Thursday, March 07, 2013

એકવીસમી સદીનું મહાભારત



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી |


કોર્પોરેટ મહાભારત
અને ટીમ લીડર યુધિષ્ઠિરે પોતાના જુનિયર કલીગ અર્જુનને કહ્યું કે: ‘જા વત્સ, ધ્રુપદ લીમીટેડ દ્વારા આયોજિત લગ્ન મેળામાં ભાગ લે અને ટાર્ગેટ સર કર. અર્જુન, આ ટાર્ગેટ પૂરું કરવું આપણી કંપની માટે ઘણું જરૂરી છે કારણ કે દ્રૌપદીની સાથે ધ્રુપદનું કોર્પોરેટ બેકિંગ આપણી કંપનીને મળે એમ છે. એમનો સન ધ્રુષ્ટ્દ્યુંમ્ન પણ કૌરવોને કંપીટ કરવાં માટે ભવિષ્યમાં કામ લાગે એવો છે. તો વત્સ તું તારી બેગ પેક કર અને ઊપડ. અમે લોકો તારા સપોર્ટમાં ઊભા જ છીએ.’
‘પણ યુધિષ્ઠિર સર, હું આ ટાર્ગેટ અચીવ કરી શકીશ કે કેમ એ વિષયે મને ડાઉટ છે’.
‘કેમ દોસ્ત?’
‘સર એક તો ટાર્ગેટ ગોળ ગોળ ફરે છે. મને તો એ જોઈને જ ચક્કર આવી જશે’
‘અરે, એમ થોડું ચાલે. પછી કંપની પેઈડ હોલીડેઝ પર યુરોપ જઈ રોલર કોસ્ટરમાં કઈ રીતે બેસીશ ?’
‘ઓહ .. સારું એ તો હું મેનેજ કરી લઈશ પણ, આ માછલીની આંખ વીંધવાનું નહિ ફાવે મને’
‘કેમ? તું તો દ્રોણ ઇન્સ્ટીટયુટ ઓફ આર્ચરીનો ગોલ્ડ મેડાલીસ્ટ છે. તારો પેલો ચકલીની આંખ વાળો કિસ્સો તો મેનેજમેન્ટ કેસ-સ્ટડી તરીકે વપરાય છે’
‘પણ સર, એ વાતને વર્ષો થઈ ગયાં. પછી તો ચકલીઓ જ અદ્રશ્ય થઈ ગઈ, એટલે મને ટાર્ગેટ પ્રેક્ટિસ રહી જ નથી’.
‘લુક અર્જુન, તું આમ વાતે વાતે પોચકા મૂકે તો આપણી કંપની કઈ રીતે માર્કેટમાં રહી શકે?’
‘પણ સર, બીજું બધું ઠીક પણ મને તો માછલી જોઈને ચીતરી ચઢે છે. અને ઉપર તીર મારુંને માછલી મારાં ઉપર પડે તો ? બપોરે મારું વીકલી પ્રેઝન્ટેશન છે એમાં શર્ટ ગંધાય’
‘લુક અર્જુન ધેટ્સ યોર પ્રોબ્લેમ, જો તું આ ટાર્ગેટ કરી શકે તો યુ આર ઈન, નહિતર વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે કર્ણની એપ્લીકેશન પડી છે....’
‘ના, ના, સર... આમ તમે ડરાવી ના દો. હું જઈશ... સેન્ટ લગાડીને જઈશ બસ !’.
---
કોર્પોરેશન મહાભારત
શકુની : દુર્યોધન, તે કીધું એ પ્રમાણે બધો પ્રબંધ થઈ ગયો છે.
દુર્યોધન : મામા, શું ધૂળ પ્રબંધ થયો છે.
શકુની : વત્સ, એ જ ધૂળ તો મુખ્ય વસ્તુ છે. સરકારી બાંધકામમાં સિમેન્ટ કરતાં ધૂળનું વધારે મહત્વ હોય છે.
દુર્યોધન : તમે ચોખવટ કરો મામા. આ પાંડવો અહિં રહેવા આવવાના છે એ વાતને હવે વરસ પણ નથી રહ્યું, હવે કોણ તમારો કાકો એમનાં રહેવા માટે આપણા સ્પેસીફીકેશન પ્રમાણે બાંધકામ કરી આપશે ?
શકુની : ક્રોધિત ન થા, ભાણા. બધું થઈ જશે. પાંડવો માટે મહેલ બનશે અને એ પણ આપણા સ્પેસીફીકેશન પ્રમાણે નો ...
દુર્યોધન : પણ એમાં તો આપણું નામ ખરાબ થાયને?
શકુની: તું બહુ સીધો છે ભાણા.
દુર્યોધન : એટલે જ તો મમ્મીએ તમને સીધી ભરતીમાં ઘુસાડ્યા છે અહિં વહીવટ કરવા મામા.
શકુની : તો બસ તું જોતો જા.
દુર્યોધન : પણ કર્યું છે શું એ તો કહો. કામ ક્યારે ચાલુ થાય છે.
શકુની : જો પાંડવો માટે લક્ઝરી ગૃહ બાંધવા માટે કન્સલટન્ટની નિમણુંક કરી દીધી છે. અને કન્સલ્ટન્ટની ડીઝાઈન પણ આવી ગઈ છે.
દુર્યોધન : કેવી ડીઝાઈન છે મામા, મારે જોવી છે.
શકુની : તારે થોડું રહેવા જવું છે તે એની પંચાત કરે છે?
દુર્યોધન : ઠીક મામા, પણ લક્ઝરી મહેલ કેટલો સમય ઉભો રહેશે?
શકુની : જો ટેન્ડર સૌથી ફાલતું કોન્ટ્રકટરને અપાયું છે. તોયે પાછો કોન્ટ્રાક્ટર એમ સમજે છે કે આપણે એને ફેવર કરી! એટલે ઇલેક્શન ફંડમાં રૂપિયા પણ આપશે. હવે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય એમ બધાં ખાય પછી જે વધે એમાંથી લક્ઝરી મહેલ બનશે, એટલે એ કેટલો ટકાઉ હશે એ તો તું સમજી શકે છે ભાણા !
દુર્યોધન : અરે વાહ મામા, તમે તો કમાલ કરી. પણ મામા, આ પાંડવો રહેવા આવે એ પહેલાં તો એમાં તિરાડો પડી જશે તો છાપે ના ચઢી જાય. યાદ છે ને પેલા ઇકોનોમિક હાઉસિંગના મકાનો? તમારા સાઢુભાઈની કંપનીએ બનાવ્યા હતાં એ?
શકુની : હવે એ તારે યાદ કરાવવાની જરૂર નથી. મારાં સાઢુભાઈની કંપનીમાં તારા સાળાનો સસરો  ડાયરેક્ટર છે એ ભૂલી ગયો?
દુર્યોધન : અરે, હા ચાલો છોડો એ વાત.
શકુની : તો પછી હવે આ ટેન્ડર પર મંજૂરીનો સિક્કો માર.
દુર્યોધન (ટેન્ડર પર સહી કરતાં) : હાશ, તો હવે હું નિશ્ચિંત થયો. હવે મને નિરાંતે ઊંઘ આવશે.
---
  

No comments:

Post a Comment