Monday, October 15, 2012

શ્રાદ્ધમાં ફેરફારો

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૪-૧૦-૨૦૧૨ |અધીર અમદાવાદી |

પહેલા લોકો પાસે કાળું ડબલું એટલે કે લેન્ડ લાઈન ફોન રહેતો, હવે સ્લીક અને ટ્રેન્ડી મોબાઈલ આવી ગયા છે. પહેલા લોકો સ્કૂટર ફેરવતાં જે સવારે નમાવ્યા પછી જ સ્ટાર્ટ થતું, હવે સેલ્ફ સ્ટાર્ટવાળા બાઈક આવી ગયા છે. પહેલા રેલવે રિઝર્વેશન માટે સ્ટેશન પર લાંબી લાંબી લાઈનોમાં ચાર પાંચ કલાક નીકળી જતાં હતાં, હવે ઓન લાઈન રિઝર્વેશન થાય છે. પહેલા ફિલ્મો ૨૫ કે ૫૦ અઠવાડિયા ચાલે ત્યારે હીટ ગણાતી અને તોયે ખાસ કમાણી તો નહોતી જ થતી, હવે બે ત્રણ અઠવાડિયામાં ફિલ્મ ૧૦૦ કરોડનો ધંધો કરી નાખે છે. આપણી દુનિયાના લોકો છેક મંગળ સુધી પહોંચી ગયા, પણ પરલોકવાસી સ્વજનો પાછળ થતાં શ્રાદ્ધમાં હજુ ખાસ સુધારા વધારા નથી થયાં.

શ્રાદ્ધ એ શ્રદ્ધાનો વિષય છે. એવું મનાય છે કે શ્રાદ્ધપક્ષમાં ચોક્કસ તિથિએ આપણાં દિવંગત પૂર્વજો કાગડારૂપે આવી તમારી ધરેલી રસોઈ જમી જાય છે. પણ કાલક્રમે શ્રદ્ધામાં ઓટ આવતી હોય એવું લાગે છે. પ્રેક્ટીકલી વર્કિંગ દિવસ હોય અને ગૃહિણી કામ કરતી હોઈ સવારમાં પહેલાની જેમ સાત આઠ આઇટમ બનાવવાનો સમય પણ ક્યાંથી હોય? આમ છતાં, મનેકમને, હજુ પણ એ જ જુનાં રિવાજ મુજબ શ્રાદ્ધપક્ષમાં કાગડાને દૂધપાક પૂરી ધરવામાં આવે છે.

આમ જોવા જઈએ તો છેલ્લા વીસ વરસમાં સ્વર્ગસ્થ થનાર વડીલોએ તો બહારના ખાવાનો સ્વાદ ભરપૂર ચાખ્યો છે. લોકો ચનાપુરી, ભાજીપાઉં, પંજાબી, ચાઈનીઝ, મેક્સિકન વગેરે તો અઠવાડિયામાં એકાદવાર તો ખાય છે જ. તો વડાપાઉં, દાબેલી, સેન્ડવીચ, સમોસા, પાણીપુરી જેવી આઈટમો  રોજબરોજ ખવાય છે. શિખંડ, મઠ્ઠો, ક્રીમ સલાડ અને બાસુંદી રવિવારે ખવાય છે. આમ છતાં કાગડાને ઉકાળેલું દૂધ, ચોખા સાથે, પુરીમાં થોડા ટીપા પાડી, અંદર શાકનાં એક બે ડબકા મૂકી ધરાય છે. હવે વિચારો કે જે વડીલ વડાપાઉં ને ફ્રેંચ ફ્રાઇઝ ખાઈને વહેલાં ઉપર ગયા છે, અને જ્યાં છે ત્યાંથી વધારે ઉપર જે જવાનાં નથી, તેઓ શું આવી જર્જરિત પૂરીઓ ખાઈને ખુશ થવાનાં છે? જો કોઈ એવું સમજતું હોય તો એ ભૂલ ભરેલી માન્યતા છે.

અમે તો ગઈકાલે સવારે નવરાં હતાં એટલે બાલ્કનીમાં બેસીને કાગડાઓને ધ્યાનથી જોયા તો એમની આંખોમાં અમને હડહડતો તિરસ્કાર દેખાયો. અમને તો એ લોકો એવું કહેતા હોય એવું લાગ્યું કે અરે રે, આ બેવકૂફ લોકો કેમ પિઝા નહીં નાખતાં હોય?’ એક તંદુરસ્ત કાગડો તો એક પૂરીમાં મારું શું થાયએવું કહેતો હોય એવો અમને ભાસ થયો.  તો એક કાગડો ગુસ્સામાં ઝીણી આંખ કરીને કંઈક બોલતો હતો, અમને લાગ્યું કે એ ગાળો બોલતો હતો કે હારીનીનાઓ પૂરી હિવાય કંય લાખતા નૈ મલે’. એ કદાચ અમારા સુરતી પાડોશીના પિતૃ હશે એવું બને. અમારી નીચે રહેતા બેન તો બાલ્કનીની પાળી પર કાગવાસ નાખે તો કાગડો આવીને ઝનૂનથી નીચે પાડી નાખે, ખાય નહિ અને પછી ગુસ્સે થઈને ઊડી જાય. એ કાગડો કદાચ એમનાં સાસુ હશે.

હવે કાગવાસ નાખવામાં જોઈએ તેટલી કાળજી રખાતી નથી પછી વડીલો ગુસ્સે જ ભરાય ને? ડાયાબીટીસ સાથે ઊર્ધ્વગમન (સ્વર્ગમાં ગયા છે કે નરકમાં એ કોને ખબર છે?) પિતૃઓ માટે કાગવાસ પહેલા ડાયાબીટીસ ગોળી મૂકી ને દૂધપાક ક્યાં કોઈ મૂકે છે? તો વા ની તકલીફથી પીડાતાં વડીલો માટે ધાબાની પાળીને બદલે ગ્રાઉન્ડ ફ્લોર પર કાગવાસ હોવો જોઈએ, પણ કોણ હવે કાળજી રાખે છે? ડાયેટ કોન્શીયશ પિતૃઓની હેલ્થનો વિચાર કરી શ્રાદ્ધમાં સલાડ, ફણગાવેલા મગ કે બોઈલ્ડ વેજીટેબલ્સનો ઑપ્શન પણ હોવો જોઈએ. અને આપણે એરપોર્ટ પર કોઈને લેવા જઈએ છીએ ત્યારે જેમ હાથમાં એમના નામની નેમપ્લેટ લઈને જઈએ છીએ, એમ શ્રાદ્ધમાં પણ નેમપ્લેટ હોવી જોઈએ, નહીંતર શી બીજા કોકના ખાઉધરા પિતૃઓ આવીને ખાઈ જાય તો? અને એવું બને કે નવા ફ્લેટમાં તમે શિફ્ટ થયા હો એ પિતૃઓને ના પણ ખબર હોય!

પણ કાગવાસમાં પિઝા નખાય તો મોડર્ન પિતૃઓ જરૂર ખુશ થાય. કારણ કે પિઝામાં એ વાતની શાંતિ હોય છે કે એ કોઈ ઘેર બનાવતું નથી, ફોન કરો એટલે આવી જાય. એટલે ક્વોલીટી બાબતે આજે જરા ઢીલાં રહી ગયા છેકે ચીઝ આટલું જ હતુંજેવા ખુલાસા નથી સાંભળવા પડતા. નવી જનરેશન ઘણી બાબતોમાં પ્રેક્ટીકલ હોવા છતાં આ કાગવાસ નાખવામાં પ્રેક્ટીકલ થઈ કેમ પિઝા કંપનીને સીધો ઑર્ડર નહીં કરતાં હોય એ અમને સમઝાતું નથી.

ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ છે, એવું આપણે કહીએ તો છીએ પણ જ્યાં કાગવાસ નાખવાનો આવે એમાં અમદાવાદ, ભાવનગર કે સુરત, ખાસ વિવિધતા જોવા મળતી નથી. બધે પૂરી-દૂધપાક-શાક નખાય છે. અમારા મતે સૌરાષ્ટ્ર સાઇડનાં પિતૃઓને તો સવારમાં બે વાર કાગવાસ નખાવો જોઈએ. સૌથી પહેલાં ચા અને ગાંઠિયાનો જેથી એમનો દિવસ ઊગે એન્જિન રનિંગમાં આવે, અને પછી દાતણપાણી કરીને જ્યારે વડીલો ફ્રૅશ થાય એ પછી રેગ્યુલર જમવાનું ધરાય. સાથે છાશ હોવી અનિવાર્ય છે. અમદાવાદમાં ફાફડા જલેબી અને નવાસવા પિતૃઓને બર્ગર કે ટાકોઝ પણ ધરી શકાય. ચરોતરમાં જમવા ઉપરાંત દિવસમાં એકાદ વાર ખમણ પણ ધરવા જોઈએ. કચ્છમાં દાબેલી અને સુરતમાં સવારે બ્રેકફાસ્ટમાં લોચો અને જમવામાં ઊંધિયું, પોંકવડા અને ઘારી તો હોવી જ જોઈએ.
માનવામાં આવે એવી વાત તો નથી પણ અમે હમણાં જ સમાચારમાં વાંચ્યું  કે સુરતમાં તો કાગવાસની સાથે સાથે મરનારની ગમતી આઈટમો ધરાય જ છે, અરે એમાં છાંટોપાણી પણ રેડાય છે. પછી તો સુરતી કાગડાઓ ખાઈ-પીને ટાઈટ થઈ જતાં હશેઅને કદાચ ગ્લાઈડરની જેમ ઊડતાં પણ હશે. જોવું પડશે ભાઈ!
 

1 comment: