સંદેશ | રવિવારની સંસ્કાર પૂર્તિ | લોલમ Lol | તા. ૧૮-૦૯-૨૦૧૧ | અધીર અમદાવાદી |
અધીરલીક્સે આજે વધુ એક સનસનાટી ભર્યો ખુલાસો કર્યો હતો. ઓલ પાર્ટી સંસદીય
કમિટીએ પ્રધાનમંત્રીને તિહાર જેલમાં કેદીઓ અમાનવીય સંજોગોમાં જીવતા હોવાં અંગે
માનવતાનાં ધોરણે પણ તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં આ કમિટીએ
પ્રધાનમંત્રીને તિહાર જેલમાં સુધારા વધારા અંગે કેટલીક ભલામણો પણ કરી હતી. અમુક
કહેવાતાં સિધ્ધાંતવાદી સાંસદો અને સિવિલ સોસાયટીએ કમિટીની ભલામણનો ભારે વિરોધ
કર્યો છે. વિરોધ કરનારાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં રાજકારણીઓ સામે થઇ
રહેલી કાર્યવાહીને કારણે તિહાર જેલમાં સાંસદોની વધી રહી છે. અમુક સાંસદો કે જેઓ
પોતાની જાતને ભવિષ્યમાં તિહાર જેલમાં જોઈ રહ્યા છે તેમના ઇશારે આ ભલામણો થઇ રહી
છે. જો કે સાંસદોના પગાર અને ભથ્થા સિવાયના મોટાભાગના કિસ્સાઓમાં એકસુત્રતા ન
ધરાવતી ઓલ પાર્ટી કમિટીએ આ કિસ્સામાં ગજબની એકતા દર્શાવી હતી.
એક સંસદ સભ્યે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તિહાર જેલ અપગ્રેડેશન
પ્રોજેક્ટને ટોચના નેતાઓનું સમર્થન છે, અને વિવિધ પક્ષો દ્વારા આ અપગ્રેડેશન
પ્રોજેક્ટ માટે સલાહ સુચનો પણ આપવામાં પણ આવ્યાં છે. અમુક પાર્ટીઓએ તો આ
અપગ્રેડેશન પ્રોજેક્ટ માટે જરૂર પડે નાણાંકીય સહાય મેળવી આપવાની પણ વાત કરી હતી.
કોર્પોરેટ ગૃહોનું પીઠબળ ધરાવતાં એક પક્ષે તો તિહાર જેલને અતિ આધુનિક ફાઈવસ્ટાર
હોટલ કેટેગરીમાં ફેરવી નાખવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનાં ધોરણે કામ કરવા
એક કોર્પોરેટ એમઓયુ કરવા તૈયાર છે એવો ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ પત્ર પણ રજૂ
કર્યો હતો.
તિહાર જેલમાં જુદાં જુદાં ગ્રેડના કેદીઓ માટે ફોર બેડરૂમ, થ્રી બેડરૂમ અને ટુ
બેડરૂમ લકઝુરિયસ ફ્લેટ બનવાવામાં આવશે. દરેક કેટેગરીના સો એમ કુલ ત્રણસો ફ્લેટ
પ્રથમ તબક્કામાં તૈયાર કરવામાં આવશે. આમાં સો કરોડ સુધીનાં કૌભાંડ કરનારને ટુ
બેડરૂમ, એક હજાર કરોડ સુધીનાં માટે થ્રી બેડરૂમ અને એક હજાર કરોડથી ઉપરના
કૌભાંડકારીને ફોર બેડરૂમ ફ્લેટ એલોટ કરવા માટે જરૂરી બંધારણીય ફેરફારનો ઠરાવ
ચોમાસું સત્રમાં પસાર કરી દેવામાં આવશે. આવાં ટુ બેડરૂમ ફ્લેટમાં ફલોરીંગ વીટરીફાઈડ
ટાઈલ્સનું, થ્રી બેડરૂમ ફ્લેટમાં માર્બલનું અને ફોર બેડરૂમ ફ્લેટમાં ઇટાલિયન
માર્બલનું રહેશે. હાર્ડવેરની કોઈ પણ આઇટમ પીડબલ્યુડીનાં સ્પેસિફિકેશન મુજબની
રાખવામાં ન આવે એની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત જેલના કેદીઓએ બનાવેલું
બરછટ કે પછી મેડ ઈન ચાઈનાનું ફર્નિચર પણ નહિ ચલાવવામાં આવે. નળ અને સેનેટરી ફિકસચર્સ
મેડ ઈન જર્મની વાપરવામાં આવશે. ફ્લેટ સેન્ટ્રલી એર કન્ડીશન્ડ અને શિયાળા માટે
સેન્ટ્રલી હીટેડ પણ રહેશે. ગરમ ઠંડું બંને પ્રકારનું આરઓ પાણી બારેમાસ મળશે.
જેલમાં એટલે કે હવે ફ્લેટમાં, અતિ આધુનિક સેટેલાઇટ કોમ્યુનિકેશન, ડીશ ટીવી અને
થ્રી જી કનેક્શન આપવામાં આવશે. આ અંગેના ટેન્ડરો અને સ્પેસિફિકેશન તૈયાર કરવાની
જવાબદારી કમિટીના સ્પેશિયલ ઈન્વાઈટી મેમ્બર રાજાને સોંપવામાં આવી હતી જેની
સબકમિટીમાં કનીમોઝીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ફ્લેટ એલોટ થયેલ દરેકને અનલિમિટેડ
આઉટ ગોઈંગ કોલ્સની સુવિધા પણ આપવાની જોગવાઈ રહેશે. ફાઈનાન્સ મીનીસ્ટ્રીમાંથી આ
ખર્ચ માટેની જોગવાઈ કરવા માટેની સૈધાંતિક મંજૂરી ઊભા ઊભા આપવામાં આવી હતી.
ફ્લેટવાસીઓને પોતાનાં વતનથી કોઈ પણ જરૂરી વસ્તુ મેળવવામાં સવલત રહે તે માટે બે
ખાસ પ્રોજેક્ટ કરવામાં આવશે. એક, દિલ્હીમાં સાંસદ આવાસ વિસ્તારથી તિહાર જેલ સુધી
એક ડેડીકેટેડ એસયુવી કોરીડોર બનાવવામાં આવશે જેથી સાંસદોને ઘરનું ગરમ ખાવાનું મળી
રહે. એ જાણવું અત્રે જરૂરી છે કે દરેક ફ્લેટમાં રસોઈઆની સગવડ તો રહેશે જ, પરંતુ છેવટે
ઘરનું ખાવાનું તો ઘરનું ખાવાનું છે, અને એ દરેક સાંસદનો જન્મસિદ્ધ હક્ક છે. આ
ઉપરાંત પોતાનાં વતન કે મત વિસ્તારથી અથાણું, ચંપલ-બુટ, કે દાતણ મંગાવવા માટે
ચાર્ટર્ડ વિમાની સેવા પૂરી પાડવામાં આવશે. પણ તિહાર કેમ્પસમાં વિમાન ઉતારે તેવી
જોગવાઈ ન હોવાથી વિમાની મથકથી મેટ્રો રેલ્વેની એક લાઈન તિહાર જેલ તરફ વાળવામાં
આવશે. ખાસ કિસ્સામાં તિહાર કેમ્પસમાં નવનિર્મિત હેલિપેડનો ઉપયોગ પણ કરી શકાશે.
....એના માથામાં હથોડા વાગતા હોય એવું લાગ્યું. ત્યાં ધરતીકંપ આવ્યો હોય એવું
લાગ્યું. એ ઊંઘમાંથી જાગ્યો તો ખબર પડી કે એ તો સંસદમાં પાટલી પર ઊંઘી ગયો હતો,
અને એક સહયોગી તેને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો. અહા, શું આ સ્વપ્ન હતું ? કે
આવું સાચે જ થઇ શકે ?
દોસ્ત, આ દેશમાં કશું પણ થઇ શકે! ■
(ઓરીજીનલ લખાણ. સંદેશમાં છપાયેલ લખાણમાં થોડો ફેર હોઈ શકે છે.)
No comments:
Post a Comment