Sunday, April 27, 2014

વોટિંગ વધારવાના ઉપાયો

કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૭-૦૪-૨૦૧૪ રવિવાર
 
જયારે ચૂંટણીમાં અત્યારના જેવી કડક આચારસંહિતા નહોતી ત્યારે મતદારની જહોલાલાલી હતી. અમુક ઉમેદવારો ચૂંટણીની આગલી રાત્રે ઝૂપડપટ્ટી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાસણ-કપડાની લ્હાણી તથા નાસ્તા-છાંટોપાણીની વ્યવસ્થા કરતા. રોકડ રકમ પણ પહોચી જતી અને મતદાનના દિવસે એમને મતદાન મથક પર પહોચાડવા માટે વાહનો પણ હાજર થઇ જતાં. હવે મતદારને પ્રલોભન આપવું એ આચારસંહિતાનો ભંગ ગણાય છે, એટલે ઉદાસીન થઇ ગયેલા મતદારના અંતરાત્માને જગાડીને એને મતદાન મથક સુધી પહોંચાડવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નથી.

ઇલેક્શન કમિશન પોતાની રીતે વોટિંગ વધારવા માટે પ્રયાસો કરી રહ્યું છે. કંપનીઓ છાપામાં કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી (સીએસઆર) અંતર્ગત રૂપિયા ખર્ચી મતદાર કરવાની અપીલ કરી રહી છે. રેડિયો જોકી પોતાના બબડાટ વચ્ચે ‘વોટ કરો’ મેસેજ આપી રહ્યા છે. વોટિંગ વધારવા માટે ઈમોશનલ અપીલો થઈ રહી છે, કે ફ્યુચર જનરેશન માટે વોટ કરો. વોટ ન કરનારને ટોન્ટ પણ મારવામાં આવે છે. પણ મતદાન વધારવું હોય તો અમારી પાસે કેટલાક ધાસુ આઈડિયા છે. આ આઇડિયા સીએસઆર કે એનજીઓ દ્વારા અમલમાં મુકાવી શકાય. આ બધા માટે જો સ્પોન્સર મળતા હોય તો એનાથી રૂડું કશું નહિ, પણ અમુક કંપનીઓને સ્પોન્સરશીપથી દુર રાખવી પડે એ અલગ વાત છે!
સૌથી પહેલા તો મહિલાઓ વોટર્સ આઈડી કાર્ડમાં એમના ફોટાથી નારાજ હોય છે. વોટર આઇડી કાર્ડના ફોટામાં લારા દત્તા બ્રાયન લારા જેવી દેખાતી હોય છે. મહિલા મતદારોની ઉદાસિનતાનું આ એક કારણ હોઇ શકે. આ સમસ્યાના નિવારણ માટે મહિલાઓના ઇલેકટોરલ રોલ માટેના ફોટા સારુ ખાસ મેકઅપ કરાવીને મોડેલિંગ ફોટોગ્રાફીના સ્પેશિયાલિસ્ટ પાસે કલર ફોટોગ્રાફી કરાવી શકાય.

મહિલાઓને મતદાન મથક તરફ આકર્ષવા મતકેન્દ્રની બહાર મફત મહેંદી મૂકી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. જે મહિલાના હાથ પર
મતદાનનું ટપકું હોય તે ફ્રી મહેંદી મુકાવી શકે. આ ઉપરાંત બ્યુટીશિયનની નિયુક્તિ કરીને મત આપનાર મહિલાઓને બિંદી, આઈ બ્રો, નેઈલ પોલીશ જેવી ઇન્સ્ટન્ટ સેવાઓ આપી શકાય. ઘણાં મોલમાં આ પ્રકારની ફ્રી સર્વિસ આપવામાં આવે જ છે. જે ગૃહિણીઓને આ બ્યુટી ટ્રીટમેન્ટમાં રસ ન હોય એમના માટે પડતર ભાવે અથાણાની કેરીની સ્કીમ કાઢી શકાય. આ ઉપરાંત પોતાની કેરી લઇ આવે તો ફ્રીમાં અથાણા માટે કટકા કરી આપવાની વ્યવસ્થા થાય તો આવનાર મહિલાઓને એક પંથ દો કાજ થઈ જાય!

ગુજરાતી સ્ત્રીઓ આમેય ઉત્સવ પ્રેમી છે, અને ચૂંટણી તંત્ર પણ આ પ્રક્રિયાને લોકશાહીના એક પર્વની જેમ ઉજવવાનો આગ્રહ કરતું હોય છે. આવામાં મતદાનના આગળના દિવસે ચૂંટણીનું મહત્વ અને મતદાનનો મહિમા ગાતા ચૂંટણી ગરબા રાખવામાં આવે તો જમાવટ થાય. એમાં ગરબા સાથે ઢોલના તાલ ઉપર દોઢિયા, પોપટિયા, હીંચ, હૂડો, ચીચૂડો અને દાંડિયા રાસની રમઝટ બોલાવી શકાય. આપણી પબ્લિક તો ડિસ્કો થેકમાં પણ કુંડાળે પડીને ગરબા કરે એવી છે એટલે એ પણ રાજી. જાણીતાં ફિલ્મસ્ટાર્સને મતદાનની આગલી રાત્રે ગરબા રમવા બોલાવી શકાય! પછી તો જે ગરબા જામે !

હેં ચૂંટણી ...

જામી આંબાવાડીને હાટ

હોરે છોગાળા તારા, છબીલા તારા, હોરે રંગીલા તારા

ઉમેદવારો જુએ તારી વાટ રે ...

એ હાલ ... હાલ .. હાલ ...

મતદાન માટે આમ તો રીટાયર્ડ કાકાઓ ઘણાં ઉત્સાહી હોય છે. એમને સગવડ મળે તો ઘણાં કે જે નિરાશાને કારણે અને બાકીના કે જે આળસના કારણે વોટિંગ નથી કરતાં તેમને આકર્ષી શકાય. જે કાકાઓને નજીકનું વાંચવાની તકલીફ પડતી હોય એમના માટે મતદાન મથક પર જુદાં જુદાં નંબરના બેતાળાના ચશ્માનો જથ્થો રાખી શકાય. સાંભળવાની તકલીફ ધરાવતા કાકાઓ અને માજીઓ માટે બટન દબાવ્યા પાછી ‘બીપ’ સાંભળી શકે એ માટે મતદાન મથકમાં પ્રવેશે ત્યારથી જ એમને હિયરિંગ એઇડની સગવડ આપી શકાય. આનાથી આગળ વધીને સીનીયર સીટીઝન માટે બુથ ઉપર ચોકઠાં પોલિશિંગ સગવડ ઊભી કરી શકાય. વોટ આપે એના ચોકઠાં ફ્રીમાં ક્લીન કરી ટૂથપેસ્ટની જાહેરાતમાં આવે એવા સફેદ અને ચકચકિત કરી આપવામાં આવે. આ ઉપરાંત પેન્શનરો માટે અગામી વરસ માટે હયાતીની સાબિતી આપવાનું કામ પણ પોલીંગ બુથ પર થઈ જાય તો કાકાઓને ધક્કો બચે! આ સિવાય ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ અને ડાયાબીટીસ ચેકઅપ બુથ પર કરવામાં આવે તો કાકાઓ લાઈન લગાડી દે!  બોલો, બીજું કંઈ જોઈએ?

શું યાર! આપણું ભલુ શેમાં છે એ સમજાવવું પડે એટલુ આ દેશનું નસીબ પરવારી નથી ગયું દોસ્ત! ઉઠો, જાગો, વોટ આપો અને અપાવો... જય હિંદ.

Sunday, April 20, 2014

ઇલેક્શન સ્પેશિયલ જાહેરાતો


કટિંગ વીથ અધીર-બધિર અમદાવાદી
---------------------------------------------------------------------------------------
Published on ૨૦-૦૪-૨૦૧૪ રવિવાર


ઈલેક્શનના ગરમ વાતાવરણ તાજેતરમાં કેટલીક ટચુકડી જાહેરાતો અમારી નજરે ચઢી હતી. આ જાહેરાતો કદાચ તમારી નજરે ના ચઢી હોય એટલાં સારું એ અહીં રજુ કરીએ છીએ. આ જાહેરાતોમાં અમારું કોઈ કમિશન નથી તેની નોંધ લેવી.

જોઈએ છે
તાત્કાલિક જરૂર છે સારા ચોકીદારની કે જે પક્ષના કાર્યાલયમાં કૂતરાં ઘુસી ના જાય તેનું ધ્યાન રાખી શકે. કૂતરાં ઓળખવાનો પૂર્વ અનુભવ હોવો જરૂરી છે.

જોઈએ છે
તાત્કાલિક પાંચ હજાર વુવુઝેલા(પીપૂડાં) જોઈએ છે. હાજર સ્ટોક હોય અને સભામાં સીધી ડીલીવરી કરી શકે તેવી પાર્ટીએ પક્ષના કાર્યાલય પર રાતના દસ પછી સુરેશ ‘સીટી’નો સંપર્ક કરવો. પેમેન્ટ કેશમાં કરવામાં આવશે.

જોઈએ છે
અઢાર વર્ષથી વધુ ઉંમરના અંદાજે ૧૦,૦૦૦ લોકો ચૂંટણીના દિવસ માટે આકર્ષક વળતરથી રોકવાના છે. નખ પર ડાઘ-નિશાન વગરના કાકા, કાકી, યુવાન, યુવતી કોઈ પણ ચાલશે. જ્ઞાતિબાધ નથી. દલાલ માફ.

ક્રાઉડ મેનેજમેન્ટ
સભા, સરઘસ, રેલી માટે ટ્રેઈન્ડ મેનપાવર પ્રોવાઈડ કરવામાં આવશે. સાયકલ કે ટુ-વ્હીલર રેલીમાં વાહન સાથે મેનપાવર મળશે. ચોક્કસ ધર્મના દેખાતા હોય તેવા માણસો પણ મળશે. સાંભળનારની જીભે ચઢી જાય એવા સૂત્રો પણ બનાવી આપવામાં આવે છે. આક્રમક, અસરકારક અને વાસ્તવિક દેખાય તેવી રીતે સુત્રોચ્ચાર કરવાની ટ્રેનિંગ અમે આપીશું.

જડયા છે
એક ભાઈ જડયા છે.એમણે સફેદ લેંઘો અને ઈસ્ત્રી-ટાઇટ ઝભ્ભો પહેર્યો છે. ભાઈ ખાધે-પીધે સુખી ઘરનાં દેખાય છે. આ ભાઈ પાંચ વરસ પહેલા ખોવાઈ ગયા હતા, અને આજકાલ બનાવટી હાસ્ય અને ખોટા કોન્ફીડન્સ સાથે રોજ લોકસંપર્ક કરતાં નજરે ચઢે  છે. આ ભાઈ સતત ‘મત આપો’ એવું બોલ્યા કરે છે. આ ભાઈના વાલી-વારસોને વિનંતી કે આ ભાઈને ‘જેમ છે જે સ્થિતિમાં છે’ તેમ  લઈ જાય. લઇ જનારે આ ભાઈ ફરી જાહેરમાં દેખાય નહિ તેની ખાતરી આપવાની રહેશે.

ખોવાયા છે
જુના કાર્યકરો ખોવાયા છે. છેલ્લે ટિકિટ વહેંચણીની જાહેરાત પછી વિરોધ કરવા દેખાયાં હતા, એ પછી કોઈ પતો નથી. મોબાઈલ પણ સ્વીચ ઓફ આવે છે. ખોવાયેલ ભાઈ-બહેનોને વિનંતી કે તમારા વગર પ્રચાર અટકી પડ્યો છે એટલે પપ્પા બહુ ગુસ્સામાં છે. મમ્મીને ખાવાનું ભાવતું નથી અને કાકાને કાઈ સુઝતું નથી. તો આ જાહેરાતને રૂબરૂ મળ્યા તુલ્ય ગણી મૂળ પાર્ટીમાં પાછા આવી જશો. ગઈ ગુજરી ચુંટણી સુધી ભૂલી જવાની ખાતરી પપ્પાએ આપી છે. લી. મામા.

ફોલોઅર્સ મેળવો
સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક પર ફોલોઅર કમ ભક્ત મેળવો. તમારા દરેક સ્ટેટ્સ મેસેજ શેર અને ટ્વીટ-રીટ્વિટ કરી આપવામાં આવશે. શેર- રીટ્વિટ દીઠ માત્ર દસ પૈસાના નજીવા દરે. મળો યા લખો.

લાફાખાઉં
હળવા હાથે પણ કેમેરામાં અસ્સલ લાગે એવો નકલી મુલાયમ લાફો મારનાર તથા લાફો માર્યા બાદ આજુબાજુ ઉભેલા સમર્થકો દ્વારા પડતો માર સહન કરી શકે તેવો, બોલીવુડના જાણીતા ફાઈટ માસ્ટર પાસે ટ્રેઈન થયેલો સ્ટાફ ભાડે મળશે. દેશના કોઈ પણ ભાગમાં સર્વિસ આપવામાં આવશે. લાફો મારનાર શખ્સ અગાઉ અન્ય પાર્ટીમાં કાર્યકર તરીકે રહ્યા હોય એવા પુરાવા પણ પુરા પાડવામાં આવશે. સમગ્ર ઘટનાની વિડીયો ક્લીપ પ્રસંગ પુરો થાય એના એક કલાકમાં મળી જશે. ક્લીપને વ્યાજબી ભાવે સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કરી આપવામાં આવશે.

સ્વાગત કરનારા મળશે
આપના લોકલાડીલા નેતાજીના રોડ શો દરમ્યાન અમારા અનુભવી કાર્યકરો દ્વારા એમનું ગલીએ ગલીએ, ચકલે-ચૌટે હાર, શાલ, સુતરની આંટીઓ, લુંગી કે ટોપી પહેરાવીને ઉમળકાભેર સ્વાગત કરાવો. લોકલ વ્યક્તિઓનો જ ઉપયોગ કરવામાં આવશે. સ્વાગત-સત્કાર બિલકુલ સ્વયંભૂ લાગે તેની ગેરંટી. નોંધ: નોટોનો હાર પહેરાવવાનો હોય તો રોકડ અલગથી લેવામાં આવશે.

વૃદ્ધ અને ગરીબો પુરા પાડવામાં આવશે
આપના નેતાજી તેમની લોક-સંપર્ક યાત્રા દરમ્યાન એકદમ ગરીબ, અશક્ત અને વૃદ્ધ વ્યક્તિ સાથે  એકદમ જીવંત અને લાગણી સભર લાગે તેવા ફોટા પડાવી શકે એ માટે ગંદા-ગોબરા બાળકો તથા તદ્દન ખખડી ગયેલા બેહાલ ડોસા-ડોશીઓનો સચોટ અભિનય કરી શકે તેવા અનુભવી કલાકારો પુરા પાડવામાં આવશે. ચૂંટણી પુરી થાય ત્યાં સુધી આ કલાકારો જાહેરમાં દેખા નહિ દે તેની ખાતરી*.
 
એરકન્ડીશન ઝુંપડા
પાર્ટીના નેતાઓ માટે ગરીબો સાથે ભોજન અને રાત્રિનિવાસ માટે બહારથી ચીંથરેહાલ અને અંદરથી તમામ સુવિધા સહિતના એરકન્ડીશન ઝુંપડા મેનપાવર સહિત દેશના કોઈપણ ભાગમાં પુરા પાડવામાં આવશે.


નકલી સ્ટીંગ ઓપરેશન કરી આપવામાં આવશે
ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં કોઈ પણ ન્યુઝ કે ઘટનાને બ્લેક-આઉટ કરવા માટે ચકચાર મચાવી મુકે તેવું નકલી સ્ટીંગ ઓપરેશન કરી આપવામાં આવશે. કોર્ટ કેસ થાય તે પહેલાં તમામ સાક્ષીઓ ફરી જાય તેની ગેરંટી*.
* શરતો લાગુ.