મુંબઈ સમાચાર | લાતની લાત અને વાતની વાત | ૧૦-૧૦-૨૦૧૦ | અધીર અમદાવાદી |
તમે દોઢિયુ, પોપટીયુ, સોરઠીયુ,
હીંચ, સનેડો વગેરે પ્રકારના ગરબાઓ વિષે જરુર સાંભળ્યુ હશે, પરંતુ અહીં નીચે રજુ
કરેલ ગરબા તમે જરુર જોયા હશે પરંતુ એ વિષે તમે ક્યારેય વાંચ્યુ નહીં હોય તે મારો
દાવો છે.
1) ડોશીઓના ગરબા: મોટાભાગે માસીઓ, કાકીઓ,
અને ભાભીઓ દ્વારા થતા આ ગરબામા ફકત ગાવાનુ માહાત્મ્ય હોય છે. ગરબામાં મુવમેન્ટ ખાસ
જોવા મળતી નથી. માત્ર સ્ત્રીઓ દ્વારા થતા આ ગરબામાં માજીઓ ઉભી ધરી પર અંદાજે વધારેમાં
વધારે 30 ડીગ્રી જેટલો શરીરને ટવીસ્ટ્ આપી શકે છે. વા વિગેરે જાત જાતના દુખાવાને
કારણે એડી પર ઉંચુ થઇ શકાતુ ન હોવાથી વાય એક્સીસ (ઉભી દિશામાં) પર કોઇપણ પ્રકારનો
ઉતાર-ચઢાવ જોવા મળતો નથી. એકંદરે કોકાકોલાના બોટલીંગ પ્લાંટમાં બે લીટરની બોટલો
લાઇનબધ્ધ સરકતી હોય એવો દેખાવ સર્જાય છે. અહીં તાલીઓ પણ માંડમાંડ પડતી હોય છે.
પોષાકોમાં પણ કોઇજ વિવિધતા જોવા મળતી નથી. છેલ્લે રક્ષાબંધન વખતે પહેરેલી સાડી
ધોવાતા પહેલા નવરાત્રીમાં પહેરાઇ જાય છે. શ્રી શાહબુદ્દીન રાઠોડે જે ‘રહોડામાં ડબો ઘસાતો હોય’ એવા
અવાજની વાત કરી’તી એવા અવાજો કોરસમાં સાંભળવા મળે છે. આ ગરબાના પ્રેક્ષક વર્ગમા
રીટાયર્ડ કાકાઓ, જે ઘરનો પ્રસાદ હોય તે ઘરના સભ્યો અને પ્રસાદઘેલા ટપુડાઓની ટોળી જ
હોય છે. જો કે કોઇ સારા દેખાતા ભાભી ભાગ લે તો ક્યારેક જુવાનો પણ ઘડીકવાર ઉભા રહી
જતા જોવા મળે છે.
2) બેઠા ગરબા: આ એક ડોશીઓના ગરબા જેવોજ
એક પ્રકાર છે. આ ગરબા ઇન-ડોર અને આઉટ-ડોર બન્ને રીતે ગવાતા(રમાતા નહીં) જોવા મળે
છે. નામ પ્રમાણે આ ગરબા બેઠા બેઠા ગવાય છે. પુરતી સંખ્યા અને શક્તિના અભાવે
યથાશક્તિ માતાજીની ભક્તિએ એક માત્ર ઉદ્દેશ સાથે આ ગરબા ગાવામાં આવે છે. સંગીતના
સાધનોમા થાળી, વેલણ અને તાલીનો ઉપયોગ સર્વ સામાન્ય છે. મોટે ભાગે કાકાઓ સંગીતનો
વિભાગ સંભાળે છે. આરતીના સમયે તેઓ ભાવાવેશમાં આવીને ધડબડાટી બોલાવી દે છે. એક કાકી
એમની વરસો જૂની ગરબાની નોટ લઇ ને આવે છે અને ગરબા ગવડાવે છે. ઝીલનારનુ ધ્યાન
ઘણુંખરું ગરબામાં ઓછુ અને પૌત્ર-પૌત્રીના મનોરંજનમાં વધારે હોય છે. ગરબા પહેલા અને
પછીનો સમય પોતાનાં પિયરમા કેવા સરસ ગરબા થાય છે એનાં ગાણાં ગાવામાં કે કેડનાં
દુખાવાની ચર્ચામાં જાય છે. આરતી કરવાનો પ્રસ્તાવ વારેઘડીએ રજૂ થાય છે, પણ નોટ લઇ
આવેલા કાકી એમ જલ્દીથી છાલ છોડતા નથી.