Sunday, September 16, 2012

અરેન્જડ મેરેજ



| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૦૯-૦૯-૨૦૧૨ |અધીર અમદાવાદી |

 
એવું કહેવાય છે કે મેરેજીઝ આર મેઇડ ઇન હેવન. પણ આ વાત એરેન્જડ મેરેજને પણ લાગુ પડે કે કેમ એ બાબતે પરણિત લોકોને શંકા રહે છે. જોકે આ સ્વર્ગમાં લગ્નો નક્કી થાય છે એ આખી વાત જ શંકાસ્પદ છે. જો લગ્નો માત્ર સ્વર્ગમાં નક્કી થતા હોય તો નર્કના ભાગે ઓછું કામ આવે. તો આ અંગે સ્વર્ગના કર્મચારી યુનિયનો વધારે કામના બોજા અંગે ફરિયાદ ન કરે? તો ઘણા લગ્નજીવનમાં ઉભયપક્ષ દોજખની યાતનાઓ ભોગવતા જોવા મળે છે, તો શું આવા લગ્નો સ્વર્ગને બદલે નર્કમાં નક્કી થતા હશે? અને અમેરિકામાં તો છૂટાછેડાનું જે પ્રમાણ છે એ જોતાં ત્યાંના મેરેજીઝ મેઇડ ઇન હેવન ને બદલે મેઇડ ઇન ચાઈના હોય તેવું ચોક્કસ લાગે.

લગ્ન ભલે ઉપર નક્કી થતાં હોય પણ અરેન્જડ મેરેજના ૬૫% કેસમાં નિર્ણય માબાપ લે છે એવું સીએનએનનો એક સર્વે કહે છે. મા-બાપ ઉપરાંત મામા-માસીઓ અને કાકા-ફોઈઓ પણ આ નક્કી કરવાનો જશ ખાટી જતાં હોય છે. એમાં સૌથી તકલીફની વાત એ હોય છે કે પોતાનાં સારા કે ખરાબ અનુભવના ચશ્માં પહેરીને જ આ ચોખઠું ગોઠવવાની ક્રિયામાં ભાગ લેતાં હોય છે. પણ આ અનુભવ નામનાં ચશ્મા જાદુઈ હોય છે. બાપ-દાદાઓએ આ ચશ્માં પહેરીને જ ચોખઠું ગોઠવતાં હોવા છતાં ક્યારેક આ ચોખઠું દાંતના ચોખઠાની જેમ બરોબર ફીટ આવતું નથી.

તીન પત્તીની રમતમાં બ્લાઈન્ડની બાજી હોય એવું લવ મેરેજમાં થતું હોય છે, જ્યારે એરેન્જડ મેરેજમાં ઓપન બાજી હોય છે. પત્તા કયા છે એ તમને ખબર હોય છે, પણ પત્તા ખબર હોવાથી બાજી બદલાઈ નથી જતી. ઘરમાં શાક બન્યું હોય તો કેવું બન્યું હશે તે દેખાવ ઉપરથી તમારે કલ્પના કરવાની હોય છે, પણ ખરેખર કેવું છે એ તો ચાખ્યા પછી જ ખબર પડે. એરેન્જડ મેરેજ પણ થાય પછી ધીમેધીમે એનો ટેસ્ટ ખબર પડે છે. એમાંય દરેકનો ટેસ્ટ જુદો હોય છે. કોક્ને મોળું ભાવે તો કોઈને સ્પાઈસી. જોકે આપણે ત્યાં જેવો ટેસ્ટ હોય તે ફવડાવી દેવાનું શીખવાડવામાં આવે છે.

જૂની હિન્દી ફિલ્મોમાં હીરો હિરોઈનને પોતાની મનની વાત કરે એમાં ત્રણ કલાક પુરા થઇ જતાં હતા અને ચુંબનનાં દ્રશ્યો બતાવવાને બદલે કેમેરા પક્ષીઓ પર જતો રહેતો હતો. હવે તો જનરેશન ઘણી ફાસ્ટ જણાય છે, ફિલ્મોમાં પણ ખુલ્લેઆમ કિસિંગ સીન બતાવે છે. આમ છતાં છોકરાં છોકરીઓ ખુલ્લા મને વાત કરતાં ખચકાય છે. પરણવાલાયક યુવક યુવતીઓના લગ્નસંબંધે મળવા બાબતે વિચારતા અમને તો શ્રી ખલીલ ધનતેજવીની પેલી પંક્તિઓ યાદ આવે છે કે, બે જણા આવ્યાં મળ્યાં છુટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર. આવામાં આપણે ત્યાં જો એરેન્જડ મેરેજની પ્રથા અસ્તિત્વમાં ન હોત તો ઘણાં કુંવારા રહી જાત એ વાત નક્કી છે.

એરેન્જડ મેરેજની એક ખાસિયત એ છે કે છોકરા છોકરી એક બીજાને જોવાં માટે મળે છે. આમાં થોડીઘણી વિવિધતા આજકાલ જોવા મળે છે. આજકાલ પૂછવા લાયક સવાલોનું લીસ્ટ બનતું થઇ ગયું છે. ‘કયું શાક નથી ભાવતું’ એવા પ્રશ્નો એકબીજાને પૂછી ખાતરી કરી લેવામાં આવે છે કે આ જન્મે કંકોડા ખાવાનો યોગ તો નથી ને? છોકરીઓ તો છોકરાને મળવા જાય એટલે જાણે જુનું ઘર ખરીદવા જતી હોય એમ, ‘આમાં શું ફેરફાર કરવાથી મારા ટેસ્ટ મુજબનું બની જશે?’ એવું પણ વિચારતી હોય છે. એટલું સારું છે કે હવે એક મુલાકાતને બદલે બે કે વધુ મુલાકાત ગોઠવાય છે. મા-બાપ આ માટે સંમત થાય છે. કદાચ આની પાછળ પોતે તો ભરાયા હવે છોકરાં ન ભરાય એવો ભાવ પણ જવાબદાર હોઈ શકે. જોકે આ બે ચાર મુલાકાત અને ફોન-ચેટમાં થતી વાતચીતો છતાં લાઈફ પાર્ટનર સિલેક્ટ કરવા કરતાં વધારે સમય કાર કે લેપટોપ સિલેક્ટ કરવામાં લોકો કાઢતાં હોય છે.  

હવે તો આપણે એટલા પ્રોગ્રેસીવ થયા છીએ કે એરેન્જડ મેરેજીઝમાં પણ છોકરીની મરજી પણ પૂછવામાં આવે છે ! છતાં હજુ પણ આ લાકડે માંકડું વળગાડવાની પ્રક્રિયા એની એજ રહી છે. છોકરી ચાનો કપ કે આઈસ્ક્રીમના સ્કૂપ લઈને આવે અને છોકરીનાં મા-બાપ સામેવાળી પાર્ટીને ઘર જોવા લઇ જઈ છોકરા છોકરીને વાત કરવાનો મોકો આપે. પણ આમ થવાથી બિચારા છોકરાને ઘર જોવાનો મોકો મળતો નથી. ખરેખર તો જો આ છોકરી સાથે એનું લગ્ન થાય તો ભવિષ્યમાં એણે કેટલીય રક્ષાબંધન, દિવાળી, અને ભાઈબીજ પર અહીં આવવાનું થવાનું છે. આ સંજોગોમાં છોકરાને સસરાનાં ઘરમાં હવા-ઉજાસ કેવો છે, મ્યુઝીક સિસ્ટમ કઈ છે, ટોઇલેટ ઇન્ડિયન છે કે વેસ્ટર્ન આ બધી તપાસ કરવાનો સમાન હક બને છે. એટલે જ આ છોકરા છોકરીને મળવાની રીતમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે એવું અમને લાગે છે. 

એરેન્જડ મેરેજની તરફેણમાં લોકો એમ કહે છે કે ભારતમાં ૯૦ ટકા મેરેજ એરેન્જડ હોય છે. છતાં આપણે ત્યાં ડાયવોર્સનો રેટ માંડ ૧.૧ ટકા છે, જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં વધારે લવ મેરેજ વચ્ચે ૫૪% જેટલો ડાયવોર્સ રેટ છે. આમ, આંકડાકીય રીતે જોઈએ તો આપણાં અરેન્જડ મેરેજીઝ સફળ છે. પણ આ સફળ લગ્નજીવન ખરેખર કોને કહેવાય એ પ્રશ્નનો જવાબ શોધવામાં જ જીંદગી નીકળી જાય છે.

2 comments:

  1. અધીરભાઈ: અનુભવની બાબતમાં તો દરેક વ્યક્તિને પોતે જે પ્રમાણે પરણ્યા હોય તેનો જ અનુભવ હોય છે, દા.ત. મારા એરેન્જડ મેરેજ હતા તો હું લવ મેરેજ માટે કઈ ન બોલી શકું. સફળતા અને નિષ્ફળતા દરેક લગ્નમાં ૫૦% હોય છે, ક તો સફળ કે નિષ્ફળ. સફળતાની વ્યાખ્યા પણ દરેક કિસ્સામાં જુદી હોઈ શકે. જો કોઈના લગ્ન અંબાની કુટુંબમાં થયા હોય તો ઘરની બહાર એ ફેમિલીનો કોઈ બુલી ધક્કો ન મારે તો એ સફળતામાં ગણાય. અને કોઈ સામાન્ય કુટુંબ માં થયા હોય અને હજાર વાના કરતા હોય પણ જમાઈ ને વાંધો પડે તો નિષ્ફળતાની પરાકાષ્ટા ગણાય. આજકાલ તો નેત્ત મેરેજ પણ થાય છે અને શાદી.કોમ દ્વારા પણ લગ્ન થાય છે. એની નોંધ લેશો. આફ્ટર ઓલ એ પણ એરેન્જ મેરેજ માં જ આવી જાય. અને લવ મેરેજ છેવટે મિત્રો દોસ્તોની મદદ થી જ ગોઠવાય છે અને એટલે એ પણ શું એરેન્જ મેરેજ ન ગણાય?

    ReplyDelete
  2. અધીરભાઈ: અનુભવની બાબતમાં તો દરેક વ્યક્તિને પોતે જે પ્રમાણે પરણ્યા હોય તેનો જ અનુભવ હોય છે, દા.ત. મારા એરેન્જડ મેરેજ હતા તો હું લવ મેરેજ માટે કઈ ન બોલી શકું. સફળતા અને નિષ્ફળતા દરેક લગ્નમાં ૫૦% હોય છે, ક તો સફળ કે નિષ્ફળ. સફળતાની વ્યાખ્યા પણ દરેક કિસ્સામાં જુદી હોઈ શકે. જો કોઈના લગ્ન અંબાની કુટુંબમાં થયા હોય તો ઘરની બહાર એ ફેમિલીનો કોઈ બુલી ધક્કો ન મારે તો એ સફળતામાં ગણાય. અને કોઈ સામાન્ય કુટુંબ માં થયા હોય અને હજાર વાના કરતા હોય પણ જમાઈ ને વાંધો પડે તો નિષ્ફળતાની પરાકાષ્ટા ગણાય. આજકાલ તો નેત્ત મેરેજ પણ થાય છે અને શાદી.કોમ દ્વારા પણ લગ્ન થાય છે. એની નોંધ લેશો. આફ્ટર ઓલ એ પણ એરેન્જ મેરેજ માં જ આવી જાય. અને લવ મેરેજ છેવટે મિત્રો દોસ્તોની મદદ થી જ ગોઠવાય છે અને એટલે એ પણ શું એરેન્જ મેરેજ ન ગણાય?

    ReplyDelete