Sunday, July 05, 2015

વિન્ડો શોપિંગ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૫-૦૭-૨૦૧૫ | અધીર અમદાવાદી |

Kamal Hasan lustfully looking at article (Movie Pushpak)
પુષ્પક ફિલ્મમાં કમલા હસન એક શો રૂમના કાચ પર નાક અડાડીને અંદર મુકેલી વસ્તુઓ જોતો હોય છે. સ્ટાફમાં કોઈ એને જોવે છે એટલે એ ઝંખવાઈને પાછળ ખસે છે. સ્ટાફ કાચ સાફ કરે છે. ત્યારે અમને પહેલી વાર ખબર પડી કે આને વિન્ડો શોપિંગ કહેવાય. વિન્ડો શોપિંગ એટલે ગમતાંને ગુંજે એટલે કે કાર્ટમાં ભરવાને બદલે વિશ લીસ્ટમાં મુકવું. વિન્ડો શોપિંગ અને ફ્લર્ટીંગ એક જેવા છે. અટેન્શન વિધાઉટ ઈંટેન્શન. છતાં સાવધાની રાખવી જરૂરી છે કારણ કે કેટલાંક ફલર્ટીંગ લગ્નમાં પરિણમતા હોય છે, કવચિત બીજાં !

શોપિંગ મોલ્સ અને એમાં મળતી વસ્તુઓ જોવામાં સારી અને ખરીદવામાં મોંઘી લાગે છે. એકંદરે ડિસ્પ્લેમાં મુકેલી આઈટમ્સથી લલચાઈને અંદર ગયા પછી એ રીજેક્ટ જ કરવાની હોય છે. લગ્નમાં જેમ છોકરો કે છોકરી એકબીજાને જોવે એ પછી એકદમ કુંડળીમાં કોઈ ગ્રહ વક્રી જાય, એમ શોપમાં પેઠાં પછી પ્રોડક્ટની ખામીઓ ઉડીને આંખે વળગે છે. અથવા તમારે જોઈતો કલર નથી હોતો. કે પછી ગમતી ડિઝાઈનમાં તમારી સાઈઝ નથી મળતી. આવું કરવા માટે સારી એક્ટિંગ આવડવી જોઈએ. પણ સેલ્સમેન કે ગર્લ્સને આવા રોજનાં સો-બસો એકટરોની એક્ટિંગ સહન કરવી પડતી હોય છે, પણ ઘરાક ભગવાન છે એમ દેખાડવા પાર્ટી બહાર નીકળે ત્યાં સુધી એ મુખારવિંદ પર સ્મિત ફરકાવતાં રહે છે. મોલ્સના સીસીટીવી ફૂટેજ જુવો તો ખરી હકીકત ખબર પડે.

વિન્ડો શોપિંગ પાંચેય ઇન્દ્રિયોનાં ઉપયોગ થકી- જોઈ, સાંભળી, સુંઘી, સ્પર્શી, ચાખી- થઈ શકે છે. અમદાવાદમાં પાઈરેટેડ ડીવીડી ખરીદનારા પણ પ્રિન્ટ ક્વોલીટી જોઈ અને સાઉન્ડ ચેક કરતાં હોય છે. પછી નથી લેતાં. સો રૂપિયાનાં માટલાંને પણ ટકોરો મારીને લેવામાં આવે છે. જોકે કરોડ રૂપિયાનું ઘર ખરીદનારા એટલો પણ ટેસ્ટ નથી કરતાં. અમારે જે દિવસે મોલમાં જવાનું હોય એ દિવસે અમે ઘેર પરફ્યુમ છાંટતાં જ નથી. મોલમાં પરફ્યુમ ટેસ્ટર આવે છે. મફત કા પરફ્યુમ છાંટ બે લાલિયા. મોટે ભાગે તો કાગળની સ્ટ્રીપ ઉપર ને અમુક જગ્યાએ હાથ પર પણ છાંટી આપે. બસ પછી તો પરફ્યુમની ભેળ લગાડીને બહાર નીકળવાનું. ભીંડાથી લઈને કપડાં સુધી અડીને ચેક કરવામાં આવે છે. આંગળી વડે કાપડ ચેક કરનારનો હાથ અગાઉ ક્યાં ક્યાં ફર્યો હતો તે જો સેલ્સમેન જાણી શકતો હોત તો એ કદી અડવા ન દે. માણેકચોકમાં જઈ બદામ અને કાજુ ચાખનારા પણ પડ્યા છે. આ બધું એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર થઈ શકે છે.

ઘણાં રસ્તે જતાં વિન્ડો શોપિંગ કરતાં હોય છે. અમદાવાદમાં સીજી રોડ પર કાર ચલાવતાં ચલાવતાં બેઉ બાજુ દુકાનોમાં ડાફોળિયાં મારી ટ્રાફિકની પથારી ફેરવનાર અને પાછળ વાહન ચલાવનારનું દિમાગ હટાવનાર પણ જોવા મળે છે. એમાં કારમાં ચાર જણા જતાં હોય તો ચારેય જુદી જુદી દુકાનોમાંથી શોપિંગ કરતાં હોય. આવા લોકો આળસુ હોય છે. યોગના પ્રચાર અને પ્રસાર પછી આવા આળસુઓ પગે ચાલીને વિન્ડો શોપિંગ કરતાં થશે તો ટ્રાફિકમાં રાહત થશે અને યોગ પાછળ કરેલ ખર્ચો લેખે લાગશે!

પોતાનાં ખિસ્સામાંથી ખર્ચવાના હોય એ સામાન્ય રીતે વિન્ડો શોપિંગ કરે છે. પારકા પૈસા હોય તો શોપિંગ થાય છે. આમાં પોતાનું-પારકું એટલે શું એ સમજવા પતિનાં પાકીટ પર હાથ મારતી પત્નીનાં ભાવ પણ સમજવા પડે. મરસીલીન કોકસ કહે છે કે જો તમારે સ્ત્રીને સમજવી હોય તો એની સાથે શોપિંગ કરવા જાવ. જોકે અમને એની આ વાતમાં દમ નથી લાગતો. સ્ત્રીને સમજવી એ ડોનને પકડવા જેટલી અઘરી જ નહિ, અશક્ય વાત છે. અહીં અમે ઓરીજીનલ ડોનની વાત કરીએ છીએ.

જૂનાં વખતમાં જયારે મોલ્સ નહોતાં ત્યારે પત્નીને ઉદ્યાન કે વાટિકા લઈ જવાનો રીવાજ હતો. બગીચામાં કાનમાં મેલ કાઢી આપનારા,ચંપી કરી આપનારા ફરતાં. ત્યાં સિંગ-ચણા કે ચણા જોર ગરમનાં ખર્ચમાં પતી જતું. આજકાલ મોલમાં લવરિયા સજોડે શોપિંગ માટે આવે છે. બંને હાથ પકડીને ફરતાં જોવા મળે છે. આનું કારણ એ છે કે બકાને ડર હોય છે કે અલી હાથ છોડીને કોક સ્ટોરમાં ઘૂસી ન જાય. બાકી અત્યારે મોલમાં ખાલી વિન્ડો શોપિંગ કરીને પાછા આવો તો પણ ખાવાપીવાનો ખર્ચો ભારે પડે. કદાચ રવિવારે કામ કર્યા વગર આપણને જે પગાર મળે છે તે મોલનાં પોપકોર્ન, આઈસ્ક્રીમ અને ફાસ્ટફૂડમાં ખર્ચવા માટે જ હશે.

વિન્ડો શોપિંગમાં કંજૂસ રૂપિયા બચાવે છે. કેટલા રૂપિયાનો ખર્ચો થઈ ગયો હોત, પણ થયો નહીં, તે ગણતરી કરે છે. એટલે જ વિન્ડો શોપિંગ કરવું તો મોંઘી વસ્તુઓનું કરવું. દસ લાખનાં ડાયમંડ નેકલેસને નાપસંદ કરી દસ લાખ બચાવાય કે બાટાની સ્લીપર જતી કરી ૧૨૯ રૂપિયા?

વિન્ડો શોપિંગ કોમ્પ્યુટરની વિન્ડોમાંથી પણ થઇ શકે છે. એમાં તમે મુંબઈમાં બેઠાંબેઠા ન્યુયોર્કમાં શોપિંગ કરી શકો. શોપિંગ કાર્ટમાં વસ્તુ મુકો અને કાઢો, કોઈ વઢે નહિ, માત્ર મહિનાઓ સુધી નોટીફીકેશન આવ્યા કરે. ડીજીટલ વિન્ડો શોપિંગ એથીય આગળ લઈ જાય. રામાયણ વખતમાં જો ઓનલાઈન શોપિંગ હોત તો સીતાજીએ શોપિંગ કાર્ટમાં સુવર્ણ મૃગ મૂકી લક્ષ્મણને ચેક આઉટ કરવાનું કીધું હોત. બસ, પછી તો જે અત્યારે થાય છે એ થયું હોત. સુવર્ણ મૃગ માટે લક્ષ્મણે કાર્ડ ઘસ્યા બાદ રાવણ એન્ડ કંપની મહિના પછી સ્ટફડ ડીયર, એ પણ ગોલ્ડનને બદલે પિંક કલરનું ડીલીવર કરત અને એમાંથી જ યુદ્ધ શરુ થાત! જોકે રાવણના સમયમાં કસ્ટમર સર્વિસ માટે કોલ-સેન્ટર્સ નહોંતા નહીંતર લક્ષ્મણે ફોન પર ટેલી- એક્ઝીક્યુટીવ બાબલાઓને ગ્રાહક સુરક્ષામાં લઈ જવાની ખોટી ધમકીઓ આપીને છેવટે રાવણ એન્ડ કંપનીમાંથી કદી ખરીદી ન કરવી એવો નિર્ધાર કરીને વાત પડતી મૂકી હોત.

અહીં અમને કવિ સૈફ પાલનપુરીનો એક અદભૂત શેર યાદ આવે છે:

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.

આ શેરમાં વિન્ડો શોપિંગને કારણે બંધ થતાં મોલ્સના સંદર્ભમાં લખાયો હોય તેવું જણાય છે. જયારે એક નાના મોલની દુકાનો બીજાં મોટા મોલમાં શિફ્ટ થાય છે ત્યારે વધી-ઘટી દુકાનોમાં લીઝ પૂરું થાય ત્યાં સુધી કાઉન્ટર સંભાળતા દુકાનદારોની વ્યથા અહીં અદભૂત રીતે વર્ણવી છે. દુકાનો અને મોલ્સ બંધ થવાની શરૂઆત વિન્ડો શોપિંગથી થાય છે. જયારે વિન્ડો શોપિંગ કરનાર પણ આજુબાજુની બંધ થાઉં થાઉં થતી શોપનો એમ્પ્લોયી જ હોય, ત્યારે સમજાય કે મોલને તાળા વાગવાના છે. માટે હે સુજ્ઞ વાંચકો, કોઈના પેટ પર લાત મારવાનું બંધ કરો. કોક દહાડો તો સાચું શોપિંગ કરો!

No comments:

Post a Comment