Thursday, October 25, 2012

માડી તારા ગરબામાં

 | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૧-૧૦-૨૦૧૨ | અધીર અમદાવાદી |   

ગરબા એ માતાજીની ભક્તિનું પર્વ છે. જોકે હવે નવરાત્રિ ભક્તિ મટી મસ્તીનું પર્વ થઈ ગયું છે. ઘરે ઘરે આરતી-પ્રસાદ થાય છે પણ યુવાધન નવરાત્રિ આવે એના મહિના પહેલાંથી થનગનવા લાગે છે. જે લોકોને ડાન્સ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી તેવાઓ ડાન્સ ક્લાસમાં નામ નોંધાવે છે. હવે તો કોર્પોરેટ કંપનીઓ પ્રોફેશનલ ગરબા શીખવનાર રોકી સ્ટાફને ગરબા શીખવે છે. કદાચ એ માટે કે એમના ઓફિસર (જે નોન-ગુજરાતી હોય) ગરબા કરે ત્યારે કોઈના હાંસીના પાત્ર ન બને કે 'હાય હાય, કંપની એના નેટવર્કની ઠોક ઠોક કરે છે પણ પેલાને જુઓ તો ખરા, આના કરતાં જોની લીવર નાચતો હોય તો વધુ સારો લાગે.'

આ તો તૈયારીની વાત થઈ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર જુઓ તો આપણા દેશની વિવિધતામાં એકતાવાળી પરિસ્થિતિ જોવા મળે છે. ગરબો જ્યારે ધીમી ગતિએ શરૂ થાય ત્યારે કાકાઓ અને આન્ટીઓ (હા, કાકાને કાકા કહેવાય પણ કાકીને આન્ટી કહેવાં પડે, કેમ એ ન પૂછશો!) સૌથી પહેલાં મેદાનમાં ઝુકાવે છે. ઉંમર માણસને વાસ્તવિકતામાં જીવતાં શીખવાડે છે એ કારણે કે આધ્યાત્મિક કારણ હોય, આ લોકોના ગરબા ફિઝિકલ કમ અને માનસિક વધારે હોય એવું જોનારને લાગે છે. કોઈ પણ પ્રકારનો ઉત્સાહ મોઢા પર ન દેખાઈ જાય એની પણ આ લોકો તકેદારી રાખતા હોય છે. આ ગરબામાં કમરથી વાંકા વળવાથી આવતાં ગંભીર પરિણામો વિશે સભાન મહિલાઓ શરીરની ઊભી ધરીમાં એકદમ ટટ્ટાર રહી ગરબા કરે ત્યારે એકંદરે કોલ્ડ્રીક્સના બોટલિંગ પ્લાન્ટમાં બબ્બે લિટરની બોટલો સરી જતી હોય તેવો દેખાવ સર્જે છે. અસહ્ય ઘોંઘાટ અને ઘટતી શ્રવણશક્તિ વચ્ચે પણ 'દરજીએ ડ્રેસ બગાડયો', 'આજે દાળઢોકળી કરી હતી' જેવી જરૂરી વાતો પણ થતી રહે છે.

કાકાઓમાં જોકે થોડી લચક અને જોમ વધુ હોય છે. વચ્ચે વચ્ચે ગરબો બદલાય કે ગાનાર સટોડિયાની જેમ ટેમ્પરરી તેજી લાવે એમાં હરખાઈને એ જોશમાં ગરબા ગાઈ નાખે છે. અંતે આ જોશ લોકોના પગ કચડાવાની દુર્ઘટનામાં અથવા તો ગરબાની સ્થાપિત લાઇનમાંથી વિસ્થાપનમાં પરિણમે છે. ક્યારેક 'કાકા ધક્કા ન મારો' એવું પણ સાંભળવા પામે છે. આ કાકાઓમાંથી અમુક તો લોકોનું મનોરંજન કરવાની તીવ્ર ઇચ્છાને લીધે કે સલમાન ખાનના 'અલગ છે' મેસેજ ને બહુ સિરિયસલી લીધો હોય એટલે, નખશિખ ખેલૈયાના સ્વાંગમાં આવ્યા હોય છે. એટલું જ નહીં એમની ગરબા કરવાની સ્ટાઇલ પણ અલગ હોય. બધા તાળી પાડે ત્યારે ચપટી વગાડવી, બધા તાળી પાડે ત્યારે ફુદરડી ફરવી, બધા નીચે ઝૂકે ત્યારે છેક જમીનને અડી જવું જેવી વૈવિધ્યપૂર્ણ એક્ટિવિટી કરતાં જોવા મળે છે. મહદંશે કલાકમાં તેઓ રાજીનામું આપી માવો ઘસવા લાગે છે.

ગરબા શરૂ થાય એટલે પગમાં નાનકડી આઇટમો પણ અટવાવાની શરૂ થાય છે. જેમ ચોમાસામાં પહેલો વરસાદ થાય ત્યારે ઘરમાં જીવાત ઉભરાય એમ આ ટીંચુકડાઓ ઊંઘ આવે ત્યાં સુધી જ એટલે કે શરૂઆતના કલાકમાં ભલભલાના સ્ટેપ ચૂકવી દે એમ અટવાતા ફરે છે. આમને તાલ સાથે કંઈ લેવાદેવા ન હોઈ, ઇચ્છે ત્યારે તાળી વગાડી દે છે. જો એમના હાથમાં દાંડિયા હોય તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે. આ ટાઈની ટોટ્સ થોડાક ક્યૂટ જરૂર હોય છે, પણ એમની મમ્મા અને દાદાને જેટલા લાગે છે એટલા પણ ક્યૂટ નથી હોતા!

આજકાલ ગરબામાં બેસ્ટ પરફોર્મન્સ કરનારને મોટાંમોટાં ઇનામો અપાય છે. પ્રાઈઝ મેળવવાના એક વણલખ્યા ક્રાઈટેરિયા મુજબ પહેલેથી છેલ્લે સુધી ર્સ્ફૂિતપૂર્વક ગરબા કરવા પડે છે. ગરબા શરૂ થાય અને ધીમી ગતિએ ચાલતાં હોય ત્યારે પણ માથે ફાળિયા, ટોપી, ઓઢણીથી પગના વીંછીયા સુધી નખશિખ તૈયાર યુવા આવા ધીમા તાલ પર પણ યથાયોગ્ય ખેલ દેખાડે છે. આ સમયે કે જ્યારે ટેણિયાં, કાકાઓ અને આન્ટીઓ જ મેદાનમાં હોય ત્યારે આવા ઈનામવાંછુંકો, ક્લાસમાં શીખેલી પણ ચીલાચાલુ એવી, ઊડીને આંખે વળગે એવી સ્ટાઈલથી અલગ તરી આવે છે.

ડ્રમ અને ઢોલ વગાડનાર પણ કદાચ પોતાનું ઘરમાં ચાલતું ન હોય એની આખા વરસની ખીજ ઢોલ પર કાઢતાં હોય છે. આમ ગરબા જ્યારે ફુલ વોલ્યૂમે ચાલતાં હોય ત્યારે પાકા ખેલાડીઓ જ છેલ્લે રહી જાય છે. એમની ચપળતા અને ખાસ કરીને જોડીદાર સાથેના સાતત્યપૂર્ણ સ્ટેપ બહાર ઊભા રહી જોનાર હમઉમ્ર પણ કાચા ખેલૈયાઓમાં ઇર્ષ્યાભાવ જગાવે છે, તે એટલે સુધી કે એ વધુ જોઈ નથી શકતા અને 'કાશ, મારી પાસે આવી પાર્ટનર હોત તો?' એમ વિચાર કરતાં કરતાં, નિસાસા નાખતાં, ફૂડકોર્ટ ભણી રવાના થાય છે. પણ ખરા ખેલૈયાઓ છેલ્લો બીટ વાગે ત્યાં સુધી મેદાન છોડતા નથી.

No comments:

Post a Comment