Sunday, July 05, 2015

ગે મેરેજીઝમાં ગૂંચવાડા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૫-૦૭-૨૦૧૫

અમેરિકામાં ગે મેરેજીઝને માન્યતા મળી ગઈ છે. આના પ્રત્યાઘાતો ભારતમાં પણ પડ્યા છે. ભારતમાં આવા લગ્નો તો નહિ જ, સંબંધોને પણ સ્વીકારવામાં આવતા નથી ત્યાં પણ હલચલ મચી છે. અમુક બિનસત્તાવાર અહેવાલો મુજબ અમેરિકામાં વિઝા એપ્લીકેશનમાં હમણાં જે જામ થયો હતો તે આ સમાચાર લીક થવાને કારણે થયો હતો. એવું મનાય છે કે ગુજરાત સહીત ભારતમાંથી, અને ખાસ કરીને બોલિવુડનાં બે મહાનુભવો અમેરિકા સેટલ થવા જઈ રહ્યા છે. આ સમાચાર સાચા હોય તો અમે એને આવકારીએ છીએ. જોકે અમે આવા લગ્નોની તરફેણમાં કે વિરુદ્ધમાં નથી, પરંતુ અમને આવા લગ્નો ભારતમાં કાયદેસર થાય તો આવનાર સમયમાં અનેક ગૂંચવાડા ઉભા થશે એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. 

પ્રોજેક્ટની ભાષામાં કહીએ તો જયારે ક્લાયન્ટે આપેલી ડેડલાઈન માથે તબલા વગાડતી હોય અને ડીલીવરેબલ્સનો અતોપતો ન હોય ત્યારે કન્સલ્ટન્ટો ભાયડે-ભાયડા પરણાવી દેતા હોય છે. મતલબ કે ફેરા ફરવાનો સમય થયો હોય અને કન્યા ભાગી ગઈ હોય તો એકવાર તો ઘૂમટો તણાવીને ભાયડા સાથે ફેરા ફેરવી દેવાના અને પછી સમય મળતાં ભાયડાને કાઢીને બાયડી ગોઠવી દેવાની! અમે કદી એવું નહોતું વિચાર્યું કે આ ભાયડે-ભાયડા પરણાવવા એ ક્યારેક રિઆલિટી બની જશે. કોઈપણ ધર્મમાં આ પ્રકારના લગ્નની વિધિ હોય જ નહીં, એટલે બોલિવુડની ફિલ્મો કે સીરીયલો રાહ ચીંધે એ પ્રમાણે આવા લગ્નો ગોઠવાય. અમે હંમેશ મુજબ અમારું કલ્પનાનું ગધેડું છુટ્ટું મુક્યું તો કેટલીક રમુજી પરિસ્થિતિઓ સામે આવી. જેવી કે,

સૌથી પહેલા તો લગ્ન બાદ કન્યા એટલે કે વર વિદાય બાદ કોના ઘેર જાય તે સમસ્યા થાય. કદાચ વારા પાડવામાં આવે એવું પણ બને. અથવા તો પછી એમણે અંદરોઅંદર જે નક્કી કર્યું હોય એ પણ જે વિદાય થાય એને જ કન્યા ગણવી પડે. ભડના દીકરા હોય એટલે વિદાય વખતે રડે તો નહિ, ઉલટાનું હાથમાં શ્રીફળ કે ગુલદસ્તાની જગ્યાએ બીયરની બાટલી ઝાલી હોય એ મુકાવવી પડે. સાસરે પહોંચ્યા પછી પોંખીને આશીર્વાદ આપતી વખતે ‘દોસ્તાના’ની કિરણ ખેરની જેમ ‘યે કંગન મૈને અપની બહુ કે લિયે બનવાયે થે. અબ સચ પૂછો તો મૈ નહિ જાનતી કી તુ મેરી બહુ હૈ યા દામાદ, પર જો ભી હૈ મેરી તરફ સે શગુન સમઝ કે રખલે!’ કહીને જે તે વહેવાર પણ કરવો પડે.

એમનામાં માથે ઓઢવાનું તો હોય નહિ એટલે ‘મુંહ દિખાઈ કી રસમ’ના પૈસાનું તો નાહી નાખવાનું જ રહે. બાકી લગ્નમાં ‘મહેંદી કી રસમ’ વખતે મહેંદી મુકાવવા સાથે આખા કુટુંબ સાથે ખાણીપીણી માટે ઉતરી પડતા હોય છે એ બંધ થશે એટલે ખર્ચો બચશે. લગ્ન ગીતોમાં ‘લાડો-લાડી’ના ગીતોના બદલે બીજા વિકલ્પો વિચારવાના થશે. હા, વરઘોડો માંડવે પહોચે ત્યારે બંને ઉમેદવારોના મિત્રો ભેગા થઈને ‘આજ મેરે યાર કી શાદી હૈ...’ ગીત ઉપર નાચી શકે એ ફાયદો ખરો!

લગ્ન અગાઉ યોજાતા ગરબા જોકે ફિક્કા લાગે. કારણ કે આવા ગરબામાં છોકરી જ એના ડ્રેસિંગ અને ગ્રેસથી મેદાન મારી જતી હોય છે. એના બદલે અહીં બેઉ ઢાંઢા ભેગા થઇ લોકોના ટાંટિયા કચરે એ જોવામાં કોઈને રસ ન પડે. આ કારણસર ગરબામાં નાસ્તાનું મેનુ સારું રાખવું પડે. અથવા તો ગરબાનાં વિકલ્પમાં બેઉ પાર્ટી વચ્ચે કબ્બડી, કુસ્તી, ક્રિકેટ મેચ કે પકડદાવનું આયોજન કરી શકાય.

રોના-ધોના ટાઈપની સીરીયલો બનાવનારા લોકો શરૂઆતમાં કાયમ અલગ એન્ગલ પકડવાની કોશિશ કરતા હોય છે પણ પાછળથી એમની સીરીયલના એકેએક સ્ત્રી પાત્રો હરીફરીને પ્રપંચ અને કાવાદાવા ઉપર ઉતરી આવતા હોય છે. અમુક તો યુદ્ધની પૃષ્ઠભૂમિ પર સીરીયલ બનાવે તો એમાં પણ સાસ-બહુના ઝઘડા ઘૂસાડે એવા ઝનૂની હોય છે. આવી સીરીયલોમાં આ નવા પ્રકારના યુગલોની એન્ટ્રીથી થ્રિલ ઉમેરાશે. વાત કાવાદાવાથી આગળ વધીને મારામારી સુધી પહોંચતી થઇ જશે. આજકાલ સામાજિક સીરીયલોમાં ખૂન અને પોલીસ તો જોવા મળે જ છે હવે કાર ચેઝ અને ફાઈટસ પણ ઉમેરાશે. કાંજીવરમ સાડીઓના બદલે અરમાનીના સુટ અને શેરવાનીઓ જોવા મળશે. સામાજિક વિષય પર સિરિયલ બનાવતી એકતા કપૂર પછી ક્યુંકી સસુર ભી કભી વર થા નામની સીરીયલ બનાવી નાખે એવું પણ બને. .

લગ્ન બાદ હૂતો હૂતો બેઉ કામ કરતાં હોય એટલે ઘર સંભાળવામાં વારા પડે. ભારતીય ઉચ્ચ પરંપરા મુજબ છોકરાઓને રાંધવાનું આવડતું ન હોય એટલે રોજ રેડી-ટુ-કુક ફૂડના પેકેટો ખુલે. ઘરકામ માટે આવતાં નોકર-ચાકર અને સર્વિસવાળા જેવા કે ઈસ્ત્રી, દૂધ, શાકભાજીવાળાને હાઉસ-હસબંડ સાથે ડીલ કરતાં શીખી લેવું પડે. શાકવાળાને વગર રકઝક કર્યે શાક લેતાં ભાયડા વધુ ‘પસંદ’ આવે. લગ્ન બાદ સુહાગના લાંબા આયુષ્ય માટે વ્રત કોણે રાખવું, એ એક પેચીદો પ્રશ્ન બની શકે છે અને કદાચ ભવિષ્યમાં આ કારણે ડાઈવોર્સો લેવાય તો નવાઈ નહિ. આ ઉપરાંત આવા લગ્નો દહેજ કોણ લાવે અને સાસુ કે સસરા દ્વારા જાતીય સતામણી જેવા નવા પ્રશ્નો ઊભા કરે તો નવાઈ નહિ.

ગે મેરેજીઝ વિષે ભલે ગમે તે કહેવાતું હોય, પણ ભારતમાં અપનાવવામાં આવે તો એ છોકરીઓની ઘટતી સંખ્યાની સમસ્યાનું સમાધાન તો આણશે જ, ભલે પછી એની પોતાની નવી સમસ્યાઓ ઊભી થાય ! n

મસ્કા ફન

ગે મેરેજ બાબતે અમેરિકાએ એની પ્રજાને લીટરલી ઉંધા રસ્તે ચઢાવી !
--
#GayMarriages #Gujarati


1 comment:

  1. વ્યંગાત્મક હાસ્ય લેખ થી નવગુજરાત સમયના નવી પેઢીના હાસ્ય લેખક અધીર અમદાવાદી ના કટિંગ વિથ અધીર-બધીર અમદાવાદી ના હાસ્ય લેખથી વાચકોને પ્રેરણાસભર સંદેશ મળતો રહેશે..! લગે રહો અધીર-બધીર.

    ReplyDelete