Monday, October 15, 2012

દેવું કરો અને કાર ચલાવો

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૭-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |   એક જમાનામાં એવું કહેવાતું હતું કે સર્વે ગુણા: કાંચનમાશ્ર્ય્ન્તે’, એટલે કે સોનામાં સર્વગુણ સમાયેલા છે. જેની પાસે સોનું હોય એ સમાજમાં ઇજ્જતદાર ગણાતો હતો. એવાં ઘરમાં છોકરી અપાય અથવા એવાં ઘરની છોકરી આવે એવું ઇચ્છનીય રહેતું. હવે સાચું સોનું પહેરીને નીકળો તો ક્યાં નકલી પોલીસ આ સોનું ઉતારી જાય છે કે ધૂમ સ્ટાઇલમાં આવી ચેઇનસ્નેચર ચેઇન ઉડાવી જાય છે. એટલે જ કદાચ હવે સોનાનું સ્થાન મોંઘી કારોએ લીધું છે. કારને કોઈ સહેલાઈથી ઉડાવી શકતું નથી, કાર કોઈને ઉડાડી શકે છે. મોંઘી કારવાળાઓને લોકોને ઉડાડવા પોસાય પણ છે. હા, ગરીબ માણસની કિંમત કેટલી? લાખ કે બે લાખ, બસ?

કાર કોણે લેવી? ક્યારે લેવી? કઈ રીતે લેવી? અને લીધા પછી ક્યાં જવું? એ ગુગલ પર સૌથી ઓછાં પુછાતાં પ્રશ્ન ભલે હોય, પણ સમાજ અને કુટુંબમાં સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન જરૂર હશે. એક જમાનામાં કાર ખરીદવામાં બહુ વિકલ્પ નહોતા. એ જમાનામાં એમ્બેસેડર હોય એ લોકો અઠવાડિયામાં સાત દિવસ કાર ઘસી ઘસીને સાફ કરતાં અને અઠવાડિયે એકવાર કારનો ઉપયોગ કરતાં હતાં. હવે કાર એટલી સામાન્ય થઈ ગઈ છે કે લોકો સાત દિવસ ઉપયોગ કરે છે ને એક દિવસ સાફ કરે છે. એટલે જ અમારા મતે દરેક માણસે કાર લેવી જ જોઈએ એ માટે લોન લેવી પડે કે દેવું કરવું પડે તો કરી નાખવું, પણ કાર તો વસાવવી જ. લીધાં પછી ભલેને કવર ચઢાવીને મૂકી રાખવી પડે, પણ કાર તો લેવી જ.

સરકારી કર્મચારીઓમાં પણ છઠ્ઠાં પગાર પંચનો હપતો છૂટે કે સામે કાર છોડાવે એવી નવી પ્રણાલિકા હવે પડી છે. જૂની કાર કે બાઈક લઈને ફરતા કર્મચારીઓને પૂછવામાં આવે છે કે તમારે પગાર પંચનો હપતો હજી નથી છૂટ્યો?’ અમારી તો કાર (અને ખાસ તો એની હાલત જોઈને) જોઈને મારી સાથે કામ કરતાં જુનિયર કર્મચારીઓ અવારનવાર સાહેબ, હવે કાર બદલો, નથી શોભતીએવું સૂચન કરતાં હોય છે. એટલે જ હું એવાં લોકોની સામે મારી પત્ની સાથે જતાં ડરું છું.

કાર એ જરૂરિયાત પણ છે અને સ્ટેટ્સ સિમ્બૉલ પણ છે. મોંઘી કાર વાપરનાર આપોઆપ મહાન બની જાય છે, પછી ભલે એ બંગડીવાળી કારની બારીમાંથી રસ્તા પર કચરો ફેંકે કે પાનની પિચકારી મારે. જોકે સસ્તી કાર વાપરનાર પાનની પિચકારી મારે તો એ સામાન્ય ઘટના ગણાય છે. મિડલ ક્લાસ લોકોને એવું કરવાની છૂટ આપણા સમાજે આપી છે. યુવાનો કારમાં મોટે અવાજે ગીતો વગાડે એવી ફૅશન પણ એક જમાનામાં હતી. પણ હવે કાચ ખુલ્લા રાખી કાર ચલાવવાથી લોકોને ડસ્ટ પ્રૉબ્લેમથાય છે. તો એસીમાં પેટ્રોલ વધારે બળે એ દાવે કાચ ખુલ્લા રાખીને ચલાવનાર હવે મિડલકલાસ પણ ગણાય છે. પહેલાં તો કારની પાછળ છોકરાઓના નામ લખવાની ફૅશન હતી. હવે સારી પંદર વીસ લાખની કાર હોય તો પાછળ નામ લખવાની જરૂર નથી પડતી કારણ કે લોકો આપોઆપ નોંધ લે છે. જૂની, ચીલાચાલુ મોડલની કાર પર છોકરાના નામ લખો તો બિચારાં છોકરાઓની બેઇજ્જતી થાય છે કે હાય હાય રાહુલના પપ્પાની કાર સાવ આવી?’

મહિલાઓ કાર ચલાવતી જોવા મળે એ હવે સામાન્ય ઘટના છે. મારે ચલાવવી છે’, ‘હું પણ’, ‘હું પણ કેમ નહિ’, જેવા કારણસર કારના સ્ટીયરીંગ પાછળ મહિલા બેસે છે. મહિલાઓમાં સાડી કે દુપટ્ટો દરવાજાની બહાર રહે તેવી રીતે બેસવાની ફૅશન પણ એક જમાનામાં હતી. પણ હવે સાડી અદ્રશ્ય ને દુપટ્ટા ટૂંકા થવા લાગ્યા છે. આ સાડી દુપટ્ટો બહાર રહે તો સિગ્નલ ઉપર કે સાઈડમાં બાઈક કે સ્કૂટર ચલાવતા પુરુષચાલક (જ) આ તરફ મહિલાનું ધ્યાન દોરે એવી રોજીંદી ઘટનાઓ પણ બનતી. પણ હવે જિન્સ, કેપ્રી-ટીશર્ટનું ચલણ વધ્યું છે ત્યારથી આવી તક સ્કુટરચાલકોને મળતી નથી. જોકે મહિલા ચાલકોથી ડરવાની પ્રથા હજુ પણ ચાલુ જ છે અને એટલી જ પ્રચલિત છે, અને અમારા મત મુજબ વાજબી પણ છે!

પણ આ કાર-દોડ વચ્ચે ક્યાંક સાંભળેલું યાદ આવે છે કે નવી લીધેલી કાર ઇનામમાં મળેલા પેલા સુવર્ણચંદ્રક જેવી હોય છે, જેનાથી સમાજમાં માન-મોભો તો વધે છે પણ એને તોડાવીને દાગીનો નથી બનાવી શકાતો દોસ્ત!

ડ-બકા
ઘસરકો દઈને બાઈક સરી જાતું હશે,
ત્યારે કારવાળાને કંઈક તો થાતું હશે ને?

No comments:

Post a Comment