Sunday, October 03, 2010

લાયક ઉમેદવાર ?

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૩-૧૦-૨૦૧૦ | અધીર અમદાવાદી | 

અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન જ્યારે માથા ઉપર ગાજી રહ્યા છે ત્યારે દરેક પક્ષ ઉમેદવારોના લીસ્ટને આખરી ઓપ આપી રહ્યા છે. પક્ષ દ્વારા જે પણ ઉમેદવારનું નામ મુકાય તેનો વિરોધ થવાના ખબર રાબેતા મુજબ આવી રહ્યા છે. યુવાન, ભણેલા અને ચોખ્ખી છાપ વાળા ઉમેદવાર ચૂંટણીના જાહેરનામા પછી અચાનક ગુમ થઇ જતા હોવાથી પ્રજાના ભાગમાં છેવટે છાપેલા કાટલાં જ આવે છે. તો આ વખતે કેવા કેવા ઉમેદવારોએ ટિકિટ માંગી હતી અને એ કેવા ગુણ ધરાવે છે એ અંગે ટેકેદારો દ્વારા થતી રજુઆતનું અધીર અમદાવાદીએ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું, જેના બિન-સંપાદિત અંશો અહીં રજુ કર્યા છે.

“સાહેબ, આ પરસોત્તમ ભઇ છે. એમનો પસ્તીનો બિજનેસ છે એટલે બધા એમને પસા પસ્તી નામથી જ ઓળખે છે. એમની નાતના લગભગ નવ હાજર મત તો એમની બંડીના ગજવામા જ છે. એમને પગે ચાલીને લોકસંપર્ક કરવાનો ચોવીસ વરસનો અનુભવ છે. એમને સોલિડ વેસ્ટ કમિટી ના ચેરમેન બનાવસો તો સે’રમા કચરાનો પોબ્લેમ સોલ થઈ જસે, ને એમને ધંધાનો ધંધો થઇ જસે.”

“સાહેબ આ આપણા મતવિસ્તારના ખુબ લોકલાડીલા ઉમેદવાર બાબુભાઈ છે. એમની ઉંમર ૭૧ છે પણ એકદમ ફીટ છે. સવારમાં ગાર્ડનમાં વોક કરવા નીકળે તો ૩૭ કુતરાઓને એ રોજ બિસ્કીટ ખવડાવે છે. આ ઉપરાંત ગાયને ઘાસ, કીડીઓ ને લોટ અને કબૂતરોને દાણા પણ રોજ નાખે છે. એ ભિખારીઓ ને એ હટ નથી કહેતા ને મરતાને એ મર નથી કહેતા. સાહેબ બાબુભાઈએ કરુણાની મૂર્તિ છે. એમના મોઢા પર કાયમ સ્માઈલ હોય છે. અમારા વિસ્તારની ધર્મપ્રેમી જનતા બાબુભાઈને જરૂર ચૂંટી કાઢશે. ને સાહેબ તમે એમને મેયર બનાવશો તો એ ઉદઘાટનોમાં મુખ્યમંત્રી જોડે જરૂર શોભશે.”

“આ ડાયાભ’ઇ ડામ્મર છ શાયબ. એમનું રોડ ક્ન્ત્ર્ક્સનનું કામ છ. ઇમણે ખાડા કરી કરીને ગોમને ગોન્ડું કરી મેલ્યું છ પણ ઇવડા ઈ કોઈ દા’ડો ખાડામો પડ્યા નહિ. ઇમના બનાયલા રોડ ભલે મજબુત ના હોય, પણ ઓંયકણ ઇમનાથી સ્ટોંગ કોઈ છ જ નઇ. ને ડાયાભઈ પૈશા ખર્ચી શક ઈમ છ. ગઈ શાલ ઈમના બનાયેલા બધ્ધા રોડ બેહી ગ્યા તોયે ચ્યોંય ઇમનું નોમ નો’તુ આયુ! એમને શાયેબો જોડેય હારા વેવાર છ. ખાવાના અને પીવાના બેઉ ! ઈમન તમઅ ટેન્ડીંગ કમેંટીમા બેહાડી દેશો તો બધ્ધા કોમ શેટ ! અન અધિકારીઓ પણ શીધ્ધા હેન્ડશે એ જુદું. જય હિન્દ શાયબ”.

“સાહેબ આ રમેશભાઈ આપણા વિસ્તારના અગ્રણી કાર્યકર છે અને ઓટોરિક્ષા એસોસિયેશનના પ્રમુખ છે. પેસેન્જર ખેંચવામાં એમનો જોટો નથી ! બસ સ્ટેન્ડની બહાર એમની ‘ડાયરેક સેટેલાઇટ...’ હાક સાંભળીને બસનો કાચ લૂછવા ઉતરેલા ડ્રાયવર એમની રિક્ષામાં બેસી ગયાનાં દાખલા છે ! મતદાનના દિવસે જે કોઇ પણ એની રિક્ષામાં બેઠો એનો મત આપણા ડબામાં જ સમજો ! એમના બધા સાથીઓ ચુંટણીમાં મફત ફેરા કરવા સી.એન.જી. ભરાઈને તૈયાર બેઠા છે. જીત્યા પછી એમને એક ફેરા તમે એમને ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન બનાવો પછી જુઓ સાહેબ, એ બીજા કેટલા એવોર્ડ શહેરને અપાવે છે !


“સાહેબ આ સતિશભાઇ છે, બધા એમને ‘સતુ સેટીંગ’ પણ કહે છે. કોઇ પણ જાતનું સેટીંગ એ ચપટી વગાડતા કરી આપે છે! એમનું વિઝા કન્સલ્ટન્સીનું કામકાજ પણ છે. ધર્મેન્દ્ર જેવો ડાન્સ આવડતો હોય એવાને પણ એ ડાન્સગ્રુપમાં સેટ કરીને કોઇ પણ દેશમાં એક્ષપોર્ટ કરી આપે છે ! અત્યાર લગી ઓછામાં ઓછા ચાર હજજાર લોકોને એમણે પરદેશ મોકલ્યા છે, જેમાંથી ચારસો પાસે તો પાસપોર્ટનાયે ઠેકાણાં નો’તા, વિઝાની તો ક્યાં વાત જ કરવાની ! ન કરે સીબીઆઈને આપણા કોક નેતા નેતાને ભાગવાનો વારો આયો તો સતુ સેટીંગ બધું જ સેટીંગ કરી દેશે ! ને મૂળ વાત એ કે એમના સાળાની સ્વીટઝ્રરલેન્ડમાં આંગડીયા પેઢી છે, એટલે આપડે અહી રતનપોળમાં રૂપિયા આપી દો તો ત્યાં સેઇમ ડે બેંકમાં જમા ! સાહેબ એમને ફાઈનાન્સ સોંપશો તો તિજોરીનું ‘બરોબર’ ધ્યાન રાખશે. તો ટિકિટ નક્કી ને સાહેબ ????”

“સાહેબ આ ગીતાબેન છે. વિધવા છે, ને પક્ષના જુના કાર્યકર છે. એમની છોકરી પરણીને સેટ છે. છોકરો પરણવા લાયક છે પણ હમણાં ના પાડે છે, બાકી એને પરણાવવો એ એમના માટે માખણ માંથી ઘી કરવા જેવું કામ છે. કાર્યકરો ગીતાબેનનો પડ્યો બોલ ઝીલી લે છે. વિરોધપક્ષમાં રહી એમણે થાળી-વેલણ, માટલા, કડછા, ધોકા અને એવા કંઈક સરઘસો કાઢ્યા છે. ભલે તબિયત થી નરમ દેખાય પણ કૂંડા ઊચકી શકે તેટલા મજબૂત છે, ૧૪ કિલો સુધીના કૂંડા ઊચકી શકે છે એનું મેડિકલ સર્ટિફિકેટ આ રહ્યું !”

અને આમ આવા બીજા કેટલાય પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત પછી મોડી રાત સુધી મોવડી મંડળ ચર્ચામાં વ્યસ્ત હતું. ઉમેદવારોના નામોની ઘોષણાની પ્રતિક્ષામાં ટેકેદારો ચા, બીડી અને સિગારેટનો ભુક્કો બોલાવી રહ્યા હતાં. કાર્યાલય બહાર ચાની લારીએ કામ કરતો તેર વરસનો ટેણી પણ આજે સ્ફૂર્તિથી ઓવર ટાઈમ કરી રહ્યો હતો ! જોઈએ જનતાના ભાગે આમાંથી કેટલા દેવાય છે ! 

----- 
(મુંબઈ સમાચારમાંએક વર્ષ સુધી પબ્લીશ થયેલા આર્ટીકલ ફેસબુક પર શેર થતાં હતા, પછી ફેસબુક પ્રોફાઈલમાંથી પેજ બનતાં એ આર્ટીકલ્સ હવે જોઈ શકાતાં નથી. સમય મળતાં એ જુના આર્ટીકલ સમયોચિત રીતે ફરી બ્લોગ પર લાવું છું, એની પોસ્ટ ડેટ જોજો)