Sunday, October 28, 2012

ફ્રી પર આફરીન આપણી પ્રજા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૮-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |    અમદાવાદમાં ઝવેરીવાડની પાણીપુરી ફેમસ છે, પણ ત્યાં દુકાનદારે બોર્ડ માર્યું છે કે પાણીપુરી સાથે ‘મસાલા પૂરી ફ્રી નહિ મળે’. અમદાવાદીઓને સદાય સસ્તું, સારું અને નમતું જોઈએ. એ રૂપિયાની ત્રણ અધેલી શોધે. દુનિયામાં અમદાવાદીઓની આવી ઈમેજ છે. અખબાર સાથે ફ્રી ગીફ્ટનો રીવાજ પણ કદાચ અમદાવાદી પ્રજાના આ વિલક્ષણ સ્વભાવના લીધે જ ચલણમાં આવ્યો છે. અમે સ્વાભાવિક રીતે આવી બધી ખોટી વાતો સાથે સહમત નથી થતાં! હવે તો પાણી પણ પાઉચ પેકીંગમાં મળે છે, એટલે નમતું મળવાનો તો સવાલ જ નથી. તો અધેલી પોતે જ હવે ચલણમાંથી જવાની તૈયારીમાં છે એટલે રૂપિયાની ત્રણ અધેલી મળે તો પણ એનું શું કરવું એ સવાલ થાય. અને વાત જો સસ્તાની હોય તો સસ્તું કોને નથી જોઈતું? પછી એ અમદાવાદી હોય કે મુંબઈગરો. ‘ફ્રી’ વસ્તુ માટે લોકો આખો દિવસ લાઈનમાં તપે છે. સામાં ઈલેક્શને મફત ઘર અને લેપટોપ માટે જે રીતે લોકોએ ધસારો કર્યો (એવું કહેવાય છે કે અન્ય પાર્ટીના કાર્યકરોએ પણ આ સ્કીમમાં નામ નોંધાવ્યા છે!) એ આ વાતની સાબિતી છે.

આજકાલના છોકરાઓ તો ટીવી પર જે વસ્તુ નાચી ન  હોય એવી પ્રોડક્ટ હાથમાં પણ ઝાલતા નથી. ફ્રી યોયો માટે દુધમાં મિલાવવાના પાવડરનો ખર્ચો કરાવનાર બાળક યોયોથી દુકાનમાંજ રમવા લાગે છે, પણ દૂધ પીવામાં તો અખાડા જ કરે છે. તો ગૃહિણી માટે ક્યારેક ફ્રી વસ્તુ ઘણી વાર બમણું કામ કરે છે. અખબારની કૂપનો ચોંટાડેલ ફોર્મ સામે ઘરમાં અથાણાંનું પેક આવે ત્યારે પહેલાં તો અથાણું મફત છે એનો આનંદ આપે છે. અને ઘરમાં આ મફતનું અથાણું પડ્યું હોય એટલે ગૃહિણી અથાણાં ‘નાખવાની’ કડાકૂટમાંથી બચી જાય છે. 

ફ્રી આપવામાં એક પર બીજી વસ્તુ ફ્રી મળે એ પોપ્યુલર છે. જેમ કે ટીવી ખરીદો તો કુકર ફ્રી મળે. ફ્રીઝ ખરીદો તો કેમેરા મળે. પણ બાઈક સાથે ફ્રી મળતી હેલ્મેટ ‘સેવ સ્પેરો’ અભિયાનમાં ચકલીના માળા કરવા અભેરાઈ ઉપર મુકાઈ જાય છે. આમાં ટીવીની સાથે વોલક્લોક ફ્રી આપે એ ગીફ્ટનો આઈડિયા જેણે પણ કાઢ્યો છે એની રમૂજવૃત્તિને અમે દિલથી દાદ આપીએ છીએ. જોકે અમુક વસ્તુ ખરીદો તો સાથે ફ્રીમાં મળતી વસ્તુ જલ્દી દેખાતી નથી. જેમ કે મોબાઈલ સાથે માથાનો દુખાવો ફ્રી મળે છે. ટીવી સાથે મેદસ્વીતા ફ્રી મળે છે. તમાકુ ખરીદો એટલે કેન્સર ફ્રી મળે છે. અને લગ્ન કરવાથી દહેજ ઉપરાંત આખું સાસરું ક્યાં ફ્રી નથી મળતું?

શાકભાજીની લારીઓ ઉપર જોકે ‘એક પર એક ફ્રી’ સેલ હજુ સુધી જોયા નથી. અને એ સારું છે. તમે એક દુધી લો તો બીજી દુધી ફ્રી આપે એવી સ્કીમ હોય તો ઘરમાં દુધી સપ્તાહ ઉજવવું પડે. પણ હવે વોલમાર્ટ જેવી કંપનીઓ આવશે તો કદાચ ‘દસ ભીંડા સાથે વીસ ભીંડા ફ્રી’ જેવી ઓફર્સ જોવાં મળે પણ ખરી. જોકે મહિલાઓ સ્કીમ વગર પણ શાકભાજી સાથે જોખમાં કોથમીર-મરચાં મફતમાં નખાવતી જ હોય છે. સામે શાકવાળા પણ હોંશિયાર થઈ ગયા છે એટલે આવા ઘાલખાધનાં કોથમીર મરચાં અલગ ક્વોલીટીના લાવે છે. એક બેન લાંબો સમય વિદેશમાં રહ્યાં પછી અમદાવાદમાં સેટલ થયા. એમણે પહેલીવાર લારી પર શાક ખરીદ્યું તો શાકવાળાએ સાથે કોથમીર મરચાં નાખી દીધા. બેન તો નારાજ થઈ ગયા. કહે કે ‘મારે નથી જોઈતા’. શાકવાળો કહે કે ‘પણ બેન આનાં રૂપિયા નથી લેવાનો’. તો બેનનાં માન્યામાં ન આવે.

રમેશ પારેખે કહ્યું છે કે ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને’. ફ્રી ગીફ્ટમાં પણ ઘણીવાર આવો જ દાવ થતો હોય છે. મફતનો કેમેરા મળે એ વ્યક્તિ ઘરકૂકડી હોય એવું બને. સ્પોર્ટ્સ શુઝ સાથે મફત ઘડિયાળ મળે, પણ પહેરનાર માણસ આળસુ હોય. તો ક્યારેક એવું પણ બને કે મફતના અથાણાં વધારે ખાટા હોય અને એમાં પાછી ઘરમાં વાની તકલીફ હોય. એટલે જ કદાચ કાંસકા ફ્રી ગીફ્ટમાં કદી મળતા નથી.

ઇવાન પાવલોવે સાઇકોલોજીકલ એક્સ્પેરીમેન્ટસ માટે જાણીતો છે. એણે એક વખત કૂતરાને ખાવાનું આપતા પહેલાં ઘંટડી વગાડવાનું શરુ કર્યું. ઘંટડી વાગે એટલે ખાવાનું મળે, એ વિચાર માત્રથી કૂતરાના મ્હોમાંથી લાળ ટપકવા લાગતી. પછી તો એ ખાવાનું ન નાખે અને ખાલી ઘંટડી વગાડે તો પણ કૂતરાના મ્હોમાંથી લાળ ટપકવા લાગી. ફ્રી વસ્તુઓ અને સેલ પણ કંઇક આ ઘંટડી જેવું કામ કરે છે. સેલ કે ફ્રીનું નામ સાંભળી ખરેખર કશું મળે કે ન મળે, આપણે ખરીદી કરી લઇ છીએ !

ડ-બકા

કઠોર પરિશ્રમ કરો ત્યારે રૂપિયા છૂટે છે બકા;
ઉધાર લેવામાંય આજકાલ ચંપલ તૂટે છે બકા!

 

No comments:

Post a Comment