| મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૧૦-૨૦૧૩ | અધીર અમદાવાદી |
કદાચ દરેક હાસ્યલેખકે દિવાળીની સાફસૂફી પર
હાસ્યલેખ લખ્યા હશે. સામાન્ય રીતે પત્ની દ્વારા પરાણે સોંપવામાં આવતાં કાર્યોનું વિવરણ
હોય, એમાં પણ પાછું કરીને માળીયામાં ચઢવાનું આવે. વત્તા ઓછાં અંશે લેખકની કામ
પ્રત્યેની સુગ અને અણઆવડત વિષે લખાયું હોય. એટલે અમારી પણ પવિત્ર ફરજ છે કે અમે પણ
દિવાળીની સાફસૂફી પર એક લેખ લખીએ. લખીએ શું, આ લખી દીધો! ગભરાશો નહી, માળિયાની
સાફસફાઈ વિષે નથી લખ્યું કશું!
--
આપણે ત્યાં 'મન મૈલા ઔર તન
કો ધોયે...' એવું સંતો કહી ગયા છે. ઘણાં એવા હોય કે એન્જીન ડચકા ખાતુ હોય એ રીપેર ન કરાવે, પણ ગાડી
રોજ ઘસી ઘસીને ધોશે! આખો દિવસ કાચી-પાંત્રીસના માવા
દબાવે અને પાછો સવારે લીંબુ, નમક,
આદુ અને ઓક્સિજન હોય એવી ટુથપેસ્ટ લઈ પચ્ચા
રૂપિયાના બ્રશથી અડધો કલાક સુધી ઘસશે! વોટ આપતી વખતે આંખ મીંચીને બટન દબાવી આવશે
અને પછી પાંચ વર્ષ દેશની દુર્દશા માટે કકળાટ કરશે! જોકે અમને તો ‘તન મેલા ઓર ઘર કો
ધોએ’ એ નવી કહેવત પણ એટલી જ યથાર્થ લાગે છે. ઘર સાફ કરવા કરતાં પોતાની જાતની
સાફસફાઈની પણ એટલી જ જરૂરી છે. ઘરના બાવા-જાળા સાફ કરતાં પહેલાં વાળ કપાવવા એટલાં જ
જરૂરી છે. અમે ઇશાંત શર્મા વિષે વાત નથી કરતા. ચોખવટ પૂરી.
પુરુષો, અને એમાંય જે લોકોને માવા-ગુટખા ખાવાની ટેવ
છે તેવા પુરુષોના દાંત અતિશય પીળાં અને છારી બાઝેલા જોવા મળે છે. આપણા દેશના
ડેન્ટીસ્ટ તો બચારા ટુથપેસ્ટની જાહેરખબરમાં જ કમાતા હશે કદાચ. લોકો તો દાંત છુટા પડીને
હાથમાં ન આવે ત્યાં સુધી ડેન્ટીસ્ટને બતાવવામાં માનતા નથી. એટલું સારું છે કે
તમાકુ ખાય છે એટલે મ્હોંમાંથી આવતી દુર્ગંધ તમાકુની ગંધમાં દબાઈ જાય છે. પાછું
દુર્ગંધનું સાયન્સ એવું છે કે બદબૂદાર માણસને પોતાની બદબૂથી, જે મોઢામાંથી આવતી
હોય કે મોજામાંથી, ત્રાસ નથી થતો. આવા પુરુષોને પરણનાર અને પરણ્યા પછી પણ એમને
ડેન્ટીસ્ટ પાસે ન લઈ જનાર સ્ત્રીઓને એવોર્ડ આપી શકાય. આવા પુરુષોના (કે એમની
પત્નીઓના) લાભાર્થે દાંત સફાઈ કેમ્પ દર શરદ પૂનમે યોજાવા જોઈએ.
સૌરાષ્ટ્રમાં, એમાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
મારી નજર સામે અનેક વખત ભજવાયેલ આ દ્રશ્ય છે, જેમાં નાના સાહેબ કે મોટા સાહેબ
ડસ્ટબીન કે જેમાં સામાન્ય રીતે કાગળ નાખવાનો હોય તેમાં માવો કે પાન ખાઈને થૂંકે. હા,
વારેઘડીયે બહાર થૂંકદાની સુધી કોણ જાય? આવા લોકોને પકડીને દિવાળી ઉપર આવું ડસ્ટબીન
ફરજીયાત સાફ કરાવવું જોઈએ. એ પણ હાથથી. કોઈ પણ સાબુ વગર અને ઘસી ઘસીને. એ નવા જેવું
દેખાતું થાય પછી જ દિવાળીનો પગાર જમા થાય એવો નિયમ બનાવવો જોઈએ.
ગુજરાત બંધ અને ભારત બંધના એલાન અવારનવાર અપાય છે.
મોટે ભાગે એમાં મુદ્દો શક્તિ પ્રદર્શનનો હોય છે. પણ આ બંધમાં દીવાલો પબ્લિક
બિલ્ડીંગની ચિતરાઈ જતી હોય છે. અમદાવાદમાં હાલ ગુજરાત યુનિવર્સીટીની રંગરોગાન
થયેલી દીવાલો બંધના એલાનના કાળા
અક્ષરથી
ચિતરાયેલી જોઈ શકાય છે. એમાં સરસ મજાની રીનોવેટ થયેલી પોસ્ટ ઓફીસના બિલ્ડીંગ ઉપર પણ
ડોબાઓએ ચિતરામણ કર્યું છે. તો જે પક્ષે આવા બંધના એલાન આપ્યા હોય એનાં ચૂંટાયેલા
સભ્યોને આવી આવું ચિતરામણ સાફ કરવાનું કામ સોપાવું જોઈએ. આ અંગે સાફસફાઈ થઈ છે તે
દરમિયાનનો વિડીયો અને ફોટોગ્રાફ્સનું ડોક્યુમેન્ટેશન હાઈકોર્ટમાં જમા કરાવે તો જ
તે પક્ષ કોઈ પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે અન્યથા પક્ષનું રજીસ્ટ્રેશન કેન્સલ થાય તેવી
કાયદાકીય જોગવાઈ હોવી જરૂરી છે.
દિવાળીની સાફસફાઈ
પછી રંગરોગાન કરાવવાનો રીવાજ છે. એવો જ રીવાજ વાળ કપાવ્યા પછી ડાઈ કરવા-કરાવવાનો
છે. એમાં આછા વાળ ધરાવનારા જયારે ડાઈ કરે, અને એમાંય જાતે કરે ત્યારે ખોપડી (ટાલ
કહું તો લોકોને ખરાબ લાગે છે!) ઉપર કાળા ચિતરામણ થાય. આ ટાલની ઉપર ડાઈ કરનારે સાફ
સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટ આપવાની જરૂર જણાય છે. સામેવાળી પાર્ટી પણ દિવાળી પર
બ્યુટી પાર્લરને અવશ્ય તડાકો કરાવે છે. પણ ત્યાંથી રંગરોગાન કરીને નીકળે ત્યારે ઘણીઓ
કથકલીના કલાકાર જેવી દેખાતી હોય છે, માત્ર લીલા રંગનો અભાવ હોય મેકઅપમાં એટલો જ
ફેર! આ ડાઈ અને કથકલી એ બેઉ પ્રકારના રંગરેજો પાછાં જોડીમાં નીકળે! આવી બ્યુટી
ટ્રીટમેન્ટ પછી ટ્રીટમેન્ટ લેનારને પાછાં માણસ બનાવવા માટેના અલગ પાર્લર હોવા
જોઈએ.
દિવાળીમાં
કોમ્પ્યુટરની સાફસફાઈ જરૂરી છે. કોઈ સાવ ન વપરાતી પ્રોગ્રામ ફાઈલના ફોલ્ડરમાં સબ
ફોલ્ડર બનાવીને પેલા રસપ્રદ ફોટાં એક જમાનામાં દોસ્ત પાસેથી સીડી પર લાવીને મુકેલા
એ હવે ડીલીટ કરી કરી શકાય. એકની એક ફાઈલના દસ વર્ઝન સેવ કર્યાં હશે. શાંતિથી સમય
કાઢીને એ પણ ડીલીટ કરાય. હજારો ફોટોગ્રાફ હશે, એમાં સાવ નકામાં, દીવાલના,
ફલોરીંગના, ઝાડના, ફૂલના અને ક્યારેક ગલીના કૂતરાના પણ ફોટાં પાડયા હશે, એને પણ
ડીલીટ કરી શકાય. જૂની પ્રેમિકા કે પ્રેમીના ફોટાં સાચવી રાખ્યા હોય, તો એ તાત્કાલિક
ડીલીટ કરવા જરૂરી છે, એમાં દિવાળીની રાહ ન જોવાય. અત્યારની જનરેશન તો સ્વહસ્તાક્ષરમાં
કોઈને પ્રેમપત્ર લખતી નથી, પણ ૯૦ પહેલાં પરણેલાં હોય અને પ્રેમપત્રો સાચવી રાખ્યા
હોય તો સ્કેન કરીને આઈ-ક્લાઉડ કે વર્ચ્યુઅલ ડ્રાઈવ પર મૂકી દેવાય, પણ ઘરમાંથી
વિદાય કરી દેવા, કારણ કે ચાલીસ વરસના લગ્નજીવન પછી જુવાનીમાં કરેલા નિર્દોષ છબછબિયાં કોઈ એમ સહેલાઈથી માફ કરી દેશે,
એવું તમે માનતા હોવ તો એ માન્યતા ભૂલ ભરેલી છે.