Monday, March 11, 2013

બજેટ એનાલિસીસ



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૦-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી|
 

બજેટ એ આંકડાની માયાજાળ છે. નાણામંત્રી સુટકેસો ભરીને બજેટના ડોક્યુમેન્ટ લઈ આવે અને પછી બજેટ પ્રવચન કરે જેમાં જાત જાતના અને ભાતભાતના આંકડાઓ રજૂ થાય. વચ્ચે વચ્ચે કવિતા પણ કહે. સમજનાર એને સમજે, ના સમજનાર આ આંકડા કોઈ સરળ રીતે સમજાવે એ માટે ટીવી ચેનલ જૂએ કે બીજા દિવસે છાપા વાંચે. છાપામાં આપણને ખાસ જાણવા મળે કે કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી. જોકે ભાવ તો બારેમાસ વધતા હોય છે એટલે બજેટમાં કાર અને એસી મોંઘા થશે એવું વાંચીને લોકોને ખાસ ચચરતી નથી.

આ વખતે છાપું વાંચતા જાણવા મળ્યું કે હવે સાબુદાણા સસ્તા થશે. હવે સાબુદાણા સસ્તા થાય એમાં અમને તો ખુશ થવું કે કેમ એ જ સમજ નથી પડતી. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં લોકો ખાય છે એટલે સાબુદાણાના ભાવ ઘટાડી સરકાર લોકોને ઉપવાસ કરવા માટે પ્રેરવા માંગે છે કે કેમ એ મુદ્દાનો સવાલ છે. પાછું ઉપવાસમાં સાબુદાણાનો ઉપયોગ અમુક ધર્મમાં જ પોપ્યુલર છે ત્યારે કહેવાતી બિન-સાંપ્રદાયિક સરકારે સાબુદાણા સસ્તા કરી ભૂલ તો નથી કરીને? એવો સવાલ પણ અમને થાય છે. એ જે હોય તે, પણ સાબુદાણા સસ્તા થાય કે મોંઘાનો એનો અમને કોઈ ફેર નથી પડતો કારણ કે અમને આ સાબુદાણા અને એની બનાવટો ફેવિકોલ જેવી લાગે છે, અને ખાધાં પછી પેટમાં જઈને એનું શું થતું હશે એની કાયમ ચિંતા રહ્યાં કરે છે!

ભારતની જનતામાં વધતી જતી મેદસ્વીતાને કાબૂમાં રાખવા સરકારે ઓટમિલના ભાવ ઘટાડ્યા છે. હવે સવારના નાસ્તામાં ફાફડા, જલેબી ખાવા ટેવાયેલ લોકો ઓટમીલ જેવો પૌષ્ટિક આહાર ખાઈ શકશે. સામે એ.સી. હોટેલમાં જમવાના ચાર્જીસ વધવાથી દર રવિવારે બહાર ખાવાના શોખીન લોકો મહીને એકાદ વાર જ બહાર જશે. બાકીના ત્રણ રવિવાર સાંજે ખીચડી જેવો સુપાચ્ય અને હળવો ખોરાક જમીને વાસણ માંજવાની એકસરસાઈઝ કરશે, જેનાથી લોકો ‘ફીટ એન્ડ ફાઈન’ રહી શકશે.

બજેટમાં સુપર ધનિકો પર સરચાર્જ નાખવામાં આવ્યો છે. વર્ષે કરોડ રૂપિયાથી ઉપર આવક ધરાવનાર, ખાસ નોંધ- ઓન પેપર કાયદેસરની આવક ધરાવનાર, ઉપર સરકારે આ વધારાનો વેરો નાખ્યો છે. જાણવા જેવું એ છે કે અમદાવાદ જેવા સિટીમાંય જયારે આલિયા-માલિયા પચાસ લાખથી કરોડ રૂપિયાની કાર લઈને ફરતાં હોય છે એવા સમયે દેશની સવાસો કરોડની વસ્તીમાંથી ખાલી સાડી બેતાળીસ હાજર લોકોની આવક વર્ષે કરોડથી ઉપર છે. હવે જોઈએ આ દરખાસ્તથી સરકારને કેટલો ફાયદો થાય છે કે પછી આવતા વર્ષે આ સાડા બેતાલીસની સંખ્યામાં ઘટાડો થાય છે! જોકે આ સમાચારની સુપર રીચ લોબી પર શું અસર પડે છે એ જાણવા અમારા આવા જ એક સુપર રીચ મિત્રને ફોન કર્યો અને પૂછ્યું કે ‘યે સુપર રીચ પર ટેક્સ બઢને સે આપકો કૈસા લગ રહા હૈ?’ તો એણે ફક્ત બે શબ્દમાં જવાબ આપી ફોન કાપી નાખ્યો, આ બે શબ્દો હતાં ‘ઠીક હૈ’! 

આ બજેટમાં નાણામંત્રી ધનિકોની પાછળ પડી ગયા હોય એવું લાગે છે અથવા તો એ એવું દેખાડવા માંગે છે. સુપર રીચ ટેક્સ ઉપરાંત આ બજેટમાં એસયુવી નામની મોંઘી કાર વધું મોંઘી થઈ. સાત જણના બેસવા માટે ડિઝાઈન થયેલી આ કારમાં ડ્રાઈવર સહિત ત્રણ જણથી વધુ સામાન્ય રીતે બેસતા નથી. કદીક ડ્રાઈવર કૂતરાને આવી કારમાં આંટો મરાવવા માટે નીકળ્યો હોય એવું દ્રશ્ય પણ નજરે ચઢે છે. ‘આવી કાર મોંઘી થવાથી શું ધનિકો કૂતરાને આંટો મરાવવાનો બંધ કરી દેશે?” એવી ચિંતા જો કૂતરા વર્ગમાં હોય તો એ અસ્થાને છે.

સાબુદાણા સિવાય બુટ ચંપલ અને ચામડાની વસ્તુઓ પણ આ બજેટથી સસ્તી થશે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા, સરકારનું કોઇપણ કામ કોન્ટ્રાક્ટ પર લીધું હોય એવા, અને ખાસ તો એવા લોકો જેમને લાંચ આપતાં આવડતું નથી તેમના માટે આ સમાચાર મહત્વના છે. હવે બુટ-ચંપલ સસ્તા થતાં સરકારી કામોમાં ધક્કા ખાવાથી ચંપલ ઘસાઈ જાય તો નવા બુટ-ચંપલ લેવા પોસાશે! 

ઘરમાં પગાર કરતાં વધુ ખર્ચ થતો હોય તો એ ચિંતાનો વિષય છે. પણ સરકારમાં આવક કરતાં ખર્ચ વધારે હોય તો એ માત્ર આંકડાકીય વિષય છે. પાંચ લાખ કરોડ રૂપિયાની ખાધ એ દેશ માટે જરાપણ ચિંતાનો વિષય નથી. આ ખાધ કરતાં વધારે રકમનું કરપ્શન પણ કોઈ મોટી વાત નથી. પણ દેશ માટે ચિંતાનો વિષય જો કોઈ હોય તો એ છે સાંપ્રદાયિકતા છે! એટલે જ આ કહેવાતી બિન-સાંપ્રદાયિક સરકારે માર્બલની પ્રાઈઝ વધારી દીધી છે. આ પગલું કદાચ જ્યાં-ત્યાં રાતોરાત ઊભી થઇ જતી ધાર્મિક ઇમારતોને કન્ટ્રોલ કરવા જ હશે!

પણ ‘કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો’ વાતને સરકારે મિલિયન ડોલર સ્માઈલ સાથે યથાર્થ સાર્થક કરી કારણકે, તેઓ ફરી એકવાર ટેક્સમાં આવેલા અબજો રૂપિયાનો હિસાબ કોડીનો કરી સમજાવી દેવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં, બજેટ આ વર્ષે પણ અમદાવાદની દંતકથાનાં માણેકશાની ચટાઈ જેવું સાબિત થયું છે. ચટાઈ પરથી યાદ આવ્યું કે, વર્ષે ચટ્ટાઈના ભાવ ઘટાડવામાં આવ્યા છે એનો અર્થ શું કરવો? એજ કે સરકાર આપણને ભોંય ભેગા કરવા માંગે છે! 

No comments:

Post a Comment