટ્સમાં સાઇટ ઉપર ઘણાં નિર્ણયો લેવાના હોય. શાપુરજી પાલોનજી કંપનીમાં અમે જ્યારે નોકરી કરતાં ત્યારે અમારા ક્લાયન્ટનાં જનરલ મૅનેજર બહુ અન-ડીસીસીવ હતાં. ગજબની સેન્સ ઑફ હ્યુમર ધરાવતાં અમારા સિનિયર રાવલ સાહેબ એમને કભી હા, કભી ના’ (કહાકના) કહેતાં હતાં. આ કહાકના પ્રકારનાં લોકો એન્જિન ડ્રાઈવરની નોકરીને લાયક હોય છે. એક જ પાટા પર દોડ્યા કરવાનું, લાલ લાઈટ દેખાય તો ઉભા રહેવાનું અને લીલીએ ઉપાડવાની. પણ આવા લોકોના હાથમાં કસાબ અને અફઝલ ગુરુ જેવાનું ભાવિ નક્કી કરવાનું સોંપ્યું હોય તેવા દેશનું શું થાય ?
 

2 comments:

  1. some gr8 observations and the start and the end is so good (in short Good one!:P)

    ‘ત્રણ સિટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો’. હા હા હા...

    ReplyDelete
  2. આ પ્રકારની વ્યક્તિઓને હેમલેટ પ્રકૃતિના કહી શકાય. " to be or not to be." ની મનોવ્યથાએ એક સુંદર નાટક આપ્યું. એ જ ફાયદો. અને પરિણામે બધા પોતાના નિર્ણય લેવાની અશક્તિ ને કારણે ભગવાન પર છોડી દે છે. અને ભગવાન કરે તે સાચું, એવી માનસિકતા કેળવે છે. આવું મને લાગ્યું છે. બાકી તો અધીર સુંદર લેખ માટે અભિનંદન અને આભાર.

    ReplyDelete