Thursday, December 18, 2014

પુરુષોના કેશ-કલાપ

કટિંગ  વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૪-૧૨-૨૦૧૪
આજે તો કોઈ માને નહિ પણ એક જમાનામાં માથે પાઘડી કે ટોપી પહેર્યા વગર બહાર નીકળવું નિંદાને પાત્ર ગણાતું હતું. પણ પછી મોશન પિક્ચર્સની અસર નીચે માથા પરનું આચ્છાદન દૂર થતું થયું અને દુનિયાને ભારતીય પુરુષોની ટોપીઓ અને પાઘડીઓ નીચેની સૃષ્ટિનો પરિચય થયો. જોકે આ પરિવર્તન ભારતીય પુરુષો માટે કેટલીક સમસ્યાઓ પણ લાવ્યું જેની વાત પછી કરીએ, પણ એટલું કહેવું પડે કે ભારતીય પુરુષ અત્યારે લાગે છે એટલો આકર્ષક કદી નહોતો લાગતો.  

બોલીવુડ કેશ કર્તન કલાકારો માટે હેર સ્ટાઈલના ક્ષેત્રે નવા પડકારો લાવ્યું. શરૂઆતમાં દેવ આનંદ, રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનના ફોટા હેર કટિંગ સલુંનોમાં ટિંગાયેલ જોવા મળતાં હતાં. અમિતાભને લીધે ‘મિડલ પાર્ટિંગ’ની સ્ટાઈલ પણ પ્રચલિત થઇ હતી. પણ ૯૦ પછી હિન્દી ફિલ્મ હીરોના વાળમાં ઘણું વૈવિધ્ય આવવા લાગ્યું. આમીર ખાને ઘણી ફિલ્મોમાં અલગ અલગ હેરસ્ટાઈલ કરીને હેરસ્ટાઈલીસ્ટસને વાળ કાપવામાં કસરત કરતાં કરી દીધાં છે. ‘ગજિની’માં ગજિની તો કોક બીજો હતો પણ સંજય સિંઘાનિયા બનેલા આમિરનુ ટકલું ‘ગજિની હેર સ્ટાઈલ’ તરીકે જાણીતું થયું હતું. હવે તો હેર સ્ટાઈલની બાબતમાં લોકો એક્ટરો ઉપરાંત ક્રિકેટરો અને રાજકારણીઓને પણ અનુસરવા મંડ્યા છે.

લોકોના વાળમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અમુક લોકોના માથામાં હાથ ફેરવો તો રીંછ પર હાથ ફેરવતા હોઈએ એવું ફીલ થાય. આ કલ્પનાનો વિષય છે. અમે કંઈ રીંછ પર હાથ ફેરવીને ચેક નથી કર્યું, આ તો દેખાવમાં રીંછના વાળ બરછટ લાગે એટલે કહ્યું. તમારે ચેક કરવું હોય તો રીંછને પૂછી અને એનો મૂડ જોઈને કરજો. આવા લોકોના વાળમાં કાંસકો ફેરવો તો એના દાંતા ખુદ ઓળાઈ જાય. એમને મોટે ભાગે વાળ ખરવાનો નહિ પણ કાંસકાના દાંતા ખરવાનો પ્રોબ્લેમ થતો હોય છે. અમુકના વાળ બુટ-પોલીશના બ્રશ જેવા સીધા હોય છે. એવા લોકોના ચહેરા પર સતત ચોંકી ઉઠ્યા હોય એવો ભાવ રહેતો હોય છે જે એમના વાળને આભારી છે. અમુક લોકોના વાળ લાલ હોય છે, પણ એ લાલ બુટ પોલીશને નહિ પણ મહેંદીને આભારી હોય છે. દૂરથી જુઓ તો આવા લોકો જલતી મશાલ જેવા લાગતા હોય છે. અમુક લોકો જાણે દાળમાં કોકમને બદલે શિકાકાઈ નાખતા હોય એમ એમના વાળ કાળા અને સિલ્ક જેવા લીસ્સા રહેતા હોય છે. આશિકી ફેઈમ રાહુલ રોય આ કેટેગરીમાં આવે.

અમુક લોકો વાળ કપાવવા બેસે ત્યારે એમના વાળ કાપવાના છે કે વાળની વસ્તી ગણતરી કરવાની છે એ બાબતે કારીગરો મુંઝવણ અનુભવતા હોય છે. આમ છતાં આવા લોકો ખીસામાં કાંસકો અચૂક રાખતા હોય છે જે એમનો પોઝીટીવ એટીટ્યુડ બતાવે છે. આવા કિસ્સાઓમાં કાંસકો ઓળવા કરતાં માથુ ખંજવાળવાના કામમાં વધુ આવતો હોય છે. હવે જોકે આછાં પાતળાં વાળ ધરાવનારામાં ટકો કરવાની ફેશન જોર પકડી રહી છે એ જુદી વાત છે. બાકી એક વાત કહેવી પડે કે જેમના માથામાં વાળ હોય એ લોકો માટે વિવિધ હેર સ્ટાઈલો ઉપલબ્ધ છે, પણ ટાલવાળા લોકો માટે કોઈ ટાલ-સ્ટાઈલ ઉપલબ્ધ નથી કમનસીબી છે. એમાં તો જેવી પડે એવી નિભાવવી પડે છે.

પરિણીત પુરુષો વાળ ઓળવામાં સાવ બેદરકાર હોય છે. એ લોકો પત્ની યાદ કરાવે ત્યારે જ વાળ ઓળતા હોય છે. મુ. ર. વ. દેસાઈની એક નવલકથાનો નાયક “વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત” વાળ રાખતો હતો. આજકાલ તો એવા વ્યવસ્થિત રીતે અવ્યવસ્થિત વાળ કપાવવાની ફેશન ચાલે છે. કારીગર પણ ‘જેવી જેની મરજી’ એ હિસાબે ઘરાકને જોઈએ તેવા વાળ કાપી આપે છે. એની ભૂલો પણ સ્ટાઈલમાં ખપી જતી જોવા મળે છે.

શોલે અને ધરમ-વીરમાં વીંખાયેલા વાળ સાથે ધરમ પાજીએ હસીનાઓના દિલ જીતી લીધા હતા. પણ  જ્યારથી ધોનીની પત્તાના બાદશાહ જેવી હેર સ્ટાઈલ કે શિખર ધવન જેવા દાઢી-મૂછ-હેર સ્ટાઈલ લોકો અપનાવવા લાગ્યા છે ત્યારથી શાકવાળા અને દાતણવાળા પણ ડૂડ લાગવા માંડ્યા છે. ક્રિકેટમાં હેર સ્ટાઈલની બાબતમાં સુનીલ ગાવસ્કર, હર્ષા ભોગલે અને સેહવાગ જેવા લોકો આ બધાથી અલગ પડે છે. આ તમામ લોકો એમના ભાલ અને બાલ વચ્ચેના જંગમાં બાલના લશ્કરની પીછેહઠ શરુ થઇ તે વખતે જ ચેતી ગયા હતા. આજે એમના જેવા અનેક લોકોના ખોપડીના ખેતર કોસ્મેટિક સર્જરીને સહારે નંદનવન બની ચુક્યા છે. ઘણા કોસ્મેટિક સર્જનો પણ આવા અનેક ઓપરેશનો કરી કરીને બે પાંદડે થયા છે. આ જ સર્જનો પૈકી કેટલાકના માથામાં રમેશ-સુરેશ જેવા પાનખરના બે પાંદડા જ વધ્યા હોવા છતાં એ લોકો ત્યાં વસંત ખીલવવાનો પ્રયત્ન કેમ નહિ કરતા હોય એ પ્રશ્ન એમના પેશન્ટોને જરૂર મૂંઝવતો હશે.

મસ્કા ફ્ન
જોગિંગની સ્પીડ જે તે વિસ્તારના કુતરાની સંખ્યા અને એમના સ્વભાવ પર આધાર રાખે છે.



No comments:

Post a Comment