Showing posts with label જાહેરાતો. Show all posts
Showing posts with label જાહેરાતો. Show all posts

Thursday, December 13, 2012

ચૂંટણી સ્પેશિયલ ટચૂકડી જા.X.ખ.

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૯-૧૨-૨૦૧૨ | અધીર અમદાવાદી

ચુંટણી સમયે શોખીન મતદારોના મૂળભૂત હકો જેવા કે મફત ચા, ચવાણું અને દારુ ઉમેદવારો પોષતા હોવાને કારણે કેટલાક લોકો ચુંટણી વારંવાર આવે તેવું ઇચ્છતા હોય છે. ચૂંટણી ગમે તે કક્ષાની હોય પણ અમુક ખાસ સેવાઓની દરેક પક્ષને જરૂર પડતી હોય છે. જેમ ઉતરાયણ અને દિવાળી વખતે અમુક વેપારીઓ મૂળ ધંધો મૂકી સીઝનલ ધંધામાં દુકાનને ફેરવી નાખે છે તેમ, ચૂંટણી આવે તો કેટલાયે વ્યવહારુ લોકો નોકરીમાં વગર પગારની રજા મૂકીને પણ ચૂંટણીના સીઝનલ ધંધામાં રોકડી કરવા આવી પહોંચે છે. આવી  ઇલેક્શન સ્પેશિયલ સેવા આપનારાઓનો ચૂંટણી ટાણે રાફડો ફાટે છે. પણ આ ધંધામાં ટૂંક સમયમાં પૈસા છુટા થતા હોવાથી હરિફાઈ દિવસે દિવસે વધવા લાગી છે. એટલે જ આવી વિશિષ્ઠ સેવા પુરી પાડનારાઓ આજકાલ ટચુકડી જાહેર ખબરો છપાવતા થઇ ગયા છે. તો આ ચૂંટણી દરમિયાન ઉપલબ્ધ આવી સેવાઓની કેટલીક જાહેરખબરો તમારા જાણવાજોગ. અહીં રજૂ કરવામાં અમારું કોઈ કમિશન નથી.

ચવાણા-ચોર
તદન વાજબી ભાવે નકલી કાર્યકર્તા પુરા પાડવામાં આવશે. અમારા આ કાર્યકર્તા વિરોધી પાર્ટીના રાત્રી-કાર્યાલયમાં ચવાણાના પડીકા અને ચા ખૂટાડી દેશે. અસલી કાર્યકરોને ચા અને ચવાણું ન મળતા રોષ ફાટી નીકળે તેની પુરી ગેરેંટી આપવામાં આવે છે. અસલી કાર્યકરો ચુંટણી પ્રચારનો બહિષ્કાર કરે તેવા પુરા પ્રયત્ન કરવામાં આવશે.

સભા તોડ
ટામેટા, ઈંડા અને જોડા જેવા અસ્ત્રોના ઉપયોગ વગર એકદમ અહિંસક રીતે વક્તાનું ધ્યાનભંગ કરી આપવામાં આવશે. અમારા ઉપાયો એકવાર અજમાવનાર કાયમ અમને શોધતો આવે છે. માત્ર ઉંહકારા, સીટી, તાબોટા અને કસમયની તાળીઓથી સભા તોડી આપવામાં આવશે. નવા વક્તાને ભગાડી મુકવાની અને જૂના વક્તાને ઉશ્કેરી મૂકવાની ગેરેંટી આપવામાં આવે છે. સભા સાઉન્ડ ટેમ્પરિંગ, સાઈબર બુલિઈંગ અને હેકિંગની સેવાઓ પણ આપવામાં આવે છે.

જિંગલ એડ
સાંભળીને વિરોધીઓને લાલ મરચું ફાક્યું હોય એવો ચચરાટ થાય તેવી ચુંટણી જિંગલ કમ્પોઝ કરી આપવામાં આવશે. ભાઈ, બહેન, મા, થપ્પડ, લાફો, ફેંટ, કેચમકેચ, પારકા-પોતાના, પિંગ-પોંગ જેવી અનેક થીમ પર ચૂંટણી જિંગલ બનાવવા માટે મળો યા લખો, ક્રિશ મસ્ત જિંગલવાલા.

વનડે એક્ટિંગ એકેડેમી

એક જ કલાકનાં રોલ માટે ચૂંટણીના દિવસે દરેક મતવિસ્તારમાં જોઈએ છે. અઢાર વર્ષથી ઉપરના આંગળી પર ટપકું ન કર્યું હોય તેવા નવોદિત તથા અનુભવી કલાકારો. જે તે ઉમરની વ્યક્તિના રોલ માટે પાંચ મીનીટની તાલીમ તથા એક જ રિહસર્લ કરી શોટ ઓકે કરે તેવા કલાકારો માટે વર્ષો પછી ગુજરાતના ઇતિહાસનો ભાગ બનવાની અમૂલ્ય તક.



ટ્રેઈન્ડ મેનપાવર
કોઇપણ પક્ષના ઓફીશીયલ ઉમેદવારની સામે પાર્ટી મોવડી મંડળ સમક્ષ વિરોધ પ્રદર્શિત કરવા માટે ટ્રેઈન્ડ મેનપાવર મળશે. સભા, સરઘસ, વિરોધ પ્રદર્શન, સંખ્યાબળ દર્શાવવા અમીર, ગરીબ, બુદ્ધિજીવી અને ઇન્ડસ્ટ્રીઆલીસ્ટ જેવા જ દેખાતાં દરેક વર્ગના માણસો ગુજરાતના કોઈ પણ સ્થળ પર પહોંચતા કરવામાં આવશે. ટીએ ડીએ સાથેના પેકેજ માટે આજે જ ઇન્ક્વાયરી કરો.

ગીફ્ટ આર્ટીકલ્સ
દરેક ક્લાસના મતદારોને લાયક દસ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ગીફ્ટ આઇટમ્સ તથા પોટલી, બાટલી, પાઉચ પેકીંગમાં દેશી તેમજ વિદેશી પીણાં પાર્ટી વતી સમયસર વહેંચી આપવામાં આવશે. ત્રીસ વરસના અનુભવી.

ફિલર સર્વિસીઝ
ભાડૂતી ઓડીયન્સને પણ જકડી રાખે તેવી ભાષણમાં વાપરવા લાયક રમૂજો માટે અમારી વેબસાઈટ મોજેમોજ ડોટ કોમ પર આજે જ લોગ ઇન કરો. વિરોધ પક્ષનાં નેતાઓના નામ આવે પણ કલમ ૬૬-એ હેઠળ કામ ન ચલાવી શકાય એવી રીતે લખાયેલ અને નામાંકિત વકીલ દ્વારા ચકાસાયેલ પોલીટીકલ સટાયર અને બ્લેક હ્યુમર માટે આજે જ લોગ ઇન કરો.

લોયલ્ટી મીટર
શું તમને ડર છે કે તમારું ખાઈને તમારી પાર્ટીના કાર્યકરો અને યુવા મોરચાના સભ્યો બીજી પાર્ટીને ફાયદો થાય એવાં કામ કરે છે? તો આજે જ અમારી કંપનીનું ઈલેક્ટ્રોનિક લોયલ્ટી મીટર ખરીદો. આ મશીન કાંડા પર બાંધવાથી પોઝીટીવ કે નેગેટીવ લોયલ્ટી રીડીંગ બતાવે છે. જાણીતાં પક્ષપલટુઓ પર સફળતાપૂર્વક ટેસ્ટ થયેલ ઈમ્પોર્ટેડ મશીન આજે જ વસાવો.

મતદાર વશ
શ્રી અધીર ગધેડાવાળા બાબાના અઠંગ શિષ્ય અને કેટરીના એકેડમી ઓફ વશીકરણનો ડીપ્લોમા ધરાવનાર પંડિત ખરભૂષણ દ્વારા પાર્ટીમાં ડખા, કાર્યકર નાસી જવા, અપક્ષનો ઉપાય, મતદાર વશ જેવા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ગેરંટીથી કરી આપવામાં આવશે. અમારું કરેલું કોઈ તોડે તો એને મોં-માંગ્યું ઇનામ આપવામાં આવશે. કોઈ પણ પ્રશ્નનું સમાધાન માત્ર ૫૦ રૂપિયામાં.

ડ-બકા

કોડિયાં કરો પેક, ફીરકીઓ બહાર કાઢો બકા;
ઉજવ્યા વિના જાય ના એક પણ દા’ડો બકા.





Sunday, November 11, 2012

દિવાળી સ્પેશિયલ ટચુકડી જા X ખ

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૧-૧૧-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
મેનપાવર સપ્લાય
શું તમને ફટાકડા ફોડતા ડર લાગે છે? શું તમારું રહેણાંકનું સ્થળ એટલું ગીચ છે કે ક્યાં અને કેવી રીતે ફટાકડા ફોડવા એ અંગે તમે મૂંઝાવ છો? તો તમારી સમસ્યાનો ઉકેલ હાથવેંતમાં છે. અમારા અનુભવી અને વિશ્વાસુ માણસો તમારે ઘેર આવી ટીકડીથી લઈને રોકેટ સુધી બધાં પ્રકારના ફટાકડા ફોડી આપશે.

દિવાળીનાં વધેલા નાસ્તા
શું તમારે ત્યાં વધેલા મઠીયા કામવાળા પણ લેવાની ના પાડે છે અને ફેંકી દેતા જીવ નથી ચાલતો? શું મહેમાનો તમારે ત્યાં મઠીયા સુંઘીને ખાય છે? તો અમારે ત્યાં વધેલા, જુનાં, હવાઈ ગયેલા તથા ખોરાં મઠીયા, કાજુકતરી, ચવાણા, સેવ વગેરે વાજબી ભાવે લેવામાં આવે છે.

ઓનલાઈન ફટાકડા
અમારી વેબસાઈટ પર આવી ઓરીજીનલ ફટાકડા જેવા જ ઓનલાઈન ફટાકડા નજીવા ભાવે ફોડવાનો સંતોષ માણો. કોઈ ઘોંઘાટ નહિ. કોઈ પ્રદુષણ નહિ. દાઝવાનો ભય નહિ. આજે જ રજીસ્ટ્રેશન કરાવો. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોનમેન્ટ (નાઈજીરિયા) પ્રમાણિત વેબસાઈટ.

રીસાયકલ્ડ નાસ્તા
જ્ઞાતિના મેળાવડા તથા ચેરીટી માટે દરેક પ્રકારના બજેટમાં બેસે તેવા રીસાયકલ્ડ મીની મઠીયા, મીની કાજુકતરી, ચવાણા તથા અમારી પ્રખ્યાત સુકી ભેળ ખરીદવા માટે મળો. સરકારી સ્કૂલો કે આંગણવાડીમાં નાસ્તા કે ભોજનનો કોન્ટ્રકટ ધરાવનાર માટે એક્સ્લુઝીવ ઓફર. 

ફટાકડા ભાડે મળશે
ઈમ્પોર્ટેડ રીફોડેબલ ચાઈનીઝ ફટાકડા ભાડે મળશે. વાપરીને સાત દિવસમાં રીટર્ન કરો. ડિપોઝીટ કંપની નિયમ મુજબ.

ઇકો-ફ્રેન્ડલી ફટાકડા
શું તમને એમ લાગે છે કે ફટાકડા એ રૂપિયાનો ધુમાડો છે? ચાઈનીઝ બેટરી ઓપરેટેડ ઈલેક્ટ્રોનિક નિર્ધૂમ તારામંડળ, વાયર પેન્સિલ, જમીન ચક્કર, કોઠી, લવિંગીયા તેમજ ટેટા સહીત અન્ય ફટાકડા મળશે. ફટાકડા જેવો જ અવાજ અને દેખાવ, પણ ધૂમાડો નહિ. સાત દિવસની ગેરંટી. ફિનલેન્ડનો પ્રતિષ્ઠિત જ્હોન ટેરી ઇકોટેક એવોર્ડ વિજેતા આઈએસસો ૯૦૦૦ કંપની.

ભાડે મળશે 
શું તમને દિવાળીની ઘરસજાવટની વસ્તુઓ ખરીદવાનો કંટાળો આવે છે ? શું તમારે પડોશીઓને દેખાડી દેવા જ ઘરનાં નવા પડદા બદલવા ખર્ચો કરવો પડે છે? તો ભાડે મળશે સોફાના કવર, પડદા, ટેબલ મેટ, દિવાળીના નાસ્તાની ટ્રે, રંગોળીનાં સ્ટીકરો.

મેનપાવર જોઈએ છે
દેશી બોમ્બ બનાવવા માટે અનુભવી અને ક્રિમીનલ રેકોર્ડ વગરનો મેનપાવર જોઈએ છે. વિદેશમાં તાલીમ લીધલા પણ સમ્પર્ક કરે. સર્કિટની જાણકારી ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. સારી કામગીરી કરનારને એક્સપીરીયન્સ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.

રંગોળી સર્વિસ
સોસાયટી ફ્લેટમાં યોજાતી સ્પર્ધામાં ઇનામ જીતવા માટે અમારા પ્રોફેશનલ આર્ટીસ્ટ તમારા ઘેર આવી રાતોરાત રંગોળી કરી આપશે. કોઈ પણ સાઈઝમાં. પ્રાઈઝ જીતવાની ગેરંટી. એકસો અડતાલીસ ડીઝાઈનમાંથી તમારી પસંદગીની રંગોળી કરી આપવામાં આવશે.

ઘેર બેઠાં ઘૂઘરા
શું તમારા પતિ દિવાળીના નાસ્તા ઘરમાં જ બનાવાયએ પ્રકારના જુનવાણી વિચારો ધરાવે છે? તો તમે નિરાંતે ટીવી જુઓ અમે તમારા પતિ ઓફિસ ગયા હશે એ દરમિયાન રોજ જુદાજુદા નાસ્તા બનાવી આપીશું. તમારા સદગત સાસુનાં હાથે બનતાં હતાં એવા જ ટેસ્ટના ઘૂઘરા બનાવી આપવાની ગેરંટી.

તાત્કાલિક જોઈએ છે
ત્રણસો સાડત્રીસ શર્ટ અને બસો તેતાલીસ પેન્ટના ગાજબટન તેરસ પહેલાં કરી આપે તેવા કારીગર જોઈએ છે. જવા આવવાનું બસ ભાડું અલગથી આપવામાં આવશે.

ઇલેક્ટ્રિક ડ્રાયફ્રુટ
ફ્રાન્સના પ્રતિષ્ઠિત ટેકનો-ઇનોવેશન ફેરમાં પ્રદર્શિત આઇટમ. જર્મન ટેક્નોલોજીથી ખાસ ઇલેક્ટ્રીકલી ચાર્જ્ડ ડ્રાયફ્રૂટ્સ ખરીદો. આ કાજુ-બદામ હાથમાં પકડતા જ મહેમાનને હળવો કરંટ લાગે છે. ટેસ્ટ દરમિયાન ૯૭% લોકોએ આ ડ્રાયફ્રૂટસ્ ટ્રેમાં પાછા મૂકી દીધા છે. ડ્રાયફ્રુટ મૂક્યાનો સંતોષ માણો અને મહેમાન તથા એમના પોયરાઓને બૂકડા ભરીને ખાતાં અટકાવો. ગવર્મેન્ટ લેબોરેટરી ટેસ્ટેડ.

એક પર સાત ફ્રી
અકલ્પનીય ઓફર. આજના દિવસ માટે જ. એક પેન્ટ ખરીદો સાત હાથરૂમાલ ભેટ મેળવો.
ભાડે મળશે
બેસતા વર્ષે પહેરવા માટે પહેલેથી અત્તર છાંટેલા શેરવાની, ઝભ્ભા, સફારી, સુટ તથા પોલીશ કરેલા બુટ ભાડે મળશે.

મેજીક ફટાકડા
સવાર સુધી પૂરી ન થાય તેવી સીરીયલ બ્રાન્ડ કોઠી. બીગબોસ બ્રાંડ વગર સળગાવે તડતડ કરતાં તારામંડળ. થાકી જાવ ત્યાં સુધી નીકળ્યા કરે તેવા કરપ્શન બ્રાન્ડ સાપ અને અવાજ વગરના રીમોટ કંટ્રોલથી ફૂટતા ફટાકડા પણ મળશે.

-બકા
થોડું થોડું કણ કણ એ રોજ ધોવાય છે.
આ મારું દિલ છે કે શહેરનો રસ્તો બકા?