Tuesday, January 22, 2013

કેટલાક અતિ વાઈબ્રન્ટ એમઓયુ

| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |


ગાંધીનગરની કચરાપેટીઓ ઉભરાઈ ગઈ છે. આટલો મોટો વાઈબ્રન્ટ મેળાવડો, હજારો લોકોની અવરજવર હોય ત્યાં આવું સ્વભાવિક છે. પરંતુ અમે જેની વાત કરીએ છીએ એ ખાસ કચરાપેટીઓ યાને કિ ડસ્ટબીનની છે. આ કચરાપેટીઓ ગુજરાતના વહીવટી અધિકારીઓ કે જેઓ એમઓયુ કરવા માટે જવાબદાર છે એમની છે. થયું છે એવું કે વાઈબ્રન્ટ ગુજરાત નામની ઇન્વેસ્ટમેન્ટની વહેતી ગંગામાં ડૂબકી મારી પૂણ્યસ્વરૂપે જે જમીન, સવલત કે કાગળિયાનો ઝડપી નિકાલ થવા પામે તેનો ઘટતો લાભ લેવા કેટલાય ઇન્વેસ્ટરો ફૂટી નીકળ્યા છે. એમની દરખાસ્તો યોગ્ય ન જણાતાં કદાચ ફગાવી દેવામાં આવી હશે. આવી કેટલીક દરખાસ્તો (કાલ્પનિક) અમારા હાથમાં લાગી છે. જેનો ટુંકસાર અહિં રજૂ કરીએ છીએ.

૧. અધિકારી શ્રી, વાઈબ્રન્ટ ગુજરાતના અમદાવાદ નામનાં શહેરમાં રખડતા કૂતરાઓની ભારે સમસ્યા છે. આવી જ સમસ્યા અન્ય શહેરોમાં પણ છે. આ કૂતરાઓ મફતના રોટલાં તોડે છે. ગુજરાતની જીવદયાપ્રેમી પ્રજા પોતે પત્નીના હાથે જેવી બની હોય તેવી સુકી રોટલી પણ ખાઈને કૂતરાને ખાવાનું નાખે છે. આ સમસ્યાને હલ કરવા અમે જાપાનીઝ વાકી દુમ કંપની સાથે સહયોગથી એક અગત્યની પ્રપોઝલ રજૂ કરીએ છીએ. આ ટેકનોલોજીથી રખડતા કૂતરાની હાલતી પૂંછડી સાથે પોર્ટેબલ યંત્ર ગોઠવી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. આ મશીન ભૌતિક વિજ્ઞાનમાં આવે છે એ શક્તિસંચયના નિયમ મુજબ ગતિશક્તિનું ઉર્જાશક્તિમાં રૂપાંતર કરશે. આ પોર્ટેબલ મશીન પછી મોબાઈલ, લેપટોપ, કેમેરા જેવી ઈલેક્ટ્રોનિક આઇટમ્સ ચાર્જ કરવામાં કે પછી ઘરમાં અન્ય વપરાશમાં લઈ શકાશે. આ માટે કૂતરાને ટ્રેઈનીંગ આપવા, તેમજ એનર્જી ટ્રાન્સફર કરવા યુનીટ સ્થાપવા માટે સરકાર અમને જીઆઈડીસી માં ૧૦૦ એકર જમીન આપે એવી અમારી તમો સાહેબને રજૂઆત છે.

૨. સાયેબ આ મારી બાજુ લોકોને પગ ઢહડીને હાલવાની ટેવ સે. એનાથી સ્લીપર તો ઘહાય જ છે પણ ઘણીવાર ખાહડામાં લાકડાની એડી હોય કે ખીલીઓ ઠોકી હોય તો જમીન પણ ઘહાય છે. આમ બેય બાજુ નુકસાન જ નુકસાન છે. તો અમે જોડા-ચંપલા હાયરે જોડાય એવું મીની-જનરેટર બનાવવાનો પ્લાન્ટ નાખવા માંગીએ સએ. આમ જોડાં ઘહાવાથી જે ઘર્ષણ થાહે તેનું ડાયરેક વીજળીમાં રૂપાંતર થાહે. આ અંગે અમારા મનસુખ ભાઈ છેક ચાઈના સુધી જઈ આવ્યા છે અને ટેકનોલોજી અંગેની બધી વાત સુકુ વાઈ ચેનભાઈ જોડે થઈ ગઈ છે. તો આ પ્લાન્ટ નાખવા માટે અંદાજે બાર વિઘા તયણ ગુઠા જમીન જો મંજૂર કરવામાં આવે તો મજોમજો થઈ જાહે. તો સાહેબ અમારી દરખાસ્ત પર વિચાર કરજો અને આ વાઈબ્રન્ટમાં જરૂરથી અમારી કંપની હારે એમઓયુ કરી નાખશો.

૩. સાહેબ, ગુજરાતમાં મચ્છરની સમસ્યાથી તો આપણે સૌ વાકેફ છીએ. આમ તો મચ્છરના ગણગણાટથી ગુજરાતનું વાઈબ્રન્ટ વાતાવરણ વધારે વાઈબ્રન્ટ બને છે. પણ આ મચ્છરના કારણે મેલેરિયા થાય છે, ડેન્ગ્યુ થાય છે, ફાલ્સીપારમ થાય છે અને વર્ષમાં કેટલાય માનવ કલાકો વેડફાઈ જાય છે. લોકો માંદા પડે એટલે દવા અને ડોક્ટરોનો ખર્ચો થાય છે. એટલે જ તો ચોમાસાની ઋતુમાં તો પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતાં ડોક્ટરો પોતે માંદા પડ્યા હોય તો પણ રજા પાડતા નથી. તો અમે ખાસ ટેકનોલોજીથી મચ્છરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાઉથ ઓસ્ટ્રેલિયન કંપની સાથે રહી સરકાર સાથે એમઓયુ કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં અમે મચ્છરો પર રીસર્ચ કરીશું. એ પછી ગુજરાતના મચ્છરોને અનુરૂપ મચ્છર ફાર્મ બનાવીશું. આ મચ્છર ફાર્મમાં અમારો તાલીમ પામેલ સ્ટાફ મચ્છર પકડી લાવશે અને એ પછી મચ્છરોની ખસી કરી જે તે વિસ્તારમાં પાછા છોડી મૂકશે. આમ થોડાં વર્ષોમાં ગુજરાત મચ્છરરહિત થઇ જશે. આ અંગે સ્ટાફની તાલીમ, ટ્રેનિંગ સેન્ટર ઉભું કરવા માટે આ સંસ્થા સરકારનાં સહયોગથી પ્રોજેક્ટ એમઓયુ કરવા ઈચ્છે છે.

૪.  ડીયર સર, તમારી સરકાર યુવાનોને ઘણું પ્રોત્સાહન આપે છે. પણ યુવાનોને આજકાલ ઘણી સમસ્યા સતાવી રહી છે. અમુક સંગઠનો પ્રેમીઓની પાછળ હાથ ધોઈને પડી ગયા છે અને સાચા પ્રેમીઓની જાહેરમાં ધોલાઈ કરતાં ખચકાતા નથી. અમે આવા પ્રેમીઓ માટે ૧૦૮નાં ધોરણે ૧૪૦૨ સેવા ચાલુ કરવા એમઓયુ કરવા માંગીએ છીએ. વેલેન્ટાઈન ડે પર આધારિત આ ૧૪૦૨ નંબર પર કોલ કરવાથી પ્રેમીઓને થતી કનડગતને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રોકવામાં આવશે. જાહેર સ્થળો પર ભિખારીઓ, બેલ્ટ અને ઘડિયાળ વેચવાવાળા, કૂતરા અને રખડતી ગાયોથી કાયમ તકલીફ થાય છે.   આ ઉપરાંત ઘણીવાર નકલી પોલીસ પણ પ્રેમીઓ પાસે રૂપિયા પડાવે છે. તો આ સર્વે બાબતોનો ૧૪૦૨ ત્વરિત નિકાલ કરશે. આ અંગે કોમ્પુટરાઈઝડ રિસ્પોન્સ સેન્ટર અને રેપીડ ટાસ્કફોર્સ ઊભું કરી સરકારના અનુદાનથી સેવાઓ આપવા અમે તત્પર છીએ.

૫. સર, અમારું ટ્રસ્ટ ઇંગ્લેન્ડની પ્રખ્યાત બિગબેન યુનિવર્સીટી સાથે એમઓયુ કરી નવી યુનિવર્સીટી સ્થાપવા માંગે છે. આ યુનિવર્સીટી ગુજરાતમાં સંશોધન કરશે અને આ જોડાણથી ગુજરાતના વિકાસને વેગ મળશે. ગુજરાતની પ્રજાને અનેક પ્રશ્નો સતાવે છે જેનાં જવાબો રિસર્ચથી મળી શકે એમ છે. જેમ કે રોડ-સાઈડ પર ચાલતી ચાની લારીઓ પર ઓછી થતી જતી ચાની ક્વોન્ટીટી અને જાડા થતાં જતાં કપ. જેમ કે રસ્તે રખડતા ઢોર થાકી જાય ત્યારે સતત ટ્રાફિકને કારણે બેસવા માટે જગ્યાનો અભાવ. જેમ કે મોબાઈલમાં કેમેરાના વ્યાપને કારણે ટ્રાફિક પોલીસને દૈનિક વ્યવહારોમાં પડતી તકલીફ. જેમ કે ઇન્કમ લેવલ અને લોકોની ઘાંટા પાડીને બોલવાની ટેવ. જેમ કે સંયુક્ત કુટુંબનું વિલીન થવું અને ફાસ્ટફૂડનો ઉદય. જેમ કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અને બુટ-ચંપલ ઉદ્યોગમાં આવેલી તેજી. તો આ યુનિવર્સીટીને સરકાર અગ્રતાથી મંજૂરી આપે અને એ માટે અમદાવાદની આસપાસ ૯૯ એકર જેટલી જમીન ફાળવી આપે એવી અમારી સરકારને દરખાસ્ત છે.

Sunday, January 20, 2013

જાગને જાડિયા



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 

શિયાળામાં ઠંડી પડે એટલે અમુક લોકો ગોદડાં તાણીને સુઈ જાય અને વધારે ઊંઘ ખેંચે. તો અમુક ઉત્સાહી જીવડાઓ શિયાળામાં સવારના પહોરમાં કસરત ઈત્યાદી કરવા લાગી પડે છે. આપણું વજન જરૂર કરતાં વધારે હોય, ફરજિયાત કસરત કરવી કે ચાલવું તેવું ડોક્ટરે કહ્યું હોય તેવા સમયે સૌથી વધારે જો કોઈ નડતું હોય તો એ છે પત્ની. આપણે સવારે વહેલાં ઊઠવા ચાહીએ પણ એ આપણને ઉઠાડે નહિ. જો મક્કમ મનોબળ કરી આપણે ઉઠી જઈએ તો ચા ન બનાવી આપે. અથવા તો મોજા શોધી ન આપે. એક તો આપણને સવારે ઉઠવું અને કસરત કરવું ગમતું ન હોય એમાં અસહકારની ચળવળ ચાલુ કરે. ક્યારેક તો કહી પણ દે ‘રહેવા દો ને આજે, કાલે મોડે સુધી કામ કર્યું છે!’. આપણને ગબડવું હોય અને ઢાળ એ આપે. એમાં એની ઉચ્ચ ભાવના એટલી જ કે આપણને કષ્ટ ન પડે! પણ કષ્ટ પડે એવું ડોક્ટર ઈચ્છે છે તો તું કોણ રોક્વાવાળી? પણ સમજે તો એ સ્ત્રી નહિ! અને તમે બહુ આગ્રહ કરો તો એ જગાડશે ખરી પણ ‘નાગ દમન’વાળી નાગણની જેમ પ્રેમથી નહિ પણ ચરણ મરડી, મૂછ ચાંપીને જગાડશે!

આમ છતાં મન મક્કમ કરીને ચાલવા જવાનું શરુ કરીએ એટલે કુદરત પણ તમારી પરીક્ષા લેવાનું શરુ કરે. સવારે એલાર્મ વાગે જ નહિ. હા, રાતે મૂકવાનું રહી ગયું હોય એટલે! પછી યાદ કરીને એલાર્મ મુકો તો સવાર સુધીમાં મોબાઈલની બેટરી પૂરી થઈ જાય. અને આ બધું પાર કરી સવારે એ વાગે તો કોક અદ્રશ્ય શક્તિ આવીને એલાર્મ બંધ કરી જાય. પાછું એવામાં જ છોકરાવને ક્રિસમસ વેકેશન પડે એટલે ઘરમાં સવારે વહેલાં ઉઠનાર તમે એકલા જ રહો. આટઆટલું કરી ઉઠો ત્યારે બુટની દોરીમાં પાકી ગાંઠ પડી જાય. એ ઉકેલી બુટ પહેરીને ચાલવા જાવ એટલે ત્રણ દિવસમાં બુટનું તળિયું ઉખડીને રોડ પર રખડતું થઈ જાય. એમાં નવા બુટ લાવવાનું બજેટ હોય તો સમય ન હોય.

આ બધાં હર્ડલ્સ પાર કરીને ચાલવા જવાનું નક્કી કરીએ એટલે પછી ટીવી પર પણ આપણને રૂમાલી રોટલી જેવા મસલ્સવાળા જુનાં હીરોને બદલે સિક્સ પેક્વાળા હીરો જ દેખાવા લાગે. પછી તો ઘરમાં બેઠાં જોશ ચઢે. છેવટે આ જોશ આપણને સવારે ચાલવા માટે બગીચા તરફ દોરી જાય. પણ સવારે  બગીચા કે જાહેર જગ્યાએ જઈએ તો ત્યાં અનિંદ્રા પીડિત અથવા મહોલ્લાના કૂતરાથી ત્રસ્ત એવાં કેટલાક લોકો પહેલેથી જ હાજર હોય.  બીજા અમુક હરખ-પદુડા લોકો જે સ્લીમ-ટ્રીમ હોય છે પણ ફક્ત આપણને ડીપ્રેસ કરવા હાટુ જ હવાર હવારમાં હાલી નીકળતા હોય છે. એમાંય દાઝ્યા પર ડામ જેવું તો કપલમાં ચાલનારને જોઈએ એટલે થાય, કે જો આવો ખભેખભા મિલાવીને ચાલનાર આપણી સાથે હોય તો તો મહિનામાં દસ કિલો ઉતારી નાખીએ, પણ ફોઈને મૂછો હોત તો કાકા ન કહેવાત?

તમે બગીચામાં ચાલો એટલે જુનાં ચાલવાવાળા તમારું મનોબળ મક્કમ કરે. લાકડીના ટેકે ચાલવાવાળા, એકાદ અંગ લકવા ગ્રસ્ત હોય એવાં લોકોને જુઓ એટલે તમને બળ મળે. છેવટે મનેકમને ચાલવાનું શરુ કરો અને બગીચાનો એક રાઉન્ડ પુરો કરો એટલે જાણે ઈડરિયો ગઢ જીત્યા હોવ એવી લાગણી થઈ આવે. આવા પ્રસંગે પહેલીવાર ચાલવા જનારની આંખોમાં તો હર્ષના આંસુ પણ આવી ગયાના દાખલા જોવાં મળે છે. આ ખુશી અને હરખ બે કામ કરે છે. એક તો આપણને ‘બહુ ચાલ્યા આજે’ એવી ભાવના ઉત્પન્ન કરે છે જે બીજું રાઉન્ડ માર્યા સિવાય વાહન મુક્યું હોય તે તરફ જવા પ્રેરે છે. અથવા તો ખુશી કોઈની સાથે વહેંચવા કોઈ ઓળખીતા પાળખીતાને તમારી નવી-સવી ચાલવાની કથા કરવા પ્રેરે છે.

કહે છે ને કે જેણે ગબડવું હોય એને ઢાળ મળી રહે છે, જેને લટકવું હોય એને ડાળ મળી રહે છે એમ પરાણે ચાલવા જનારની વહારે બગીચાની બહાર સૂપ, જ્યુસ, ચા, મસ્કા બનથી લઈને પાન-મસાલા સુધીની જાતજાત અને ભાતભાતની ખીંટીઓ મળી રહે છે. ચાલવાની શરૂઆત કરે ત્યારે જુઆર અને ભીંડાના જ્યુસ જેવી સાત્વિક વસ્તુઓથી શરુ કરે છે. પરંતુ ત્રણ દિવસમાં ખબર પડી જાય કે આ બધાં રસ નિરસ છે અસલી રસ ચા, મોસંબી કે માવામાં જ છે. એટલે ઘેરથી કલાક ચાલીને આવવાના કુલ સમયમાં જવા આવવાના સમય ઉપરાંત નિત્યક્રમમાં આવી ખીંટીઓ પર ટીંગાવાનો સમય પણ આવી જાય છે. ધીમે ધીમે આ જુનીયર આર્ટીસ્ટ જેવી પ્રવૃત્તિ હીરોઈન બની જાય છે અને કસરત એની પાછળ ખંજરી લઇને નાચતી એક્સ્ટ્રાના રોલમાં આવી જાય છે. ઘરવાળાને પાછી આ ઈતર પ્રવૃત્તિની ખબર તો હોય જ છે, પણ એ વિષય પર ચર્ચા કરી ચાલવાવાળાને ચલાયમાન કરે તો એ ચાલવાનું બંધ જ કરી દેશે એ ભયથી વાત છેડવામાં નથી આવતી એટલું સારું છે.

ડ-બકા
તું પ્રિયંકા, તું કરિના, ને તું જ સેન્સેશનલ સ્ટાર દિપીકા બકા
તું ગલકા, તું કારેલા ને તું જ યુનિવર્સલ શાક બટાકા બકા !






Monday, January 14, 2013

ઉત્તરાયણમાં પેચ અને ક્રિકેટ મેચ



| મુંબઈ  સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૩-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |

વર્ષોથી એવું બનતું આવ્યું છે કે ધાબામાં પતંગ ચગાવતા ચગાવતા મેચનો સ્કોર સાંભળતા હોઈએ. પહેલાં તો રેડિયો જ હતાં. ધાબા પર કાપ્યો છેના ઘોંઘાટ વચ્ચે કોમેન્ટેટરો બેટ્સમેને એક રન લીધો હોય તોયે જાણે કોઈ આઉટ થયું હોય કે છગ્ગો માર્યો હોય એટલો હોબાળો કરી મૂકતા. આવા કોઈ સમયે ધાબામાં નવરાં બેઠાં ગૂંચ ઉકેલતાં ક્રિકેટ અને ઉત્તરાયણમાં અમને ઘણી સમાનતા જોવા મળી. બન્નેમાં એકબીજાને કાપવાની પેરવી થાય છે. બંનેમાં રમનાર સહિત જોનારા ભારે ઉત્સાહથી ભાગ લે છે. બંનેમાં ચશ્માં, ટોપી, પીપૂડાં જેવી આઇટમ્સનો ઉપયોગ થાય છે.

ક્રિકેટમાં ખેલાડી અને સંક્રાંતમાં પતંગબાજ ફોર્મમાં હોય તો તરખાટ મચાવી દે છે. બેટ્સમેન ગ્રાઉન્ડમાં ચારે તરફ ફટકા મારીને બધાને દોડતા કરી દે છે. બેટ્સમેન ચોગ્ગા છગ્ગા મારે એટલે દર્શકો શોરબકોર કરી મૂકે છે. બાઉન્ડરી બહાર ગયેલ દડો પાછો બૉલરને પહોંચાડતા ફિલ્ડર અને બૉલર બેઉના મોઢા ઊતરી જાય છે. ઉત્તરાયણમાં પાકો ખેલાડી ચારેબાજુ ઊડતાં પતંગોનો ખેંચીને સફાયો કરે ત્યારે આજુબાજુના ધાબામાં સન્નાટો છવાઈ જાય છે, અને આ ઘટનાને ખેલાડીના સપોર્ટર્સ હર્ષોલ્લાસ અને ઘોંઘાટ કરી વધાવી લે છે. આવા સમયે પેચ કપાયો હોય એ શખ્સ અને એની ફીરકી વીંટતા જોડીદારની હાલત પેચ કપાવાથી, અને એ દરમિયાન જો આંગળીમાં ઘચરકા પડ્યા હોય તેના લીધે, કાપો તો ભરપૂર લોહી નીકળે એવી થઈ જાય છે.

ક્રિકેટમાં રનઆઉટની ઘટના બને છે જેમાં એક ખેલાડી પોતાની જગ્યા છોડે નહિ અને બીજો છેક સામેના છેડા સુધી દોડી જાય છે. શુદ્ધ ગુજરાતીમાં કે ગલી ક્રિકેટમાં આને બફાવવુંપણ કહે છે. બટાકા સાથે બફાવવાની ઘટના જોડાયેલી છે. પાકિસ્તાની પૂર્વ કપ્તાન ઇન્ઝમામ ઉલ હક (ઉર્ફે આલુ!) પણ રનઆઉટ અને બફાવવા માટે ઘણો મશહૂર છે. ઉત્તરાયણમાં આવી ઘટના ધાબા ઉપર બનતી હોય છે જેમાં એક ધાબા પરથી પતંગ ચગાવીને બે જણા એકબીજાને બફાવવાની કોશિશ કરે છે. અંતે એક જણનો પતંગ  કપાઈ જાય ત્યારે ડફોળ ચગાવતા નથી આવડતુંજેવા કઠોર વાક્યોથી, ખાસ કરીને વડીલો બાળકોને, ઉતારી પાડતા જોવા મળે છે. આ બફાવાની ઘટના સામી પાર્ટી માટે હંમેશા રોચક બની રહે છે.  

ક્રિકેટમાં આઈપીએલ જેવી કોમર્સિયલ મેચોમાં હવે દરેક ટીમ પોતપોતાની ચીયર લીડર્સ રાખે છે. બેટ્સમેન ચોગ્ગો છગ્ગો મારે થવા સામેની ટીમની વિકેટ પડે એટલે આ ચીયર ગર્લ્સ ટૂંકા કપડામાં દેકારો બોલાવી દે છે. ટીવી પર મેચ જોતાં દર્શકો પણ એમની આવી હરકતોને કારણે ચોગ્ગા છગ્ગા કે વિકેટ પડવાની ચશ્માં પહેરીને રાહ જુએ છે. ઉતરાણમાં આ ચીયર લીડર્સનું સ્થાન ચિચિયારી પાડતી લેડિઝ અથવા તો અન્ય ઝુલુ ડાન્સર્સ લે છે. પણ આ ધાબે ચઢેલી ચીયર લીડર્સ રમનાર સહિત સામેની ટીમના સમર્થકોનું પણ ધ્યાન ખેંચે છે. ઘણાં ધાબા તો આ ચીયર લીડર્સથી જ શોભે છે અને ઘણાં તો પતંગને બદલે ચીયર લીડર્સને જ જુએ છે એમ કહીએ તો ખોટું નહિ, કારણ કે ધાબા પર અસલી ખેલાડીઓ તો બુઢીયા ટોપી કે બખ્તર જેવા જૅકેટ પહેરીને આવતાં હોઈ જોવાલાયક નથી હોતાં, ક્રિકેટમાં આ બુઢીયા ટોપીની જગ્યાએ હેલ્મેટ હોય છે એટલો ફેર!

ક્રિકેટમાં લંચબ્રેક હોય છે. ઉત્તરાયણમાં બપોરે થાકીને લોકો ધાબેથી નીચે ઊતરે છે, પણ ધાબામાં હોય  ત્યાં સુધી બોર, જામફળ, શેરડી, ચીકી જેવી વસ્તુઓનો સફાયો બોલાવે છે. ક્રિકેટમાં રમવાનું હોવાથી ખેલાડીઓ કદાચ ભારે ખાવાનું નથી લેતા પણ ઉત્તરાયણમાં બપોરે શિખંડ-પૂરી અને ઊંધિયું ઝાપટવામાં આવે છે. જોકે પાકા ખેલાડીઓની આંગળીઓ પર કાપા પડ્યા હોવાથી દાળ અને શાક ચમચીથી ખાવા પડે છે. ક્રિકેટમાં ડ્રીન્કસ ઈન્ટરવલ હોય છે, ઉત્તરાયણમાં પણ અમુક લોકો ચિક્કાર પીને ધાબા પર આવે છે તો અમુક અંધારું થતાં પાળીની આડશમાં પાર્ટી ચાલુ કરે છે. સુરતમાં આ પ્રથા વધુ ચલણમાં છે એવું અમારો અનુભવ કહે છે.

ક્રિકેટમાં આઉટ થવાની ઘટના અને પતંગમાં પેચ કપાવાની ઘટનામાં ઘણી સમાનતા જોવા મળે છે. બંનેમાં ખેલાડી નિરાશ થાય છે. પેચ કપાય એટલે વધેલી દોરી પાછી ખેંચી ફીરકી વીંટવાનો વારો આવે છે. આઉટ થયેલ ખેલાડી પેવેલિયન ભેગો થાય છે. જોકે બે પાંચ રૂપિયાના પતંગમાં પતંગબાજ બીજો પતંગ ચગાવી શકે છે, જ્યારે ક્રિકેટમાં બીજી ઇનિંગ અથવા તો બીજી મેચ સુધી રાહ જોવી પડે છે. જોકે ક્રિકેટમાં બોલ્ડ કરનાર બૉલર પોતાની સફળતાની ઉજવણી કરવા હાથની મુઠ્ઠીઓ વાળી સામેની દિશામાં હાથ જુસ્સાથી ઉલાળતો જોવા મળે છે. આવી ઍક્શન પેચ કાપ્યા પછી પતંગબાજ કરી શકતો નથી કારણ કે એવી ગફલતમાં રહે તો કોક બીજો એનો પતંગ ઘસી જાય! ક્રિકેટની જેમ ઉત્તરાયણમાં પણ ફિલ્ડર્સ હોય છે જે કપાયેલા પતંગો કૅચકરે છે. ઘણાં ઉત્સાહી ફિલ્ડરો ચાલુ પતંગ પર લંગર પણ નાખે છે.

ક્રિકેટની જેમ ઉત્તરાયણમાં પણ મેચ ફિક્સિંગ થતું જોવા મળે છે. જુદાં જુદાં ધાબા પર બે જણા આકસ્મિક રીતે એકબીજા તરફ જોતાં જોવા મળે છે. આ ઉપરાંત કોઈ ગમતુડીના નાના ભાઈના પેચ મોકો હોવા છતાં ન કાપવા અથવા છોટેમિંયાના હાથે જાણી જોઈને પેચ કપાવવામાં પણ આવે છે. ક્રિકેટમાં જેમ જયસુર્યા નેગેટિવ બોલિંગ નાંખતો હતો એમ ઉત્તરાયણમાં પેચ કપાતો બચાવવા પતંગ નીચે નમાવી દેવો કે ઝાડમાં ખલાવીદેવાનું અઠંગ ખેલાડીઓ પસંદ કરતાં હોય છે. જોકે આમ મેચ ફિક્સિંગ કરવા છતાં પતંગબાજ ક્રિકેટરની જેમ કરોડો કમાઈ નથી શકતાં એ અફસોસની વાત છે. 

ઉત્તરાયણની શૌર્યકથાઓ



| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૦૧-૨૦૧૩ | અધીર અમદાવાદી | 

ઉત્તરાયણ સાથે ઘણી કથાઓ વણાયેલી છે. ભીષ્મે દેહત્યાગ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો એવું કહેવાય છે. ગુજરાતીઓ માટે, એમાંય ખાસ અમદાવાદીઓ માટે ઉત્તરાયણ એટલે કૃત્રિમતા ત્યાગ કરવાનો દિવસ હોય છે. એ દિવસે ચિત્ર વિચિત્ર કપડાં, ટોપી, પીપૂડા, પતંગ થકી માણસ પોતાની અંદર રહેલા બાળકને બહાર કાઢે છે. પણ અમુક આઇટમ્સને પતંગ ચગાવવા કરતાં ઉતરાયણની વાતો કરવામાં વધારે આનંદ આવે છે.

ઉત્તરાયણમાં દોરી રંગવાથી માંડીને પેચ કાપવા સુધી ઉસ્તાદોનો દબદબો હોય છે. અમદાવાદમાં દોરી રંગવા અને પતંગ બનાવવા છેક ઉત્તરપ્રદેશથી કારીગરો આવે છે. પણ સ્થાનિક લોકોએ કદી એમનો વિરોધ નથી કર્યો. પપ્પુ ઉસ્તાદ, સિકન્દર ઉસ્તાદ જેવા ઉસ્તાદો સદેહે તમારી દોરી રંગે એ ગૌરવભેર ઘટના પછી સાત દિવસ સુધી ગુજ્જેશ ગામમાં કહેતો ફરે. એ દોરી રંગાવા માટે કેટલા કલાક લાઈનમાં ઊભો રહ્યો ત્યારે એનો નંબર આવ્યો એની ગૌરવગાથાઓ અમદાવાદની રસધાર લખાય તો એમાં છપાય એટલી રસપૂર્વક કહેવામાં આવે. આવી જ શૌર્યકથાઓ રાયપુર કે કાલુપુર ટંકશાળની હૈયે હૈયું દળાય એવી ભીડમાંથી કેવી રીતે સારા પતંગ શોધ્યા, કેવું બાર્ગેઇન કર્યું, અને ક્યાં રૂપિયા આપ્યા વગર પંજો સરકાવી લીધો એની કહેવાતી હોય. ભીડમાંથી રસ્તો કરવા ‘ગાય આવી ગાય આવી કહીને કેવા લોકોને ઉલ્લુ બનાવ્યા?’ એ તો લગભગ બધા જ કહેતા સાંભળવા મળે.

પતંગ ઘેર આવે એટલે પછી રાત્રે કેટલા વાગ્યા સુધી કિન્ના બાંધી એની કથા કરવાનું માહતમ્ય છે. ‘રાત્રે એક વાગે તો અમે પતંગ લઈને આવ્યા, પછી તો ભૂખ લાગી’તી તો ગુજીષાને કીધું કે લાય કંઇક ખાવાનું, તે એણે ભજીયા બનાવ્યા’ એ પછી કિન્ના બાંધવા બેઠાં. બે તો અગરબત્તીના પેકેટ ખાલી કરી નાખ્યા કાણા પાડવામાં’. ત્યારે આપણને ખબર પડે કે પાર્ટીને ચગાવતા તો આવડતું નથી નહીતર બે પેકેટ અગરબત્તી કાણા પાડવામાં વપરાઈ જાય એટલાં બધાં પતંગ લાવવાની જરૂર શું કામ પડે?

પછી સવારના પહોરમાં આપણા આ ગુજ્જેશકુમાર ધાબા પર પહોંચી જાય. ધાબા પર જઈ એક અઠંગ પતંગબાજની જેમ આજુબાજુના ધાબા પર દુશ્મનોની ગોઠવણી, તેમની તાકાત અને એમાંય લશ્કરમાં અજાણ્યા શખ્સો કે વિદેશી (પોળમાંથી આવેલા હોય એવા) તાકાત દેખાય તો એની ખાસ નોંધ લે. આ ઉપરાંત કોણે ધાબા પર કેટલા વોટના સ્પીકર્સ મૂક્યા છે અને એનાં પર કયા ગીતો વાગે છે એ પરથી પોતાની કહેવાતી વ્યૂહરચના નક્કી કરે. આ સિવાય પવનની દિશાની નિરાશાજનક રીતે નોંધ લેવાય, એમ કહીને કે ‘આપણને કાયમ પવનની દિશા નડે જ છે’. આજબાજુના ઝાડ, કોક પડોશીએ ૧૯૮૨ની સાલમાં નખાવેલ એન્ટેનાનો દંડો ના કઢાવ્યો હોય અને જ્યાં દર વર્ષે અમુક પતંગોનું બલિદાન અપાતું હોય તેની પણ સગાળ નોંધ લેવાય.

આ પછી વીર યોદ્ધાનો કૃષ્ણાવતાર શરુ થાય. પોતે શસ્ત્ર ધારણ ન કરી લડનારને માર્ગદર્શન આપવાનો અવતાર. જોકે ક્યાં એ યુગપુરુષ અને ક્યાં આ માવાખાઉ ગુજ્જેશ? એટલે ઉત્સાહમાં વહેલાં ધાબે ચઢેલા છોકરાઓનો સૌથી પહેલાં ભોગ લેવાય. હવા હોય નહિ અને ટાબરીયાનો પતંગ ચગતો ન હોય, ઠુમકા મારીને ખભો થાકી ગયો ત્યારે કિન્ના કઈ રીતે બાંધવી એની સલાહ આપે. ‘તે કિન્ના જ ખોટી બાંધી છે બકા, સાંજ સુધી ઠુમકા મારીશ તોયે આ પતંગ નહી ચગે’. પણ પતંગને આની વાત સાંભળીને હાડોહાડ લાગી આવે એટલે આ વાક્ય પૂરું કરે ત્યાં સુધીમાં ચગી ગયો હોય! એટલે પછી એ પેચ કઈ રીતે લેવા એનાં ઉપર ‘એં, એં, એમ ના લેવાય, નીચે લઈ જઈને ખેંચી નાખવાનું સડસડાટ’. બકો આ સાંભળવા રહે એટલામાં કોક એનો ખેંચી જાય એટલે ધાબામાં કરુણરસ છવાઈ જાય.

અને ખરી મઝા તો ગુજ્જેશભાઈ પતંગ ચગાવવા લાગે એટલે આવે. ધુરંધર પતંગબાજનું એક લક્ષણ એ હોય છે કે એ કોઈની મદદ વગર જાતે પતંગ ચગાવે છે. ફિરકી પણ જાતે પકડે અને પેચ કપાય તો દોરી પણ જાતે વીંટે. પણ આવા નકલી ધુરંધરો આવું કરવા જાય એટલે કોમેડી સર્જાય. એમની દોરી ક્યાંક ભરાઈ જાય અને ખરા પેચ વખતે ગૂંચવાડા ઊભા થાય એટલે કોકની મદદ લેવી પડે. આવો મોકો પાછળના ધાબાવાળા છોડે? છેવટે હાથમાંથી પતંગ કપાય અને વીંટવા માટે કશું ન બચે. જોકે આવા સમયે બચાવમાં ‘આ તો દોરી ભરાઈ ગઈ એટલે’ એવું કોઈ સાંભળે કે ન સાંભળે એ બોલી નાખે છે. આવી રીતે બે ચાર પતંગ કપાય એટલે ચીકી, બોર, જામફળ તરફ ધ્યાન કેન્દ્રિત કરે. આ બધું જોઈને એ ખાવાનું નીચે ઘરમાં રાખતો હોય તો કેટલાની ઉત્તરાયણ સુધરી જાય એવો સવાલ આપણને થાય!

ડ-બકા
યા હોમ કરીને ચઢો
ફતેહ છે ધાબે !