Wednesday, October 29, 2014

હેપી ન્યુ યર : ફિલ્મમાં હસવું ન આવ્યું હોય તો આ રીવ્યુ છે ને !

હેપી ન્યુ યર ફિલ્મમાં આ બધું છે જે વાંચ્યા પછી તમે નક્કી કરજો કે જોવાય કે નહી;
---
ફાઈટસ્ : બોસ, ત્રણ ફાઈટ છે. એમાંથી બે આખે-આખી ચાર્લીએ કરી છે. તમારે બીજું શું જોઈએ? બે ફાઈટ માટે ભાઈએ એઈટ પેક બનાવ્યા એ ઘણી સરાહનીય વાત છે. પણ ફરાહનીય વાત એ છે કે આંટી જૂની ફિલ્મોની શોખીન છે એટલે ઊંચાઈ ઉપરની ફાઈટ અપેક્ષિત રીતે પૂરી થાય છે. કાદવમાં થતી ફાઈટમાં લપસી પડવાની કોમેડી ન રાખી ફારાહે સંયમનો જબરજસ્ત પરિચય કરાવ્યો છે!

ભાઈની ચડ્ડી જોવાનાં શોખીન લોકો હશે જ એટલે જ તો અવારનવાર બતાવતો ફરે છે !
ગીતો : ગીતો એટલાં ભંગાર છે કે ત્રણ કલાકની લાં.....બી ફિલ્મ દરમિયાન બહાર આંટો મારવા બહાના તરીકે ગીતો કામમાં આવે, પણ બે ગીતો બેક-ટુ-બેક આવે છે, એટલે એક ગીતનો સમય ગણીને ટાઈમપાસ કરીને પાછા અંદર આવી જાવ તો ભરાઈ પડો એ અલગ વાત છે. એક ગીતમાં દિપીકા આપણાં ભાઈને જ્યાં અડે ત્યાં આગ લાગે છે. ગીતમાં કિસનો સીન હોત તો મઝા આવત !
 
 

દિપીકા : એકઝટ એક કલાક પતે ત્યારે દીપુની એન્ટ્રી પડે છે. દીપુના શોખીન કલાક પછી જાય તો ચાલે! દીપુ દેસી બલુનનો રોલ કરે છે જે દયાથી ઈન્સ્પાયર હોય એવું લાગે છે. અપેક્ષા પ્રમાણે એ લો લેવલનો ચણીયો, અને હાઈ લેવલના બ્લાઉઝ પહેરી ૭૦% ચામડી એક્સપોઝ કરે છે. હવે એની ચામડી ગોરી છે અને દેખાડે છે તો તમને શું પ્રોબ્લેમ છે? હેં?

ડાન્સ : ફિલ્મમાં દિપીકા ડાન્સર છે અને આખું ગ્રુપ ફિલ્મના અંતમાં આવતી એક ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લે છે. અભિષેક સપેરા ડાન્સનો એક્સપર્ટ છે. બીજાં બધાં કયો ડાન્સ કરે છે એ જજીઝની કોમેન્ટ્સનો સીન કાપી નાખ્યો હોવાથી ખબર નથી પડતી. ટીમ ઇન્ડિયા કોમ્પીટીશન જીતે છે એ સમજી શકાય એવી વસ્તુ છે પણ બીજી બધી ટીમો કઈ રીતે ડોબી થઈ ગઈ એ હીરાની ચોરી કરતાં પણ મહાભયંકર સસ્પેન્સ છે.

ફિલ્મની લંબાઈ: આ વિષે બહુ કહેવાયું છે. બે કલાકની ફિલ્મ બનાવી ટીકીટ પચાસ રૂપિયા ઓછી રાખી હોત તો થિયેટરમાં એક અઠવાડિયામાં આટલા શો ઓછા ન કરવા પડત, કે સીટો આટલી ખાલી ન રહત! ખેર અમને તો સાજીદ-ફારાહ જૂની ફિલ્મ સ્ટાઈલને વળગી રહે એ ગમે છે. બીજો હાફ ફાસ્ટ છે.
 
સ્ટોરી : કહે છે કે ફારાહ દસ વર્ષથી આ સ્ક્રીપ્ટ પર કામ કરે છે. હજુ દસ વર્ષ કામ કર્યું હતો તો જરૂર સારી ફિલ્મ બની હોત એવું લાગે છે.

કોમેડી : પહેલાં કલાકમાં બધાં કેરેક્ટર મનોરંજનની ઘણી કોશિશ કરે છે પણ જો સાથે કોઈ ગલી કરવાવાળાને લીધા વગર ગયા હોવ તો તમને હસું ન આવે. સોનું સુદ બાર્બીને ભાભી સાંભળે છે. બાઈ બાઈ શું કોમેડી છે! બમન પણ વેડફાયો છે. હવે ગલી કરવાવાળી વાત પર તમે મારા લેખની સરખામણી ફિલ્મ સાથે કરશો એ અમને ખબર છે. ભાઈ અમારા લેખથી અમે ૫૦૦ કરોડ કમાવાના દાવા નથી કરતાં, કે નથી તમે રૂપિયા ખર્ચીને વાંચતા, માટે એ સહન કરી લેવાના, શું સમજ્યા?

સ્ટારકાસ્ટ : ફિલ્મમાં દિપીકા છે. બમન ઈરાની છે. અભિષેક છે. વિવાન છે. જેકી દાદા છે. સોનું સુદ છે. અને ગેસ્ટ અપિયરન્સમાં દિનો મોરિયો પણ છે. તોયે તમને એમ છે કે અમે જમરૂખ માટે ફિલ્મ જોવા ગયા હતાં? હા હા હા ! દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે જમરૂખને ચાહે છે અને બીજાં જે એને ધિક્કારે છે ! અમે કયા પ્રકારમાં આવીએ એ કહેવાની જરૂર છે ?

Sunday, October 26, 2014

ફટાકડા ફોડવા લાઈસન્સ પ્રથા અંગે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૨૬-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |


મા. પોલિસ કમિશનર શ્રી,
સવિનય જણાવવાનું કે અમો નીચે સહી કરનાર બકાભાઈ બકોરભાઈ બમ્બાવાળા ભારતીય તહેવારોથી ગળે સુધી આવી ગયા છીએ. આ અંગે પોલિસ યોગ્ય કાર્યવાહી કરે એ હેતુથી આ પત્ર લખી અમે જનતાને પડતી વિટંબણાઓથી તમોનેતમોને વાકેફ કરી રહ્યાં છીએ.

ગુજરાતી નવું વરસ બેસે અને અંગ્રેજી નવું વરસ શરુ થાય તે પહેલાં કેટલાય નંગ પતંગ ચગાવવાનું શરુ કરી દે છે. રામાયણ સિરીયલમાં રાક્ષસોને જેવી કિકિયારીઓ કરતાં અમે જોયા હતાં એવી કિકિયારીઓ એક પેચ કાપે એમાં આ છોકરાઓ કરે છે. કિકિયારીઓ અને સાંજે બોમ ફોડે એનાં અવાજથી કાનના પડદા હલી જાય છે. આ ઉપરાંત હાંજે ચાઈનીઝ ટુક્કલો ચઢાવે એમાં આગ લાગવાના બનાવો બને છે. આ ટુક્કલ ચગાવવા માટે લાઈસન્સ લેવું પડે એવો કાયદો લાવો તો મારા બેટા પોલિસ ટેશનના બે-ચાર ધક્કા ખાય તો ટુક્કલ ચડાવાની ખો ભૂલી જાય!

ઉત્તરાયણ જાય એટલે હોળી આવે છે. એમાં ધુળેટીના દિવસે પાન-માવો ખાવા અમાર જેવાને ઘરની બાર પણ નીકળાતું નથી. અમુક હરખપદુડા તો અમુક દાઝે બળેલાં ઘરમાં આવીને કલર કરી જાય છે. એમાં ગુલાલ જેવું કંઈ વાપરતા હોય તો ઠીક છે, પણ અમુક એવા પાકા કલર કરે છે કે અઠવાડિયા સુધી દાઢી કરતાં જાંબલી ફીણ વળે છે. એમાં જે પાણીનો બગાડ થાય છે એ રાષ્ટ્રીય બગાડ છે. એટલા પાણીમાંથી જે લોકો રોજ નથી નાતા એમને નવડાઈને સરકારના સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપી શકાય.

વચ્ચે જન્માષ્ટમી આવે. આ તહેવારમાં ઉપવાસ રાખવાની પ્રથા છે. પણ જેનાં ઘરમાં ફરાળી આઇટમ સારી ન બનતી હોય એ ઉપવાસ કઈ રીતે રાખે એ કોઈ વિચારતું નથી. આ ઉપરાંત આઠમે પત્ત્તા રમવાનો એક કુરિવાજ પડી ગયો છે. આ દિવસોમાં કોઈના ઘેર જઈએ તો હાથ પકડીને રમવા બેહાડી  દે છે. આ આઠમ અને એનો જુગાર ન હોત તો અમે પણ બંગડીવાળી ગાડીમાં ફરતાં હોત. ચોમાસું જાય એટલે નવરાત્રી આવે. માથાનો દુખાવો થાય એટલાં મોટે મોટેથી ગરબા ગાય. અરે ભાઈ માતાજીની ભક્તિ કરવામાં માઈકની શી જરૂર છે? એમાં પાછું હિન્દી ફિલ્મી ગીતો વાગે. ચાર બોટલ વોડકા. અમદાવાદમાં તમે હની સિંઘના પોગરામો બંધ કરાવો છો પણ આ ગરબામાં આ હની સિંઘના ગીતો વાગે છે એનું શું? 
  
સૌથી છેલ્લે દિવાળી આવે. એમાં મહિના દહાડા સુધી લોકો ફટાકડા ફોડે છે અને આપણી ખુરશી નીચે આઈને સાલાઓ બોમ ફોડે છે. લોકોને નોકરીની લાયમાં ફટાકડા ફોડવાનો ટાઈમ ન મળે અને છેલ્લે છેલ્લે ટાઈમ મળે ત્યારે બચારા અમારા જેવા ઊંઘતા હોય એ પથારીમાંથી ગબડી પડે એમ સુતળી બોમ ફોડાય? બચારા પશુ-પક્ષી પણ ફફડી ઉઠે છે. અનુભવથી કૂતરાઓ એટલું શીખ્યા છે કે કારની નીચે કોઈ ફટાકડા નથી ફોડતું, એમાં બારે મહિના કૂતરા ફફડીને કારની નીચે ઘુસતા થઇ ગયા છે.

આ વખતે સરકારે વિદેશી ફટાકડા ઉપર બેન મેલીને સારું કામ કર્યું છે. હું તો કહુ છું કે ફટાકડાની દુકાન કરવામાં જેમ ફાયરબ્રિગેડ અને પોલિસ પરમીશન જોઈએ છે એમ ફટાકડા ફોડવા માટે પણ લાઈસન્સ જોઈએ એવું કંઇક ગોઠવો. તેરસથી દિવાળી અને બેસતું વરસ બહુ બહુ તો ભાઈબીજ. એ પણ કેટલાં દેખાવો  કરે પછી પરમીશન આલવાની. અમેરિકામાં તો કહે છે કે અગાઉથી પરમીશન લેવી પડે. એ ટાઈમ આલે એ ટાઈમે મેદાનમાં જઈને ફોડવાના. એ પણ પોલીસવાળો આવે પછી ફોડવાનું શરુ કરાય. આપણે ત્યાં પોલીસનાં આવવાની રાહ જોઈએ તો દિવાળીની દેવદિવાળી આવી જાય. વચ્ચે એકાદ ઝાપટું પડે અને ટેટા હવાઈ જાય તો જાન છૂટે ભૈશાબ! આ દેવદિવાળી હું તો કહુ છું રદ જ કરાવી દો. અમેરિકામાં તો અમુક ફટાકડા ફોડાય. આપણી જેમ ઘરમાં રોકેટ ઘુસી જાય એવી નોબત જ ન આવવા દે એ લોકો. તમે લોકો અમેરિકા પાસેથી કંઇક શીખો, જરૂર હોય તો તમારી ટીકીટ માટે ફાળો હું ઉઘરાઈ આલું.

આપણે ત્યાં ફટાકડા ફોડવા લાઈસન્સ પ્રથા દાખલ કરો. રોકેટ તો સાયન્સના વિદ્યાર્થી અને એ પણ બારમું ફીઝીક્સમાં પચાસ માર્ક સાથે પાસ કર્યું હોય એ જ ફોડી શકે એવું હોવું જોઈએ. ચશ્માંવાળા હોય એ જ તારામંડળ અને કોઠી જેવા ઉડીને આંખમાં જાય એવા ફટાકડા ફોડી શકે. નાના છોકરાં તો એકલા ટીકડી પણ ફોડી ન શકે એવું કઇંક લાવો. હાળા ટેન્ટવાઓ આખો દાડો બંદુક લઈને દોડાદોડી કરીને માથું દુખાડી દે છે.

લાઈસન્સ આલવા માટે આરટીઓની જેમ ઓનલાઈન લેખિત પરીક્ષા લેવાવી જોઈએ. કોમ્પ્યુટર પરસ્તો. સુતળી બોમ વાટ ચાંપ્યા પછી કેટલા સમયમાં ફૂટશે? ક્યા ફટાકડાનાં ધડાકાનો કેટલા ડેસીબલ અવાજ છે? કોઠી ફૂટે તો કેટલાં ફૂટ ઉંચે સુધી એનાં ફૂલ ઉડે? બે ઈંચ વ્યાસની જમીન ચકરડી કેટલાં વિસ્તારમાં ફેલાતી ફેલાતી જઈ શકે? કેટલી મિનીટ ચાલે? સળગતું તારામંડળ ઝાડ પર ફેંકવાના જોખમો કયા? એક લવિંગીયાની સેરમાં કેટલાં લવિંગીયા આવે? પાર્ક કરેલા વાહનથી કેટલા મીટર દુર ફટાકડો ફોડી શકાય? બિલ્ડીંગથી ચાર મીટર દુર અને સમક્ષિતિજથી ૭૫ ડીગ્રી એન્ગલે ગોઠવેલ અગિયાર ઇંચની દાંડી ધરાવતું રોકેટ એપાર્ટમેન્ટનાં ચોથા માળની બાલ્કની કે બારીમાં ઘૂસે તેની સંભાવના કેટલી? આવા બધાં સવાલો પૂછી શકાય.  

લેખિત પરીક્ષા પાસ કરો એટલે પાકા લાઈસન્સ માટે પ્રેક્ટીકલ ટેસ્ટ આપવાની. એમાં જુદાજુદા ફટાકડા ફોડી બતાવવાના. બોમ ફોડવો હોય તો પેલી બોમ ડીસ્પોઝલ સ્કોડ પહેરે છે એવો ડ્રેસ પહેરીને બોમ ફોડવાના. તારામંડળ ફોડવા માટેની ટેસ્ટ પણ ગોગલ્સ પેરીને આલવી પડે એવું કંઇક કરો. ટેસ્ટ આપવા માટે પણ ફેકટરીમાં પહેરે એવા સેફટી શુઝ પહેરવાનું કમ્પલસરી કરો. પ્રેક્ટીકલમાં જે આજુબાજુ જોયા વગર ફટાકડો ફોડે એને ફેઈલ કરી દેવાનો એટલે અને બીજી દિવાળીએ કોમ્પ્યુટર પર ફટાકડા ફોડવાની બરોબર પ્રેક્ટીસ કરીને આવે!

ભલે સરકાર પરમીશન અને લાઈસન્સ રાજ ખતમ કરવાની વાતો કરતી, પણ આ પ્રજાને બાઈબાઈ ચાયણી ના કરાઇએ તો આપડી ખુરશી નીચે આઈને બોમ ફોડે એવી છે. અને આ પરમીશન આલવાનું પણ તમારા લાભમાં જ છે ને? શું સમજ્યા? તો અમારી આ અરજી પર ગંભીરતાપૂર્વક વિચાર કરીને કંઇક નવા જાહેરનામાં બહાર પાડો કે નવા કાયદા લાવો પછી.

લી. બકાભાઈના જયહિન્દ

Sunday, October 19, 2014

તમે કોણ છો ?



 

 કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૯-૧૦-૨૦૧૪

અમુક વ્યક્તિઓ પોતાની આસપાસના લોકોને આંજી નાખવા માટે સદાય પ્રયત્નશીલ હોય છે. આમાં આમ જનતાથી લઈને વેપારીઓ અને રાજકારણીઓ પણ આવી જાય. એમાં ઘણાં એવા હોય છે જે પોતે છે એ બતાવે છે, જયારે ઘણાં એવા છે જે પોતે નથી એ બતાવવાની કોશિશ કરે છે. દાતણ વેચતાં હોય ને કહે કે  ‘હું ટીમ્બર મર્ચન્ટ છું’, એવું કંઇક. પ્રજા બિચારી હંસ જેવો નીર-ક્ષીરનો વિવેક ધરાવતી નથી એટલે ચાલતું હોય છે. જ્ઞાનીઓ પણ આમાં પ્રજાનો વાંક નથી જોતા, કારણ કે ઘણાં લોકોને પોતે શું છે એ જ ખબર નથી હોતી તો બીજાને ઓળખવાની તો વાત જ ક્યાંથી કરાય?
લ્યો તો ચાલો પોતાની જાતને કઈ રીતે ઓળખવી એનાં થોડાં ઈન્ડીકેટર આપીએ.

જો તમને ૧૦૦ જણા ઓળખતા હોવ તો તમે સોશિયલ છો. જો તમને ૧૦૦૦ જણા ઓળખતા હોય તો તમે જ્ઞાતિના લીડર છો. તમને ૧૦,૦૦૦ જણા ઓળખતા હોય તો તમે સાધુ-સંત કે લોકલ પોલીટીશીયન છો. તમને એક લાખ લોકો ઓળખતા હોય તો તમે સ્થાનિક સ્કેમસ્ટર છો અથવા પોલીટીશીયન છો. તમને જો દસ લાખ લોકો ઓળખતાં હોય તો તમે નેશનલ સ્કેમસ્ટર અથવા પોલીટીશીયન અથવા બંને છો. જો તમને કરોડ લોકો ઓળખતાં હોય તો ભગવાન અમારું તમારાથી અને તમારા કાર્યોથી રક્ષણ કરે!

જો તમે શાહપુર સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ખરીદેલું પેન્ટ પહેરતાં હોવ તો તમે ઓફિસ બોય છો. જો તમે નરોડાની કોઈ ફેક્ટરીમાં બનેલા અને કોઈ હોટલના બેન્કવેટ હોલમાં આયોજિત સેલમાંથી સાડી ત્રણસો રૂપિયામાં ખરીદાયેલું જીન્સ પહેરતાં હોવ તો તમે પિત્ઝા ડીલીવરી બોય છો. જો તમે કંપનીએ આપેલું યુનિફોર્મનું નેવી બ્લ્યુ પેન્ટ પહેરતાં હોવ તો તમે ઓફિસ આસીસ્ટન્ટ છો. જો તમે કોટન કેઝ્યુઅલ પહેરતાં હોવ તો તમે કોર્પોરેટ એક્ઝીક્યુટીવ છો. જો તમે બ્રાન્ડેડ કોટન કપડાં પહેરતાં હોવ તો તમે કોર્પોરેટ મેનેજર છો. જો તમે લીનનનું ઓપન શર્ટ પહેરતાં હોવ તો તમે આર્કિટેક્ટ કે એનજીઓ ચલાવો છો. પણ જો તમે ખાદીના ચમચમાટ કપડાં પહેરતાં હોવ તો તમે સર્વસ્વ છો. તમે સર્વગુણ સંપન્ન છો. તમે ઉદ્ઘાટક છો. તમે મુખ્ય મહેમાન છો. તમે અન્યોના ભાષણોમાં આદર્શ છો.

તમારા ઘરની ગટર ઉભરાય અને તમે રીપેર કરાવો તો તમે પતિ છો. સોસાયટીની ગટર ઉભરાય અને તમે રીપેર કરાવો તો તમે સોસાયટીના સભ્યોની ગાળો ખાતાં સેક્રેટરી છો. તમારા એરિયાની જ ગટર ઉભરાય અને તમે અઠવાડિયા પછી રીપેર કરાવો તો તમે મુનસીટાપલીનાં ઈજનેર છો. પણ ગામ આખાની ગટર ઉભરાતી હોય, એ પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોય અને ગામના લોકો તમારી ઓફિસમાં આવી માટલા ફોડતાં હોવાં છતાં તમે ઉદ્ઘાટનો અને કલ્ચરલ કાર્યક્રમોમાં હાજરી આપવામાંથી ઊંચા ન આવતા હોવ તો તમે શહેરનાં મેયર છો!

જો તમારો મિત્ર તમારી પાસેથી હજાર રૂપિયા ઉધાર માંગે તો તમે પ્રાઈવેટમાં નોકરી કરો છો. તમારા સગાવહાલા તમારી પાસેથી પાંચ-દસ હજાર ઉધાર માંગે તો તમે કુટુંબના ભણેલ-ગણેલ અને સદ્ધર વ્યક્તિ છો. જો જ્ઞાતિવાળા આવીને તમારી પાસે પચીસ-પચાસ હજારનું ડોનેશન લઈ જાય તો તમે વેપારી છો અને તમારી જ્ઞાતિમાં શાખ છે. પણ રૂપિયા માટે આખા ગામના લોકો અને પોલિસ તમારી શોધખોળ કરતી હોય તો તમે કોઓપરેટીવ બેંક કે મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમનાં ફરાર ડાયરેક્ટર છો.

તમે બોલતા હોવ અને સામે બેઠેલા બધા જ લોકો અંદરો-અંદર વાતોમાં મશગુલ હોય તો તમે પ્રાયમરી ટીચર છો. તમે બોલતા હોવ અને સામે બેઠેલા એટેન્ડન્સ પૂરતું તમને યસ સરકહે તો તમે કોઈ ઓવરરેટેડ સેલ્ફ ફાઈનાન્સડ યુનીવર્સીટીના પ્રોફેસર છો. તમે બોલો છો અને તમારી બાજુમાં બેઠેલા બે લોકોને તમે ક્યારે પૂરું કરો છો એમાં જ રસ હોય તો તમે ગોર મહારાજ છો. અને તમે બોલવા ઈચ્છતા હોવ છતાં બોલવાની તક જ ન મળતી હોય તો તમે હસબંડ છો.

આ તો થોડી ટીપ થઇ, બાકી ‘હું કોણ છું’ જાણવા એટલે કે ‘સ્વ’ની ઓળખ મેળવવા માટે હિમાલયના શરણે જનારા મોટા ભાગના લોકો સત્ય જાણ્યા પછી પાછા આવ્યા હોય એવું સાંભળ્યું નથી. અહીં બેઠાબેઠા જે પોતાને ઓળખી ગયા છે એમને ખુદના સંતાનો પોતાના જેવા ન થઇ જાય એની ચિંતા હોય છે. ઝઘડા વખતે નશામાં ભાન ભૂલેલા નબીરાઓ પોતે કોણ છે એ જણાવવા તત્પર હોય છે, પણ એ જાણવામાં પોલીસ સિવાય કોઈને રસ હોતો નથી. જે લોકોને આ ફિલોસોફીમાં જરા પણ રસ નથી એમણે પણ સીમ-કાર્ડ, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, રેશન કાર્ડ કે વોટર્સ કાર્ડ લેવા માટે પોતે કોણ છે એ તો જણાવવું જ પડે છે. બાકી તો લૂગડાંની અંદર જેવા હોઈએ એવા બહાર ન દેખાઈ જઈએ એટલી તકેદારી રાખવી, બીજું શું !

મસ્કા ફન
ગરોળી એટલે ...
ભીંતને ઓટલે મૃદુતાનાં ભાવભીના પગલા !

નવા વરસમાં ધનપ્રાપ્તિના ઉપાયો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત |૧૯-૧૦-૨૦૧૪ | અધીર અમદાવાદી |

રૂપિયા કંઈ ઝાડ ઉપર નથી ઉગતા એવું આપણાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું. એમણે કંઈ નવું નહોતું કીધું. આપણા સૌના મા-બાપ વર્ષોથી આ વાત કહેતાં આવ્યા છે. ટ્રકોની પાછળ લખેલું તમે પણ વાંચ્યું હશે કે વક્ત સે પહેલે ઓર તકદીર સે જ્યાદા ન કભી કિસી કો મિલા હૈ ન કભી મિલેગા’. પણ આપણને ટ્રક ડ્રાઈવરથી માંડીને વડાપ્રધાનની વાતોને ડિસ્કાઉન્ટ કરી નાખવાની ટેવ છે. આપણને રૂપિયા ઝાડ પરથી તોડાય એટલી આસાનીથી જોઈએ છે. જોકે નાનપણમાં મમ્મી અમને બદામનાય ઝાડ પર ચઢવા નહોતી દેતી. જોઈએ તો બજારમાંથી ખરીદીને બદામ ખાવાની. ઝાડ પર ચઢવામાં રિસ્ક છે. રૂપિયા કમાવવા પણ રિસ્ક લેવું પડે છે.

ધીરુભાઈ પેટ્રોલ પંપ પર કામ કરતાં હતાં. બિલ ગેટ્સ કોલેજ ડ્રોપ આઉટ હતો. અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોએ પણ રીજેક્ટ કર્યા હતાં. બી.કોમ. જેવો અભ્યાસ અને એ પણ ગુજરાત યુનિવર્સીટીનો પણ જેમણે અધુરો મુક્યો હતો તેવા ગૌતમ અદાણી દેશના ટોચના સંપત્તિ ધરાવનારમાં સ્થાન પામ્યા છે. રજનીકાંત બસ કંડકટર હતાં. પણ રજનીકાંતના જમાઈ ધનુષ એ રજનીકાંતના જમાઈ છે. રજનીકાંત જેટલી મહેનત કરી આગળ આવવા કરતાં રજનીકાંતના જમાઈ થવું વધારે સારું. કેટલાય સફળ માણસોનો ઇતિહાસ તપાસીએ તો એમનું સફળતાનું રહસ્ય એમનાં સાસરામાંથી નીકળે. ભારતમાં તો ખાસ. રાજ કપૂરના ખાનદાનમાં હોવાથી આસાનીથી ફિલ્મ મળી જાય છે. ધીરુભાઈના મુકેશભાઈ ધંધો વિસ્તારવામાં સફળ રહ્યાં, પણ અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં ભણવા ગયા તો હતાં, પણ ત્યાંથી ડીગ્રી લીધાં વગર પાછાં આવ્યા. ખોટું વરસ બગડ્યું ને? આપણે ત્યાં ડીગ્રીનું મહત્વ મિડલ ક્લાસ માટે છે. હવે તો મુકેશભાઈના સંતાન પણ કંપનીમાં ડાયરેક્ટર છે. આપણા દેશમાં નેતાના ડ્રાઈવરો પણ કંપનીમાં ડાયરેક્ટર બની શકે છે, એટલી તક આપણો દેશ આપે છે !

રૂપિયા તો લોટરી કે જેકપોટથી પણ મળે. મટકા અને ક્રિકેટના બેટીંગમાં પણ જીતાય. જુગાર અને રેસમાં પણ રૂપિયા લગાડાય. પણ આ બધામાં નસીબ જોઈએ. નસીબ એ કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ સેલ કરતી વેબસાઈટ પર રોજ ડિસ્કાઉન્ટમાં મળતી આઇટમ નથી. નસીબ સિવાય રૂપિયા ગેરકાયદેસર રીતે પણ કમાઈ શકાય. હિન્દી પિકચરમાં વિલનના કરતૂતોમાંથી આ માટે ઘણી પ્રેરણા મળે. પાકીટમાર, લુંટ અને ધાડ, સોનાની દાણચોરી, ડ્રગ્સની હેરફેર, બેંકમાં લુંટ, પાર્ટીમાંથી મહામુલા નેકલેસ કે હીરાની ગીત પૂરું થાય ત્યાં સુધીમાં ઉઠાંતરી, કંપનીના રૂપિયા પોતાનાં ગણી વાપરવા, હિસાબોમાં ઘાલમેલ કરવી, કંપનીના માલિક પાસે જબરજસ્તી કાગળો પર સહી કરાવી લેવી જેવા અનેક રસ્તા ફિલ્મોમાં અને વાસ્તવમાં વપરાયા છે. જોકે દરેકમાં અંતે તો વિલન પહેલાં હીરોના હાથે માર અને અંતે પોલિસ દ્વારા આદરપૂર્વક હાથકડી પહેરવા પામે છે. આ ધંધા કર્યા જેવા નથી.

હમણાં એક ભાઈ પકડાયા. નરેન્દ્રભાઈનાં ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્રને સીરીયસલી લઈને નોટો છાપવાનું કામ ચાલુ કર્યું! પાકિસ્તાનમાં ભારતીય ચલણી નોટો છપાય એ એમનાથી જોયું નહોતું જાતું ! કલર ફોટોકોપી મશીન પર નોટો છાપવાનું ચાલુ કર્યું ! એ પણ ઝેરોક્સનાં કાગળ પર. પછી પકડાય જ ને? ભાઈ, નકલમાં પણ અક્કલ જોઈએ એવું કોઈ શિક્ષકે સ્કૂલમાં નહોતું સમજાવ્યું? પણ જ્યાં ડફોળો હોય ત્યાં પોલીસને જશ મળે જ ને?  

પણ કાયદેસર રૂપિયા કમાવવા હોય તો પુસ્તક લખો. એ પણ અંગ્રેજીમાં. સ્થાનિક ભાષામાં પબ્લીશર તમને કમાવા નહીં દે. જેવા આવડે તેવા અંગ્રેજીમાં. કોઈ અંગ્રેજી જાણનાર પાસે પછી પુસ્તક પ્રૂફ કરાવી દેવાનું. હવે એમ ના કહેતાં કે સ્ટોરી નથી મળતી. આ દેશની ૧૨૦ કરોડની જનતા રોજ કંઈ અવનવું કરે છે. અઠવાડિયું છાપું વાંચો તો આઠ-દસ પ્રકરણ લખાય એટલી પહેલેથી મસાલો નાખેલી સ્ટોરી મળી આવશે. નાનપણમાં ટપકા જોડીને ચિત્ર બનાવતા હતાં? કે મુદ્દા ઉપરથી વારતા પણ લખી હશે. બસ તો સ્ટોરી પૂરી કરો. સેલીબ્રીટી પાસે લોન્ચ કરાવો. નાની-મોટી ગીફ્ટના વાટકી-વ્યવહારમાં બુકનો સારો રીવ્યુ લખે એવા રીવ્યુઅર્સને ખાસ બોલાવવા. ઈન્ટરનેટ ઉપર તમે પોતે જ દસ પંદર જુદાજુદા નામથી રીવ્યુ લખો. ભાઈબંધ દોસ્તારોને કોપી ભેટ આપી એમની પાસે ફેસબુક અને ટ્વીટર ઉપર ચોપડીના ફોટાં સાથે પોસ્ટ કરાવો. યાદ રાખો નેટવર્કિંગ અગત્યનું છે, સ્ટોરી નહીં.

બીજો કરવા જેવો ધંધો અત્યારે જમીનનો છે. ફેક્ટરી નાખો, ચલાવો, પ્રોબ્લેમ્સ સોલ્વ કરો, માલ બનાવો, માલ વેચો, રૂપિયાની ઉઘરાણી કરો, દેવું ચૂકવો એ પછી તમને પ્રોફિટ મળે. આનાં કરતા જમીનનો ધંધો શું ખોટો? એક સોદામાં વરસ ફેક્ટરી ચલાવવાનું પુણ્ય મળી જાય. રૂપિયા સાત સાત કરોડ રૂપિયા તો લેન્ડ બ્રોકરો આજકાલ ખીસામાં નાખીને ફરે છે! રાજકોટમાં તો દરેક બીજો માણસ એવું કહે છે કે ‘હું જમીનનું કરું છું’. આમાં કોઈ ઓફિસની જરૂર નહી. એક સારો વકીલ જોઈએ. થોડાં રૂપિયા કે બાપદાદાએ તમારા પુણ્યકર્મોએ શહેરના સીમાડા ઉપર જમીન કે ખેતર લીધેલા હોય તો એ ચાલે. પછી ફેરવ્યા કરો. એમાં સરકારની ડીપી કે ટીપી બનતી હોય તો એનાં કન્સલ્ટન્ટ અને ટાઉન પ્લાનર સાથે ઉઠક બેઠક કરી તમારી જમીનની આજુબાજુમાં રસ્તા પડાવી શકાય. એમાં તો પછી ગોળ નાખો એટલું ગળ્યું થાય.

આ સિવાય પણ રસ્તો છે. તમે કોઈ રીતે અમુક અગત્યની પરીક્ષાઓ પાસ કરીને અધિકારી બની ગયા હોવ તો રૂપિયા આસાનીથી બનાવી શકો છો. પગાર ઉપરાંત પણ. કાયદેસર લાગે એવી રીતે. તમે પેઈન્ટીંગ પર હાથ અજમાવો. એક વિકેન્ડમાં ચાલીસ પચાસ એબ્સ્ટ્રેક્ટ પેઈન્ટીંગ્સ કરી નાખો. તમે જેવું દોરવા ધારો એવું ન દોરાય, તો એ આપોઆપ એબ્સ્ટ્રેક્ટ બની જશે. ધારોકે તમે ઘોડો દોરવા ચાહો પણ ચિત્ર બન્યા પછી ચાર પગ જેવું કશુક છે એટલું જ જોનાર સમજી શકે તો તમે એ એબ્સ્ટ્રેક્ટ દોર્યું છે એમ સમજો. પછી તો सर्वे गुणा: पदमाश्रयन्ते, તમે ઉચ્ચ આસન પર હોવ તો તમારાં કરેલાં પેઈન્ટીંગ્સ આપોઆપ ઉચ્ચતા પામશે. પછી એ પેઈન્ટીંગ્સનું એક્ઝીબીશન ગોઠવો અને કોઈ જાણીતાં સાહિત્યકાર પાસે એનું ઉદઘાટન કરાવો. તમને એવો ન મળે તો અમને કહેજો ગોઠવી આપીશું. પછી તમારા પેઈન્ટીંગ ઓફિશિયલી કોઈ બે-પાંચ લાખમાં ખરીદી શકશે. બદલામાં તમારે જે કામ નોકરીના ભાગ રૂપે કરવાના હતાં એ કરી આપવાનું. ફુદડીઓ મારી, કન્ડીશન્સ એપ્લાય લખીને સહી કરવાની. છે ને સાવ જોખમ વગરનું?

આમાંથી જે કરવું હોય એ કરજો. પણ ભૂલેચૂકે છાપામાં કોલમ લખવાનું કામ કદી ન કરતાં. એ રૂપિયા કમાવા માટે નથી ! હેપી દિવાળી ! 

Sunday, October 12, 2014

સપ્તપદીમાં સફાઈનાં શપથ

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૧૨-૧૦-૨૦૧૪



સોશિયલ મીડિયાનું વાતાવરણ એન્ટાર્ટીકા ખંડના વાતાવરણની જેમ પ્રતિપળ બદલાતું રહે છે. ક્યારે શું થાય એ નક્કી નહિ. થોડા સમય પહેલા પબ્લીકે ચીની પ્રમુખ જીનપિંગની અમદાવાદની મુલાકાત વોટ્સેપ, ટ્વિટર અને ફેસબુક પર હથોડા જોક્સ અને ફોટા ફોરવર્ડ કરીને ઉજવી કાઢી. એ પછી નમોની અમેરિકા મુલાકાતનો ઉભરો પણ આવી ગયો. હવે સ્વચ્છતા ઝુંબેશનો વારો કાઢ્યો છે. આ સોશિયલ મીડિયાની ખૂબી છે. એ નવરા લોકોને પણ નવરા પડવા દેતું નથી. પણ આમાં હાડીયાભાઈના હસવામાં જાડીયાભાઈઓનો વારો નીકળી જતો હોય છે.


અત્યારે હસબંડઝ માટેનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ છે. એમાં કહ્યું છે કે હસબંડ દ્વારા દિવાળી નિમિત્તે કરવામાં આવેલી સફાઈ સ્વચ્છતા અભિયાનમાં ગણતરીમાં લેવામાં નહિ આવે!’ કદાચ આગળ ઉપર રામલાઓ પાસે કરાવેલી સફાઈ પણ કેન્સલ ગણવાનો મેસેજ પણ આવી શકે છે. ખબર નહીં હસબન્ડોને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? દેખીતી રીતે આ મેસેજ કોઈ વખત ચુકેલા વાંઢા કે ડમ્પ કરેલા કુંવારા એ ફોરવર્ડ કર્યો હોય એવી શક્યતા વધુ છે. પણ એની દૂરગામી અસરો પડશે એ નક્કી છે.


આમ પણ સફાઈ સરકાર દ્વારા પ્રેરિત હોય કે પત્ની દ્વારા, બંનેમાં વોલન્ટરી રીતે કોઈ જોડાતું નથી. સાવ નવા લગ્ન હોય તો પણ. આમ છતાં  દિવાળીમાં ઘરની સફાઈ એ પતિ-પત્નીની અંગત બાબત છે. એમાં કોણે શું કરવું અને જે કર્યું એને કર્યું ગણવું કે નહિ એ એ બંને ને નક્કી કરવા દો ને! તમે શું કામ કડછો મારો છો? માળિયામાં ચઢવાને કોઈ ઈજ્જતનો પ્રશ્ન બનાવે કે પછી કોઈ એવરેસ્ટ પર ચઢવા બરાબર ગણાવે તો એ એમનો અંગત પ્રશ્ન છે, એમાં પણ આપણે શું કામ દખલ કરવી? આમેય તમને તો ખબર જ છે કે અમે પારકી પંચાતમાં પડતાં નથી! અમને તો આ આખી બાબતમાં વરનારાનું વરે અને બચુ ભઈ ભાર લઈને ફરેના ધોરણે અમથી અમથી કીકો મારતી થર્ડ પાર્ટીઓ સામે વાંધો છે 


બાકી અમારે તો અહી એટલું જ કહેવાનું છે કે હે હસબંડો, તમે કરેલી સફાઈ ગણતરીમાં લેવામાં આવે કે ન આવે પણ સફાઈ કરવાના કામમાંથી તમે છટકી શકો એમ નથી. આ શ્રમયજ્ઞ છે અને યજ્ઞકાર્યમાં પત્નીને સાથે રાખવાનું તમે વચન આપી ચુક્યા છો’. તકલીફ એ છે કે લગ્નવિધિ વખતે આ વચન સંસ્કૃતમાં આપવાનું હોય છે અને ગોર મહારાજ ‘Conditions Apply’ કહ્યા વગર જ અપાવી દેતા હોય છે. પણ જે લોકોને પરણવાનું બાકી છે એ જાણી લે કે દીકરીનો હાથ તમારા હાથમાં આપતા પહેલા તમારા ભાવી સસરા વચન માગશે કે धर्मे च अर्थे च कामे च एवं त्वया नाति चरित्वया (સંભળાયું એ લખ્યું છે). મતલબ કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થમાં મારી દીકરીને સાથે રાખવાની જવાબદારીમાંથી ચલિત તો નહિ થાવને?’ અને ગોર મહારાજ તમારી પાસે नातिचरामिબોલાવશે. એ બોલાવે અને તમે બોલ્યા તો તમારું પપલુ ફીટ! આમાંથી બચવું હોય તો ટર્મ્સ એન્ડ કન્ડીશન્સમાંથી વાસણ, કપડા અને કચરા-પોતા બાદ કરાવી લેજો. યાદ રાખો, તમે ગોર મહારાજના યજમાનના જમાઈ છો, ગ્રાહક નહિ એટલે કેસ કન્ઝ્યુમર કોર્ટમાં નહિ ફેમીલી કોર્ટમાં ચાલશે. પછી કહેતા નહિ કે કહ્યું નહોતું.


ખરું જુઓ તો બારસાખને અઢેલીને ત્રિભંગની મુદ્રામાં ઉભેલી પત્નીને માળિયામાંથી અનિમેષ નયને નીરખવી એ પણ એક લહાવો છે. માળિયામાંથી જડેલા એનાં જુનાં પર્સના અંદરના ખાનામાંથી તમારી હનીમુન ટુર વખતની ટ્રેઈનની ટીકીટ નીકળે કે હોટેલના નામ સાથેનાં ટીસ્યુ પેપર નીકળે ત્યારે બધું પડતું મુકીને એ દિવસો યાદ કરવાની પણ એક મજા છે. તમે માથે એનો જે એન્ટીક દુપટ્ટો બાંધીને સ્ટૂલ ઉપર ઉભા ઉભા જાળા પાડતા હોવ અને એમ કરવાથી ઉડેલી ધૂળને કારણે પેલીને છીકો આવે ને એ જ દુપટ્ટાથી પાછી એ નાક લૂછે ને એ પાછું તમને રોમેન્ટિક લાગે તો સમજવું કે તમે હજુ જીવો છો.


જોકે હવે તો પહેલાના જેવા એક્સ્ટ્રા લાર્જ સાઈઝના માળિયા પણ ક્યાં રહ્યા છે? કેડ સુધીનો ભાગ માંડ અંદર જાય તો ય ઘણું. આમ છતાં માળિયા પદ્ધતિ હજુ સાવ લુપ્ત થઈ નથી કારણ કે આપણી સંગ્રહાખોરીની પ્રથા પણ ગઈ નથી. સંઘર્યા સાપ કામમાં આવે એમ માનીને હોંશે હોંશે બધું માળીયે ચઢાવતી પ્રજા જયારે માળિયા સાફ કરવા ઉપર ચઢે છે ત્યારે એજ સંઘરેલા સાપ નાકમાં ઘૂસી છીંકો ખવડાવે છે! બાકી, પ્રથામાં તો એવું છે ગુજરાતી હાસ્યલેખકોએ દિવાળીની સફાઈ પર હાસ્ય લેખ લખવો એવી વણલખી પ્રથા રહી છે. અમે સ્વછતા અભિયાનનો મોકો જોઈને આ પ્રથામાં અમારું યોગદાન નોંધાવી દીધું. રખેને કોઈ એમ કહી જાય કે હાસ્યલેખક છો અને દિવાળીની સફાઈ પર લેખ નથી લખ્યો ? શેમ ફૂલ !



મસ્કા ફન
એક માણસ બાથરૂમમાં પેસીને દાઢી કરે છે
.
આમ પોતે નહાતો નથી
, અને નહાવા દેતો પણ નથી!