| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૪-૧૧-૨૦૧૩ | અધીર અમદાવાદી |
ચોવીસ કલાક લાંબી વિમાનની મુસાફરી પૂરી કરી
તમે અમેરિકા ઉતરો અને કોઈ તમને ઘેર લઈ જાય
એટલે તમને આશ્ચર્ય ઉપર આશ્ચર્ય મળે. સૌથી પહેલા તો તમારી એન્ટ્રી જ ગેરેજમાંથી
પડે! કોઈ જેમ્સ બોન્ડના મૂવીની જેમ જ! તમને ખબર પણ ના પડે કે તમે યજમાનના ઘરમાં
ઓલરેડી ઘૂસી ગયા. હા, ઠંડી અને બરફ
પડવાને લીધે લગભગ જેના પોતાના ઘર હોય તેવા લોકો તો ગેરેજ ધરાવતા હોય જે રીમોટ
કન્ટ્રોલથી ખુલે. ગેરેજનો દરવાજો ખુલે એની સાથેસાથે આપણું મ્હોં પણ ખુલ્લું જ રહી
જાય. નીચે ઉતરો એટલે ગરાજમાં ચારેબાજુ સામન દેખાય. ગાર્ડનિંગના અને હાઉસ કીપિંગના
જાતજાતના ટુલ્સ હોય. પુરુષે જાતે કામ કરવાનું હોય એટલે ઘરમાં જાતજાતની વસ્તુઓ
વસાવે. પણ વાત ગરાજમાંથી એન્ટ્રીની છે. દૂધવાળો, છાપાવાળો, ઇસ્ત્રીવાળો, કામવાળો, કચરાવાળો આવો કોઈ પણ વાળો કદી આવતો ન હોઈ મેઈન
એન્ટ્રી ક્યાં છે એ ખબર પડતાં લગભગ અઠવાડિયું નીકળી જાય.
પ્લેનના સૂપ બાઉલ જેટલી સાઈઝના સિન્કમાં
કોમ્પેક્ટકોગળા કર્યા હોય એટલે સૌથી પહેલાં બ્રશ યાદ આવે.હોસ્ટ તમારી મૂંઝવણ કળી જાય તો કહે કે નીચે હાફ વોશ
રૂમ છે, ફ્રેશ થઈને આવો પછી ચાય-નાસ્તો કરીએ. ત્યારે આ હાફ વોશરુમ કઈ બાજુથી અડધી
હશે એ વિચાર આવે. અંદર જાવ એટલે ખબર પડે કે અડધિયામાં કમોડ અને વોશબેઝિન દેખાય.ઇન
શોર્ટ નહાવાની વ્યવસ્થા ન હોય, ફક્ત ધોવાની હોય એ હાફ વોશરૂમ!! નહાવા માટેબાથરૂમમાં બાથટબ બધે જ હોય, પણ એ બાથટબમાં ઉભા રહીને શાવર
લેવાનો હોય. બાથરૂમમાં બાથટબ સિવાયનો બધો વિસ્તાર ડ્રાય હોય એટલે શાવર કર્ટન ટબની
અંદરને રાખવા પડે. જો ભૂલમાં બહાર કાઢી નાખો તો પછી બે કલાકની મહેનત થાય એ બહાર
રેલાયેલ શાવરનું પાણી લુછવામાં. નહાઈને બહાર નીકળો એટલે ઘરમાં જ્યાં હાથ નાખો
ત્યાંથી બોડી લોશન કે મોઈશ્ચરાઈઝર નીકળે. નવા-સવા હોઈએ તો બોડી લોશનને બદલે શેમ્પુ
કે કંડીશનર કે બીજું કશું ન ઘસાઈ જાય એનાં માટે બધી બોટલો ઉપાડી ઉપાડીને લેબલ
વાંચવામાં ઘણો ટાઈમ પાસ થઈ જાય, ને બહાર કોઈને એમ થાય કે ‘આ ભાઈ કેટલાં ધીરા છે!’
સ્વાભાવિક છે કે
ભારતમાં ઉછરેલ માણસ વિદેશમાં જાય તો સૌથી પહેલાં દેશની ચા યાદ કરે. એરલાઈનમાં
અપાયેલ ચા ભાવતી હોય તેવા વિરલાઓને તો લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ વાળા પણ શોધે છે,
તેમ છતાં વર્ષોથી ફ્લાઈટમાં પાણી જેવી ચા હજુ પણ આપવામાં આવે છે. અમને ખબર છે કોક
એમ મનમાં બોલશે કે એ ચાનો ટેસ્ટ ડેવલપ કરવો પડે, પણ પંદર વરસથી ટ્રાય કરવા છતાં
ટેસ્ટ ડેવલપ ન થાય તો ચા પીવાનું છોડી તો ન દેવાય ને? એટલે જ અમેરિકા પહોંચેલઅમારા
જેવો માનવ આખા દૂધની ચાનો આગ્રહ રાખે તે સ્વાભાવિક છે. પણ અહિં દૂધમાં ૦ ટકા ને ૨ ટકાને
એવી જુદી જુદી ફેટના કારબા ફ્રીઝમાં ભરેલા પડ્યા હોય. ભલું હોય તો હોસ્ટ પૂછે પણ
ખરા કે ફેટ ફ્રી કે ૨% દુધની બનાવું? પાછુ ચા સાથે ‘હવે તો અહિં બધું જ મળે છે’ એ
સાબિત કરવા યજમાન તમને અમેરિકામાં પણ ખાખરા ખવડાવે! અને ત્યારે તમને ખાતરી થાય કે અમેરિકામાં
પણ ઇન્ડિયાની માફક ઘાસ જેવા ટેસ્ટના ખાખરા મળે છે.
અમેરિકામાં લાંબો સમય રહો એટલે ત્યાંની પદ્ધતિ શીખી જવાય. ત્યાં સૌથી વધુ જો
કોઈ આગ્રહ હોય તો સ્વચ્છતાનો. સ્વચ્છતામાં જો પ્રભુતાનો વાસ હોય તો આપણા તેત્રીસે
તેત્રીસ કરોડ દેવી-દેવતા અમેરિકા જઈ વસે. ત્યાં એટલી ચોખ્ખાઈ. ઘરમાં જાત જાતના
ક્લીનીંગ લીક્વીડ હોય. ભૂલેચૂકે તમે ઘરમાં પહેરવાના સ્લીપર પહેરી બહાર રોડ પર આંટો
મારો તો તમારા હોસ્ટ એન્ટીબેકટેરિયલ વાઈપ્સથી સ્લીપરના તળિયા લૂછે.સ્લીપરને આટલી ઈજ્જત
આપણે તો કોઈ દિવસ ન બક્ષી હોય! અન્ય એક નવાઈ પીવાના પાણીમાં જોવા મળે. ઠંડીમાં સ્વાભાવિક
છે કે પાણી ફ્રીજનું ન પીવાનું હોય, તો પણ ત્યાંના લોકોની જેમ નળ પરથી ગ્લાસ ભરી
તો લઈએ પણ પીવામાં ખચકાટ જરૂર થાય. જોકે બે દિવસમાં ખચકાટ દુર થઇ જાય. પણ આવી ટેવ
પડી હોય પછી ઇન્ડિયા પાછા આવો તો ભારે પડે.
અમેરિકન ઘરો મોટે ભાગે બંગલા ટાઈપ હોય. પણ મોટે ભાગે આજુબાજુ ફેન્સીંગ ન હોય.
સબ ભૂમિ રોબર્ટ કી. મકાનની બારીઓને પણ આપણી જેમ લોખંડની વેલ્ડેડ કે કોલેપ્સીબલ
ગ્રીલ ન હોય. ગ્રાઉન્ડ ફ્લોર પર પણ કાચની બારીઓ જ હોય. આપણે ત્યાં તો
એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો હોય એણે પણ આખી બાલ્કનીમાં ગ્રીલ નખાવી હોય. આ બતાવે
છે કે અમેરિકામાં લોકો ઘરમાં દલ્લો છુપાવી નહિ રાખતા હોય. અથવા તો એમની પાસે દલ્લો
હશે જ નહિ. અથવા તો લોકો ડોલર્સ ઉડાડી મારતા હશે. અથવા ત્યાં કાળાનાણાનું ચલણ નહિ
હોય. એ જે હોય તે, પણ ત્યાંના લોકો મકાનની સિક્યોરીટી પોલીસ ભરોસે છોડીને ટેસથી
સુઈ જાય. આપણે ત્યાં લોકોમાં પોલીસ ભરોસા કરતાં રામભરોસો વધારે.
અમેરિકામાં જાતે કરવાનો મહિમા બહુ. કપડા જાતે ધોવાના. વોશિંગ મશીનમાં. ઈસ્ત્રી
પણ મોટે ભાગે જાતે કરવાની હોય, એમાં લોકો પોલીયેસ્ટરનાં કપડા પહેરતા શીખી જાય! વેન્ડિંગ
મશીનમાંથી કોલ્ડ ડ્રીંકની બોટલ ડોલરની નોટો નાખી જાતે કાઢી લેવાની. સુપર
માર્કેટમાં વસ્તુઓ જાતે લઇ લેવાની. એરપોર્ટ પર જાતે ચેક-ઇન કરવાનું. ઘરમાં કચરો
પોતું પણ જાતે કરવાનું. મકાનની આજુબાજુ ઊગેલ ઘાસ પણ જાતે કાપવાનું. કારણ કે ત્યાં માણસ
મળે, પણ મોંઘા પડે. એટલે મશીનોનો ઉપયોગ
વધારે. આપણે ત્યાં તો વસ્તી જ એટલી છે કે માણસોનો ઉપયોગ જ વધારે થાય છે! એટલે જ તો
ભારત સરોગેટ મધર્સ કેપિટલ બનવા જઈ રહ્યું છે! ●