Sunday, December 07, 2014

મેરે દેશ કી ધરતી ઈઈઈ .....

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૭-૧૨-૨૦૧૪ 



સમાચાર છે કે રાજસ્થાનના નાગૌર જીલ્લાની આસપાસના ખેત મજુરોએ ડિસ્ક જોકી વગર લણણી કરવાનો ઇનકાર કરી દીધો. એટલે સુધી કે એ લોકો મહેનતાણામાં બાંધછોડ કરવા તૈયાર છે પણ ડીજેમાં નહિ. એમનું કહેવું છે કે ડીજેને કારણે એમની કામ કરવાની ઝડપ વધે છે.

અમને તો આમાં કશું અજુગતું લાગતું નથી. અમારા જેવા જ કેટલાક ખાંખતિયા લોકોએ સંશોધન કરીને સાબિત કર્યું છે કે ભલે ભેંશ આગળ ભાગવત વાંચવાથી ભેંસ ડોબું મટી નથી જવાની, પણ દૂધાળા ઢોર પાસે સંગીત વગાડવાથી એ વધુ દૂધ આપે છે. એટલું જ નહિ વિજ્ઞાન કહે છે કે સંગીતને લીધે વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. જોકે આ બધું શોધનારાએ ધાડ નથી મારી, બીજા વૈજ્ઞાનિક સંશોધનોની જેમ આ વિશેનું જ્ઞાન આપણા પૂર્વજો પાસે હતું જ. આપણી જૂની હિન્દી ફિલ્મો જોશો તો એમાં ખેતર ખેડતી વખતે, પાક લણતી વખતે કે અનાજ ઉપણતી વખતે મજુરો ફક્ત ગાતા જ નહિ પણ સાથે નાચતા પણ દેખાશે. ખાતરી ન થતી હોય તો મનોજ કુમારનું ‘મેરે દેશકી ધરતી ઈઈઈઈ...’ કે બચ્ચનનું ‘પરદેસીયા આઆઆઆ ...’ જોઈ લેવું. ‘શોભા’ના ‘ગાંઠીયા’ તુસ્સાર કપૂરના પપ્પા જીતુ ભ’ઈ તો ‘મેરે દેશ મેં, પવન ચલે પુરવાઈ ...’ ગીત ગાતા ગાતા કાંકરિયા તળાવના ત્રણ રાઉન્ડ થાય એટલું દોડ્યા હતા! આમ કરવાથી ધરતી સોનુ અને હીરા-મોતી ‘ઉગલતી’ હશે ત્યારે તો શેઠ લોકો ખેતરમાં તાકધીનાધીન કરવા દેતા હશે ને!

અમારી તો આગ્રહભરી વિનંતી છે કે સરકારે આટલેથી વાત ઉપાડી લેવી જોઈએ અને એગ્રીકલ્ચર યુનિવર્સીટીઓમાં એગ્રો-ડી.જે. માટેના ખાસ અભ્યાસક્રમો ચાલુ કરવા જોઈએ. એમ કરવાથી  મજુરોની ઉત્પાદકતા તો વધશે જ ઉપરાંત યુવાનો પણ ખેતી તરફ વળશે. અભ્યાસક્રમમાં સાલસા, પાસો દોબ્લે કે હિપ હોપ કરતાં કરતાં ખેતીકામ કેવી રીતે કરવું એ શીખવાડવું જોઈએ. જરૂર પડે તો આ માટે કોરિયોગ્રાફરોને દાતરડું, કોદાળી, ત્રિકમ, પાવડા જેવા પ્રોપ્સ આપીને એવા ખાસ સ્ટેપ્સ વિકસાવવા જોઈએ કે બ્રેકિંગ, લોકીંગ અને પોપિંગ સાથે ખેડવા, વાવવા અને લણવાના કામ ઉપરાંત નિંદામણ દૂર કરવાનું, પાણી વાળવાનું અને ખાતર નાખવાનું કામ પણ થતું જાય. ડી.જે.ના તાલ પર રાજેશ ખન્નાની સ્ટાઈલમાં યુરિયાનો છંટકાવ કરવાનું પણ શીખવાડી શકાય. લીફ્ટ એન્ડ થ્રોવાળા સ્ટેપ્સની મદદથી ઘાસના પૂળા છાપરે ચડાવવાનું કૌશલ્ય પણ વિકસાવી શકાય. ડાન્સની આવડતમાં સની દેઓલ જેવા સ્ટુડન્ટસને છેવટે પક્ષીઓને દૂર રાખવા માટે ખેતરમાં ડીડીએલજેના શાહરુખની જેમ બે હાથ પહોળા કરીને ઉભા રહેતા પણ શીખવાડી શકાય.

યુનીવર્સીટીના સંગીતના અભ્યાસક્રમોમાં પણ ખેતમજુરોને સંગીતના તાલે મસ્તીમાં ઝૂમાવી શકે એવા ડી.જે. તૈયાર થાય એ બાબત પર ભાર મુકાવો જોઈએ. ક્યા પાક માટે કયા સિંગરનો ટ્રેક લેવો જોઈએ એ પણ શીખવાડવું જોઈએ. એટલું જ નહિ પણ એની બારીકીઓ પણ સમજાવવી જોઈએ. જેમ કે હિમેશભાઈના ગાયન અને યોયો હની સિંઘના ગીતના શબ્દો પર બેફામ દાતરડાં  ફેરવવાથી અન્ય મજુરોને ઇજા અને ખેતરની હાલત નીલ ગાયો ભેલાણ કરી ગઈ હોય એવી પણ થઇ શકે છે. જોકે ‘લુંગી ડાન્સ’ જેવા ગીતોને પ્રતિબંધિત કરવા પડે. સીધી વાત છે, માણસ લુંગી સંભાળે કે ઉંબીઓ ઉતારે?

ઘઉં, ચોખા, બાજરી જેવા ખાદ્યાન્ન તથા નાળીયેરી, ચીકુ, આંબા અને ૫પૈયા જેવા બાગાયતી પાકો માટે યોગ્ય રાગ-તાલવાળા ટ્રેક પસંદ કરવા બાબતે વિશેષ ધ્યાન અપાવું જોઈએ. જેમ કે ઘઉં લણવાના કામમાં વિલંબિત એકતાલ સાથેની ખયાલ ગાયકીનો ટ્રેક મુકો તો મધ્ય લયમાં આવતા સુધીમાં જ ચોમાસું આવી જાય. જયારે આંબો વેડવાના કામ સાથે રોક, પોપ કે હિપ હોપ વગાડવામાં આવે તો શાખ સાથે મરવા પણ પડી જાય. ઘઉંનો પાક તૈયાર હોય ત્યારે રાગ દીપક વાગી જાય તો ય તકલીફ અને મલ્હાર વાગી જાય તોય તકલીફ. હા, બોરડી ઝૂડતી વખતે રાગ ઝીંઝોટી અને ચીકુ કે નારિયેળ ઉતારતી વખતે રાગ તોડીનો પ્રયોગ કરી શકાય. વન્ય પેદાશો એકત્ર કરતા કર્મીઓ માટે રાગ જંગલી તોડીના ટ્રેક મૂકી શકાય.

આ તો ઝલક છે, બાકી સરકાર ધારે તો ખેતરોમાં સાઉન્ડ સિસ્ટમ-સાઈકેડેલીક લાઈટ્સ માટે વ્યાજ વગરની લોન-સબસીડી આપવી, રાત્રે સાઉન્ડ સિસ્ટમ વગાડવાની છૂટ, ફિક્સ પગારિયા ડી.જે. સહાયકોની ભરતી, ઘૂઘરાવાળા દાતરડા-પાવડા-ત્રિકમનું વિના મુલ્યે વિતરણ, આઈ.ટી.આઈ.માં સાઉન્ડ ટેકનીશીયનના સર્ટીફીકેટ કોર્સ શરૂ કરવા વગેરે પગલાં દ્વારા અંદાજે ૧૦૦ કરોડના ટર્નઓવર તથા ગ્રામ્ય કક્ષાએ રોજગારી ઉભી કરવાની ક્ષમતા ધરાવતા આ ક્ષેત્રને વિકસાવી શકે છે. આ ક્ષેત્રમાં કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપવાનાં એમ.ઓ.યુ. કરવા માટે આગામી વાઈબ્રન્ટ સમિટની અમે પણ રાહ જ જોઈએ છીએ.

મસ્કા ફ્ન
જોધા-અકબર સીરીયલ પરથી એટલું જાણવા મળ્યું કે ...
અકબર પોતે જ અનારકલી ડ્રેસ પહેરતો હતો!
 

No comments:

Post a Comment