Tuesday, August 07, 2012

ચાલો ગોળ ગોળ ફરીએ ...


 | સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૦૫-૦૮-૨૦૧૨ | અધીર અમદાવાદી |  

ગુજરાતી ભાષાનું શું થશે એ વિચારે ગુજરાતીનાં સમર્થકો અને વિદ્વાનો રાત્રે ઊંઘી નથી શકતાં. આજકાલના યુવાનોને ગુજરાતી વાંચતા કેમ કરવા?’ એ ઘણાં માટે પડકાર બોલે તો ચેલેન્જ સમાન છે. એટલે જ ગુજરાતી પ્રત્યે યુવાપેઢી બોલે તો યંગ જનરેશનનો લગાવ વધારવા અને ગુજરાતી બચાવવા બોલે તો સેવ ગુજરાતીકરવા ઘણાં પ્રયાસ થાય છે. ગુજરાતમાં વાંચે ગુજરાતઅને અમેરિકામાં ચાલો ગુજરાતકાર્યક્રમો થાય છે. અંગ્રેજી ભાષા માટે એવી ટીકા થાય છે કે અંગ્રેજીમાં એક જ શબ્દ જુદી જુદી રીતે પ્રયોજાય બોલે તો યુઝ થાય છે, જેમ કે ગમગુંદર અને પેઢા બંને માટે વપરાય છે. પણ ગુજરાતી ભાષા પણ ક્યાં એટલી સરળ છે? એમાં પણ ઘણાં ગોટાળા છે.

ગુજરાતીમાં ગોળ, ગોળ અને ગોળ શબ્દ અલગ અલગ રીતે પ્રયોજાય છે. એટલે કે ગોળ, ગોળ અને ગોળ એ ત્રણ અલગ શબ્દો છે. આગળ જતાં આ ગોળના મામલે ગોટાળા બોલે તો કન્ફ્યુઝન થાય એમ છે એટલે આ ત્રણ ગોળને આપણે એક, બે અને ત્રણ નંબર આપી દઈએ. પહેલાં નંબરના ગોળનો અર્થ શેરડીના રસને ઉકાળીને બનાવેલો ઘટ્ટ ગાળ્યો પદાર્થ, જે ડાયાબીટીસનાં દર્દીઓ માટે વર્જ્ય છે, એવો થાય છે. એક નંબરવાળો ગોળ વધારે ખાતા હોય એમનાં શરીરનો આકાર ગોળ હોય એ બીજા નંબરનો ગોળ, મતલબ કે ગોળ એ આકાર છે. આમ પ્રથમ અને બીજા ગોળમાં આકારનો ફેર દેખીતો છે. ગોળ ગોળાકાર હોય છે, જ્યારે શેરડીના સાંઠા જેવી સીધી શેરડીમાંથી બનતો ગોળ રવા આકારનો હોય છે. ત્રીજો ગોળ જ્ઞાતિ, સમૂહ કે જૂથ માટે વપરાય છે. તમે કયા ગોળનાં છો?’ એવું તમે આજની પેઢીને પૂછો તો બિચારાં જવાબ શોધવા ગોળ ગોળ ફર્યા કરે. બિચારાઓને બર્ગર ગોળ અને સેન્ડવીચ ચોરસ હોય એટલું જ ખબર પડે, અને એ પણ ગણિત બોલે તો મેથ્સમાં શીખ્યા હોય.

હવે તમે પ્રખર ગુજરાતી જાણકાર હશો તો એમ કહેશો કે મિત્ર ગોળ, ગોળ, અને ગોળના ઉચ્ચારમાં ઘણો ફેર હોય છે. પણ આ ઉચ્ચારને કારણે જ વધારે ગોટાળા થાય છે. કાઠિયાવાડમાં ગોળનો ઉચ્ચાર અને અમદાવાદમાં ગોળનો ઉચ્ચાર જુદો થાય છે. આ ખાવાના ગોળની વાત છે. પણ ગોળ આકારનો ઉચ્ચાર તો બધે સરખો જ થાય, સુરતીમાં પણ. આમ છતાં કોઈને સમજાવવું હોય તો એમ કહેવાય કે ખાવાના ગોળનો ઉચ્ચાર પહોળો થાય છે, જ્યારે આકાર ગોળનો ઉચ્ચાર સામાન્ય થાય છે. જ્યારે જ્ઞાતિના ગોળમાં ગોળનો ઉચ્ચાર જુદો થાય છે, પણ એ કેવો જુદો થાય છે તે લખીને સમજાવવું અમારા માટે શક્ય નથી. અને છાપાં કે પુસ્તકમાં ક્લિક કરવાથી ઉચ્ચાર સંભળાય એવી ટેકનોલોજી હજી ચલણમાં નથી. 

હવે તમે જ એક તટસ્થ વાચક તરીકે વિચારો કે આ ઉચ્ચાર અને અર્થ સમજીને બોલવું કેટલું અઘરું છે, અને સાંભળનાર એનાં કેવાં અર્થઘટન કરી શકે? જેમ કે ગોળ ગોળ ફર્યોએનો અર્થ શું કરવો? કહેનારે એમ કહેવું હોય કે હું તમારા ઘરનું એડ્રેસ શોધતાં ગોળ ગોળ ફર્યો’, પણ સાંભળનારને એમ થાય કે ગોળનો રવો જાતે ચક્કર ચક્કર ફર્યો હશે. ના થઈ શકે? કેમ? ગોળનો રવો નિદર્શન બોલે તો ડિસ્પ્લેમાં મૂક્યો હોય અને જેના પર મૂક્યો હોય એ ગોળ ફરતું હોય એમ ન બને? ચાલો માની લીધું કે કરીયાણાવાળા એટલાં ક્રિએટીવ ન હોય કે ગોળનાં રવાને ગોળ ગોળ ફેરવે, આમ છતાં એવી ગેરસમજ તો થઈ જ શકે કે પોતાનાં ખોટા રૂપિયા જેવા છોકરાનું માંગું લઈને, નાત-જાતના ભેદભાવ પરાણે ભૂલી, બાપ ગોળ ગોળ ફર્યોહશે? આમાં ત્રીજા પ્રકારના ગોળની વાત હતી. 

આટલે સુધી તમે વાંચ્યું હશે તો તમે કદાચ એવું કહેશો કે શું પકાવો છો યાર?’ એક્ઝટલી. હું પણ એજ કહું છું. આ ગોળ, ગોળ અને ગોળનું કન્ફ્યુઝન દૂર કરવું જરૂરી છે અને બહુ સહેલું છે. ઇઝી યુ નો. એક નંબરના ગોળ ને તમે ગોળ કહો, બીજાં નંબરના ગોળને તમે રાઉન્ડ કહો, અને ત્રીજા નંબરના ગોળને તમે ગુજરાતી ભાષામાંથી કાઢી જ નાખો, ન રહેગા ગોળ ન રહેગા કન્ફ્યુઝન. હાસ્તો, ત્રીજા ગોળ માટે બીજાં ઘણાં શબ્દો છે. પણ મારું માને છે કોણ?

ડ-બકા
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?
(રમેશ પારેખ)

No comments:

Post a Comment