Friday, December 05, 2014

કશું અશક્ય નથી



કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩૦-૧૧-૨૦૧૪
આ વિશ્વમાં શું કરવું સંભવ છે અને શું કરવું અસંભવ છે એ બાબતે સર્વસંમતી નથી. ગુજરાતીમાં ‘અશક્ય’ અને ઈંગ્લીશમાં ‘ઈમ્પોસીબલ’ શબ્દની વાત આવે એટલે આપણે ત્યાં મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટને ચર્ચામાં ઘસડી લાવવાનો વણલખ્યો રીવાજ છે. લોકો ભૂલી જાય છે કે ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરુખ પાસે નેપોલિયન જેટલી જ ‘બોક્વાસ’ ડિક્શનરી હતી, છતાં પણ લોકો ચર્ચામાં શાહરુખના બદલે નેપોલિયનને ટાંકે છે એ એ અલગ વાત છે. જોકે અસલ વાત એ છે કે નેપોલિયન કે શાહરૂખ જેવા લોકો માટે આ દુનિયામાં કંઈ પણ ઈમ્પોસીબલ નથી એવું કહેવું સહજ છે. એવરેસ્ટની ટોચ પર પહોંચીને કોઈ એવું કહી શકે કે એવરેસ્ટ સર કરવો અશક્ય નથી.’ પણ કઢી બનાવવા ખાટું દહીં પણ જે પડોશમાં માંગવા જતાં હોય એ દુશ્મનના દાંત ખાટા કરી નાખવાની વાત કરે ત્યારે સાલું લાગી આવે!

લોકો એવું પણ કહે છે કે નેપોલિયનના જમાનામાં ટૂથપેસ્ટ હોત તો એને ખબર પડત કે ટ્યુબમાંથી બહાર નીકળેલી પેસ્ટને પાછી નાખવી અસંભવ છે. ‘થ્રી ઈડિયટ્સ’માં શર્મન આમિરને એવું કરવાની  ચેલેન્જ પણ આપે છે જે મિસ્ટર પર્ફેક્શનીસ્ટ નથી ઉપાડતો. પણ આજે નેપોલિયન હોત કે સુપર ઈન્ટેલીજન્ટ રેન્ચોના લેપટોપમાં ડેટાપેક પૂરું ન થઇ ગયું હોત તો એ લોકો યુ-ટ્યુબમાં ‘Putting toothpaste back in the tube’ સર્ચ મારીને શોધી કાઢત કે ટ્યુબમાં પેસ્ટ પાછી નાખી શકાય છે. જોકે આવું સોફ્ટ સ્કવીઝ ટ્યુબો આવી પછી શક્ય બન્યું એ જુદી વાત છે.

આમ તો  શું કરવું સંભવ કે અસંભવ છે એ સાપેક્ષ વાત છે. એક ઉદાહરણ જુઓ: ક્રિકેટના બેટ અને ટેનીસના રેકેટમાં એક સ્વીટ સ્પોટ હોય છે જેના પર બોલ સ્ટ્રાઈક કરવાથી ખેલાડીને આંચકો ઓછો લાગે છે. આપણી કેડ પર એક સ્વીટ સ્પોટ હોય છે જેના વડે ગલીપચી થાય છે. આ સ્પોટ્સ આપણી પહોંચમાં છે. આપણા બરડામાં પણ એક એવું સ્વીટ સ્પોટ આવેલું છે જ્યાં ખંજવાળવાથી અવર્ણનીય આનંદ મળે છે. એ સ્પોટ આપણા બરડામાં જમણા હાથની પહોંચથી થોડું ડાબા ભાગ તરફ અને ડાબા હાથની પહોંચથી થોડું જમણી તરફના ભાગમાં આવેલું હોય છે. ટૂંકમાં ત્યાં પોતાના હાથથી ખંજવાળવું અશક્ય છે. છતાં એક વાયલીનીસ્ટ મગ્ન થઇને બો (વાયલિન વગાડવાના ગજ) વડે વાયલીન વગાડતો હોય એટલી જ લગનથી લોકો ફૂટપટ્ટી કે વેલણ વડે એ સ્વીટ સ્પોટ ખંજવાળતા જોવા મળે છે.

આમાં શાણા લોકોની વાત જ અલગ છે. કહેવાય છે કે આવા લોકોને બગલમાં તલ હોય છે (તમે આ પેરા વાંચીને પછી અરીસામાં બગલ ચેક કરજો) અને એટલે જ એમને ઈમ્પોસિબલ શબ્દમાં ‘આઈ એમ પોસિબલ’ વંચાતું હોય છે. અમારા ખાસ મિત્રે અમને આવો વોટ્સેપ પર મેસેજ મોકલ્યો હતો. એની બગલ ચેક કરો તો ચોક્કસ તલ નીકળે. આમ તો શાણા લોકોની વાત જ ન થાય પણ અમે કરીશું કારણ કે એ લોકો અશક્યને શક્ય બનાવતા હોય છે. એ ગુજરાતીમાં અશક્યને “આ શક્ય છે” એમ પણ કહે, નેતાના ભાષણોમાંથી એ બોધ લઈ શકે, કૂતરાની હાલતી પૂછડીમાં એમને ઉર્જાશક્તિ દેખાય, કે પાણીપુરીના પાણીમાંથી પોષક તત્વો પણ શોધી કાઢે.

ઘણાં કાર્યો અઘરા હોય છે પણ શક્ય હોય છે. હસવાની સાથે લોટ ફાક્વાની ક્રિયા વિચિત્ર કહેવાય પણ કોઈ ધારે તો હસતી વખતે લોટ ફાકી શકે. બહુ બહુ તો ઉડે. શ્વાસમાં જાય તો છીંકો આવે. ઉપર પાણી પીવું પડે. જોય રાઈડ કે રોલર કોસ્ટરમાં બેસવાથી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં અમે હસવાનું રોકી શકતાં નથી. કિશોર કુમારે જેને ‘સાધુ ઓર શેતાન’ ફિલ્મમાં રાગ ગભરાટ કહ્યો હતો, એ રાગ લોકોને હસાવે છે એવું સાયન્સ કહે છે. પણ અમુક લોકો રોલર કોસ્ટરમાં પણ શાંત ચિત્તે બેસી શકે છે. આજકાલ એવી ફિલ્મો બને છે કે થિયેટરમાં બે-અઢી કલાક કાઢવા અશક્ય લાગે. તોયે રામ ગોપાલ વર્મા અને સાજીદ ખાનની ફિલ્મો જોઈને જીવતાં બહાર નીકળ્યાના દાખલા ઇતિહાસમાં ક્યાં નથી નોંધાયા?

એમ તો જે કામ પોતે ન કરવાનું હોય તે જરાય અઘરું નથી હોતું. બોસ માટે કોઈ કામ અશક્ય નથી હોતું. જોકે પાકિસ્તાન દાઉદને પકડીને આપણને આપી દે એ કહેવું સહેલું છે, પણ આપણા ઘરમાં વીરપ્પનને પકડતાં વર્ષો વીતી ગયા હતાં. અરે આ રામપાલ બાબાના આશ્રમમાં ઘુસવામાં ફીણ નીકળી ના ગયું?

તો ઘણાં કાર્યો અશક્ય હોય છે. જેમ કે છાશમાંથી પાછું દૂધ બનાવવું, બગાસું, છીંક અને ઉધરસ એક સાથે ખાવાં શક્ય જણાતાં નથી. અમે કોઈને એવું કરતાં જોયેલા નથી. ગિનીઝ બુક ઓફ રેકોર્ડઝમાં પણ આ અંગે કોઈ નોંધ નથી. અમને પોતાને પણ કોઈ અનુભવ નથી. એમાં ખોટું શું કામ કહેવું? n

મસ્કા ફન
“ભાઈ ‘આ બૈલ મુઝે માર’ સીરીયલની સી.ડી. છે?
“ના. મારા મેરેજની વિડીયો સી.ડી. છે, ચાલશે?”  


1 comment:

  1. આવી પોસ્ટ ન વાંચવી એ પણ અશક્ય છે, અને મારી dictionary માં impossible શબ્દ છે, નેપોલિયન નથી માટે,

    ReplyDelete