Sunday, December 07, 2014

કૂવામાં હોય એટલે હવાડામાં આવે જ, એવું જરૂરી નથી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |
| ૦૭-૧૨-૨૦૧૪ | અધીર અમદાવાદી |

બેટમેનનાં છોકરાને બેટ પકડતાય ન આવડતું હોય. સ્પાઈડર મેનનો છોકરો ઝાડ પર ના ચઢી શકતો હોય. સુપરમેનનો છોકરો ચાલુ ટ્રેઈનમાં ન ચઢી શકે. શેરલોક હોમ્સના છોકરાને લોકો છેતરી જતાં હોય. પેરી મેસનનો છોકરો દલીલ કરવામાં કાચો હોય. જેમ્સ બોન્ડનો સન લઘરવઘર ફરતો હોય. ડ્રેક્યુલાનાં પોયરાને એનિમિયા પણ હોય. બસંતીની છોકરી શાંત હોય. કેમ, આવું ના હોઈ શકે?

ડોક્ટરના છોકરાં ડોક્ટર અને એક્ટરના છોકરાં એક્ટર તો આપણે બનતા જોઈએ છીએ પણ જે આવડત બાપમાં હોય એ ઘણીવાર બાળકોમાં નથી ઝળકતી. આનાં ઉદાહરણ આપવાની અમને જરૂર જણાતી નથી. સૌને ખબર છે. મોરના આ કહેવાતાં ઈંડાઓને જાતજાતના ક્લાસમાં મોકલીને ચિતરવામાં આવે છે. તોયે એમાંથી કાગડાં અને કાગડીઓ બહાર નીકળે છે. એ કા કા કા કરે તો પણ એમને પ્રોત્સાહન આપવામાં આવે છે. એમનું માર્કેટિંગ કરીને મોર બનાવવામાં આવે છે. પણ જેમ સફેદ દાઢી લગાડવાથી બાપુ અને કાળી દાઢી ઉગાડવાથી ડાકુ નથી બની જવાતું, એમ મોરના પીછાં લગાવવાથી કાગડા મોર નથી બની જતાં.

ઘણીવાર બુદ્ધિશાળી માણસોના સંતાનો ડોબાં પાકે છે. એટલીસ્ટ એમનાં
પૂજ્ય પિતાશ્રી અને માતાશ્રી કરતાં તો ડોબાં ખરા જ. એમાં બે તરફના જનીન કામ કરે છે. એટલે જ તો આઈન્સ્ટાઈન, ગેલેલિયો, ન્યુટન, શેક્સપિયર જેવાના સંતાનો વિષે આપણે ખાસ સાંભળ્યું નથી. એમની પત્નીઓ વિષે પણ ખાસ ક્યાં સાંભળ્યું છે? ધર્મેન્દ્રના છોકરાં ડાન્સ કરી શકે તો આશ્ચર્ય થાય. એવું થાય તો પણ એમાં ક્રેડીટ હેમાજીને જ મળે, અને ડૉ. નેનેનાં છોકરાં જો ભણવામાં ડોબાં પાકે તો માધુરીની માર્કશીટ ચેક કરવી પડે.

એક પ્રખ્યાત ડાન્સરે જ્યોર્જ બર્નાડ શોને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ સંદર્ભમાં બે વચ્ચે સંવાદ વાંચેલો યાદ આવે છે.ડાન્સર શો ને લખે છે કે ‘વિચારો કે આપણા બેનું એક સંતાન હોય જેમાં મારું રૂપ અને તારું ભેજું હોય’, શો એ નિરાશા સાથે જવાબ આપ્યો હતો કે ‘હા, મિસ. હું માનું છું કે તું સૌથી સુંદર છું અને હું સૌથી બુદ્ધિશાળી, પણ આપણાં સંતાનમાં મારું રૂપ અને તારું ભેજું આવ્યું તો? માટે તારો પ્રસ્તાવ હું સવિનય નકારું છું’.

કૂવામાં હોય તો હવાડામાં આવે એ વાત સાચી પણ કૂવામાં હોય એટલે હવાડામાં આવે જ, એવું જરૂરી નથી. એનાં માટે પણ પાણી ખેંચવું પડે. ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં. આપણે ત્યાં હવાડા એવું માની લે છે કે કૂવા પડ્યો છે ને. એમાં આપણે ત્યાં તો કૂવા પાછો પડ્યો પડ્યો હવાડામાં પાણી પહોંચાડવા ધક્કા મારતો હોય. કૂવા જ શું કામ, કૂવી પણ એમાં સાથ આપતી હોય. પણ હવાડો એમ જ પડ્યો રહે,આળસુની જેમ,કે હમણાં કૂવામાંથી આવશે જ ને. પણ એમ કરતાં પણ કૂવામાંથી જે પાણી નીકળે છે એ ઢોરો પીવે એવું. ભેંસો નવડાવાય બહુમાં બહુ. હવાડાના પાણીમાં લીલ બાઝી હોય. હવાડાનું પાણી ડહોળું હોય. કૂવા વગરના હવાડા હોતાં નથી. હવાડાનું સ્વત્રંત અસ્તિત્વ હોતું નથી. ગુજરાતીના એક ચોક્કસ સાહિત્યકારની ભાષામાં કહીએ તો હવાડાનું હવાડત્વ કૂવાને કારણે છે. હવાડો ફલાણા કૂવાનો હવાડો ગણાય છે. પોતાનાં પહાણા પર ઊભા હોય એ હવાડા હવાડા કહેવાય. બાકી હવાડાનું હવાડાપણું હ્રદય શબ્દમાંનાં હ જેટલું નકામું છે.

શ્રી અમિતાભજી ઉર્ફે અર્જુનસિંગને નમકહલાલમાં મુ. ઓમપ્રકાશ ઉર્ફે દદ્દુ પોતાનાં પગ ઉપર ઊભા રહેવાની સલાહ આપે છે. એમાં ભાઈ કન્ફયુઝ થઈ જાય છે. ઊભા તો બધાં રહે છે પણ ઊભા રહેવા રહેવામાં ફેર હોય છે. જેનાં ઢીંચણની ઢાંકણી ઘસાઈ ન હોય એવાં પણ ટટ્ટાર ઊભા રહે એ જરૂરી નથી. અમુક ને પાછળ હાથ બાંધીને ઊભા રહેવાની ટેવ હોય છે. પરણેલા હોય એમને અદબ વાળીને ઊભા રહેવાની આદત હોય છે. નોકરિયાતોને સાવધાન મુદ્રામાં ઊભા રહેવાની મજબૂરી હોય છે. નેતાગીરી કરનારને કોઈના ખભે હાથ મુકીને ઊભા રહેવાની કુટેવ હોય છે. અમે અમદાવાદી છીએ તોયે અમને પોતાનાં ખિસામાં હાથ નાખીને ઊભા રહેવાની ટેવ છે. આમ પોતાનાં પગ પર ઉભેલા જે દેખાય છે એ સ્વેચ્છાએ, પોતાની મરજીથી, અને પોતાનાં પગ પર ઊભા હોય એવું જરૂરી નથી.

એવું કહેવાય છે કે વડ એવા ટેટા. જોકે વડ છાંયડો આપે છે. એની વડવાઈ પર ઝૂલી શકાય છે. પણ ટેટા, મારા બેટા કોઈ કામનાં નથી હોતા. વાંદરા કદાચ ખાતાં હોય તો ભલું પૂછવું. આપણે એ જોવા ગયા નથી. ભવિષ્યમાં જોવા જવાનો વિચાર પણ નથી. પણ આધુનિક ‘વડ’વાઓ ટેટાને જલ્દી વડ બનાવવાની લાહ્યમાં સગ’વડ’ ન હોય, પર’વડ’તું ન હોય, તોયે ત્રે’વડ’ બહારનાં ખર્ચા કરી નાખે છે. વડ એવી આશા રાખતા હોય કે બદલામાં ટેટા ઘડપણમાં એમને કા’વડ’માં બેસાડીને કેસિનોની જાત્રા કરાવશે. પણ આજકાલના જનરેશન-એક્સ ટેટાઓ એક્સ-જનરેશનનાં ‘વડ’વાઓ પાસેથી હુન્નર, રીતભાત, ધીરજ શીખવાને બદલે ઉતાવળે વડ બનવાની હોડમાં પોતે જ બે’વડ’ વળી જાય છે. ટૂંકમાં કહીએ તો આજકાલની હાઈબ્રીડ પ્રોડક્ટ્સને પોતે ઓર્ગેનિક હોત તો કેવું, એ વસવસા સિવાય વારસામાં કશું નથી મળતું.

આમ તો વારસામાં મકાન, દુકાન, રૂપિયા, દાગીનાથી લઈને કુટેવો, ઉઘરાણી અને દેવું આપીને જવાનો આપણે ત્યાં રિવાજ છે. ધ્યાનથી જોજો. બાપુજી વારસામાં આ બીડી પીવાની ટેવ આપીને ગયા હોય એવા દાખલા જોવા મળશે. કોકને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આપીને જાય છે. કેટલાક બાપુજીઓ સંતાનોને ઘાંટા પાડવાનો વારસો આપીને જાય છે. ઘણાં દીકરાઓ બાપુજી જેટલાં જ સ્લો કે બોરિંગ પેદાં થાય છે અને પછી પોતાની તરફથી એમાં ઉમેરો કરે છે. ઘણી છોકરીઓ મમ્મી જેટલી જ કજિયાળી હોય છે. બટાકાખાઉં પપ્પાનાં પ્યારાઓ બટાકાખાઉં, જંકફૂડીયાનાં જન્ક્ફૂડીયા અને માવાખાઉનાં પુત્રો માવાખાઉં પાકે છે. હા, ક્યારેક કાગડાના માળામાંથી કોયલના બચ્ચા નીકળે એવા સુખદ આશ્ચર્યો જોવા મળે. ત્યારે કોઈ કહે પણ ખરું કે ‘આ તમારો નાનો કોનાં પર ગયો છે એ સમજ નથી પડતી!’

આવા કુવારસાનાં કુપરિણામોથી બચવા સંતતિ નિયમન એક અસરકારક ઉપાય છે. ન ઉગેગા બાંસ, ન બજેગી બાંસુરી. વાંસળી કે પીપૂડી જે કહો તે. સાચે જ ઇન્દિરાજીએ વર્ષો પહેલાં કુટુંબ નિયોજન અંગેકાર્યક્રમો આપી ઘણું સુચક કામ કર્યું હતું!n

No comments:

Post a Comment