Sunday, October 28, 2012

હેલિકોપ્ટર ફૂલ બરસાઓ ....

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૧-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |

જયારે અમે પત્નીને ખુશ રાખવાના ૧૦૧ ઉપાયો લખી ફેસબુક પર પહેલી વખત પોસ્ટ કર્યાં ત્યારે પતિ અને પત્નીઓનો એકસરખો સારો પ્રતિભાવ મળ્યો હતો. પત્નીઓ તો ખુશ થાય જ કારણ કે પરણીને જેની સાથે ભવેભવનો સંબંધ બાંધ્યો છે એવી પત્નીઓની તારીફમાં બે ચાર સારા શબ્દો મ્હોંમાંથી કાઢવાનું ઘણાં પતિઓ શીખ્યા નથી. આપણા પતિઓને તો સાસરે જઈ કઈ રીતે વર્તવું એની આચારસંહિતા પણ માલુમ નથી હોતી. અરે, ભાઈ સાસરાની ગલીના કૂતરાને પણ હટ ન કહેવાય એટલી તો સમજ દરેક પતિને હોવી જોઈએ ને? પતિઓ અમારા ઉપાયોથી એટલા માટે પણ ખુશ થયા હતાં કે જે વાત પત્નીઓ ‘પેટમાં દુખે છે’, ‘માથું દુખે છે’, ‘મૂડ નથી’ જેવા બહાનાના ઓઠા હેઠળ કહેવા માંગતી હોય છે, અને પતિઓ જે મોટે ભાગે સમજતા નથી હોતાં, તે અમારા આ ઉપાયોમાં ડાઈરેક્ટ કહેવાઈ ગયું હતું. 

પણ હવે રસ્તો નીકળ્યો છે. અમદાવાદના એક જાણીતા બિલ્ડરે (પોતાની) પત્નીના જન્મદિવસે, પોતાની જ પત્ની ઉપર, હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાવી પુરુષ સમાજ માટે એક દાખલારૂપ કામ કર્યું છે. આમ તો આવા તાયફા પરદેશમાં તો અવારનવાર થતાં હોય છે પણ ભારતમાં, એમાં પણ ગુજરાતમાં અને એમાંય અમારા અમદાવાદમાં આવું કંઇક થાય એટલે અમને જાણે બત્રીસે કોઠે દીવા થયા હોય એવો આનંદ થાય છે. સૌથી મોટો આનંદ તો જોકે અમને એ વાતનો છે કે, અમદાવાદીઓની ઈમેજ જે દસ રૂપિયાનો ગુલદસ્તો પણ ન ખરીદે એવી માર્કેટમાં છે, તે આ ઘટનાથી ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. અમદાવાદીઓ રૂપિયાની ત્રણ અધેલી શોધે એવી બધી અફવાઓ જે લોકો ફેલાવે છે એમનાં મોઢા પર આ ઘટના તમાચારૂપ છે. કારણ કે એવું જાણવા મળ્યું છે કે આ પુષ્પવર્ષા બિલ્ડર મહાશયને માત્ર રૂપિયા અઢી લાખમાં પડી હતી. જોકે રૂપિયા ચેકમાં અપાયા હતાં કે કેશમાં એ અંગે જાણવા નથી મળ્યું.

જાણવા તો એ પણ નથી મળ્યું કે આ પુષ્પવર્ષાનો બિલ્ડર-પત્નીએ શું પ્રતિભાવ આપ્યો હતો? બાકી એવું પણ બની શકે કે એમની પત્ની આ ઘટનાથી નારાજ થઈ હોય કારણ કે ફૂલ વરસાવવા માટે હેલિકોપ્ટર ખુબ નીચા લેવલ પર ઉડતું હતું, અને એનાં પંખાની હવાથી કદાચ બિલ્ડર-પત્નીની કેશભૂષા વિખરાઈ ગઈ હોય અથવા બાલ્કનીમાં સૂકવેલાં કપડાં ઉડી ગયા હોય! અથવા તો એમની પત્નીએ એવું પણ કહ્યું હોય કે ‘મને સફેદ ફૂલ વધારે ગમે છે એ તને ખબર છે તોયે કેમ ગુલાબના ફૂલ વરસાવ્યા?’ કે પછી ‘હેલિકોપ્ટરનાં અવાજથી મને તો ધ્રાસકો પડ્યો’ કે પછી સાવ છેલ્લે ‘આવો ખોટો ખર્ચો કરાય?’ જોકે આ બધાં તો અમારા અનુમાનો છે. પત્નીઓની જે ધારાધોરણ પ્રમાણેની ઈમેજ બજારમાં છે એ અનુસાર!

બાકી આ ઘટના અમને તો ઘણી શંકાસ્પદ લાગે છે. શું આમ કોઈ થર્ડ પાર્ટી પાસે પત્ની પર પુષ્પવર્ષા કરાવે? નક્કી આ વાતમાં કોઈ ભેદ છે. જે રીતે આ આખી વાત ચગી છે એ જોતાં આ ઘટના પત્ની હિતવર્ધક મંડળ કે એવી તેવી કોઈ એનજીઓએ પત્નીઓનાં હિતમાં પ્રસિદ્ધ કરાવી હોય એવું બની શકે. કદાચ હેલિકોપ્ટરનાં પાઈલોટની ગર્લફ્રેન્ડે પાઈલોટને સવારમાં ગુલાબનો ગુલદસ્તો આપ્યો હોય, જે પાઈલોટ મહાશય ઘેર પહોંચતા પહેલાં નિકાલ કરવા માંગતા હોય એટલે બારીમાંથી ફગાવી દીધો હોય. આ આખી ઘટનાનો તકવાદી તત્વોએ લાભ લીધો હોય એવું બને. એ જે હોય તે પણ આ ઘટના પતિઓના ખિસ્સામાં મોટ્ટા કાણા પાડશે એ નક્કી!

પણ આ પુષ્પવર્ષાનો આખો આઈડિયા ‘ચાંદની’ ફિલ્મમાં હતો જ. રિશી કપૂર પોતે જાતે શ્રીદેવી પર હેલિકોપ્ટરમાંથી ફૂલ વરસાવે છે. જોકે પછી એ દુર્ઘટનામાં પરિણમે છે. એથી પહેલાં રાજેન્દ્ર ‘જ્યુબિલી’ કુમારે ‘બહારો ફૂલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ’ એવું બહારોને ઓર્ડર કરતુ ગીત એમની લાક્ષણિક અદામાં (બે હાથ વારાફરતી ઊંચાનીચા કરતાં કરતાં) ગાઈને ફૂલોનો બગાડ કરવાની હિમાયત કરી જ હતી. ‘સૂરજ’ ફિલ્મનું આ ગીત આમ તો આખું સ્ટુડિયોમાં શુટ થયું હતું અને ફૂલબુલ તો કંઈ વરસ્યાં નહોતાં પણ હિરોઈન (વૈજયંતિ માલા) આ ગીત સાંભળીને ખુશ ચોક્કસ થઈ હતી. અને મેઈન વાત તો હિરોઈન ખુશ રહે એ જ છે ને?

ફિલ્મ સિવાય પણ બિલ્ડરભાઈએ કરી એ પુષ્પવર્ષાની પહેલી ઘટના નથી. વિશેષ લોકો અને અવસર પર પુષ્પવર્ષાની અનેક ઘટનાઓ પુરાણોમાં વર્ણવેલી છે. રામાયણ અને મહાભારતમાં પણ આવી ઘટનાઓ આવે છે. ભગવાન રામનાં લગ્ન જેવી કોઈ મંગળ ઘટના ઘટે તો દેવો આકાશમાંથી પુષ્પવર્ષા કરવા માંડતા એવું અમે સિરીયલમાં જોયું છે. આવા સમયે બેકગ્રાઉન્ડમાં પ્રસંગને અનુરૂપ તંબુરા પણ તતડવા લાગતાં. આ દેવ અને પુષ્પવર્ષાની એનાલોજી સરકાર અને બિલ્ડર્સ સાથે ઘણી છે. આપણી આજકાલની સરકાર અને પ્રધાનો ક્યાં દેવોથી કમ છે? દેશ હોય કે રાજ્ય, સરકાર અને બિલ્ડરો કેવું સરસ ખભેખભા મિલાવીને કામ કરે છે? સરકાર ડેવલોપમેન્ટ પ્લાન, ટીપી સ્કીમ, એસ.ઈ.ઝેડ., સ્પેશિયલ પર્પઝ એલોટમેન્ટ, એક્સ્ટ્રા એફએસઆઈ, ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર જેવા રૂપાળા નામો હેઠળ બિલ્ડરભાઈઓ પર પુષ્પવર્ષા કરતી રહે છે. આવા મોકા આમ જનતા બોલે તો મેંગો પીપલને ક્યાં મળે છે? એ તો વિશેષ લોકોને જ હોય ને?

 

 

1 comment:

  1. આ વાત માન્યામાં આવે એવી નથી, ચોક્કર આ બિલ્ડર અમદાવાદી તો નહિ જ હોય, અમદાવાદી હોય તો આવી વાત પત્ની સાથે ડિસ્કસ એટલે ચર્ચી ને પત્ની પાસે જ આવો ખર્ચો કરવાની ના પડાવે, અને પાંચ વર્ષ સુધી પત્નીને આ વિચાર કર્યો હતો માટે આભારી રાખે, કદાચ એની પાસે બહુ પૈસા એ પણ કાળા હોય તો છાનો માનો સિંગાપુર લઇ જાય,
    આપના આ સંશોધન માટે અમે તો આભારી રહીશું જ, સુંદર લખાણ અને વિષય, અધીરભાઈ

    ReplyDelete