Tuesday, May 29, 2012

મૂડી રોકાણ વગરના ધંધા

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૭-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |

કેટલાક ધંધા કિસીકી ગાડી, કિસીકા બૈલ, બંદે કા ડચકારાઅથવા પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈના ધોરણે ચાલતા હોય છે. એમાં કોઈનો ખાટલો, કોઈનું ગોદડું અને કોઈની ચાદર લઈ આપણે ઊંઘ ખેંચી કાઢવાની હોય છે. અમુક માત્ર છેડા અડાડીઆપી પૈસા પાડતાં હોય છે. સરકારી કામ પાર પાડનાર વચેટિયાઅને લેનાર વેચનાર બંને પાસેથી કમિશન મળે એ દલાલીના ધંધામાં મૂડી રોકાણની જરૂર ઓછી પડે છે. આર.ટી.ઓ. અને કલેક્ટર ઑફિસમાં તમારે ધક્કા ન ખાવા પડે એ માટે એજન્ટનામના પ્રાણીઓ તમારી સેવામાં હાજર જ હોય છે. તમારા વતી પૂજા-પાઠ કરીને ઈશ્વરને રીઝવવાના કામ માટે ગોર મહારાજ અને તમારા મગજ પાસે કામ કઢાવવા માટે આધ્યાત્મિક ગુરુઓ મળી રહે છે. તારું છે, તવ ચરણેના ધોરણે ક્લાયન્ટનો ડેટા, ક્લાયન્ટના જ રીસોર્સીઝ અને ક્લાયન્ટના જ ખર્ચે રિપોર્ટ્સ તૈયાર કરીને ક્લાયન્ટને જ પધરાવી રૂપિયા લેનાર કન્સલ્ટન્સી પણ એક આવો જ ધંધો છે.

મેરે પાસ અપને બાપ-દાદા કી દોલત કી ના એક પાઈ હૈ, ઓર નાહી મુઝે ચાહીએ. મેરે પાસ અગર કુછ હૈ તો અપને મા કા દિયા હુઆ આશીર્વાદ હૈ’.  જે લોકોની પાસે મૂડીમાં ત્રિશુલ ફિલ્મના વિજય અમિતાભની જેમ આશીર્વાદ જ હોય, અથવા જે કમનસીબ લોકો પાસે વગર વ્યાજનું મૂડી રોકાણ કરે એવા સધ્ધર સસરા પણ ન હોય, એમનાં માટે મૂડી રોકાણ વગર કરાય એવો ગુંડાગીરીનો ધંધો શ્રેષ્ઠ છે. ત્રિશુલ ફિલ્મમાં પછી અમિતાભ એક મોકાની જમીન ઓછાં ભાવે ઉધાર ખરીદે છે, અને કબજેદાર શેટ્ટીને માર મારી એ જમીન પરથી ભગાડી મૂકે છે. આ તો ફિલ્મની વાત થઈ. વાસ્તવિક જીવનમાં પણ ગુંડાગીરી એ મૂડી રોકાણ વગરનો ઉત્તમ ધંધો છે. આ ધંધામાં ફાવટ હોય તો આગળ જતાં પારકા મૂડી રોકાણથી અબજોની કમાણી થાય એવા રાજનીતિના સર્વોત્તમ ધંધામાં પણ પદાર્પણ કરી શકાય છે.

ગુંડાગીરીમાં તાકાત જરૂરી છે. ગુંડાગીરી એકલે હાથે થઈ શકે છે પણ જો આખી ગેંગ હોય તો ધંધાનો વિકાસ વધુ થાય છે. ગુંડાઓમાં પણ ઇલાકા હોય છે. ગુંડાગીરીમાં બોલવાનું પણ મહત્વ છે. ખંડણી વસુલવાની હોય કે પ્લૉટ ખાલી કરાવવાનો હોય, સામાવાળું તમારી વાત પર વિશ્વાસ કરે તે મહત્વનું છે. ગુંડાઓ ગલીથી લઈને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલનાં હોય છે. ગુંડાગીરીમાં પણ વ્હાઈટ કૉલર અને ધોયા વગરના કૉલરવાળા ગુંડા હોય છે. વ્હાઈટ કૉલર ગુંડાઓ ખાદીનાં કપડામાં પણ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં તો રઘુરાજ પ્રતાપ સિંઘ ઉર્ફે રાજા ભૈયા મૂડી રોકાણ વગરનાં આ ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી હવે છેક જેલ મંત્રીનાં પદ સુધી પહોંચી ગયાં છે. એમને ઝેડ કેટેગરીની સિક્યુરિટી પણ આપવામાં આવેલ છે. પાંચ વખત ચૂંટાયેલા અને જેમણે જેલની હવા, પાણી અને ખોરાક લાંબો સમય ચાખ્યો છે એવા રાજા ભૈયા જેલમાં ગુનેગારોને પડતી અગવડોથી વ્યથિત છે. એમણે એક જેલ સુપ્રીન્ટેન્ડન્ટ અને અન્ય કર્મચારીઓને જેલમાં કેદીઓને પડતી હાલાકી માટે સસ્પેન્ડ પણ કરી દીધાં છે.  

પણ ગુંડાગીરીથી પણ ઉત્તમ ધંધા છે બજારમાં અને એ પણ વ્હાઈટ કૉલર. એમાં સૌથી મોટો ધંધો છે પ્રૉબ્લેમ સોલ્વીંગ અર્થાત્ સમસ્યાના સમાધાનનો. ભારતની સવાસો કરોડની વસ્તીમાં સરકારની કૃપાથી દરેકની જીંદગીમાં નાના મોટા પ્રૉબ્લેમ આવતાં હોય છે. ઘણા ઘરમાં તો વડીલો જ આપણી સરકાર જેવા હોય છે. ગમે ત્યારે પડું પડું થતા હોય. તોયે ધાર્યું એમનું કરે. પાછું તમે જે કમાવ એમાં એમને ટૅક્સ ચૂકવવો પડે. એ ધારે ત્યારે તમને પૂછ્યા વગર કાયદા બદલી કાઢે. પણ આવી સમસ્યા તો દરેક ઘરમાં હોય છે.

ગરીબવર્ગને ભૂખમરાની  સમસ્યા સતાવે છે. ઉચ્ચ મધ્યમ વર્ગમાં રસોઈ કરનાર મહારાજ અવારનવાર ખાડા પાડે એની તકલીફ હોય છે. ધનિક વર્ગને ચાંદીની પ્લેટ કે ફાઈવસ્ટાર હોટેલમાં સલાડ ખાવો પડે એ સમસ્યા લાગે છે. આ દરેકની સમસ્યાનાં સમાધાન કરનારા આપણાં દેશમાં વસે છે. માત્ર એકાવન રૂપિયામાં અમુક વિદ્વાન જ્યોતિષીઓ પત્ની વશ, ગર્લફ્રેન્ડથી છુટકારો, રૂપિયા છુટા કરાવવા જેવા અનેક દુષ્કર કાર્યો કરી આપે છે. ઉચ્ચ મધ્યમ વર્ગની રસોઈઓ નિયમિત નથી આવતો’ એ સમસ્યાના મૂળમાં તમે છો, એ તમે કોઈ યોગ ક્લાસનું પેકેજડીલ લો પછી તમને સમજાવવામાં આવે છે. શરીર અને મન યોગ્ય ક્રિયાઓ દ્વારા શુદ્ધ કરો એટલે મહારાજ રેગ્યુલર આવતો થઈ જાય. જોકે પામર મનુષ્ય ડીલમાં જે કહેવામાં આવે તે શેઠની શિખામણ ઝાંપા સુધીએ ઘાટે અઠવાડિયામાં ભૂલી જઈ પાછાં ઠેરને ઠેર આવી જઈ પોતાની જૂની સમસ્યાનો નવો ઉકેલ શોધતાં ફરે છે. સૌથી ઉચ્ચ કોટિના જાતકોની સમસ્યાઓનું સમાધાન પર્સનલ સેવા આપતાં ગુરુઓ કરે છે. એ ઘેર પધરામણી કરે છે અને ડાયાબીટીસથી લઈને સીબીઆઈ સુધીનાં પ્રશ્નો અંગે માર્ગદર્શન અને મધ્યસ્થી કરી આપે છે.

પણ શાસ્ત્રોમાં સૌ ધંધામાં રાજનીતિના ધંધાને શ્રેષ્ઠ કહ્યો છે કારણ કે આ ધંધામાં વાયદાનો વેપાર થાય છે. એમાં મલાઈ ખાવા મળે છે. અરે ઘાસમાંથી પણ રૂપિયા પેદા થાય છે. આ ધંધાનો પે બેક પીરિયડ વધારેમાં વધારે પાંચ વરસ હોય છે. આ ધંધાની પ્રોફિટેબીલીટી અને કોસ્ટ બેનીફીટ રેશિયો ઘણો હાઈ છે. ખાણોમાંથી પથ્થરો નહિ સોનું નીકળે છે. આ ધંધામાં પ્રશ્ન પૂછવાના રૂપિયા મળે છે ને ચુપ રહેવાના પણ રૂપિયા મળે છે. અહિં હાજર રહેવાના અને ગેરહાજર રહેવાનાં એમ બંનેના રૂપિયા મળે છે. અહિં સફેદ કપડાં પહેરી કોલસાની દલાલીમાં થાય છે. ખરે, આ ધંધો જ કર્યા જેવો છે !
 

Sunday, May 27, 2012

એ ઈસી કોમ્પ્યુટર આઈટી લઈ લો


| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૭-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી
 
એક અંદાજ મુજબ ગુજરાતમાં એન્જીનીયરીંગ અને ફાર્મસીની ૧૧૦૦૦ સીટ આ વખતે ખાલી રહેશે. બારમાં ધોરણનું રિઝલ્ટ એક તો કડક આપ્યું છે અને પાછી નવી નવી કોલેજો ખુલતી જાય છે. એટલે હવે તો આ કોલેજોના સંચાલકો લારી લઈને સીટો વેચવા નીકળે એવાં દિવસો આવશે. એક જમાનામાં સ્કૂલમાં  એડમિશન માટે બાળક ગર્ભમાં હોયને મા-બાપ ડોનેશન લઈ સ્કૂલો ફરી વળતાં. હવે પરિસ્થિતિ ઉંધી થાય એમ જણાય છે. બાળક ગર્ભમાં હશે ત્યારે કોલેજ મેનેજમેન્ટ તમારા આવનાર બાળકને એડમિશન ઓફર કરશે. અરે, પ્રેગ્નન્ટ સ્ત્રીઓનો ડેટાબેઝ પણ મેટરનીટી હોમ્સમાંથી તફડાવવામાં આવશે. આ વખતે કેવા દ્રશ્યો સર્જાશે એની અમે કેટલીક કલ્પના કરી છે.

દ્રશ્ય-૦૧
‘એ ઈસી કોમ્પ્યુટર આઈટી લઈ લો, એ ઈલેક્ટ્રીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફાર્મસી લઈ લો’
‘એ ભાઈ, કોમ્પ્યુટર કેમ આપી
‘લઈ લો ને બેન, તમારા બાબા માટે વધારે નહિ લઈએ’
‘પણ ભાવ તો કો’
‘અરે બેન ભાવ એકદમ રીઝનેબલ લઈશ, અને બધાં પ્રોફેસરો ક્વોલીફાઈડ છે અમારી કોલેજમાં’
‘તે ભણેલા પ્રોફેસરોને શું કરવાનું, અમારે તો ડીગ્રી જોઈએ’
‘તે ડીગ્રી પણ આપીશુને બેન, જી.ટી.યુ.ની’
‘તે અમારે શું ફેર પડે આ જટાયુની ડીગ્રીથી, અમારે તો નોકરી મળે એવું જોઈએ, બોલો નોકરીની ગેરંટી આલશો?
‘બેન, ગેરંટી તો કોણ આપે.’
‘સારું પણ કોલેજના ફોટાં બોટા તો બતાવો’
‘અરે, એકદમ સરસ કોલેજ છે બેન. ક્લાસરૂમ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બનાવ્યા છે. છોકરાઓને કદી ક્લાસમાં ઊંઘ ન આવે. ઉપરાંત ક્લબ, ટેરેસ ગાર્ડન, જીમ, સ્પા બધું જ છે’
‘એમ ? પણ ફી કેટલી ?’
‘ફી તો કમિટી નક્કી કરે એ, એક રૂપિયો વધારે નહિ’
‘એમ નહિ, પણ કંઇ ડિસ્કાઉન્ટ બીસ્કાઉન્ટ કરી આલોને’
‘આમાં ડિસ્કાઉન્ટ ના થાય બેન, આ ડીગ્રી છે રીંગણા-બટાકા નથી’.
‘સારું, પણ કોલેજ જવા બસના ફીમાં આવી ગ્યા ને?’
‘એ તો એક્સ્ટ્રા થાયને બેન’
‘શેના એક્સ્ટ્રા, એ બધું ફીમાં આવી જતું હોય તો કો’
‘સારું, બેન. કેટલી સીટ લેવાની છે?’
‘એક ?’
‘બસ એક ? બેન બે-ત્રણ લેતાં હોવ તો ટ્રાન્સપોર્ટ ફ્રી કરી આપું’
‘પણ મારો લાલો એકલો જ બારમામાં હતો, ત્રણ લઈને કરવાનું શું’
‘બેન રાખી મુકજો, તમારો નાનો આવશેને બે ચાર વરસમાં’
‘ના ભાઈ મારે એડવાન્સમાં નથી લેવી’
‘લેવી ના હોય તો શું કામ ટાઈમ બગાડતાં હશે!’

દ્રશ્ય-૦૨
છઠ્ઠા પગારપંચ પ્રમાણે જ્યાં પગાર આપાય છે એવી પ્રાઈવેટ કોલેજોનું મેનેજમેન્ટ પ્રોફેસરોનો કસ કાઢી નાખવા એડમિશન માટે નવશીખીયા પ્રોફેસરોને ઘેરઘેર મોકલશે. વસ્તીગણતરીમાં જેમ શિક્ષકો ઘેરઘેર ફરે છે એમ જ. એ લોકોનું કામ જેમના સંતાનો ૧૨મા ધોરણમાં હોય એમને સીટો વેચવાનું અને જેમનાં સંતાનો ભવિષ્યમાં ૧૨મા ધોરણમાં આવશે એમનું એડવાન્સ બુકિંગ કરવાનું. કામ બરોબર થાય એ માટે પ્રોફેસરોને માર્કેટિંગની ટ્રેનીંગ અને સીટ દીઠ ઇન્સેન્ટીવ પણ આપવામાં આવશે. પછી સર્જાશે આવાં દ્રશ્યો.
‘ગુડ મોર્નિંગ આન્ટી, હું એકે કોલેજમાંથી આવું છું.....’
‘આન્ટી તારી ...’. બારણું ધડામ કરીને પછડાય છે.

દ્રશ્ય-૦૩
‘ગુડ મોર્નિંગ મેડમ, હું એકે કોલેજમાંથી આવું છું અમદાવાદથી જષ્ટ શેવેનટી કિલોમીટર દૂર અમારી એન્જીનીયરીંગ કોલેજ આવેલી છે, એકદમ મોડર્ન ફેશીલીટી છે બધ્ધી. લેબોટરીઓ પણ બધી પોતાની છે’
‘તો શું ?’
‘તમારે શન, ડોટર કોઈ બારમામાં હોય તો’
‘નથી’
‘તમારા પિયરમાં તો હશે ને?’
‘કોઈ નથી’
‘બેન ઘરમાં કોઈ ભણતું તો હશે ને?’
‘નાની બેબી છે, પણ હજુ પાંચમા ધોરણમાં આવી’
‘તો તો બેન હવે માત્ર શાત જ વરસ રહ્યા, અમારી પાશે એક ઓફર છે... (થેલામાંથી એક સ્પાઈરલ બાઈન્ડ ચોપડી કાઢીને આંકડા વાંચે છે)
‘ભઈ, મારે કૂકર મૂક્યું છે, મોડું થાય છે જલ્દી કો કહેવું હોય એ’
‘હા મેડમ, તો અત્યારે તમારે ખાલી પચીશ હજાર ભરવાના અને શાત વરશ સુધી દર વરશે માત્ર દશ હજાર ભરવાના, તો કોલેજ તમને અત્યારથી કન્ફર્મ એડમિશન આપી દેશે. અને કોઈ ફાઈનાન્સિયલ તકલીફ હોય તો નેશનલાઇઝ્ડ બેંકનાં લોન પેપર્શ પણ કરાવી આપશું’
‘પણ, બેબી બારમામાં ફેઈલ થઈ તો ?’
‘તો એની ચિંતા નહિ કરવાની. તમે થોડાક એક્શટ્રા રૂપિયા ભરીને બીજાને નામે શીટ ટ્રાન્સફર કરી શકો છો’

ડ-બકુ
તું ડવ, તું પેપ્સોડન્ટ, ને તું જ ઈમામી બકા,
તું દવ, તું એક્સીડેન્ટ, ને તું જ સુનામી બકા !

Tuesday, May 22, 2012

રડવાની કળા

| મુંબઈ  સમાચાર | વરાઇટી સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૦-૦૫-૨૦૧૨ |અધીર અમદાવાદી |

છોકરું જન્મે અને ડોક્ટરો એને પાછળ થાપટ મારી પરાણે રડાવે ત્યારથી માનવ જિંદગીમાં રડવાનું શરુ થાય છે એ જિંદગીભર ચાલુ રહે છે. મનગમતી વસ્તુની દુકાન પાછળ રહી જાય તો માબાપનું ધ્યાન દોરવા નાનું બાળક ભેંકડો તાણીને રડે છે. મોબાઈલ ચોરાઈ જાય ત્યારે ટીનેજર બોર-બોર જેવડાં આંસુ સારે છે. યુવાન છોકરી વજન કાંટા પર વજનનો આંકડો વાંચીને પોક મૂકીને રડે છે. પૈસાદાર બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ કોલેજીયન છોકરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડે છે. કાયમ નાપાસ થતો છોકરો સાડત્રીસ ટકા સાથે ફુલ્લી પાસ થાય ત્યારે માબાપની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. નવપરણિત વહુ જે દિવસે બધી રોટલી ગોળ બનાવે એ દિવસે પતિની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે. પુરુષો તો ઇકોફ્રેન્ડલી રડે છે, એમનું રુદન મુક હોય છે. જ્યોતીન્દ્રભાઈ દવેના પૂર્વજો (અમે બધાં, પૃ. ૧૯) પૈકી બબી-કબીની જોડી ઊછળી ઊછળીને રડતી અને એમનાં રડવાથી રડતાં કૂતરાંઓ આશ્ચર્યથી અવાક બની પગ વચ્ચે પૂંછડી સંતાડી પલાયન કરી જતાં.....  આવી રડવાની કળા દિવસે દિવસે લુપ્ત થતી જાય છે.

જેને રડવું હોય એનાં માટે ગુજરાતી સાહિત્યમાં રડવાનાં આવા ઘણાં પ્રકારો વર્ણવ્યા છે. ઉપર જણાવેલ પ્રકારો ઉપરાંત વિલાપ કરી શકાય, આક્રંદ કરાય, હૈયાફાટ રડાય, હીબકા અને ડુસકા પણ ભરાય. અમુકને તો બોલતાં બોલતાં ગળે ડૂમો બાઝી જાય છે. આ ડુસકા અને ડૂમો ગઝલકારોના પ્રિય શબ્દો છે. ગઝલમાં ડુસકા કે ડૂમો આવે તો સાંભળનાર બમણી દાદ આપે છે. એટલે ડુસકા અને દાદ વચ્ચે પારસ્પરિક સંબંધ છે એવું કોઈ સંશોધન નથી થયું, આ તો અમે એવું નોંધ્યું છે. આ કવિઓ અને લેખકો પણ ગજબ હોય છે. પ્રેમિકાના આંસુને એ મોતી સાથે સરકાવે છે. શરાબી ફિલ્મમાં શ્રી શ્રી અમિતાભને જયા (પ્રદા)ને આપેલો નવ લાખનો હાર ચોરાઈ ગયો એનાં કરતાં પેલીની આંખમાંથી એક એક લાખનું એક એવા મોતી જેટલા કીમતી આંસુ સરી પડે એનું દુ:ખ અમિતાભને વિશેષ હોય છે. સ્ત્રીઓને એમનાં આંસુની કિંમત ખબર હોય કે ન હોય પણ એની શક્તિ જાણતી હોય છે. સામાન્ય રીતે એનાં આંસુની કિંમત એનો પતિ કે બોયફ્રેન્ડ ચૂકવતો હોય છે.

યુકેમાં થયેલા એક સર્વે મુજબ તો સ્ત્રીઓ જિંદગીના સોળ મહિના રડવામાં કાઢી નાખે છે. સ્ત્રી રડીને હળવી થઈ શકે છે એટલે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ઓછાં હાર્ટ ઍટેક આવે છે. આવી વૈજ્ઞાનિક માન્યતા છે. એટલે જ સુરતમાં હમણાં રડવાની હરીફાઈ યોજાઈ હતી. આ હરીફાઈ ગોઠવનાર લાફ્ટર થેરાપિસ્ટ કમલેશભાઈ મસાલાવાલાનાં કહેવા મુજબ રડવાથી શરીરના ટોકસીન બહાર નીકળી જાય છે. સ્ત્રીઓને જોકે કુદરતી રીતે રડવાની શક્તિ મળેલી છે. અમુક આને હાઇડ્રો પાવર પણ કહે છે. જોકે ધાર્યા સમયે, ધાર્યું કામ કઢાવવા માટે રડવું એ શક્તિ કરતાં પણ વધુ તો કળા છે.  વાતે વાતે રડવું અને રડતા રડતા વાતો કરવી, આ બે કળા સ્ત્રીઓને સાધ્ય હોય છે. આવી સ્ત્રી જ્યારે આંસુ પાડે ત્યારે એને રૂમાલ આપવાની ભૂલ ઘણાં પુરુષો કરે છે. ખરેખર તો સ્ત્રી આંસુ પાડે તો એને રૂમાલ નહિ, એને જે જોઈતું હોય એ લાવી આપવું જોઈએ.

લગ્ન પછી કન્યા માટે પિયરિયા એકદમ નવજાત હોય છે. મતલબ કે લગ્ન સુધી ઘર હોય, ફેરા ફરે એટલે ઘર પિયર બની જાય છે. આ પિયરિયા લગ્ન પછી એને પહેલી વાર મળે છે. એટલે રડતીતી ને પિયરિયા મળ્યાએ સિદ્ધ કરવા એ રડે છે. આ પ્રસંગે બધાં ભેગાં થઈ વારાફરતી અને સામૂહિક રીતે રડે એવો પણ આપણે ત્યાં રિવાજ છે. એમાં શરૂઆત કન્યા કરે છે અને પછી એમાં કન્યાની મા, માની બહેન તે માસી, માસીની દીકરીઓ, અને ક્યારેક તો પડોશીઓ અને અન્યો પણ યથાશક્તિ રડે છે. છેલ્લે બાકી રહી ગયેલા પપ્પા પણ આંખના ખૂણા લૂછે છે. કવિઓએ પણ પ્રસંગને અનુરૂપ ગીતો લખી રડાવવાનાં બનતાં પ્રયત્નો કર્યા છે. જોકે આજકાલ જ્યારે પ્રેમલગ્ન મોબાઈલ જેટલા સામાન્ય થઈ ગયાં છે અને એરેન્જ્ડ મૅરેજ લેન્ડલાઇનની જેમ ઓછાં થતાં જાય છે ત્યારે રડવાની ઘટના કન્યાવિદાયની ડિફોલ્ટ વિધિ તરીકે ઘટે છે. પણ હવે ક્યાં કોઈ પહેલા જેટલી ઉત્કટતાથી અને હ્રદયદ્રાવક રીતે રડે છે ? મારાં પપ્પાએ તો મારાં મોટાભાઈ-ભાભીનાં પ્રેમ કમ એરેન્જડ લગ્ન બાદ રડતાં ભાભીને પૂછી પણ લીધું હતું, કે હજુ પણ દુખ થતું હોય તો વિચારી લે’. ભાભીએ તાત્કાલિક આંસુ લૂછી નાખ્યાં હતાં અને પછી અમારા પરિવારમાં એ આવ્યાં એ આવ્યાં. છેલ્લી ઘટનામાં અમે અમારા સ્વભાવોચિત અતિશયોક્તિ જરા પણ નથી કરી.

જો કે ખોટેખોટું રડવું એ કંઈ સ્ત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર નથી. આપણે ત્યાં ઘણાં લોકોને રડવાની ટેવ હોય છે. પરીક્ષા ખંડમાંથી બોચિયો બહાર નીકળે તો એ એકદમ રડમસ હોય. બહાર નીકળી માથું હલાવતો હલાવતો ધીમાં અવાજે બોલે કે દોઢ માર્કનું રહી ગયું’. આપણ ને થાય કે અલા, તારે પાસ ક્લાસના ફાંફાં છે ને દોઢ માર્કનું રડે છે?’. તો બીજો ૯૦% રિઝલ્ટ આવે તોયે એ આંસુડા પાડતો હોય. એને પૂછો તો કહે કે મેં તો ૯૭% ધાર્યા તા’. પછી એને કેટલો તો સમજાવવો પડે ત્યારે માંડ હીબકા બંધ થાય. આવું જ વેપારીઓનું હોય છે. કરોડોનું ટર્નઓવર કરતાં હોય પણ પૂછો તો કંઈ ધંધો જ નથી આજકાલ’. આ પણ રડવાનો જ એક પ્રકાર છે. અને રાજકારણમાં તો મગરના આંસુ વહાવવા માટેની હરીફાઈ થાય તો જે સ્થળે હરીફાઈ યોજી હોય ત્યાં પુર આવી જાય !

ગુજ્જેશોના કમ્ફર્ટવેર

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૦-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી


ઘરમાં કેવાં કપડાં પહેરવાં એ દરેકનો અંગત વિષય છે. કંપની તમને મહિને લાખ રૂપિયાનો પગાર આપતી હોય એનો મતલબ એ નથી કે ઘરે બરમુડા ચડ્ડી પહેરવાં પર કંપની પ્રતિબંધ મૂકી શકે. એટલે જ કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટને ઘરે જાવ તો એ ચડ્ડો પહેરીને ફરતો હોય. એને જોઈ આપણને બે ઘડી થાય પણ ખરું કે, 'આ શું કંપની ચલાવતો હશે?' પણ આ જ આઇટમ સૂટ પહેરીને તૈયાર થાય તો ઓળખાય પણ નહીં. ઘરમાં ચડ્ડો પહેરી રિલેક્સ થયેલ મેનેજર જ્યારે સુટેડ-બૂટેડ થાય ત્યારે દુનિયાના લાટસાહેબોને પહોંચી વળે છે. આમ, કંપનીને કરોડો ટર્નઓવર કરાવવામાં મેનેજરના ચડ્ડાનો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો ફાળો તો ગણવો પડે!

નવું નવ દા'ડા એ નાતે નવપરણીત યુવાન નવો લીધેલો નાઇટ ડ્રેસ ઘસાય, ફાટે કે ચાના ડાઘથી પહેરવાલાયક ન રહે એટલે પોતાની જાત પર આવી જઈ નાઇટડ્રેસ ત્યજી ચડ્ડા પર આવી જાય છે. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં ચડ્ડા ઉપર ટી-શર્ટ હોય છે, પણ એક વાર ખાતરી થાય કે હું ઘરમાં ગમે તેવો ગોબરો ફરીશ આ (ઘરવાળી) ભાગી જવાની નથી, ત્યારે ચડ્ડી-ગંજી જેવા ગરમીમાં વધારે આરામદાયક નાઇટવેર પર આવી જાય છે. આ એ જ સમય છે જ્યારે નિવૃત્ત સસરાજી લુંગી પરથી લેંઘા પર આવી ગયા હોય છે. ઘરમાં નવી વહુ આવે એટલે સૌ ભેગાં થઈ, ટોકી ટોકીને, બિચારા પપ્પાને એરકન્ડિશન્ડ લુંગીમાંથી એરકુલ્ડ લેંઘો પહેરતા કરી દે છે. જે લોકોને એરકન્ડિશન શું એ ખબર ન હોય એમને એરકન્ડિશનની સાદી વ્યાખ્યા આપી દઉં. એરકન્ડિશન એટલે બહાર જેવી એરની કન્ડિશન એવી જ અંદર એરની કન્ડિશન!

ગુજરાતમાં સ્લિવલેસ ટી-શર્ટ કે ગંજી પહેનાર બગલનું અને ચડ્ડી પહેરનાર પોતાના પગનું શેવિંગ કરવું જરૂરી નથી સમજતા. એક જમાનામાં તો વાળ એ મર્દાનગીનું પ્રતીક હતું. એ વખતે લોકો છાતીના વાળ દેખાડવા શર્ટનાં બટન ખુલ્લાં રાખતા હતા, પણ હવે ચડ્ડી બનિયાનધારી વાળને કારણે હવે વરવો લાગે છે. એમાં ઘરમાં ખણવા અંગે કોઈ કાયદા બન્યા નથી, એટલે આવા ચડ્ડીસમ્રાટો પોતાની મરજી મુજબ ખુલ્લા પગને મનફાવે એમ પસવારતા જોવા મળે છે. પાછું વજન વધારે કે બહુ ઓછું હોય તો આ ચડ્ડીવીરો એકદમ કાર્ટૂન જેવા લાગે. ચોકડીવાળી અને પાતળા કાપડની ચડ્ડીઓમાં એ કેદી જેવા લાગે અને જો ચડ્ડીનો ઘેરાવો કમર પર ઓછો અને નીચે જતાં વધુ હોય તો એ હવાલદાર જેવો લાગે. આ મોટી ચડ્ડીમાં સળી જેવા પગ હોય તો પાતળી સળેકડી પર ઝંડો ફરકાવ્યો હોય એવું લાગે છે. જોકે આવી ચડ્ડીઓ હવાદાર હોય છે.

લેંઘો હવે પચાસ ઉપરની વયના નિવૃત્ત ગુજ્જેશ જ પહેરે છે. નાડું બાંધવામાં થતી પારાવાર મુશ્કેલીઓ છતાં હજુ નાડાવાળા લેંઘા એટલા જ પહેરાય છે. પહેરનારે પાછું ઇન-ગંજી કર્યું હોય. ઇન-ગંજી એટલે શું? ન સમજ પડી? જો શર્ટ પેન્ટમાં ખોસ્યું હોય તો ઇનશર્ટ કહેવાય, એમ જ ગંજી લેંઘામાં ખોસી હોય તો પછી એ ઇન-ગંજી જ કહેવાય. આવા લોકોમાં લેંઘો ફાંદની ઉત્તરે એટલે કે છાતી તરફ ઉપરથી પહેરવાની ફેશન હોય. ઘણા તો એટલે ઉપર સુધી લેંઘો પહેરતા હોય છે કે ગંજી જો નવ ઇંચ ટૂંકી લે તો કપડાની ઘણી બચત થાય. લેંઘો ઉપરથી પહેરવામાં ફેશન કરતાં સલામતી વધારે કારણભૂત હશે. પાછો આ લેંઘો ગળી કરેલો આછા ભૂરાશ પડતો ઇસ્ત્રી ટાઇટ હોય. નાડાની ગાંઠ શાસ્ત્રીય રીતે મજબૂત, એકદમ મધ્યમાં અને સામેથી જુઓ તો અંગ્રેજીનો આઠડો એકદમ વ્યવસ્થિત દેખાય એમ બાંધી હોય. આમ, લેંઘા પહેરવામાં દેખાતી ચીવટ હકીકતમાં પહેરનારની નવરાશનો પુરાવો આપે છે.

પણ ઉનાળો આવે અને માથું ફાડી નાખે તેવી ગરમી પડતી હોય અને ગળામાં થયેલ પરસેવો પગની પાની સુધી ઊતરતો હોય ત્યારે ઓછામાં ઓછાં કપડાં પહેરવાનું દરેકને મન થાય. અરે, ક્યારેક તો કપડાં ફગાવી દેવાનું મન પણ થાય. આવામાં લેંઘો પહેરવો કે ચડ્ડી? એ ચોક્કસ દરેકનો અંગત પ્રશ્ન છે, પણ આપણા આ અંગત પ્રશ્નમાં ધોબી, દૂધવાળા, શાકવાળા, છાપાવાળા, કુરિયરવાળા, પિઝાબોય અને આખી દુનિયાને રસ પડે તેવાં કપડાં તો ન જ પહેરવાં જોઈએ એવું અમારું નમ્ર મંતવ્ય છે.

Saturday, May 19, 2012

વજન ઘટાડવાના અકસીર ઉપાયો| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૧૩-૦૫-૨૦૧૨ | અધીર અમદાવાદી


આ દુનિયામાં બે પ્રકારના લોકો વસે છે. એક કે જેમનું વજન કાબૂમાં હોય છે અને બીજા કે જેમનું વજન એમના ઘણા પ્રયત્નો છતાં ધારેલ આંકડે પહોંચતું નથી અને યદાકદા પહોંચી જાય તો એ ટકતું નથી. વજન એ તેલ ચોળેલા પહેલવાન જેવું હોય છે. પાર્ટી ગમે તેટલા દાવ લગાડે છેવટે એ છટકી જ જાય છે! પણ પહેલા પ્રકારના લોકો કે જેમનું વજન કાબૂમાં હોય એવા લોકો ઘણા બોરિંગ હોય છે. વર્ષોથી એમનું શરીર અને નાક-નકશો એકસરખો લાગે છે. એ લોકો ગમે એટલું ખાય, ગમે તે ખાય, ગમે ત્યારે ખાય, એમનું વજન સાઠ - પાંસઠનો આંકડો કુદાવતું નથી. એમાંય પુરુષો ખાસ ફેશનપરસ્ત ન હોઈ, સ્થિર વજનનો લાભ લઈ એકનું એક પેન્ટ દસ વરસ ખેંચી કાઢે છે. એમની જિંદગી મૃત વ્યક્તિના કાર્ડિયોગ્રામ જેવી એકધારી હોય છે.

આ બીજા પ્રકારના લોકોની હાલત ફિલ્મી વિલન અજિતના હીરો જેવી હોય છે. પેલા ફેમસ જોકમાં અજિત હીરોને લિક્વિડ ઓક્સિજનમાં નાખી દેવા એના ફોલ્ડરને કહે છે, એમ કહીને કે 'લિક્વિડ ઈસે જિને નહીં દેંગા ઔર ઓક્સિજન ઈસે મરને નહીં દેંગા'. આપણી વજનદાર પાર્ટી પણ સલાડ, ખાખરા અને ઘાસ જેવા સ્વાદનાં બિસ્કિટ ખાઈને વજન કાબૂમાં કરે ત્યાં સામે જમણવાર અને જંકફૂડ એમના વજનને ફરી પાછું ઉચ્ચસ્થાને લઈ જાય છે. આ લોકો શ્રમ ન પડે તેવી કસરત કે ચરી - પરેજી વગર માત્ર ગોળી, મંત્ર, માદળિયાં કે તાવીજથી વજન ઊતરતું હોય તો મોં - માંગ્યા રૂપિયા આપવા તૈયાર હોય છે. ટેલીશોપિંગવાળા આ જાણી ગયા છે એટલે એ લોકો 'કશું કર્યા વગર વજન ઉતારો' સૂત્ર આપી બોગસ પ્રોડક્ટસ 'ટમી ટાયકૂન' ને પધરાવી જાય છે!

પણ બીજા પ્રકારના લોકો ઘણા જિંદાદિલ હોય છે. એ લોકો 'જીવવા માટે ખાવા' જેવી નિર્માલ્ય ફિલસૂફીને બદલે 'ખાવા માટે જીવવાની' જિંદાદિલીમાં માને છે. વજન વધી જાય એટલે આ જાતકો અચાનક જાગૃત થઈ દોડવા લાગે છે. 'કરતાં જાળ કરોળિયો...' વાળી ઉક્તિને યથાર્થ કરતાં આ ફેટવીરો ઘટેલું વજન ફરી વધી જાય તોપણ પોતે 'ડાયટિંગ પર છે', 'ખાવા પર કંટ્રોલ ચાલે છે' જેવા પોઝિટિવ વિચારો કરી કરોળિયાની જેમ જ ફરીફરી પોતાનો લક્ષ્યાંક પાર કરવા પ્રયત્નશીલ રહે છે.

પણ વજન વધતું અટકાવવું ઘણું સહેલું છે. અમારી પાસે એના ઘણા ઉપાય છે. જેમ કે, ફૂડનું વિન્ડો શોપિંગ. પિઝાશોપમાં કાઉન્ટર સુધી આંટો મારી બહાર નીકળી જવું કે પછી જે આઇટમ માટે લાઇન લાગતી હોય એની લાઇનમાં ઊભા રહેવું. નંબર આવવાનો થાય એટલે અરેરે... બહુ મોડું થયું કહી લાઇનમાંથી સરકી જવું. આ ઉપાયથી રૂપિયા તો બચશે જ, પણ લાઇનમાં ઊભા રહેવાથી કેલરી પણ બળશે. પણ જો વિન્ડો શોપિંગ ન ફાવે તો પછી ન ભાવતી વસ્તુઓની એક યાદી બનાવવી. આ યાદી પત્નીને આપી કહેવું કે 'આ બધું મને બિલકુલ નથી ભાવતું'. એ યાદી પ્રમાણેની રસોઈ થોડા જ સમયમાં તમારા ઘરમાં બનતી થઈ જશે. હજુ એક ઉપાય છે. જો રસ્તે જતાં તમને ફાસ્ટફૂડનાં પાટિયાં લલચાવતાં હોય તો આંખે ઘોડાની જેમ ડાબલા બાંધીને નીકળવું. અને જો ખાદ્યપદાર્થની સોડમ તમને લલચાવતી હોય તો છીંકણીની ડબ્બી સાથે રાખવી. જેવી ભાજીપાઉં કે ચણા-પૂરીની સુગંધ નાકમાં ઘૂસે કે તરત છીંકણીનો તડાકો મારવો.

જો તમારું વજન વધારે હોય તો તમારાથી વધુ વજન ધરાવતી વ્યક્તિ સાથે ફરવું. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ તમે આપોઆપ પાતળા દેખાશો. ગુજરાતીમાં પણ મોટી લીટી નાની લીટીનો એક પાઠ આવતો હતો. એ વજનમાં પણ લાગુ પડે છે એ કોઈને શિક્ષકો કહેતા નથી. આમ છતાં ઘણા પ્રયત્નો પછી પણ વજન ઊતરતું ન હોય તો એવા લોકો માટે અધીરોપેથીમાં એક ઉપચાર બતાવ્યો છે તે પ્રયોગ કરવા જેવો છે. આ ઉપચારમાં વજન કરવાની રીતમાં થોડા ફેરફારો સૂચવ્યા છે. આમાં જેને બહુ ક્રોનિક પ્રોબ્લેમ ન હોય તેમણે નરણે કોઠે વજન કરવું. જેને વજનનો જૂનો પ્રોબ્લેમ હોય એમણે વાળ કપાવી, મૂછ મૂંડાવી, રાત્રે હરડે લઈ, સવારે પ્રાતઃ ક્રિયાઓ બાદ નહાઈધોઈ, ઓછા વજનવાળો પંચિયા જેવો પાતળો ટોવેલ પહેરી, ચાંલ્લો કર્યા પહેલાં અને ચશ્માં હોય તો એ કાઢીને ઉઘાડાપગે વજન કરવું !