Sunday, March 24, 2013

હોળી ન રમવાના બહાના

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૪-૦૩-૨૦૧૩ | અધીર અમદાવાદી|


હોળી આમ તો સૌને પ્રિય તહેવાર છે. આમ છતાં હોળીને પોપ્યુલર કરવાનું થોડું શ્રેય તો ગબ્બર અને સલીમ-જાવેદને પણ આપી શકાય. જોકે શોલેમાં ગબ્બર ‘હોલી કબ હૈ’ પૂછે છે ત્યારે ભાગ્યે જ કોઈને એવો વિચાર પણ આવે કે ગબ્બર બસંતી સાથે હોળી રમવા માટે આવું પૂછતો હશે. કારણ કે ગબ્બર મેન્ટ બિઝનેસ. ગબ્બરને હોળી દિવાળીનું કોઈ મહત્વ નહોતું. ગામ આખ્ખું હાજર હોય ત્યારે આતંક ફેલાવવાનો જ એનો ઉચ્ચ આશય હતો. સમાજમાં પણ આવા ગબ્બર રહે છે જે હોળી-દિવાળીમાં નથી માનતા. જો તમે એમને નવા બિઝનેસ માટે અડધી રાત્રે સ્મશાનમાં બોલાવો તો આવે, પણ હોળી રમવા બોલાવો એટલે ગાળીયા કાઢવા લાગે. 
 

રસિક લોકો તો હોળી રમવાના બહાના શોધતા હોય છે. અમુક તો ઉત્તરાયણની જેમ હોળીમાં કેમ વાસી હોળી નથી હોતી એ મુદ્દે અસંતૃષ્ટ ફરતાં હોય છે. કારણ કે હોળી છેડછાડનો તહેવાર છે. દિયર-ભાભીઓ પણ આમાં છુટછાટ લે. મથુરા પાસે બરસાણામાં મહિલાઓ જરા વધારે છૂટ લઈ પુરુષોને લાઠી લઈ આ દિવસે ઝૂડી નાખે છે અને રીવાજ પ્રમાણે પુરુષો માર ખાય છે. આ હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. અમારા વતન વિસનગરમાં હોળી પર ખાસડાં યુદ્ધ થાય છે જેમાં બે પક્ષ પડી જાય છે અને એકબીજા તરફ ખાસડાં ઉછાળે છે. આવી હોળી રમનાર પણ હોય છે.


જેને હોળી ન રમવી હોય એ જાતજાતના બહાના કાઢે છે. હોળી ન રમવાના પોપ્યુલર બહાનામાં  કોક સગાનું મરણ અને રંગોની એલર્જી આવે. શોકમગ્ન વ્યક્તિને હોળી રમાડવાની શાસ્ત્રોમાં પણ મનાઈ છે. એટલે અમે એવું કંઈ શાસ્ત્રોમાં નથી વાંચ્યું, પણ દરેક મનાઈની પાછળ ક્યાં તો કાયદો હોય અથવા તો શાસ્ત્રો જ હોય છે ને? શોકની વાત કરે તો કોઈ બેસણાની જાહેરાત સાબિતી તરીકે નથી માગતું. નથી કોઈ મારનાર સાથે તમારો સંબંધ કેટલો અંગત કે ગાઢ એ પૂછતું. એટલે જ શોકનું બહાનું પોપ્યુલર છે. પણ જો તમે થોડી આકરી પૂછપરછ કરો તો પાર્ટી તરત શોક મૂકી દે. એવું જ એલર્જીનું છે. ‘એમને સ્કીન એલર્જી છે એટલે ડોક્ટરે હોળી રમવાની ના પાડી છે’. આવું ભાઈ વતી ભાભી કહે એટલે ભાઈને પડતાં મૂકી તમારે ભાભી સાથે હોળી રમી વટી જવું એવો સંદેશો મળે તમને.


અને એક વસ્તુ માર્ક કરજો. ભાભીઓ કદી સ્કીન એલર્જીનું બહાનું નહિ કાઢે. ભાભીએ જો હોળી ના રમવી હોય તો એ ફક્ત આંખો કાઢીને તમને ભગાડી મૂકશે, ‘ના પાડીને એકવાર. મને હોળી-બોળી રમવું નથી ગમતું’. એટલે પત્યું. પછી તિલક હોળી રમી, બબડતા બબડતા લીફ્ટનું બટન જ દબાવવાનું! અમારું એવું તારણ છે કે હોળી ન રમવાના બહાના ભાયડાઓ વધારે કાઢે છે. મહિલાઓ ધારે તો ઘણાં વધારે બહાના કાઢી શકે, અને વધારે કન્વીન્સિંગલી કાઢી શકે. આમેય સ્ત્રીઓ જન્મજાત કલાકાર હોય છે. પણ એ બહાના નહિ કાઢે. પણ આ પુરુષો! એક તો એક્ટિંગમાં ધર્મેન્દ્ર જેવા હોય. મારામારી આવડે, પણ સિરિયસલી એક ડાયલોગ ન મારી શકે. બચારાએ અઠવાડિયું રિહર્સલ કર્યું હોય કે કયું બહાનું કેવી રીતે કાઢીશ. પણ એનાં બહાનાને સિરિયસલી ન લો તો ભારતીય પુંછડિયા બેટ્સમેનની જેમ ફટાફટ બેડરૂમમાં જઈ નાઈટડ્રેસમાંથી જુનાં બર્મુડા પર આવી જાય.


હોળી ન રમવી હોય એવા અમુક લોકો ધુળેટીના દિવસે સવારથી ગુમ થઈ જાય છે. અમુક આઈટમો ઘરમાં હોય પણ આગળના દરવાજેથી નીકળી, લોક મારી, પાછલા દરવાજેથી ફરી પાછાં ઘરમાં ઘૂસી જાય છે. કદાચ એમ વિચારીને કે લોકો તાળું જોઈને પાછા વળી જશે. તો અમુક બહારગામ જતાં રહે છે. પાછાં મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખે, જાણે કોઈ મોબાઈલથી રંગવાનું હોય. આ તો ભાગેડુ વૃત્તિ કહેવાય. આવા ડરપોક ભારતના ન હોઈ શકે. આમાં તો ભગત સિંહ જેવા શહીદોની શહાદત લાજે. એટલે જ ડર છોડી સામી છાતીએ રંગોનો સામનો કરવો જોઈએ. સાથે ગાવું જોઈએ કે ‘મેરા રંગ દે બસંતી ચોલા... ’.

આમ છતાં જે લોકોને હોળી રમવી જ નથી એમનાં માટે ‘અધીર’ બ્રાંડ બહાના આ રહ્યા :

·         અરરરર.... ઘર ગંદુ થશે. પાછું હોળી છે એટલે કામવાળો દેશમાં ગયો છે.

·         એ એ એ મેં કોન્ટેક્ટ લેન્સ પહેર્યા છે. આંખમાં કલર જશે.

·         ખાલી તિલક હોળી બોસ. છાપા વાંચતા નથી મહારાષ્ટ્રમાં જલસંકટ છે.

·         આ વખતે તો અમિતાભ બચ્ચન પણ નથી ઉજવવાનો.

·         કાલથી પરિક્ષા ચાલુ થાય છે. ટાઈમ બગડશે તો બાપા બગડશે.

·         ભયંકર શરદી થઇ છે, ચેક કરવું હોય તો કરી લે.

·         આજે વર્લ્ડ સ્પેરો ડે છે. આ બધું છોડો, ચક્લીઓનું કઈ વિચારો.

·         સવાર સવારમાં પાટો બાંધી દો ને હાથ ઝોળીમાં નાખીને ફરો. કહો ‘જો યાર કાલે જ ફ્રેક્ચર થયું છે.’

·         મારે આજે જોબ ચાલુ છે. જો તૈયાર થઈને નીકળું જ છું, શું થાય કોકે તો કામ કરવું પડે ને આજે ?

·         અમારે મદિર જવાનું છે. અમે દર ધુળેટીએ ‘બચાવેશ્વર’ મહાદેવ દર્શન કરવા જઈએ છીએ.

·         તારી ભાભીએ ના પાડી છે.

·         આ વરસે જ્યોતિષીએ હોળી રમવાની ના પાડી છે. રંગોની ઘાત છે મારે.



7 comments:

 1. ભાભીએ ના પાડી તો યે લખ્યો ને હોળી પર લેખ ! એટલે જ, ભાભીનો "ટચ" મીસિંગ છે.
  હમેશ મુજબ લોકો "ટચ" કરવા નીકળી ગયા છે.
  :) ;)

  humorous as usual of Adhir's. Happy Holi !

  ReplyDelete
 2. mast chhe ........kale kaik gotvu padse

  ReplyDelete
 3. વાહ ભાઈ વાહ... ખૂબ જ સુંદર.. મજા પડી ગઈ.

  ReplyDelete
 4. બહાનાબાજી ચલાવનારાય ક્યારેકતો રંગાઇ જાય. મજા આવી. અમેરિકામા બેઠા બેઠા નેટ પરતો રંગાયાવગર ના રહી શકાયુ.

  ReplyDelete
 5. બંગલોર માં ધૂળેટી ના દિવસે નોકરી નો ચાલુ દિવસ હોય છે , એટલે તમારું બહાનું ન. 9, અહિયાં સત્ય ઘટના છે , છતાય હોળી ના રસિયાઓ , office માં નહીતર રાજા લઇ ને હોળી રમે છે। હજુ તમે college હોસ્ટેલ ની હોળી નો ઉલ્લેખ નથી કર્યો, જ્યાં આજે પણ ઈંડા, કીચડ, ink , ગોબર આદિ , થી છોકરાઓ અને છોકરીયો રમતા હોય છે . society માં રમતી હોળી, એમના માટે સાવ સાત્વિક છે :)

  ReplyDelete