Sunday, July 19, 2015

યૌવનની મુશ્કેલીઓ અને માર્ગદર્શન

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૯-૦૭-૨૦૧૫ | અધીર અમદાવાદી |

સાહેબ, હું અમદાવાદ શહેરમાં રહી કોલેજમાં અભ્યાસ કરું છું. હું સુખી કુટુંબમાંથી આવું છું. મારી પાસે બાઈક, સ્માર્ટ ફોન, જાણીતી કોલેજમાં એડ્મિશન, ત્રણ ગર્લફ્રેન્ડઝો, જે ઈચ્છો એ બધું જ છે. અમે પાંચ જણાનું ગ્રુપ કોલેજમાં ફેમસ એટલે નથી કે અમે ખાસ કોલેજમાં દેખાતાં નથી. સવારે ઘેરથી નીકળી કોલેજના ગેટ પાસે ભેગા થઈએ છીએ. જો બીજું કોઈ ન આવ્યું હોય તો ન છૂટકે પહેલા પહોંચનાર ક્લાસ ભરે છે. મોડામાં મોડા પહેલી રીસેસ પડે એટલે અમે બાજુની રેસ્ટોરન્ટ પર પહોંચી જઈએ છીએ. તમને એમ થશે કે આમાં ક્યાં કોઈ સમસ્યા આવી. પણ મારી સમસ્યા મારી ત્રણ ગર્લફ્રેન્ડ છે. અમે ફાઈનલ વર્ષમાં છીએ અને મારી ત્રણ ગર્લફ્રેન્ડઝે મને એકબીજાથી ખાનગીમાં પ્રપોઝ માર્યું છે અને હું એકદમ કન્ફયુઝ થઈ ગયો છું કે હું શું કરું?

મારી પહેલી ગર્લફ્રેન્ડનું નામ રિયા છે. રિયા પણ પૈસાદાર ફેમિલીની છે. બ્યુટી પાર્લરમાં એનું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે ઠીકઠીક સ્માર્ટ અને ટ્રેન્ડી દેખાય છે. પણ એ મોબાઈલ એડીકટ છે. એને કોઈપણ સમયે ફોન કરો તો એ એન્ગેજ જ આવે, હવે તમે જ કહો કે એની સાથે એન્ગેજ કરાય કે ન કરાય? બીજું કે અમે સાથે બેઠા હોઈએ તો પણ એનું ધ્યાન એનાં ફોટાને કેટલાં લાઈક આવ્યા એની તરફ જ હોય છે, એમાંય જો હું પહેલા લાઈક ન કરું તો એ મોઢું ચડાવીને ફરે છે. એટલે મારે નોટીફીકેશન અલર્ટ ઓન રાખવું પડે છે, એટલે સુધી કે રિયાના રાતે ત્રણ વાગે પોસ્ટ કરેલા ફોટા ત્રણને એક મિનિટે લાઈક કરતો હોઉં છું. બાઈક પર જતો હોઉં ને એલર્ટ આવે તો બાઈક સાઈડમાં કરવા જેટલો ટાઈમ બગાડું તો મારું આવી બને છે. એનાં ફોટાં લાઈક કરવા માટે મારે ફોન ચોવીસ કલાક છાતીએ વળગાડીને ફરવો પડે છે, પણ એમાં મારા ફેમિલીમાં બધા એમ સમજવા લાગ્યા છે કે હું મોબાઈલ એડીકટ છું, યુ નો ! 
 
મારી બીજી ગર્લફ્રેન્ડનું નામ સોનમ છે. એ દેખાવમાં સારી છે, એટલે સરસ છે. એનો અવાજ થોડોક હસ્કી છે. રાની મુખર્જી જેવો. એ મારા કરતાં અડધો ઇંચ ઉંચી છે. હાઈટનો તો બહુ પ્રોબ્લેમ નથી પણ એનું અંગ્રેજી ખતરનાક છે. મતલબ તમે સમજો છો એવું ખરાબ નહિ, ઘણું સારું છે. એ ઇંગ્લીશમાં હસે છે અને ઇંગ્લીશમાં છીંકે છે. હદ તો ત્યારે થાય છે જયારે એ હિન્દીમાં ડબ થયેલું પિક્ચર છોડીને પ્યોર અંગ્રેજી, એ પણ સબટાઈટલ વગરનું, પિક્ચર જોવા ઘસડી જાય. એની સાથે વાત કરતાં જો ઉચ્ચાર ખોટો હોય તો મૂળ વાત બાજુ પર રહી જાય અને એ સાચા ઉચ્ચાર શીખવાડવા બેસી જાય. એને કહીએ કે ‘ચાલ જ્યુસ પીવા’, તો એ કહેશે ‘તમે લોકો જ્યુસ પીવો, હું જુસ પીશ’. અને ભૂલમાં જો hole, hall અને whole નાં ઉચ્ચારમાં ભેળસેળ કરી તો એક લાંબુ લેકચર જ આપી દે. ક્રિકેટના બોલને પણ એ બોલ અને ફિંગર બાઉલને પણ એ બોલ કહેવાનો આગ્રહ રાખે છે એમાં હું બહુ કન્ફયુઝ થઈ જાઉં છું. હવે આમ તો હું પણ ઈંગ્લીશ મિડીયમમાં ભણ્યો છું, તોયે મારું ઈંગ્લીશ મિડીયમ હોય એમાં મારો વાંક કે મારા ટીચર્સનો?

મારી ત્રીજી ગર્લફ્રેન્ડનું નામ છે મોનલ. થોડી ઓલ્ડ ફેશન્ડ છે. પણ સૌથી વધારે ખુબસુરત છે. એના વાળ લાંબા, કાળા અને સુંવાળા છે. શિકાકાઈ સાબુની જાહેરાતમાં આવે એવા. એની આંખો કોડી જેવી છે. નવલકથામાં હીરોઈનની હોય એવી. એનાં કાનની બુટ ગુલાબી છે. શેડકાર્ડમાં હોય એવા ગુલાબી રંગની. એનાં હોઠ, શું કહું એના હોઠ વિષે? એનાં હોઠ સંતરાની ચીરી જેવા છે. ફાટેલાં નહિ, રસભર્યા. ને એ હસે છે, ત્યારે ખરો ત્રાસ થાય છે. એટલું જોરથી હસે કે જોડે બેઠાં હોઈએ તો હચમચી જઈએ. એમાંય એ આવી રીતે હસે ત્યારે એનાં દાંત દેખાય. દાંત તો સૌના દેખાય, પણ ત્યાં જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એક્ચ્યુલી મોનલને માવા ખાવાની ટેવ છે. માવા-બદામ નહિ, ગુટકા. કદાચ એનાં પપ્પા-મમ્મી બેઉ તમાકુ ખાય છે એમાંથી એને ટેવ પડી હશે. એટલે એનાં દાંત લાલ છે. મારા ઘરમાં તો મમ્મી-પપ્પાને જમ્યા પછી વરિયાળી કે ધાણાની દાળ ખાવાની પણ ટેવ નથી. હવે તમે જ કહો કે આવી છોકરી ઘરમાં આવે તો કેવું ધીંગાણું સર્જાય?

તો સર તમે જ કહો કે આમાંથી કઈ છોકરીને હું જીવનસાથી તરીકે સિલેક્ટ કરું. તરત જવાબ આપજો, મને એટલું કન્ફયુઝન થયું છે કે હવે આપઘાત કરવાનો વિચાર પણ આવવાની શરૂઆત થઈ છે.

(એક યુવક, નારણપુરા)

જવાબ: આપઘાતના વિચારો નબળા અને નકારાત્મક લોકો કરે છે. હવે આપઘાતનો વિચાર આવે ત્યારે મારી ત્રણ વાત યાદ કરજો: એક, તમારા આપઘાત કરવાથી પેલા રેસ્ટોરન્ટવાળાને મહીને કેટલું નુકસાન જશે? બીજું એ કે, તમારા ગયા બાદ રિયાના દુ:ખી સ્ટેટસ પર લાઈક નહિ મળે તો શું તમારા આત્માને સદગતી મળશે? ત્રણ, લોકોને એકના ફાંફા છે અને તમે ત્રણ ચોઈસ વચ્ચે અટવાવ છો, લકી યુ!

તમે એક ભણેલાગણેલા સમજદાર વ્યક્તિ છો, તમારી મૂંઝવણનો ઉકેલ આમ તો તમારા સવાલની અંદર જ છે, બસ થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. લકી હોવાં છતાં તમે એક સાથે ત્રણ ભૂલ કરી છે. હવે તમારે એને સુધારવાની છે. સૌ પ્રથમ તો તમે જણાવ્યું એમ રિયા પૈસાદાર પિતાનું સંતાન છે. ફેસબુક અને વોટ્સેપના નામે એ તમારાથી અંતર રાખે છે. સ્ટેટસ પર લાઈક ને લગતી એની માંગ પૂરી કરો ત્યાં સુધી તો ઠીક છે, પણ પ્રેમસંબંધમાં ઉતાવળ ચાલતી નથી. તમે એના રીસામણાથી આટલું ડરતાં હોવ તો એનો ચોક્ખો અર્થ એ છે કે તમારી પ્રીતિ ભય પ્રેરિત છે. રિયા માટે તમે એક ફેસબુકનાં અસ્યોર્ડ લાઈકરથી વધારે કંઈ મહત્વ ધરાવતા નથી. માટે તેની સાથે રિલેશન રાખવાનો કે લગ્ન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.

અલગ કલ્ચરમાં ઉછરેલાં યુવક-યુવતીઓને લગ્ન બાદ પ્રોબ્લેમ્સ આવતા જ હોય છે, પરંતુ એક જ કલ્ચર, એક જ મીડીયમમાં ભણ્યા હોવા છતાં, માત્ર ઉચ્ચારણ જેવી સામાન્ય બાબતને લઈને આટલા પ્રોબ્લેમ્સ હોવા એ અંધકારમય ભાવિનું સુચન જ છે. શું ભવિષ્યમાં એ પત્ની બને પછી તમે ઉભરાતી કચરાપેટી, બળી ગયેલ શાક, અને પેન્ટના ખિસ્સામાં ધોવાઇ ગયેલી હજારની નોટ વિષે સાચાં અંગ્રેજીમાં સોનમ સાથે ઝઘડો કરી શકશો? આનો જવાબ જો ના હોય તો તમારે સોનમ સાથેનો સંબંધ સીમા ઓળંગી જાય એ પૂર્વે જ અટકાવી દેવો જોઈએ। આ સાથે આકરાં વેણનો સામનો કરવાની તૈયારી-સહનશક્તિ રાખજો અને દિલની વાત સ્પષ્ટતાપૂર્વક કહેવાનું સાહસ કેળવજો.

રહી વાત ત્રીજી ગર્લફ્રેન્ડની. તમે અને મોનલ ઉંમરના નાજૂક દોરમાંથી પસાર થઈ રહ્યાં છો. આ ઉંમરે વિજાતીય પાત્રનું આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. તમે એને પસંદ કરતાં હોવ તો તેની સાથે મિત્રતા ચાલુ રાખો, અને જો વાત ચુંબન સુધી પહોંચશે તો પછી આપોઆપ નક્કી થઈ જશે કે તમારા સંબંધો મિત્રતા સુધી જ સિમિત રહેશે, કે આગળ વધશે.

બાય ધ વે, મારી એક જ સલાહ છે કે આવા લફરામાં પડ્યા વિના તમે કારકિર્દી પર ધ્યાન આપો. લાઇફ પાર્ટનર સારો મળશે કે નહીં, એ કુદરત પર છોડી દો. કદાચ કુદરતે જ તમને આ પત્ર લખવા પ્રેર્યા હોય એવું મને લાગે છે. આ જવાબ બાદ અલગથી મેં મારા ફોઈની દેરાણીનાં ભાઈની દીકરીનો બાયોડેટા તમારાં એડ્રેસ પર મોકલાવેલ છે. શિલ્પા કીમ કાર્દીશીયાન જેવી થોડીક હેલ્ધી છે, અવાજ રાજદીપ સરદેસાઈ જેવો છે, રોહિણી હતંગડીની જેમ ઉંમરમાં મેચ્યોર લાગે છે, અને રાખી સવંત જેટલાં કોન્ફીડંસથી કડકડાટ ઈંગ્લીશ બોલી શકે છે. ટૂંકમાં એ એક કમ્પ્લીટ સેલીબ્રીટી પેકેજ છે. તો મારા જેવા પરિપક્વ સલાહકારની સલાહને માન આપી શિલ્પા જેવી મજબૂત સાથી મેળવી જીવન સફરને રોમાંચક બનાવી લો. તમારા જેવા છેલબટાઉ છોકરાનાં ભૂતકાળને આટલી ઠાવકાઈથી સ્વીકારી લેનારી આવી બ્રોડ માઈન્ડેડ છોકરી કોઈ નસીબદારને જ મળે. એન્વેલોપમાં મુકેલ ફોટો અને બાયોડેટા પસંદ આવે તો તાત્કાલિક મળવા પધારો। એક વાત યાદ રાખજો. એક દિવસ સૌએ મરવાનું છે, કોના હાથનું ખાઈને મરવાનું છે એ કિસ્મતની વાત છે !

4 comments:

  1. Enjoyed the article. Very similar style of the persons used to advise the problems on Paper pasti.

    ReplyDelete
  2. વાહ માની ગયા પ્રભુ .... જોરદાર !!

    ReplyDelete
  3. Hahaha maja padi gai baapu...

    ReplyDelete