| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૬-૦૮-૨૦૧૨ |અધીર અમદાવાદી |
ઉંદર બિલાડીથી ડરે છે. બિલાડી કૂતરાથી ડરે છે. કૂતરા
મ્યુનીસીપાલીટીની કૂતરા પકડવાની ગાડીમાં સાણસા લઈને આવતાં માણસોથી ડરે છે. આ માણસો પણ
છેવટે પતિ હોય છે, એટલે તેઓ પોતપોતાની પત્નીઓથી ડરે છે. પત્નીઓ પાછી પંચોતેર
ગ્રામના ઉંદરથી ડરે છે. આમ દુનિયા ગોળ છે એ સાબિત થાય છે. ઉંદર આ ગોળ દુનિયાના
દરેક ખૂણામાં મળે છે. અને દુનિયાભરમાં પત્નીઓ ઉંદરથી ડરે છે.
ઘર નામની ફિલ્મમાં કેમિયો કરી ભલભલાને ચોંકાવી દેનાર
ઉંદરો બે પ્રકારનાં હોય છે. સારા ઉંદર અને ખરાબ ઉંદર. આ ઉંદર ગણપતિનું વાહન બને એટલે
એ સારો ઉંદર. એ ગણપતિ બાપાનાં પ્રસાદમાંથી ખુલ્લેઆમ લાડુ ચટાકી જાય, પછી આપણને
પ્રસાદ મળે. આ ઉંદર સારા હશે એટલે જ તો એમને પ્રેમથી લોકો ઉંદરમામા કહેતા હશે ને? બીજો
સારો ઉંદર પેલો ટોમ એન્ડ જેરી પૈકીનો જેરી. એકદમ ઇન્ટેલીજન્ટ. એની બુદ્ધિનો ઉપયોગ જેરી
ટોમથી બચવા અને ટોમને સળી કરવા કરે છે. એ પીડિત છે, એટલે બધાનો પ્યારો છે. મીકી
માઉસ તો હવે ૮૪ વરસનું થયું પણ હજુ બાળકોમાં એટલું જ પોપ્યુલર છે. સ્ટુઅર્ટ લીટલ
ફિલ્મનો સ્ટુઅર્ટ પણ બહુ ક્યુટ અને બધાંને ગમી ગયો હતો. વિદેશમાં તો લોકો ઉંદર
પાળે પણ ખરા.
આપણે ત્યાં જોકે બીજાં પ્રકારના ઉંદર જ થાય છે. આ
બીજાં પ્રકારમાં કોઈ ખાસ પેટા પ્રકાર કે વરાઇટી જોવા મળતી નથી. ફાર્મા કંપનીઓ
દવાના પ્રયોગ કરવા માટે વપરાતાં સફેદ ઉંદર સિવાયના બાકી બધાં જ ઉંદર કાળા, મેલા,
ગંદા રંગના હોય છે, અને એ સ્ટુઅર્ટ લીટલ, મીકી કે જેરી જેવા ક્યુટ હરગીઝ નથી
હોતાં. ઉંદર જોઈને સામાન્ય રીતે લોકોને ચીતરી કે ખીજ ચઢે છે. ઉંદરને આપણે ત્યાં
પાળવાનો નહિ, પાડવાનો રીવાજ છે.
કદને આધારે લોકો ઉંદરને ત્રણ પ્રકારમાં વહેંચે છે;
ઉંદર, ઉંદરડો અને ઉંદરડી. ઉંદર એટલે સાદો, મધ્યમ કદનો ઉંદર. ઉંદરડો એટલે તુચ્છકારજનક,
ભયાનક, સસલા જેટલો મોટો ઉંદર. અને ઉંદરડી એટલે નાનકડો ઉંદર. આમાં, નાના ઉંદર માટે
ઉંદરડી શબ્દપ્રયોગ અંગે ગુજરાતી સાહિત્યના વિદ્વાનોએ આજ દિવસ સુધી કોઈ વિશેષ વિચાર
કર્યો હોય એવું લાગતું નથી, કારણ કે નાનો ઉંદર નરજાતિનો હોય તો પણ એ ઉંદરડી જ
કહેવાય છે. જોકે હજુ સુધી આ નર ઉંદરડીઓએ માણસજાતના આવા છબરડાં પ્રત્યે કોઈ વિરોધ
નોંધાવ્યો હોય એવું જાણવા મળ્યું નથી. અમે ઘણો વિચાર કર્યો કે માણસો આમ ઉંદરને
ઉંદરડી કેમ કહેતા હશે? અમને લાગે છે કે આમ થવાનાં ચોક્કસ પ્રેક્ટિકલ કારણો છે. નાનો
ઉંદર ઘરમાં ગણતરીની દસ વીસ સેકન્ડ દર્શન આપે એ દરમિયાન એ નર છે કે નારી તે સામાન્ય
માણસો માટે નક્કી કરવું અઘરું જ નહિ અશક્ય છે. જો ઉંદર પોતાના ગાળામાં ગુલાબી
સ્કાર્ફ કે બ્લુ ટાઈ પહેરીને ફરે તો આપણે નર અને નારી ઉંદર વચ્ચેનો ભેદ પારખી આવા
ગોટાળા ટાળી શકીએ.
ઉંદરની એક ખૂબી એ છે કે એ ફૂંકીને કરડે છે. એટલે તમે
ઊંઘતા હોવ અને ઉંદર કરડી જાય તો તમને ખબર પણ ન પડે. ઉંદર લોકો ટોમ એન્ડ જેરીનાં
કાર્ટુન જોઈને શીખ્યા હશે કે કેમ એ ખબર નથી, પણ ઉંદર ઘરમાં એક ખૂણામાંથી બીજાં
ખૂણા વચ્ચે દોડીને જાય એ દ્રશ્ય માણવા લાયક હોય છે. જોકે આમ ઉંદરને નાનકડા ઉંદરને દોડતો
જોઈ લોકો દોડતા થઈ જાય છે. ઉંદરને રાતના અંધારામાં ખટરપટર કરવાની બહુ મઝા આવે છે.
જોકે ડફોળ જેવા ઉંદર કશુંક પછાડ્યા વગર નથી રહી શકતાં એટલે રસોડામાં કરેલી
અફડાતફડી છેક બેડરૂમમાં પત્નીને સંભળાય છે, જે ‘ઉઠો, રસોડામાં કોક છે’ કરી પતિને
જગાડે છે. પતિ બિચારો રસોડામાં આંટો મારી પાણી પી, ‘ઉંદર હશે’ કહી પાછો સુઈ જાય
છે. પણ પત્ની ‘ઉંદર, રસોડામાં શું કરતો હશે?’ એ વિચારોમાં આખી રાત ઉંધી નથી શકતી.
જોકે ધોળેદિવસે જો ઉંદર ઘરમાં દેખાય તો આતંકવાદી
શહેરમાં ઘૂસ્યાની ખબર મળે એમ આખું ઘર હાઈ-એલર્ટ મોડમાં આવી જાય છે. એક આખો દિવસ તો
ઉંદર ક્યાં પહેલી વખત દેખાયો, એણે શું કાતરી ખાધું, ઉંદર કેટલો મોટો હતો, કેવો
ભયાનક હતો, જેવી અર્થહીન પણ અનિવાર્ય ચર્ચાઓમાં પસાર થઈ જાય છે. હવે મોબાઈલ સુલભ
થયાં છે એનો લાભ લઈને અમુક ગૃહિણીઓ પોતપોતાનાં સગાવ્હાલાને પણ ઉંદરના ગૃહપ્રવેશ
બાબતે સત્વરે જાણ કરે છે. આવા ફોનના લાભાર્થીઓ ‘એમ?’, ‘ના હોય’. ‘ક્યારે?’ ‘ખરેખર’, જેવા પૂરક પ્રશ્નો પૂછી ફોન
કરનારને શક્ય એટલું ઉતેજન આપે છે. ક્યારેક તો વિસ્તારપૂર્વક પોતાનાં ઉંદર અનુભવો
પણ સામે ફટકારે છે. અંતે ફોન કરનારને લાગે કે મારી આખી વાત સાઈડ-ટ્રેક થઈ રહી છે,
ત્યારે ‘ચાલો મુકું, ડબ્બા પાછળથી અવાજ આવે છે, પકડું આ વખતે તો’ કહી ફોન ટૂંકાવે
છે.
પણ જોવા જેવી વાત એ છે કે લોકો કીડીઓનાં દર પાસે લોટ
નાખે છે, કબૂતરોને જુઆર નાખે છે, વાંદરાને ચણા ખવડાવે છે, કૂતરાને બિસ્કીટ નાખે
છે, ગાયને ઘાસ નીરે છે પણ કોઈ ઉંદરને ચીઝ નાખતું હોય એવું જોવા મળ્યું નથી. માણસો તો
ઉંદર ઘરમાં દેખાય એટલે તરત જ એનાં પર છુટા ચંપલો ફેંકવા, સાવરણી અને ઝાપટીયા
મારવાના ક્રૂર કાર્યો કરવાં લાગી જાય છે, કેટલાંક ઉંદરીયા ગોઠવે છે અને ઝેરી
બિસ્કીટ ઓફર કરે છે. ખબર નહિ, માણસોની જીવદયાના ધોરણો કેમ સમાન નહિ હોય? ■