Tuesday, September 27, 2011

ફાસમફાસ

| મુંબઈ સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | ૨૫-૦૯-૨૦૧૧ | લાતની લાત ને વાતની વાત | અધીર અમદાવાદી |
દિલ્હીમાં અન્ના હઝારેનાં ઉપવાસ પછી હમણાં જ અમદાવાદમાં જતા ચોમાસે ફાસ્ટની સિઝન ઊઘડી હતી. નરેન્દ્રભાઈના સદભાવના ઉપવાસનાં પ્રતિભાવમાં કૉંગ્રેસ, માલધારીઓ અને અન્ય અસંતૃષ્ટો  અમદાવાદમાં ઉપવાસ કરવા ઊમટી પડ્યા હતાં. આ બધાં ઉપવાસીઓને સાચો કે ખોટો ટેકો આપવા બીજાં લાખો લોકો ઊમટી પડ્યા હતાં. જો કે આ ઉપવાસના સમાચારથી ઘણાં લોકોને અપચો થઈ ગયો હતો. તો ઉપવાસના અતિરેકથી અમુક લોકોએ તો ભય વ્યક્ત કર્યો છે કે કદાચ આમ જ લોકો ઉપવાસ પર ઊતરતા રહેશે તો દેશમાં અન્ન વધી પડશે અને પછી કદાચ એક્સ્પૉર્ટ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવો પડે એવું પણ બને. અને એવું ન પણ બને, કારણ કે ઉપવાસમાં હાજરી પુરાવવા અને ખાવા આવતાં દર્શનાર્થીઓ માટે રાતોરાત સાવર્જનિક રસોડા શરુ થતાં હોય છે એટલે બધું સરભર થઈ જાય છે.

ઉપવાસ માટે અંગ્રેજીમાં ફાસ્ટશબ્દ ઉપયોગ થાય છે. આજે ભારતીયોના શબ્દકોશમાંથી સ્લોશબ્દ બહાર નીકળી રહ્યો છે. બધાને બધું જ ફાસમફાસજોઈએ છે. બોસ કર્મચારીઓને કોઈ કામ સોંપે તો એ કામ એને ગઈકાલે થયેલું જોઈએ છે. એને ફૂડમાં ફાસ્ટ ફૂડ, રેલવેમાં તત્કાલ ટીકીટ મળે અને સફર કરવા ફાસ્ટ, એક્સપ્રેસ  અને સુપર ફાસ્ટ ટ્રેઇન જોઈએ છે. મેટ્રો અને મેગા સિટીની લાઇફ હવે ફાસ્ટ થઈ છે. કોર્ટમાં પણ ફાસ્ટ ટ્રૅક કોર્ટ હોય છે. અને ભલે ફાઈલો ગમે તેટલી ધીમી ગતિએ હાલતી હોય, પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રૅક કહેવાય છે. બાકી ભારતમાં ફાસ્ટનો મહિમા ભલે ગવાતો હોય, જ્યાં ઝડપ દેખાડવાની છે તેવી ઓલમ્પિકની રમતો, કાર રેસિંગ વિ.માં આપણે પૂરતા ઝડપી નથી સાબિત થયા!

સરકાર કેમ ફાસ્ટ ટ્રૅક પ્રોજેક્ટ જ કરે છે? એ વિષે ઘણી ચર્ચા ચાલે છે. એક મત એવો છે કે માર્કેટ અને મતદારોમાં એટલી બધી અનિશ્ચિતતા છે કે પાંચ વરસથી લાંબો પ્રોજેક્ટ કોઈ સરકાર હાથ પર લેતી નથી. અને માર્કેટ વિષે તો તો હજી પણ અનુમાન થઈ શકે છે, પણ મતદારો વિષે કોઈ અટકળ થઈ શકતી નથી. મંત્રીઓ ફાઈલોનો નિકાલ ફાસ્ટ કરે એટલે એ ફાઈલોનાં નિકાલ માટે એમને યોગ્ય વળતર પણ મળી રહે છે, અને એ પણ ફાસ્ટ. ઘણી વાર તો ઍડ્વાન્સમાં પણ મળે છે. પણ ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ, એમ સરકાર જો લાંબાગાળાની યોજના શરુ કરે તો યોજના પૂરી થાય ત્યારે રિબન કોક બીજું કાપી જાય છે! બદલાતી સરકારો વચ્ચે પાછો આ ઉંદર અને ભોરિંગનો વેશ વારાફરતી બદલાયા કરે છે. ગુજરાતની સરદાર સરોવર યોજનાથી એજ તો શીખવાનું છે!


ટ્રેઇનમાં પણ લોકો ફાસ્ટ ટ્રેઇન પસંદ કરે છે. મુંબઈથી અમદાવાદ નવી ફાસ્ટ ટ્રેઇન શરુ થાય એટલે સુરત અને વડોદરા એમ બેજ સ્ટેશને ઊભી રહે. આ ટ્રેઇનમાં સફર કરનાર ગર્વથી કહે કે સાત કલાકમાં અમદાવાદ ફેંકી દીધાં’. પણ પછી ધીરેધીરે આંદોલનો થાય, સ્થાનિક નેતાઓ રજૂઆત કરે એટલે છેવટે ટ્રેઇન વલસાડ, વાપી નવસારી, અંકલેશ્વર, આણંદ, નડિયાદ અને મહેમદાવાદ પણ ઊભી રહેતી થઈ જાય. આમાં ચેઈન પુલિંગથી ઊભી રહે એ તો ગણ્યું જ નથી! એટલે પછી બીજા વરસે રેલવે એક નવી સુપર ફાસ્ટ ટ્રેઇન કાઢે. અને ફરીથી એની એ રામાયણ શરુ થાય. જો કે ફાસ્ટ ટ્રેઇનમાં બેસી વહેલા નોકરીએ કે ઘેર પહોંચી કોઈ ધાડ મારી નથી લેતું. ભાઈ સુપર ફાસ્ટ ટ્રેઇનમાં બેસી વહેલા ઘેર પહોંચે તો આઈ ગ્યા પાછાંને હવે માથા પર ટીકટીકારો ચાલુ થઈ જશેજેવા વાગ્બાણથી સ્વાગત થાય એટલે વહેલા ઊઠી ભુલા પડ્યા જેવી લાગણી થઈ આવે. તોયે માણસ ફાસ્ટનો મોહ છોડી શકતો નથી.

આજકાલ ફાસ્ટ ફૂડ બધાંને ખૂબ પસંદ છે. ફાસ્ટ ફૂડ નામ પ્રમાણે ગુણ ધરાવે છે એટલે ઘણું ફાસ્ટ બને છે. દરેક વસ્તુનાં નામ પ્રમાણે ગુણ ન પણ હોય. ચૂલા હવે આઉટડેટેડ થઈ ગયાં છે ત્યારે પહેલાં કોલસા પર શેકાતી મકાઈ પણ આજકાલ પ્રેશર કૂકરમાં બફાય છે. હવે બે મીનીટમાં નૂડલ બને છે. ઢોકળાં બનાવવા પણ હવે પહેલાંની જેમ ચોવીસ કલાક પલાળવા નથી પડતાં. ઢોસા અને ઈડલીનું ખીરું અને કોપરાની ચટણી પણ તૈયાર મળે છે. વડાપાઉં અને બર્ગર ઉભા ઉભા મળે છે. જો કે ઉપરવાળાની આપણાં ઉપર એટલી મહેરબાની છે કે ઉતાવળે પકાવેલું અને ઉતાવળે ખાધેલું ફૂડ પચાવવાની પ્રક્રિયાનું પરિણામ હજુ પણ ચોવીસ કલાકે આવે છે નહિતર પાંચ મીનીટમાં પકાવેલું દસ મીનીટમાં ખવાય અને વીસ મીનીટમાં નિકાલ કરવાનો વારો આવે, તો સરકાર પબ્લિક ટોયલેટ બનાવવામાંથી ઉંચી જ ન આવે ને?

આ ફાસ્ટ યુગમાં કુદરત પણ વિજ્ઞાન સામે નમી રહી છે એવું લાગે છે. આજકાલ ઉતાવળે આંબા પાકે છે, અને પાછી આંબે કેરીઓ પણ આવે છે. પછી કાર્બાઈડ જેવા કેમિકલથી ઉતાવળે કેરીઓ પણ પાકે છે. પછી આવી કેરીઓ ખાઈને કેન્સર જેવા રોગો પણ ફટાફટ થાય છે. રોગ થાય એટલે જિંદગી પણ ફાસ્ટ ફૉર્વર્ડ પૂરી થાય છે. પણ દુનિયા ગમે તેટલી આગળ વધી હોય, બાળક પૃથ્વી પર આવતાં પુરા નવ મહિના માતાના પેટમાં રહે છે, એનો કોઈ ફાસ્ટ ફૉર્વર્ડ રસ્તો સાયન્સ નથી લાવ્યું.   

1 comment: