Monday, March 11, 2013

બજેટ અને કવિતા

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૦-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
બજેટ આવે છે અને જાય છે. રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એવું બધું છપાય છે. બજેટમાં રૂપિયો મારા-તમારા ખીસામાંથી આવે છે એટલી તો ખબર પડે છે, પણ પછી જાય છે ક્યાં એ સાલી ખબર પડતી નથી. પણ રૂપિયો જ્યાં જતો હોય, મઝાની વાત એ છે કે વર્ષોથી બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કવિતા ફટકારવાનું ચૂકતા નથી. બજેટ અને કવિતાનો સંબંધ ગુજરાત પોલીસ અને બુટલેગર જેવો છે. બેઉ એકબીજાનાં પૂરક છે. બજેટ ગુજરાતનું હોય કે કેન્દ્રનું હોય, મંત્રી લાલુ જેવો પાકો ખેલાડી હોય કે ચિદમ્બરમ જેવો હિન્દીનો અનાડી, બજેટ પ્રવચનમાં કવિતા ફટકાર્યા વગર રહી શકતાં નથી. કદાચ એવું હશે કે આકરાં કરવેરા નાખતા પહેલાં આકરી કવિતા કહેવાથી લોકોને બજેટ વધારે સહ્ય લાગે. હમણાં જ રેલ્વે બજેટ રજૂ કરતી વખતે રેલ્વે મંત્રી પીકે બંસલે વગર પીધે કવિતા કરતાં કહ્યું કે:  

“ન બહારો સે બાત કરની હૈ, ન ચાંદ તારો સે બાત કરની હૈ
દરિયા કો પર કરના હૈ તો કિનારોસે બાત કરની હૈ” 

જોકે પીસીના બજેટ પ્રવચનમાં કવિતા ન આવી. અમને લાગે છે હજુ કવિતાને બજેટમાં વધુ અવકાશ છે, તો જુઓ શું થઈ શક્યું હોત એ.

બજેટ સર્વગ્રાહી વિકાસલક્ષી છે અને કોઈ વહાલું કે દવલું નથી એ દર્શાવવા નાણામંત્રી બજેટની શરૂઆત લોકોને શેખાદમ આબુવાલાની આ રચનાથી કરી શકે;
 કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ  ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને”

અથવા તો શ્રી બાલાશંકર કંથારિયાની આ પંક્તિઓ ટાંકી શકે કે, બજેટની જોગવાઈઓ વિષે સાંભળીને
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુઃખ કે આનંદ કોઇને નહીં કહેજે! 

વધતા જતાં વાહનો અને પાર્કિંગની સમસ્યાના હલ તરીકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મેટ્રો રેલ અને બીઆરટીએસ સરકારનું પ્રિય સોલ્યુશન છે. બીઆરટીએસ જેવી યોજનાઓ માટે ખર્ચની જોગવાઈ રજૂ કરતી વખતે નાણામંત્રી અશરફ ડબાવાલાનો શેર કહી શકે કે, આપણે હાલમાં આવી પરિસ્થિતિ જે પ્રવર્તે છે એ બદલવી છે;

“ચિક્કાર બસમાં પ્હેલાં ચડી જા તું અબઘડી,
વિચારજે પછી કે જગા કોણ આપશે !”

ગુજરાત અને મુંબઈમાં તો તોયે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પણ જ્યાં આ સુવિધા નથી ત્યાંના લોકો પોતાના વાહન વાપરે છે. હવે દૂધવાળા, પોસ્ટમેન અને છાપાવાળા પણ બાઈક વાપરે છે. પરંતુ સામાન્ય રીતે આ વાહનોની કિંમતમાં બજેટમાં વધારો થતો રહે છે. તો બાઈક પર ટેક્સની દરખાસ્ત કરતાં નાણામંત્રી કહી આ બંદાનો શેર કહી શકે કે;

ચાલવાની ટેવ સાવ છૂટી જતી રોકવા ‘અધીર’
ચાલો બજેટમાં વાહનો પર નવો ટેક્સ નાખીએ.

કરોડપતિ લોકો અને લક્ઝરી આઇટમ્સ પર જયારે વધારાનો ટેક્સ નાખવામાં આવ્યો ત્યારે કરસનદાસ માણેકની કવિતા થોડાં ફેરફાર સાથે આમ કહી શકત કે;

છે ગરીબોના સ્કુટરમાં પેટ્રોલ ટીપું દોહ્યલું
ને અમીરોની સુયુવીમાં કૂતરાં એસી ખાય છે.

ફાઈનાન્સ મીનીસ્ટર બજેટ બનાવે ત્યારે એમનાં હોમ-મીનીસ્ટર પણ કચકચ કરતાં હોય છે. નાણામંત્રીને આમ તો મોંઘવારી નડે નહિ એવો બધાનો મત છે, પણ પત્ની કોને કીધી? એટલે મિસિસ ફાઈનાન્સ મિનિસ્ટર ગૃહિણીઓનું બજેટ ખોરવાય નહિ એ માટે કરવેરા ઓછાં કરવા કહે તો, જવાબમાં કઠોર થઈ એફ.એમ. આપણો આ શેર કહી શકે કે;

ચાહે તો મારો જીવ લઈ લે સનમ,
કરમાં રાહત માંગીશ તો નહિ મળે.

બજેટમાં સિગારેટનાં ભાવમાં વધારો થયા એવી કર દરખાસ્ત રજૂ કરતી વખતે પીસી બોલી શકે કે,

ન શરાબથી ન સિગારેટથી ગમ દૂર થાય છે;
નવા કરથી લોકો એ છોડવા મજબુર થાય છે.

બજેટ રજૂ થયા પછી જેમણે આ બધી આંકડાની માયાજાળની માટે ગાળો ખાવાની છે તે આપણા પ્રધાનમંત્રી ‘મરીઝ’ની આ પંક્તિ ગણગણતા હશે, અલબત્ત મનમાં જ કે,
       
“જીવનભરના તોફાન ખાળી રહ્યો છું,
        ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે!”

જોકે પથારીમાં મોઢું ગમે તે તરફ રાખો, શરીરનો અમુક ભાગ વચ્ચે જ આવે છે, એમ બજેટ ગમે તેવું હોય ભાવ તો વધતા જ રહે છે. તો ફાઈનાન્સ મીનીસ્ટરનાં બજેટને વધારે બખાળા કર્યાં વગર આપણે સુદર્શન ફાકિરનાં આ શેરથી વધાવીએ;

एक दो रोज़ का सदमा हो तो रो लें 'फाकिर',
हम को हर रोज़ के सद़मात ने रोने ना दिया |”

ડ-બકા

તું કુલ, તું કલેવર, તું સેલીબ્રીટી બકા,
તું ફ્લુ, તું ફીવર, તું એસીડીટી બકા.

 
 
 

2 comments:

  1. અમારા અર્થશાસ્ત્રના પ્રોફેસર કહેતા," જ્યારે કોઈ જુઠને સત્ય સાબિત કરવું હોય ત્યારે આંકડાઓની માયાજાળ રચી કરી શકાય છે અને આ માયાજાળ કેમ રચવી તેનું જે શાસ્ત્ર છે તેને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કહે છે."

    ReplyDelete
  2. અને બજેટના અંતે ના.પ્ર. એવું કહી શકે કે
    ગુજારે જે શિરે તારે ભારત સરકાર તે સહેજે,
    ગણ્યું જે પ્યારું પ્યારાએ,(સોનીઅજી અને રાહુલજી), અતિ પ્યારું ગણી લેજે,

    ReplyDelete