Wednesday, June 28, 2017

વિકાસ ક્યાંથી દેખાય?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૮-૦૬-૨૦૧૭

મેં પાણી પી ને પાઉચ નીચે ફેંક્યું. તમે પણ ફેંક્યું. પેલાએ પણ ફેંક્યું. કીટલી પર કામ કરતા ટેણીએ સાવરણો મારી કચરો ભેગો કર્યો. વાળવાવાળાએ એવી ચાર પાંચ ઢગલીઓ ભેગી કરી અને એ કચરા સાથે કોથળીઓ ડબ્બામાં ગઈ. મુન્સીટાપલીની કચરા ગાડી એ ડબ્બો ઠાલવી ગઈ. એ કચરો ફરતો ફરતો કચરાના પહાડ પર પહોંચ્યો. ત્યાંથી એને વીણીને કોઈ રેગ-પીકર લઇ ગયું. ફરી એમાંથી પ્લાસ્ટિકનું ગેરકાયદેસર ઝભલું બની. ફરી એ આવી જ રીતે ફરતી ફરતી કચરાના પહાડ પર પહોંચી. એક કામ એકના બદલે દસ વખત કરવું પડે તો નવું ક્યાંથી થાય?

આ મિલેનિયમ વિકાસનું મિલેનિયમ છે. વિકાસને હવે સ્થૂળ વ્યાખ્યામાં બાંધી શકાય એમ નથી. સર્વગ્રાહી વિકાસનો કોઈ વિકલ્પ નથી. ખેડ, ખાતર અને પાણીથી વનસ્પતિ વૃદ્ધિ પામે છે. ભજીયા, દાલવડા અને પિત્ઝા ખાવાથી ફાંદનો અને દાઢી કરવાની આળસને કારણે દાઢીના વાળ વધે એને વિકાસ ન કહેવાય. ફેસબુક પર ભીંડાના આઈસ્ક્રીમની રેસીપી પણ સુંદર કન્યાઓના ફોટા સાથે પોસ્ટ કરવાથી લાઈક્સમાં વૃદ્ધિ, ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવાથી પ્રેમસંબંધમાં પ્રગતિ અને નેતા બનવાથી બેંક બેલેન્સમાં વધારો થાય છે. પણ માનસિકતા ન બદલાય ત્યાં સુધી સર્વગ્રાહી વિકાસ શક્ય નથી. અમારા એક સંબંધીનો દાખલો જુઓ. 
Source: TOI

અમારા એક સંબંધી કહે “અમારે ત્યાં ખિસકોલી ટીવી ચેનલના વાયર કાપી ખાય છે કોઈ ઉપાય બતાવોને!” અમે કહ્યું “ખિસકોલીને રોટલી-બોટલી નાખવાનું રાખો. બિચારા નાનકડા જીવને કેબલના વાયરો કાપીને પેટ ભરવું પડે છે. સોસાયટીવાળા ન માને તો ફાળો કરજો પણ ખીસકોલાં ભૂખે ન મરે એટલું જોજો”. એક જમાનો હતો જયારે ગાય, કૂતરા, કાગડા અને માગણને ઘરમાં જે બન્યું હોય એ ખાવા મળતું. આજકાલ ઘરમાં જમવામાં મેગી નૂડલ્સ જ બનતી હોય ત્યાં ગાયને કોથળીઓ ખાવાનો વારો આવે એમાં નવાઈ નથી. આંગણામાં આવતા ચકલાંનું પેટ ભરાઈ જાય એટલા ભાતના દાણા એઠવાડમાં જતા જોઇને જેના પેટનું પાણી ન હાલતું હોય એ સરકારને ટેક્સ શું આપવાના હતા? આ માનસિકતા સાથે ક્યાંથી વિકાસ થાય?

રંગરોગાનથી શોભતા બિલ્ડીંગ, સ્વચ્છ રસ્તા, વિખ્યાત શિક્ષણ સંસ્થાઓ અને વાહનવ્યવહારની શિસ્ત એ શહેરના વિકાસના માપદંડ છે. કમનસીબે પાન-માવાની પિચકારી મારવામાં અને અકલ્પ્ય જગ્યાએ મૂતરી આવવામાં આપણા સાહસિકો પાછા પડે એમ નથી. એમને છૂટ આપો તો ૨૪ કલાકમાં આખા તાજમહેલને પાનની પીચકારીથી લાલ કિલ્લો બનાવી દે એવું એક કવિએ કહ્યું છે. પણ નવી રંગાયેલી દીવાલો પર થૂંકી નાખો તો વિકાસ ક્યાંથી દેખાય? ફાવે ત્યાં મુતરી નાખો તો વિકાસ ક્યાંથી દેખાય? યુનીવર્સીટી અને કોલેજોની દીવાલો પર એબીવીપી અને એનએસયુઆઈના લીડરના નામો ગંદા ભૂરા અક્ષરે ચીતરવાથી ભણતરનું સ્તર શું ઊંચું આવશે? ગટરો પ્લાસ્ટિકની કોથળી અને પાણીના પાઉચથી ઠસોઠસ ભરાય તો વરસાદી પાણી ક્યાં જાય? અરે સિગ્નલ પર ઉભા રહેવામાં જાણે કીડીઓ કારમાં ઘૂસીને ચટકા ભરતી હોય એમ ભાગે છે, ઘરડા કે ગર્ભવતી સ્ત્રી રસ્તો ક્રોસ કરતી હોય તો થોભવા જેટલો વિવેક કે ધીરજ છે નહિ, આવી ઉતાવળથી આંબા પાકે? ૨૦૦૨નું કેલેન્ડર રાખો તો એમાં ૨૦૨૫ની પ્રગતિ ક્યાંથી દેખાય? નફરતના ચશ્માં પહેરીને વિકાસ ક્યાંથી દેખાય?

આજકાલની ફિલ્મોમાં હીરો લોગને જોઇને પણ નિરાશા થાય છે. જાણે કોઈને વિકાસની ભૂખ જ નથી! એક જમાનો હતો જયારે યુવાનો ઉપર વિકાસની ધૂન સવાર હતી. યુવાન દિલીપકુમાર ‘સાથી હાથ બઢાના ...’ ગીતનો ઉપાડ કરે કે તરત ૨૦-૨૫ યુવાનો એક લાઈનમાં ગોઠવાઈને પાસીંગ-ધ-તગારાની ગેમ ચાલુ કરતા. જેની ઉપર કેમેરા આવે એ તરત ત્રિકમ-કોદાળી લઈને ખોદવા મચી પડતું. એક જણનું કામ હોય ત્યાં પંદર જણા એક લાઈનમાં લાગી પડતા. હેન્ડસમ સુનીલ દત્ત ‘નયે દોર મેં લિખેંગે મિલકર નયી કહાની...’ ગાતા ગાતા આખા ભારતના ઔદ્યોગિક સંસ્થાનો, ઐતિહાસિક ઈમારતો અને ધર્મસ્થળોએ ફરી વળતા! મનોજ કુમાર તો ખભે હળ ઉપાડીને યુવાનોને કઠોર પરિશ્રમનો સંદેશ આપતા. જયારે આજે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે લઇ દઈને એક રંછોડદાસ ચાંચડ છે અને બીજી મેરીકોમ તથા મહાવીર ફોગાટની દીકરીઓ છે જેને આગળ વધવાની હોંશ હતી. બાકી પ્રેરણા લેવી હોય તો હાજર સ્ટોકમાં ચુલબુલ પાંડે, રઈસો અને મુન્નાભાઈઓ જ છે!

સંત જ્ઞાનેશ્વર ગોળ ન ખાવાની સલાહ આપતા પહેલા પોતે ગોળ ખાવાનું બંધ કર્યો હતો. પણ અહીં તો ઊંધું થાય છે. રેઈનકોટ પહેરીને ફરનાર ભીંજાવા પર કવિતા લખે છે. ભાઈ, બુલેટપ્રૂફ જેકેટ પહેરીને કંઈ દરિયા તરવા ન જવાય. મોબાઈલ વાપરતા આવડતું ન હોય એણે સ્માર્ટસીટીની ચર્ચામાં ન પડાય. માળિયામાં કે ધાબે ભંગાર ભરનારે મુનસીટાપલીએ કચરો કેમ ઉપાડવો એ સલાહ આપવાની જરૂર નથી. અને કૂકરની ત્રણ સીટી વાગી કે ચાર એ અંગે જે દ્વિધા અનુભવતું હોય એવા સરકારે કઈ રીતે નિર્ણયો લેવા જોઈએ એની સલાહો આપતા ફરે ત્યારે સાલું લાગી જ આવે ને?

અમુક કક્ષાના ધ્યેય સિદ્ધ કરવા માટે જે કરવું પડે એ કરવું પડે, એમાં બાંધછોડ પણ ન ચાલે. સાલું રબ્બરના સ્લીપર પહેરીને ઓલમ્પિક દોડવા જાવ તો મેડલ ક્યાંથી મળે? મોરપીંછની રજાઈ ઓઢીને શ્યામ ભલે સૂતા હોય, પણ વિકાસ માટે તો વિવેકાનંદજીએ કહ્યું છે એમ ઉઠો જાગો અને ધ્યેય-પ્રાપ્તિ માટે મંડી પડવાનું જ હોય. જે કશુક મેળવવા ઈચ્છતા હોય એ પછી બ્રશ કરવા પણ રોકાતા નથી. વિકાસના સ્વપ્ન જોવા હોય તો ભાઈ ઊંઘાય જ નહીં! બાકી કુંભકર્ણના ભાઈ તો યુદ્ધમાં હારવાના જ! લખી રાખજો.

મસ્કા ફન

આ વરસાદ,
ભૂમિપૂજન કરીને જતો રહે છે
ને આપણે
ક્યારે ખાડા ખોદાય એની રાહ જોતાં
બેસી રહીએ છીએ !

Wednesday, June 21, 2017

જીમ જવા કરતાં યોગા સારું !


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૧-૦૬-૨૦૧૭

આજે ૨૧ જુન વર્લ્ડ યોગા ડે છે. રામનું અંગ્રેજી રામા, શિવનું શિવા, કૃષ્ણનું ક્રિશ્ના, શ્લોકનું શ્લોકા અને યોગનું આ લોકોએ યોગા કરી નાખ્યું છે. જેમ જેમ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી શબ્દો અંગ્રેજીમાં સ્વીકારાતા જશે તેમ તેમ આવા નામફેર થતા રહેશે. અંગ્રેજોની વિદાયના સાત દાયકા જેટલા સમય પછી પણ આપણા શહેર અને ગામોના નામની એમણે જે પત્તર ફાડી હતી તે સાંધવાની કોશિશ ચાલુ છે. એટલી ગનીમત છે કે ભજીયા, ગોટા, ગાંઠિયા અને ઢોકળા પહેલેથી આકારાન્ત છે. વધુમાં વધુ કદાચ ઢોકળાનું ડોકલા થાય, પરંતુ ઢોકળા આમેય ઓવરરેટેડ હોવાથી એ અપભ્રંશ થવાને લાયક છે!

જીમ જવા કરતા યોગા સારું એવું અમારું માનવું છે. આવું અમે અનુભવ કે અભ્યાસને આધારે નથી કહેતા. જીમનો કન્સેપ્ટ જ અમદાવાદીઓને માફક આવે એવો નથી. સાલુ રૂપિયા આપણે ભરવાના અને પરસેવો પણ આપણે પાડવાનો? અમને અમદાવાદીઓને તો કોક ઉઠક-બેઠક કરે અને આપણને રૂપિયા મળે એવા કામમાં વધુ રસ પડે. આમાં પાછું રૂપિયા ભર્યાના એક અઠવાડિયા પછી તમે કુદરતી કારણોસર જીમ જતા બંધ થઈ જાવ ત્યારે પોતાની જાતને, ઓફીસ કલીગ્સ, પડોશીઓ અને સોશિયલ મીડિયાને જવાબ આપવો પડે છે કે કેમ બંધ કર્યું. આ બાજુ ઘરે પણ જીમમાં ભરેલા પૈસા બાતલ ન જાય એ ખાતર જે બે-પાંચ ભજીયા-દાળવડા કે ઢોકળા પર મળતું હોય એ તેલ પણ બંધ થઇ ગયું હોય! આવું હોય ત્યાં સિક્સ પેક તો બાજુ પર રહ્યું પણ પોણો કે એક પેક બને એ પહેલા પેકઅપ થઈ જાય તેમાં કોઈ નવાઈ નથી. એવું લાગે છે કે આપણા ભાવેશો અને કિંજલોના જીન્સમાં ફેટનેસ છે પણ ફીટનેસ નથી.

યોગ ટીવીમાં જોઇને પણ થઈ શકે છે. જોકે, ધાર્મિક ચેનલો પર યોગાસન શીખવાડતા ગુરુઓને જોઇને એવું લાગે કે યોગ માટે દાઢી-જટા ફરજીયાત હશે. પણ એવું નથી. દાઢી વધારવાથી તમે વાંકા પાડીને અંગૂઠા પકડી શકશો એમ માનતા હોવ તો તમે ‘સુગર ફ્રી સ્વિટનર’ ખાવ છો. (વજન ઘટાડવું હોય તો ખાંડ ન ખવાય). દાઢી-જટા ઓપ્શનલ છે. જો પગના અંગુઠા ન પકડી શકાતા હોય તો વધુમાં વધુ લાંબી દાઢીથી પગને ગલીપચી કરી શકાય. બસ. બીજું, યોગ માટે ટ્રેડમિલ, સાઈકલ, બેન્ચ જેવું કંઈ વસાવવું પડતું નથી. જીમમાં સાધનો વાપરવા માટે તમારે ફી તો ભરવી પડશે ઉપરાંત દેખાદેખીમાં કે રોલો મારવા માટે પણ જિમવેરઅને જીમકીટ ખરીદવી પડશે. જયારે ગૃહયોગમાં (જેમ ગૃહઉદ્યોગ હોય એમ ગૃહયોગ ન હોય?) તમારે તમારા આ સાહસના ફોટા ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટા પર અપલોડ કરવાના ન હોય તો તમે ટુવાલ પહેરીને યોગ કરો તો પણ અમને વાંધો નથી. વાંધો ફક્ત તમારા ઘરમાં રહેતા બીજા લોકોને હોઈ શકે છે માટે ટુવાલ ફીટ બાંધવો. બને તો શીર્ષાસન અને પવનવિમુક્તાસન પણ એવોઈડ કરવું. 
 
યોગનું રીમીક્સ યોગા થયું પછી એમાં ઘણા બધા ખતરનાક અખતરા થયા છે. છોકરાં ફટાકડા ફોડી ફોડીને કંટાળે પછી રોકેટના ખોખામાં ટેટા, તારામંડળ કે કોઠીનો દારુ કાઢીને ઉંબાડિયા કરે બરોબર એમ જ ભુરીયાઓએ આપણા યોગની પત્તર ઠોકી છે. અમુક ચંબૂઓએ યોગા સામે ‘ડોગા’ વિકસાવ્યું છે જેમાં કૂતરા સાથે યોગ કરવાનો હોય છે! એમાં આપણા જ કોઈ ઓઘડ ગુરુએ ક્રેઝી ભુરીયાઓને ‘ભસ’ત્રિકા પ્રાણાયામનો ભળતો અર્થ સમજાવી દીધો હોય એવું વધુ લાગે છે. બીજો એક પ્રકાર એરિયલ યોગાનો છે જેમાં લટકીને યોગ કરવાનો હોય છે. અલા ભ’ઈ, લટકવાનું તો આપણા પૂર્વજો કરતા જ હતા ને! અને એમ લબડવાને જ જો ‘યોગ’ કહેતા હોય તો અમારા જવાનીયા મહાયોગી છે!

યોગા શબ્દ બે અક્ષરનો બનેલો છે. યો અને ગા. યો શબ્દ અમેરિકાના ફિલાડેલ્ફીઆથી જે ઉદ્ભવેલો છે જેનો મતલબ થાય ‘તમે’. અને ‘ગા’નું ગુજરાતી તમને સમજાવવું પડે તેમ નથી. યોગા એટલે તમે જાતે ગાવ. ટૂંકમાં યોગમાં જાતે કરવાનું મહત્વ છે. પૂજા વિધિ આપણા વતી જેમ બ્રાહ્મણ કરે છે એમ યોગા કોઈને આઉટસોર્સ કરી શકાતો નથી. એમાં જાતે કરવાનું અને જાત સાથે રહેવાનું મહત્વ છે. હવે તમને એમ થશે કે ‘આપણે આખો દહાડો જાત સાથે જ હોઈએ છીએ ને?’ તંબુરો! જાતની સાથે એકલા તો આપણે નહાતી વખતે પણ નથી હોતા!

યોગીઓ કહી ગયા છે કે મન મર્કટ છે અને योगश्चित्त वृत्ति निरोध: સૂત્ર અનુસાર યોગ દ્વારા મનના વિચારો પર કાબૂ કરી શકાય છે. ધ્યાન પણ યોગનું જ એક અંગ છે. ધ્યાન દ્વારા વિચારશૂન્ય અવસ્થા મેળવી શકાય છે. પ્રાણીઓ વિચારી શકતા નથી. ઉંચી ડાળ પર બેઠેલું વાંદરુ કે ખૂણા બાજુ માથું રાખીને ઉભેલું ગધેડું વિચારશૂન્ય અવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ જ રીતે જે લોકો પ્રાણીઓની જેમ માત્ર આહાર, નિંદ્રા અને મૈથુનનું સેવન કરીને જીવન વિતાવે છે એ પણ વિચારશૂન્ય ગણાય. આમ આપણો અડધો દેશ ધ્યાનસ્થ છે એમ ગણી શકાય. બાકી નિયમિત રીતે યોગ કરવા માટે મક્કમ મનોબળ જોઈએ જે માત્ર યોગથી મેળવી શકાય છે. આ માઈક્રોસોફ્ટ એક્સેલની ફોર્મ્યુલામાં થતા સર્ક્યુલર રેફરન્સ જેવું છે. માટે તમારી પાસે જો મક્કમ મનોબળ હોય તો મંડી પડો! એટલે તો ઝફરની જેમ અમે કહીએ છીએ, કે

વર્લ્ડ યોગા ડે હૈ, આસન આજ તો કર લે,
રસ્મ-એ-દુનિયા ભી હૈ, મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ !

મસ્કા ફન
ચામાચિડિયા છત પરથી લટકે તેને શીર્ષાસન ન કહેવાય, એના માટે માથું જમીન સાથે અડવું જોઈએ.

Wednesday, June 14, 2017

હાઈકુ એ કવિતાનું મીની-સ્કર્ટ છે

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૪-૦૬-૨૦૧૭

દિલ્હી યુનીવર્સીટીના બીકોમ ઓનર્સના પુસ્તકમાં લખ્યું છે કે ‘ઈમેઈલ સ્કર્ટ જેવા હોવા જોઈએ; ટૂંકા કે જેથી રસપ્રદ બને અને પૂરતા લાંબા હોવા જોઈએ જેથી અગત્યના મુદ્દા આવરી લે’. આમાં હોબાળો થઈ ગયો છે. પુસ્તકમાં ભૂલ છે. આવું ભૂલભરેલું લખી જ કઈ રીતે શકાય? મીની સ્કર્ટ સાયન્સમાં દર્શાવેલ કારણોસર પહેરવામાં આવે છે જેથી કરીને ત્વચાને સૂર્ય પ્રકાશ દ્વારા વિટામીન ડી મળી રહે. ભારતીય પુરુષો તો ચડ્ડા પહેરીને ફરી શકે છે એટલે એમને કોઈ સમસ્યા નથી. પરંતુ સ્ત્રીઓ આખી જિંદગી સાડી કે પંજાબી પહેરીને ફરતી હોઈ વિટામીનની ઉણપ સર્જાઇ શકે છે. આવું કંઈ જીવવિજ્ઞાનના પુસ્તકમાં નથી લખ્યું, અમે એવું માનીએ છીએ. આટલું સામાન્ય જ્ઞાન તો સૌમાં હોય. આ સામાન્ય જ્ઞાન માટે અમે કંઈ કોલર ઊંચા કરીને નહિ ફરીએ. જોકે પુરુષો ગમે તેટલા ટૂંકા ચડ્ડા પહેરીને ફરે એ ઈન્ટરેસ્ટીંગ બનતા નથી, કે એમને પુસ્તકમાં સ્થાન મળતું નથી.

જોકે ઉપર જણાવ્યા મુજબ ખોટું હોવા છતાં સ્કર્ટની સરખામણી અન્ય કશા સાથે કરવું નવું નવાઈનું નથી. સૌથી પહેલા વિન્સ્ટન ચર્ચિલે સ્કર્ટની સરખામણી સ્પીચ સાથે કરી હતી. એક પ્રોફેસર જ્યારે આવી ઉઠાંતરી કરે, એ પણ ચર્ચિલને ક્વોટ કર્યા વગર ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે લાગી આવે. અમે દિલ્હી યુનીવર્સીટીના વીસી નથી નહિ તો આવા પ્રોફેસરને ગડગડિયું પકડાવી દઈએ. પણ અમે ઘણું બધું નથી એટલે ઘણુબધું થતું નથી. ગીતામાં કહ્યું છે એમ જે થાય છે તે સારા માટે થાય છે.

કહે છે કે હદની પણ હદ હોવી જોઈએ. આવું કોણે કહ્યું છે એ તો અમને ખબર નથી પણ વાતમાં અસ્થમા એટલે કે દમ છે. ઈમેઈલના લખાણની લંબાઈની પણ એક ચોક્કસ મર્યાદા હોવી જોઈએ. બન્તાસિંહના પી.એચ.ડી. થીસીસની વાત ખબર જ હશે. બન્તાસિંહે પરાક્રમ સિંહ નામના રાજા પર સાડી ચારસો પાનાનો દળદાર શોધ નિબંધ બનાવ્યો. એના પહેલા પ્રકરણનું પહેલા પાનું ભરીને રાજાની યુદ્ધની તૈયારીનું વર્ણન હતું. એ પાનાના છેડે લખ્યું હતું ‘ ... પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપર બેઠા અને ઘોડાને દોડાવ્યો ... તબડક ... તબડક પછીના પાનાં ઉપર પણ તબડક ... તબડક ... પછીના પાને પણ તબડક ... તબડક ... એમ કરતાં કરતાં છેક છેલ્લા પાનાના છેડા સુધી તબડક ... તબડક ... ચાલ્યું અને છેલ્લે લખ્યું હતું કે ‘... અને પછી પરાક્રમ સિંહ ઘોડા ઉપરથી કૂદીને ઉતર્યા.’ આ કથા એટલા માટે કરી કે આજકાલ એવા લખાણ જોવા મળે છે કે જેમાં ઘોડા ઉપર બેઠા અને ઘોડા પરથી ઉતર્યા વચ્ચે માત્ર અને માત્ર તબડક ... તબડક ... જ હોય છે. આવા લોકોને છુટા ના મુકાય. 
 
વસ્ત્ર પરિધાનમાં પણ લાંબા ટૂંકાનો વિવેક હોવો જરૂરી છે. હમણાં પ્રિયંકા ચોપરાએ મોદી સાહેબની મુલાકાત લીધી એ સમયે પહેરેલા ટૂંકા ડ્રેસ પર સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલિંગ થયું. એ જ પ્રિયંકા ચોપરા પોતે જેમાંથી આખો તંબૂ તાણી શકાય એટલું કાપડ પાછળ ઢસડાતું હોય એવો ડ્રેસ તાણતી મેટ ગાલા ૨૦૧૭ની રેડ કાર્પેટ પર હાલી નીકળી હતી! ખરેખર ઊંધું હોવું જોઈતું હતું. ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગઝલો ટૂંકી અને કલાકારોના ઝભ્ભા લાંબા હોય છે. અમુકના ઝભ્ભા તો એટલા લાંબા હોય છે કે શો ન હોય ત્યારે એમના ધર્મપત્ની ગાઉન તરીકે પહેરતા હોય તો પણ નવાઈ નહિ! અમારી તો માગણી છે કે ગઝલો ખયાલ ગાયકી જેટલી લાંબી અને ઝભ્ભા ઠુમરી જેટલા ટૂંકા હોવા જોઈએ. પછી એ લોકો ગંજી પહેરીને ગાય તો પણ અમને વાંધો નથી. અમારે તો સંગીતથી કામ છે.

કવિતામાં લાઘવનું મહત્વ છે. મુક્તક અને હાઈકુ એ કવિતાનું મીની સ્કર્ટ છે તો અછાંદસ સ્વરૂપ
કવિતાનું ધોતિયું છે. ખંડકાવ્ય એ નવવારી સાડી છે. કવિઓ લાઘવની લાલસામાં ભાવકોને ધંધે લગાડી દેતા હોય છે. પણ હાઈકુ ટૂંકા હોઈ કવિ ધારે તો પણ ભાવકને ભેખડે ભરાવી શકતો નથી અને એટલે જ એ બહુ લોકપ્રિય છે. હાઈકુથી પણ ટૂંકી કવિતા હોઈ શકે છે! આર્મેનિયન અમેરિકન પોએટ લેખક અરામ સરોયનની કવિતામાં માત્ર અંગ્રેજી મૂળાક્ષર ‘m’ કે જેમાં ઉભી લીટીઓ ત્રણ નહિ પણ ચારહોય એવો ચાર ટાંગવાળો ‘એમ’( ) હોય એવી એકાક્ષરી કવિતાને દુનિયાની ટૂંકમાં ટૂંકી કવિતા માનવામાં આવે છે. અહીં કવિ શું કહેવા માંગે છે એમાં અમો ટાંગ મારવા નથી માગતા. એવી જ રીતે જમરૂખ જેવા કોઈએ રુક-મણિએ લખી હોય એવી ‘Eyeye’ અને ‘Lighght’ એ બે એક શબ્દની કવિતાઓ છે, જેમાં ‘Lighght’ને તો ૫૦૦ ડોલરનો આંખો ફાટીને પનીર થઈ જાય એવો પુરસ્કાર પણ મળ્યો હતો! એટલા પુરસ્કારમાં તો આપણા ફેસબુકના કવિઓ ખંડકાવ્ય ઘસી આપે.

તાજમહાલ વિષે પુસ્તકોના પુસ્તકો લખાયા છે પણ કવિવર ટાગોરે એના વિષે ટૂંકમાં કહ્યું હતું કે ‘નદી કિનારે ઉભેલો તાજ એ સમયના ગાલ પર અટકેલુ એકલ અશ્રુબિંદુ છે’. આમાં બધું આવી ગયું. જયારે અમુક કિસ્સાઓમાં લાંબુ લખવું જરૂરી હોય છે. જેમ કે રામાયણ જેવું મહાકાવ્ય ટૂંકમાં લખવું અશક્ય છે. ટૂંકનોંધમાં પણ ટૂંકમાં પતાવનારને પુરા માર્ક મળતા નથી. નાણામંત્રી વિસ્તારથી ન લખે તો કરચોરોને છૂટો દોર મળી જાય. ટૂંકમાં કહીએ તો કપડા અને લખાણમાં ટૂંકું કોને કહેવું અને લાંબુ કોને કહેવું એ સાપેક્ષ છે.

મસ્કા ફન

ઉત્સાહી એન્કર: તમે કારેલાનું શાક બનાવ્યું એમાં બીજું વેરીએશન શું કરી શકાય?

એક્સપર્ટ: તમે કારેલાના બદલે ટીંડોળા નાખશો તો ટીંડોળાનું શાક બનશે. પરવળ નાખશો તો પરવળનું શાક બનશે, તૂરિયા નાખશો તો ...

Wednesday, June 07, 2017

સાયકલ મારી સરરર જાય

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૭-૦૬-૨૦૧૭

અમદાવાદમાં રહેતા હોવ અને રસ્તે જતાં તમારી પાછળ કુતરું પડે તો? કંઈ વાંધો નહીં, તમે કારમાં બેઠા હોવ તો એ કંઈ નહીં કરી શકે. એક મિનીટ, પણ તમે બાઈક પર જતા હોવ તો? તો તમે સ્પીડમાં બાઈક ભગાવી મુકશો એમ જ ને? અને ધારોકે તમે સાયકલ પર જતા હોવ તો? તો પછી, કૂતરાની સામે થયા વગર કોઈ ઉપાય નથી દોસ્ત! અહીં કવિ એમ કહેવા માંગે છે કે સાયકલ તમને બહાદુર બનાવે છે! આ લખાય છે એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં કંપનીઓ, સંસ્થાઓ અને મોટા માથાઓ પર્યાવરણ બચાવવા માટે મોટીમોટી વાતો કરશે, પરંતુ સાયકલ ચલાવનાર આવી શાણી વાતો કર્યા વગર પેડલ માર્યે જાય છે.
Source: AB
 
આજે તમને રોડ ઉપર બે પ્રકારના લોકો સાયકલ પર જોવા મળશે – કઠોર પરિશ્રમ કરીને ઉંચે આવવા મથતા લોકો અને ઉંચે આવ્યા પછી (જખ મારીને) પરિશ્રમના રસ્તે વળેલા લોકો. આ બંને વચ્ચેની કક્ષામાં આવતા લોકો તમને એકટીવા અને સ્કૂટી પર ફરતા જોવા મળશે. ગુજરાતવાસીઓ જેમની ઉપર ગૌરવ લે છે એ ઉદ્યોગપતિઓ એક જમાનામાં સાયકલ ફેરવતા હતા એવા ઉદાહરણો આપણને આપવામાં આવે છે. પણ જેમ બધા ઝેર પીનારા શંકર નથી હોતા, એમ બધા સાયકલ ચલાવનારા ઉદ્યોગપતિ નથી બનતા કારણ કે ઉદ્યોગપતિ બનવા માટે સાયકલ ચલાવવા ઉપરાંત બીજું ઘણું બધુ કરવાનું હોય છે. પછી એ મથામણ વચ્ચે સાઈકલ ભુલાઈ જાય છે અને વર્ષો પછી એક દિવસ જયારે ડોક્ટર લીપીડ પ્રોફાઈલમાંના આંકડા બતાવીને ‘જીવનમાં કસરતનું મહત્વ’ વિષે લેકચર આપે ત્યારે ફરી સાયકલ યાદ આવે છે. એટલે જ હવે કરોડપતિઓ સાઈકલ પર ફરતા દેખાય છે, અલબત્ત ફેસબુક પર, અને તે પણ વહેલી સવારે કે રવિવારે! અહીં કરોડ એ એ એક જુમલો છે. તમે સાઈકલ હોવ એનાથી તમને કોઈ સરકારી લાભો મળી જવાના નથી. માટે ખોટી કીકો, સોરી ખોટા પેડલ મારશો નહિ.

સાઈકલ ચલાવવી એ વાહન ચલાવવામાં સૌથી મૂળભૂત આવડત છે. દરેક શીખી જાય છે. જોકે એવું જરૂરી નથી, અમારા કઝીન મુકેશભાઈ ગામથી જયારે પહેલી વખત અમદાવાદ આવ્યા ત્યારે ૨૧ વર્ષની ઉંમરે એમને સાયકલ આવડતી નહોતી, કદાચ ગામ નાનું એટલે સાયકલ વાપરવાની જરૂર નહીં પડતી હોય. પણ આખા અમદાવાદમાં એ બસમાં બેસી અથવા તો પગે ચાલીને જતા. એકવાર અમે એમને પૂછ્યું કે ‘ભાઈ, તમે સાઈકલ કેમ શીખી લેતા નથી?’ તો કહે કે ‘ઓમ તો ફાવ છ, પણ મારુ હારુ બેલેન્શ નહિ રેતુ’. અમને થયું કે સાઈકલમાં બેલેન્સ રાખવું જ તો મેઈન છે. જો બેલેન્સ રાખતા ન આવડતું હોય તો શું સ્ટેન્ડ પર ચઢાવતા કે ઘંટડી વગાડતા આવડતું હોય એને સાઈકલ ચલાવતા આવડે છે એવું કહી શકાય?

સાયકલ શીખતી વખતે પહેલા સાયકલ પરથી પડતા શીખવાનું હોય છે. એમ પડતા-આખડતા સાયકલ આવડી જાય છે. પણ સાયકલ શીખવાનો આ આખો ઘટનાક્રમ ઘણો રમુજકારક હોય છે. સાયકલ શીખતી વખતે કહેવામાં આવે છે કે સામેની તરફ નજર રાખીને પેડલ મારતા રહો; પણ શીખનાર ભાગ્યે જ એમ કરતા હોય છે. સામાન્ય રીતે ધક્કો મારી સવારને પૈડાભેર કરી શીખવાડનાર પછી કેરિયર છોડી દેતા હોય છે. ચલાવનારને જેવી ખબર પડે કે પેલાએ પાછળથી છોડી દીધું છે એ પછી ઝાડ, થાંભલા કે સૂતેલા કૂતરા બધું જ એને પોતાની તરફ આપોઆપ ખેંચવા માંડે છે. એ સમયે વિશ્વના તમામ દેશોમાં સ્થાનિક ભાષામાં ઊંચા અવાજે ‘એ એ એ એ એ એ એ એ ....’ બોલીને પછી ધબ્બ દઈને પડવાનો રીવાજ છે.

સાઈકલ એ સ્ટેટ્સ જ નહિ પાર્ટી સિમ્બોલ પણ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે અખિલેશ ભૈયા અને નેતાજી વચ્ચે થયેલા વિવાદમાં સાયકલ (ચૂંટણી ચિન્હ) કોની પાસે રહેશે એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પછી ઘીના ઠામમાં ઘી તો પડ્યું, પણ સાથે પંજો પણ પડ્યો અને એવો છપાકો બોલ્યો કે ઠામમાં દીવો કરવા જેટલું પણ ઘી ન વધ્યું! ગુજરાતમાં નેવુંના દાયકામાં પણ એક રાજકીય પક્ષને સાયકલનું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું હતું. એ વખતે એક ચૂંટણી સભામાં ભાષણ કરતી વખતે આપણા સાહેબે નજીકની ભીંત પર પ્રચાર માટે દોરેલા ચૂંટણી ચિન્હો બતાવીને કહેલું કે ‘જુઓ, સાયકલને ચેઈન નથી અને પંજાને ભાગ્ય રેખા નથી!’ જોકે, નેતાજીએ એમની સાયકલને ચેન તો નાખવી દીધી પણ એમની સાયકલ સ્ટેન્ડ પરથી ઉતરી જ નહિ. બાકી તમને હસ્તરેખા જોતા આવડતી હોય તો પંજાની ભાગ્યરેખા પરથી એનું ભવિષ્ય ચકાસી શકો છો.

ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે; એમ જ એક જમાનામાં મિથુનદા ગરીબોના અમિતાભ કહેવાતા અને ગોવિંદા ગરીબોનો મિથુન ચક્રવર્તી ગણાતો. એ જ અનુરૂપતા અહીં લાગૂ કરીએ તો સાયકલ એ ગરીબોની બે બંગડીવાળી ગાડી છે! જેમ અભિનય માટે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર (છે કોઈ બીજો?) અને અનેક અવરોધો વચ્ચે સખ્ત મહેનત કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવનાર મિથુનદા એક ઉદાહરણ છે, એમ જ સફરમાં આવતા આંધી-તોફાનોની પરવા કર્યા વગર પોતાના દમ પર આગળ વધવાની તમન્ના રાખનાર લોકો માટે સાયકલ એ આદર્શ ઉદાહરણ છે. ખાતરી કરવી હોય તો સામા પવને સાયકલ ચલાવી જોજો; તમારો દમ ન નીકળે જાય તો અમે સ્વીકારીશું કે અમારી વાતમાં અસ્થમા નથી.

મસ્કા ફન

મંઝીલ તરફ નજર રાખી પેડલ માર્યા કરો,
પછી ભલે સાઈકલ સ્ટેન્ડ પર હોય!