Thursday, July 02, 2015

અઠ્ઠાવીસમા ટ્રાયલે ક્લાર્ક

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી |૨૮-૦૬-૨૦૧૫

મહારાષ્ટ્રના ચીફ મીનીસ્ટર દેવેન્દ્ર ફડનવીસની ઓફિસમાં કામ કરતાં પટાવાળા અવિનાશ ચૌગુલેએ ૨૮મા ટ્રાયલે એસએસસીની પરીક્ષા પાસ કરી દીધી છે. એટલું જ નહીં, દરવખતે ગણિતમાં ફેઈલ થતાં ચૌગુલે આ વખતે જરૂરી ૩૫ કરતાં ત્રણ માર્ક વધારે લાવ્યા છે. હવે એ પટાવાળામાંથી ક્લાર્ક બનશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીએ ટ્વીટર પર આ વાત શેર કરી છે. જોકે એમણે ચૌગુલેની આ સિદ્ધિને પોતાને નામે નથી ચઢાવી. બાકી આજકાલ ‘અચ્છે દિન’ના વિવાદમાં બંને તરફના લોકો આજકાલ કંઈ પણ નિવેદન કરી શકે છે.

અમને આ વાતમાં એટલો રસ પડ્યો કે અમે સિધ્ધો ફોન જોડ્યો ચૌગુલેને જેના ઇન્ટરવ્યુનો સાર અહીં રજૂ કરીએ છીએ.

‘તો અવિનાશ ભાઉ, પચાસ વર્ષની ઉંમરે અઠ્યાવીસમી ટ્રાયલે એસએસસી પાસ કરતાં તમને કેવું લાગે છે?’

‘ચ્યાઈલા એકદમ મસ્ત! પચાસ વર્ષની ઉમરે અઠયાવીસ વર્ષની અનુષ્કા સાથે હીરો બનતા આમીર ખાન જસ ફિલ હોતે !’

‘ઓહ ... ફિલ ... તમે તો અંગ્રેજી પણ જાણો છો!’

‘હાસ્તો, ફેઈલ મેથ્સમાં થયો હતો, અંગ્રેજીમાં ક્યારનો પાસ છું અને અમારે ત્યાં ટોપ ક્લાસના લોકોની અવરજવર રહે છે પછી માણસ કંઇક તો શીખે તો ખરો ને!’


‘વાહ, કોન્ગ્રેટ્સ’

‘ઠેન્ક્યું’

‘તો આટલા વર્ષો સુધી તમે પ્રયાસ કર્યો તેમાં કદી એવું ના થયું કે, બહુ થયું, બસ હવે છોડી દઉં?’

‘અસ વિચાર તો યેતો અને જાતે. મારી સામે કાકા જોગીન્દર સિંહ ઉર્ફે ‘ધરતી પકડ’નો ૩૦૦ ચૂંટણીઓ હારવાનો રેકોર્ડ નજર સામે હતો, જયારે મારે તો અઠ્યાવીસમો જ ટ્રાયલ હતો. એટલે નિરાશાનો પ્રશ્નચ નાહિ.’

‘હમ્મ્ ... તો તમને એમાંથી પ્રેરણા મળી?’

‘પ્રેરણા તો બધેથી મળે છે. એક રાજસ્થાનમાં અલવર જીલ્લામાં ૮૧ વરસનાં શિવચરણ યાદવ છે જે આ વર્ષે સામાજિક વિજ્ઞાનમાં પાસ થયા છે, બાકીના બદ્ધા વિષયોમાં એ ૪૬ વરસથી ફેઈલ થાય છે. પણ સૌથી વધુ પ્રેરણા મને મારા ફાધર પાસેથી મળેલી’.

‘વાહ, તમે વારંવાર નાપાસ થતા હતા છતાં તમને પ્રેરણા આપતા રહેવાની પ્રેરણા તમારા ફાધરને ક્યાંથી મળતી હતી?’.

‘જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાહેબ પાસુન.’

‘તમે કોને તમારો આદર્શ માનો છો!’

‘કરોળિયાને!’

“હેં?’

‘હું રોજ ઓફિસમાં કરોળિયાનાં જાળાં સાફ કરું અને બીજા દિવસે એ પાછા બનાવી દે, કિતી વેળા ખાલી પડતાત પરત વાર ચઢતે’

‘વાહ, તમે તો ફિલસૂફ છો! કરતા જાળ કરોળિયો ... વાળી કવિતા પણ તમને ખબર છે વાહ ...’

‘ઠેન્ક્યું, મેં કીધું ને હિન્દી-ઇંગ્લીશમાં પાસ છું’

‘ગુડ, ગુજરાતી પણ આવડે છે તમને તો’

‘હો, સાહેબ દિલ્હી ફોન કરે ત્યારે ગુજરાતીમાં જ બોલતાં હોય છે. તીતુન થોડા શીખલો.’

‘સાહેબ?’

‘આમ્ચ્યા ફડનવીસ સાહેબ’

‘અચ્છા અચ્છા, તો આ વખતે તમે એવું શું જુદું કર્યું જે પહેલા સત્તાવીસ વખત નહોતું કર્યું ?’

‘મેં કાહિ નવિન કેલે નાહિ, જે કર્યું છે એ પેપર તપાસનારે કર્યું છે’

‘કે પછી અનુભવ?’

‘હો, અનુભવ તો ખરો જ ને. છેલ્લી દસ પરીક્ષામાં આપણે એક પણ વેળા પેન, ફૂટપટ્ટી, પેન્સિલ ભૂલ્યા નહોતા, એ અનુભવસ્તો’.

‘ગણિત વિષયમાં સત્તાવીસ ટ્રાયલ કર્યા પછી પણ માત્ર આડત્રીસ માર્ક્સ? ઓછા નથી લાગતાં?’

‘કમી? અરે હું તો કહું છું વધારે છે. વધારાના ત્રણ કોક બીજાને આપી દો. બચારાએ મારી જેમ ટ્રાયલ તો ન મારવા પડે’

‘તમને ફર્સ્ટ ક્લાસનો મોહ નથી?’

‘અરે ક્લાર્ક બનવા માટે માર્ક નથી જોવાતાં, પાસીંગ સર્ટી જ પાહીજે.’

‘તમારી ઉંમર પચાસ વર્ષ છે,આટલી ઉંમરે પરીક્ષા આપવાનો ઉત્સાહ, ધન્ય છે તમને’

‘હા સાહેબ. પેલું અંગ્રેજીમાં કહે છે ને કે લાઈફ બીગીન્સ એટ ફિફ્ટી’

‘વાહ, પાછું અંગ્રેજીમાં, પણ ફિફ્ટી નહિ, ફોર્ટી’

‘મલા માહિત આહે, મારા માટે ફિફ્ટી લાગુ પડે છે એટલે મેં એમાં જાતે ફેરફાર કર્યો છે. અને આગળ મેં બે વાર આગળ કહ્યું કે હિન્દી-અંગ્રેજીમાં પાસ છું.’ એણે હસીને કહ્યું.

‘વાહ, બીજું કંઈ અંગ્રેજીમાં આવડે છે?’

‘યેસ, ફેઇલ્યોર ઈઝ નોટ ઇન ફોલીન્ગ, ઇટ્સ ઇન નોટ ગેટીંગ અપ આફ્ટર ફોલીંગ’

‘વાહ’

‘વોટ્સેપ પર આલ હોત.’

‘ગુડ, પણ આટલા ટ્રાયલ માર્યા તમને કદી ચોરી કરીને પાસ થવાની ઈચ્છા ન થઈ?’

‘દર વર્ષે બોર્ડનું રીઝલ્ટ ઊંચું જતું જાય છે. આ વર્ષે ૯૧% રીઝલ્ટ છે. જયારે બોર્ડ એમનેમ પાસ કરતું હોય તો ચોરી શું કામ કરવી?’

‘તોયે પેલા તોમર જેવા છે ને નકલી ડીગ્રીવાળા... ’.

‘હું અક્કલવાળો છું. નકલમાં અક્ક્લ હોતી નથી. એ ઝલાઈ ગયા ને!’

‘દર વખત કરતાં આ વખતે તૈયારીમાં જુદું શું કર્યું હતું? ગાઈડ, સ્યોર સજેશન, ટ્યુશન?’

‘એ બધું અમને ના પોસાય. આ વખતે ગણિતમાં પાસ થવા માટે મેં ફક્ત કોપ્મ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલનો રીપોર્ટ જ વાંચ્યો હતો. આંખ જ ગણિત સમજુન ઘેતલ !

‘તમારા જેવા લોકો માટે કોઈ મેસેજ?’

‘એજ કે, મારે પટાવાળા તરીકે ચાલુ રહેવા માટે કશું કરવાની જરૂર નહોતી, છતાં આટલી મહેનત કરી તો અઠ્ઠાવીસ ટ્રાયલે પછી પાસ થયો. હવે હું ક્લાર્ક તરીકે રીટાયર થઈશ’.

‘વાહ, તમે ટીવી ચેનલ પર લોકોને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ ચાલુ કરો, હજુ સફળતા મળશે!’

--

મસ્કા ફન

મહત્વ પાસ થવાનું નહિ, પ્રયાસ કરવાનું છે.

1 comment:

  1. Try and try will be success. this man is perfect suitable for this aphorism.

    ReplyDelete