Monday, March 18, 2013

ડબલ સીઝન

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૭-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી|
  


લોકો છાપામાં ડબલ બેનીફીટલખેલું વાંચે એટલે સ્કીમનો લાભ લેવા દોડે છે. એકના ડબલ કરવાની લાલચમાં હોંશે હોંશે લોકો લાખો રૂપિયા અજાણ્યા કીમિયાગરોને આપી આવે છે. તો અમુક દારુ પીવે એટલે એમને બધું ડબલ દેખાય છે, પણ પછી પત્ની ડબલ દેખાય એટલે નશો ઊતરી જાય છે. જોકે શિયાળો જાય અને ઉનાળો આવે એ વચ્ચેનો ટ્રાન્ઝીશન પીરિયડ જાત જાતની માંદગી લાવે છે. શરદી ઉધરસ અને વાઈરલ ઇન્ફૅક્શન આમાં પ્રમુખ છે. આવો કોઈ કેસ જોવા મળે એટલે લાગતા-વળગતા સહાનુભૂતિપૂર્વક આ તો ડબલ સિઝન છે એટલે આવું તો રહેવાનુંકહી  પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ડબલ સિઝન આવે ત્યારે થતો અનુભવ એ અન્ય ડબલ જેટલો આવકારદાયક નથી હોતો!

સીઝનના ઘણા પ્રકારની જોવા મળે છે જેમકે અથાણાની સીઝન, ક્રિકેટની સિઝન, મસ્સીની સીઝન, મકાઈ અને દાળવડાની સિઝન, ચૂંટણીની સીઝન વિ. વિ. પણ આ બધી સીઝનોની વચ્ચે એક સીઝન આજકાલ દરેક કુટુંબ અને સાંપ્રત ચર્ચાઓમાં સ્થાન પામી છે અને એ છે ડબલ સીઝન. ડબલ સીઝન વિષે જેટલા મ્હો એટલી વાતોના હિસાબે ઘણી માન્યતાઓ પ્રવર્તે છે, મોટેભાગે નકારાત્મક. તેમ છતાં આ બધામાં માણસના મન જેવી સારગર્ભિત એવી ડબલ સીઝનનો શું વાંક? ડબલ સીઝન, સીઝનલ ધંધો કરનારાઓને બે (નંબરના) ધંધા કરવા તો નથી પ્રેરતી ને? બદલાતી ઋતુ કવિઓની કાલ્પનિક પ્રેયસીની અમીદ્ગષ્ટિથી લીલાછમ બનેલા ગોકુળ ને સહારાના રણમાં તો નથી ફેરવી નાખતી ને? 

આ સીઝનમાં સામાન્ય શરદીથી લઈને વાઈરલ ઇન્ફૅક્શન માટે ડબલ સીઝનને કોસવામાં આવે છે. જેમ વિપક્ષ દેશની બધી સમસ્યા માટે વર્તમાન સરકારને કાયમ ગાળો દે છે એમ આ સીઝનમાં થતાં કોઈ પણ રોગ માટે ડબલ સીઝનને જવાબદાર ઠેરવવામાં આવે છે. લક્ષણ કોઈ પણ હોય, માથું દુખતું હોય, નાક ગળતું હોય, પગ દુખતા હોય કે પછી તાવ, આ બધાં માટે ડબલ સિઝન જ જવાબદાર. પછી ભલે બહેને પાણીપુરીની લારીએ ખાતું ખોલાવ્યું હોય અને રોજ શાક લેવા જતી વખતે એ પેટમાં ઓરતાં હોય કે પછી ભાઈ સિગારેટો ફૂંકી ફૂંકીને ફેફસાં ઢીલાં કરી બેઠાં હોય, જવાબદાર તો ડબલ સિઝન જ ગણાય!
પાછું ડબલ સીઝનના આવા પ્રખર વિરોધીઓ ડબલ સિઝન એટલે શું?’ એનું સવિસ્તર વર્ણન કરતાં સાંભળવા મળે છે.

જોવોને બપોરે કેટલી ગરમી લાગે છે, આપણ ને થાય કે એસી ચાલુ કરવું પડશે, અને સવાર સવારમાં એટલી ઠંડી લાગે કે દૂધ લેવા પણ સ્વેટર પહેરીને જાઉં પડે છે બેન! આ શિયાળામાંથી ઉનાળામાં ગતિ થાય એ વખતની ડબલ સીઝનનું આલેખન છે.

તેવી રીતે ઉનાળામાંથી ચોમાસું બેસે ત્યારે ઘડીકમાં બાફ લાગે છે ને ઘડીકમાં હમણાં ધોધમાર પડશે એવું લાગે, મને તો કંઈ સૂઝ જ નથી પડતી’. આપણને થાય કે તારે સૂઝ પાડીને કરવું શું છે બેન, હેં?
અને ડબલ સીઝનમાં જેવા શરદી અને ઉધરસ થાય કે જેટલા મોઢા એટલી સલાહ મળે. ઘરમાં કે પડોશમાં સાકર બા જેવા કોઈ વૃદ્ધ હોય તો એ તજ, મરી, ગંઠોડા, સૂંઠને આદુંનો ઉકાળો કરી સવારમાં પીવાનું કહે, ને તમે આવું ખરેખર કરો તો તમારા નાક સહિત રોમેરોમમાંથી પાણી ગળવાનું ચાલુ થઈ જાય! જ્યાં શ્વાસ લેવાના ફાંફાં હોય ત્યાં કોક ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ કરો!જેવી સલાહ આપે. કોઈ અજમાની પોટલી સૂંઘવા કહે તો કોઈ રાઈ-મીઠાનો ધુમાડો કરવા સલાહ આપે. કોઈ મીઠાના પાણીના કોગળા કરવા કહે તો કોઈ અરડૂસીનો રસ કાઢી પીવા. વચ્ચે વચ્ચે કોક ખાલી નાડી જોઈ રોગ કહી દેએવા વૈદ્યનું માર્કેટિંગ કરી જાય.

આમ ડબલ સીઝનનો ભોગ બનેલ દર્દીની હાલત વધુ નાજુક બને છે. ડબલ સીઝનમાં શરદી અને ઉધરસ બહુ થતી હોય એમાં બધાને જવાબો આપવાનાં. કાગડા જેવા દોસ્તાર મજાક મશ્કરી કરે પણ દેડકાનો જીવ જાય છે એ સમજે નહિ. પાછું જાતજાતની સલાહ આપનારને એમનાં સ્ટેટ્સ પ્રમાણે માનથી સાંભળવા પડે.

જેમ કે બોસ કહે કે મી. અધીર, મારી મધર-ઇન-લો મને ઉધરસ થાય ત્યારે સૂંઠની ગોળી કરી મોકલાવે અને ત્રીજી ગોળીએ તો ઉધરસ કન્ટ્રોલમાં આવી જાય, યુ સી’.
પણ બૉસને એમ થોડું કહેવાય છે કે “તમારી સાસુને કહો કે થોડી ગોળીઓ મારા માટે પણ મોકલે”.
ત્યાં તો યેસ સર, આજે જ મારી વાઈફને કહુએમ ઠાવકા થઈને કહેવું પડે.

ખેડૂત વરસાદથી, વિદ્યાર્થી વેકેશનથી, કર્મચારી વિકએન્ડથી, ઘરઘાટી હોળી આવવાથી અને ડોક્ટરો ડબલ સિઝન આવવાથી ખુશ થાય છે. ડબલ સીઝનથી ડોક્ટરોને ત્યાં આવતા પેશન્ટોની સંખ્યા ડબલ થાય છે એટલે તિજોરીમાં રૂપિયા પણ ડબલ થાય છે. જોકે જેમ પાક ઊતરે એટલે ખેડૂતો બૈસાખી (પંજાબી), વિશુ(કેરાલા) અને ઉગાડી(તેલુગુ) જેવા તહેવારની ઉજવણી કરે છે એવી રીતે ડોક્ટરો આ ડબલ સિઝન બેસે એટલે ઉજવણી કરતાં નથી જોવા મળતા, કદાચ એ ડોક્ટરો અને ખેડૂતો વચ્ચેનો કેળવણીનો ફેર દર્શાવે છે. હા, ડોક્ટરો એમની સીઝન પૂરી થાય એ પછીના વેકેશનમાં (ઉનાળો અને દિવાળીમાં) ઉજાણી કરવા વિદેશ યાત્રા જરૂર કરતાં હોય છે. પણ ડોક્ટરોમાં ગાયનેકોલોજિસ્ટની સીઝન બારેમાસ હોય છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં તો એમણે સીઝનની રાહ જોવી નથી પડતી. આમ છતાં ગાયનેકોલોજિસ્ટસને પણ આજકાલ વેલેન્ટાઈન ડે અને નવરાત્રિ પછી ડબલ સીઝનનો લાભ મળે છે. ખેર, આપણે શું એ બધી પંચાત!

No comments:

Post a Comment