Sunday, December 28, 2014

હેપી ન્યુ યર

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | | ૨૮-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |



ગભરાશો નહી, કોઈ વાહિયાત ફિલ્મ વિશેનો આ લેખ નથી. આ તો આપણે ઈસવીસન ૨૦૧૫માં ફાઈનલી પહોંચવા આવ્યા એનાં વધામણાં કરતો લેખ છે. આવનાર ૨૦૧૫ વર્ષ રાઉન્ડ ફિગર છે. બાર નંબરમાં બાર વાગી જાય. તેર નંબર અપશુકનિયાળ ગણાય છે. ચૌદ નંબર પંચાતનાં પર્યાય સમો મનાય છે. એટલે ત્રણ ત્રણ વર્ષ પછી આ સારા આંકનું વર્ષ આવ્યું છે. ખુશ થાઓ. કશુંક તો ખુશ થવા જેવું છે ૨૦૧૫માં !
 

કશુંક નહીં, ૨૦૧૫માં ખુશ થવા જેવું ઘણું છે. પેટ્રોલના ભાવ ઘટ્યા છે એટલે હવે સાળીના કજિયાળા છોકરાની બર્થ ડે માટે ૨૦૦ કિમી ડ્રાઈવ કરીને જવું ટોલ ટેક્સને બાદ કરતાં સસ્તું પડશે. હવે ઢાળ ઉતરતા બાઈક બંધ કરી દેવાની જરૂર નહી પડે. આ વખતે ઠંડીની ધમાકેદાર શરૂઆત થઈ છે એટલે સાલમ પાક, ચ્યવનપ્રાશ, આમળાં, શાલ, સ્વેટર, અને બુઢીયા ટોપીનું માર્કેટ ઉંચકાશે. જોકે મફલરનું શું થશે એ વિષે અમે કશું કહેવા નથી માંગતા. શિયાળો તેજ હોય એટલે પાછળ ઉનાળો પણ હોટ હોય એવું મનાય છે. આ વર્ષે ઉનાળો ગરમ રહેશે એટલે પાણીના પાઉચ, પાણીની બોટલ્સ, પાણીના ટેન્કર્સ, અને પાણીના પ્રોજેક્ટ્સ સંબંધિત કામકાજ ધરાવનારને તેજી રહેશે. શિયાળો અને ઉનાળો બરોબર જાય પછી ચોમાસું પણ નોર્મલ રહેશે જેનાં કારણે દેશની પ્રજા ૨૦૧૫માં ડુંગળી અને ટામેટાથી વંચિત નહી રહે.
 

પેટ્રોલ-ડીઝલનાં ભાવની સીધી અસર કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનાં ભાવ પર પડે છે. એટલે એ પણ આવનાર સમયમાં સસ્તી થશે. ફેરનેસ ક્રીમ સસ્તી થશે એટલે આપણા દક્ષિણ પ્રદેશના લોકો પણ ટૂંક સમયમાં યુરોપિયન જેવા ઉજળા દેખાવા લાગશે. ડીઓ સસ્તા થશે એટલે નહાવાના પાણીનો બચાવ થશે. ઉત્પાદન અને ભાવ પોસાશે એટલે ટોમેટો કેચપમાં ટામેટા, કાજુકતરીમાં કાજુ, અને પીનાકોલાડામાં પૂરતાં પ્રમાણમાં પાઈનેપલ પણ નાખવામાં આવશે. ડ્રાયફ્રૂટ્સ તો એટલાં સસ્તા થઈ જશે કે લોકો સિંગ-ચણાને બદલે કાજુ-બદામ ખાતાં થઈ જશે. મલ્ટીપ્લેક્સમાં સો રૂપિયાના પોપકોર્નને બદલે પ્રજા દસ રૂપિયામાં ગરમાગરમ સોલ્ટેડ કાજુ-બાદમ એ પણ કાગળના કોનમાં પહેલાં સિંગ ખાતાં હતાં એમ ખાશે.

ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ બધાને કારણે આપણી હેરીટેજ સાઈટ્સ ચોખ્ખી રહે છે. એમાં ફ્રેંચ અને સ્પેનિશ વિદેશીઓ સાથે પણ આપણા રીક્ષા અને ટેક્સીવાળાઓ ઈંગ્લીશમાં વાતચીત કરતાં તો થઈ ગયા છે. હવે તો વડોદરા અને વાંકાનેરના છોકરાંઓ ચાઈનીઝ્ અને કોરીયન્સ કન્યાઓ સાથે પરણતા થઈ ગયા છે, આ સંખ્યામાં વિદેશી પ્રવાસીઓને કારણે વધારો થશે. આમ આપણો દેશ કલ્ચરલી વધું સમૃદ્ધ થશે. આપણા છોકરાંઓ ચાઈનીઝ અને રશિયનમાં ગાળો બોલતાં શીખશે. એમાં શિયાળામાં આવતાં એનઆરઆઈ પંખીઓ પણ આવવાના શરુ થઈ ગયા છે. એનઆરઆઈને કારણે આપણા લોકલ દુકાનદારોમાં વસ્તુ બતાવવાનાં ઉત્સાહમાં વધારો થશે, જેનો ફાયદો શોપિંગમાં સાથે ગયેલા અમારા જેવા દેશીઓને થશે.

નવા વર્ષમાં આપણાં સારા દિવસો પણ આવવાના છે. વિદેશમાંથી કાળું ધન તો આપણા ખાતાંમાં પડવાની તૈયારીમાં જ છે. પણ અમે સાંભળ્યું છે કે હવે ઇલેક્શન અને આધાર કાર્ડ માટે પડાવેલા ફોટાં વેડિંગ ફોટોગ્રાફી જેટલાં સારા આવશે. ડ્રાઈવિંગ લાઈસન્સ અને રેશનિંગની લાઈનોમાં છાંયડો મળે એવી વ્યવસ્થા થશે. પોલીસો ફરિયાદ લખાવનાર સાથે ગુનેગાર સાથે કરે છે એવું વર્તન નહીં કરે. સારા દિવસો તો એવા આવશે કે રેલ્વેમાં ચા પણ સારી મળશે. રસ્તા પર સવારે ખોદાયેલો ખાડો બીજાં દિવસ સવાર પહેલાં પુરાઈ જશે. બીઆરટીએસ અને સાયકલ ટ્રેક પછી રસ્તા ઉપર ગાયો, ભેંસો અને કૂતરા માટે અલગ ટ્રેક બનશે અને એ પ્રાણીઓ પાછાં ડેડીકેટેડ કોરીડોરમાં જ ચાલશે! જોકે પછી લોકોને ચાલવા માટે સ્કાય વોક બનાવવી પડશે. પછીનાં વર્ષે એ પણ બનશે, બધું થોડું રાતોરાત બને!

હજુ થોડું આગળ વિચારીએ. સાયન્સ અને ટેકનોલોજીમાં આપણે મંગળફાળ ભરી છે. તો આવનાર વર્ષમાં એવી ટેકનોલોજી આવશે એ ખરાબ રસ્તા અને પુલનું ઉદઘાટન, અને કોન્ટ્રાક્ટરને બીલનું પેમેન્ટ થાય એ પહેલાં તૂટી જશે. કોન્ટ્રકટરોએ સાંઠગાઠ કરી ભરેલા ટેન્ડરો પોસ્ટ ખાતામાં આપોઆપ અટવાઈ જશે અને વિભાગ સુધી પહોંચશે જ નહી. ઓનલાઈન ભરવાના ટેન્ડર અપલોડ જ નહીં થાય. ભ્રષ્ટ્રાચારીને માથે તો લાલ લાઈટ લબુક-ઝબુક થશે. તમારે જોઈતું સર્ટીફીકેટ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો. વિકાસના નામે ઝાડ કાપવામાં આવશે તો વૃક્ષો પોતે બચાવો બચાવોની બુમો પાડશે. પીવાના પાણીની લાઈનોમાં ગટરનું પાણી જેવું ભળશે તેવી સાઈરન વાગશે. ભેંસ કે કૂતરા એરપોર્ટમાં ઘૂસવા પ્રયત્ન કરશે તો ફેન્સીંગમાંથી ‘હટ હટ’ અવાજ આવશે!

નવા વર્ષમાં ઘણું નવું થશે. નવા વર્ષમાં આપણા જ્ઞાનમાં વધારો થશે. કાળુડી કૂતરીને જે ચાર કાબરાં ને ચાર ભૂરિયાં ગલુડિયા આવ્યા હતાં એનો બાપ કોણ હતો એ રાઝ સીઆઇડીનાં એપિસોડમાં ખુલશે તથા એ ગલુડિયાનાં ગ્રાંડ ચિલ્ડ્રનને કોક ન્યૂઝ ચેનલનો ઉત્સાહી રિપોર્ટર શોધી લાવશે. કૂતરાનો સંઘ કાશી કેમ જતો હતો, તેનો પર્દાફાશ કોઈ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ થકી થશે. ઈન્ડીયન ભૂતને આંબલી કેમ પસંદ છે, એ ભૂતોના ચોંકાવનારા નેશનલ સર્વે થકી બહાર આવશે. પાણીપુરીમાંનું કયું તત્વ સ્ત્રીનાં મગજના કયા ભાગને ઉત્તેજિત કરે છે તેનું સાયન્ટીફીક એક્સપ્લેનેશન આવનાર વર્ષમાં મળી આવશે.

નવ વર્ષમાં લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. સ્ટ્રીટલાઈટમાં ભણવાના જમાના ગયા, હવે મોબાઈલની ફ્લેશલાઈટમાં ભણાશે. ઘરકામ કરનાર નોકર પણ મોબાઈલ રાખતાં તો થઈ જ ગયા છે, એ હવે ટેબ રાખતાં થઈ જશે. પછી ફેસટાઈમ કોલ પર એ સાચેસાચ બીજાના ઘેર કામ કરે છે એનાં લાઈવ ફીડ બતાવતા થશે. પાછું ત્રણ ઘરનું કામ પતી ગયું એનાં સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર અપડેટ કરશે જેને એવી ગૃહિણીઓ અને ગૃહસ્થો લાઈક કરશે જેનાં ઘરનું કામ ક્યુમાં હોય. મધ્યમ વર્ગ પણ બ્લેડથી કેટલી દાઢી થઈ એ ગણવાનું છોડી દઈ બ્લેડથી દાઢી છોલાવાં લાગે એટલે એનો નિકાલ કરી દેશે. તો બીજાં કેટલાય કુટુંબોમાં શેમ્પુની બોટલમાં પૂરી થવા આવે ત્યારે પાણી નાખી હલાવીને વાપરવાનું બંધ કરી દેશે!

લ્યો ત્યારે, પેડ કે પત્તે સારે અગર રોટી બન જાયે, ઓર તાલાબ કા પાની અગર ઘી, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાવે. બસ આ હવે હાથવેંતમાં છે. બી પોઝીટીવ ! હેપી ન્યુ યર !

No comments:

Post a Comment