Sunday, August 30, 2015

કેટલીક વિશિષ્ટ અનામત દરખાસ્તો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩૦-૦૮-૨૦૧૫

પાટીદાર અનામત અંદોલન શરુ થયું ત્યારથી જ્ઞાતિ, જાતી, આર્થિક, એમ કયા આધારે અનામતનો અપાવી જોઈએ એ ચર્ચાએ જોર પકડ્યું છે. અમને લાગે છે કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો અંજામ ગમે તે આવે, પણ જાતિ સિવાય પણ સમાજનાં અમુક વર્ગને જે સહન કરવું પડે છે તેના બદલે વિશેષ અનામત મળવી જોઈએ.

વાંઢાઓ માટે અનામત સીટો : આપણે ત્યાં છોકરાઓ સામે કન્યાઓનો જન્મદર નીચો જઇ રહ્યો છે અને કન્યાઓની અછત બાબતે સમાજશાસ્ત્રીએ વારંવાર ચેતવણી આપી છે છતાં ખાસ સુધારો નથી. બાકી હોય એમ છોકરાઓ કેરીયરને પ્રાથમિકતા આપતાં થયા હોઈ લગ્ન ટાળી રહ્યા છે. આ સિવાય દુનિયાની વસ્તીની ૧૭% ધરાવતાં દેશ માટે આમ તો આ સારું ચિહ્ન કહેવાય, પણ જેતે ઉમેદવાર માટે આ સમસ્યા છે. દેશે એમના ત્યાગને ન ભૂલતા આવા લોકો યોગ્ય પાત્રના સંપર્કમાં આવી શકે એ માટે વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એક સૂચન એવું છે કે દેશના કોઈપણ ખૂણામાં યોજાતાં લગ્નમેળામાં ભાગ લેવા માટે એમને ખાસ સહાય મળવી જોઈએ. નવરાત્રીમાં આગલી હરોળમાં ૨૭% સીટો વાંઢાઓ માટે અનામત રાખી શકાય.

વાળના જથ્થા આધારિત અનામત: જેમના માથે જથ્થામાં વધુ વાળ છે તેઓ સફાચટ મેદાન ધરાવનારની ખીલ્લી ઉડાડવાનું ચૂકતા નથી. વાળ સફેદ થાય, ઉંમર ૬૫ પહોંચે ત્યારે માણસને સીનીયર સીટીઝન માટેની અનામતનો લાભ મળે છે. પણ વાળ જતાં રહ્યા હોય એમનું શું? એમની ફક્ત મજાક ઉડે છે. થોડા સમય પહેલાં એક હેરકટિંગ સલૂનમાં આ સંવાદ સાંભળ્યો - 
 
“સુકેશને અડતા નહિ. મુકેશને અડધો કરજો. અલકેશને ડ્રાયર મારીને બેસાડજો. પિન્કેશ છેક આગળ છે અને ધોળો છે એટલે એને રંગજો, પણ એમોનીયા ફ્રી રંગ લગાવજો. કાન ઉપરના પુલકેશને એની ગેંગ સહીત ખેંચી નાખજો.”

સાંભળીને અમને આશ્ચર્ય થયું એટલે અમે વાતનું રહસ્ય પૂછ્યું, તો કારીગર કહે,

“સાહેબે આ વખતે કઈ હેરસ્ટાઈલ કરવાની છે એ કહ્યું. શું છે કે સાહેબના માથામાં વસતિ ઓછી છે એટલે એમણે લાડમાં એકએક વાળના નામ પડ્યા છે. હું પણ બધાને નામથી જ ઓળખું છું. બે જ મિનિટનું કામ છે, તમે બેસો.”

આ દશા છે આપણા દેશમાં ટાલીયા માણસોની! એમનાં માથામાં માત્ર બે મિનિટનું કામ હોવા છતાં દાંતિયાના દાંતા પહોળા કરી નાખે એવા બુટ-પોલીશના બ્રશ જેવા ઘટાદાર ઝટિયા ધરાવતા શખ્સોના લીધે કલ્લાક-કલ્લાક રાહ જોવી પડે છે! બાકી હોય એમાં આટલા ઓછા કામના પણ પુરા પૈસા વસુલવામાં આવે છે! આ અન્યાય છે. હવે સમય આવી ગયો છે કે બિન-કેશિયોને અનામત મળે. હેરકટિંગ સલુનમાં એમને પ્રાયોરીટી સહીત કટિંગ ચાર્જીસમાં ૨૭% સબસીડી મળવી જોઈએ.

આંખના નંબર આધારિત અનામત: સંબંધમાં પારદર્શિતા હોવી જરૂરી ગણાય છે, પરંતુ યુવાન હૈયા વચ્ચે રચાતાં તારામૈત્રકમાં ચશ્માનો પારદર્શક કાચ બાધારૂપ ગણાય છે. એક તરફ કોલેજના ગેટ પર સિક્યોરીટીને કારણે સલામત અંતર રાખવું ફરજીયાત હોય, અને બીજી તરફ જાતકને દૂરના ચશ્મા હોય એવા કિસ્સામાં નજરુંના કોલ મિસ-કોલ થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે. આ અન્યાય દૂર કરવાં ચશ્મીસોને માટે સ્પેશીયલ બ્યુટીપાર્લર પેકેજ, વોલ્વો બસોમાં રાહત દરે મુસાફરી (જેથી કાચ લૂછવાની ઝંઝટ ઓછી થાય), અને ચાઇનીઝ ન હોય તેવી વિદેશી ચશ્માની ફ્રેમો અને કાચ ખરીદવા માટેનાં પેકેજ જેવી વિશેષ સવલતો સરકારે આપવી જોઈએ. આ અંગે જો આંદોલન થાય તો અમારા બેમાંથી એક જણ ચશ્માં પહેરીને રેલીમાં આવશે એની અમે બાંહેધરી આપીએ છીએ.

વજન આધારિત અનામત: પાતળા લોકો પૃથ્વી ઉપર ઓછા ભારરૂપ છે. આ વાત ભલે અક્ષરશ: સાચી હોય, બસ અને ટ્રેનમાં પાતળા લોકો જગ્યા ભલે ઓછી રોકતા હોય, પણ સામે સ્થૂળ લોકો પણ એટલું જ સહન કરે છે. વર્ષોથી બસમાં, લીફ્ટમાં, ફન રાઇડ્સમાં, જમણવારમાં દરેક જગ્યાએ સમાજમાં સ્થૂળકાય વ્યક્તિઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે. અમારા મત મુજબ, જેમનો બોડી-માસ ઇન્ડેક્સ ૩૦થી ઉપર હોય તેમને એરપોર્ટ ઉપર ચેક-ઇનની લાઈનથી લઈને બુફે ડીનરની લાઈનમાં અગ્રતા મળવી જોઈએ. દક્ષિણ-પશ્ચિમ ચીનના ચોંગકિંગ શહેરની ‘ના હુઓ’ રેસ્તરાં તો ૧૪૦ કિલોથી વધુ વજનના ગ્રાહકને ફ્રી જમાડે છે અને અમુકથી વધારે વજનના ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ પણ આપે છે. સાવ એવું તો નહિ, પણ આવા ધરખમ ખેલાડીઓની જરુરીયાતને ધ્યાનમાં લઈને ગુજરાતી ડાઈનીંગ હોલવાળાઓએ કુલ સંખ્યાના ૨૭% વેઈટરો સ્થૂળકાય ગ્રાહકોને માટે અનામત રાખવાની જોગવાઈ થવી જોઈએ. મારા બેટા મીઠાઈ પીરસનારા તો ભારે ઘરાક બાજુ ફરકવાનું નામ જ નથી લેતાં!

પગે ચાલનાર અને સાયકલ ચલાવનાર માટે અનામત : અને છેલ્લે જે લઘુમતિમાં ધકેલાઈ રહ્યા છે તે, શહેરમાં પગે ચાલનાર અને સાયકલ ચલાવનાર માટે અનામતની માંગણી થવી જોઈએ. ફૂટપાથ પર રહી લાખોનો ધંધો કરનારાંથી લઈને તૂટેલી ફૂટપાથને કારણે જેમણે રોડ પર ચાલવું પડે છે તેમને કોઇપણ બ્રાન્ડના ફૂટવેરમાં ૪૯% ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. જેમની પાસે સાયકલ સિવાય કોઈ પ્રકારનું વાહન નથી તેમને માટે સરકારે મફત ઓક્સિજન બાર ખોલવા જોઈએ. અમે તો કહીએ છીએ કે મુનસીટાપલીની ૨૭% બેઠકો આવા પગે ચાલનાર કે સાયકલધારકો માટે અનામત થવી જોઈએ!

આમ તો વંચિતો અને પીડિતોની યાદી લાંબી છે અને એકવાર આ પ્રકારના લાભ આપવાનું જાહેર થશે પછી તો યાદી સાસ્કીનના પેન્ટની માફક દર ધોએ લાંબી થતી જશે. આ જ કારણ છે કે આપણી સુપર-એક્સપ્રેસ ટ્રેનો પાછળથી સ્ટોપેજની સંખ્યા વધતાં વધતાં લાંબા ગાળે લોકલ ટ્રેનો બની જાય છે.

મસ્કા ફન

સત્તા મળે ત્યાં સુધી નેતાઓ આંદોલન કરે છે.

રીલ લાઈફ અને રીઅલ લાઈફ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૩૦-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

અમદાવાદમાં પ્રસાદ માટે એક કિલોમાં એંશી પેંડા આવે એવા નવરાત્રી સ્પેશીયલ ‘પ્રસાદિયા પેંડા’ મળે છે. આવી જ રીતે દાનમાં આપવાનાં કપડાં અને ચીજ-વસ્તુઓ પણ અલગ ક્વોલિટીની મળે છે. આપણા આ બેવડાં ધોરણો માટે અંગ્રેજીમાં હિપોક્રસી અને ડબલ સ્ટાનડર્ડ જેવા શબ્દો વપરાય છે. ગુજરાતીમાં આનાં માટે કહેવત છે હાથીના ચાવવાના અને બતાવવાના જુદાં. એમાં મઝાની વાત એ છે કે હાથીને ચાવવાના ચોવીસ હોય છે, ને દેખાડવાનાં માત્ર બે. હાથીને આવા બે પ્રકારના દાંતની સગવડ કુદરતે આપી છે. માણસ મહેનતુ જાત છે. એ કુદરતનાં ભરોસે રહેવાને બદલે જાતે સગવડ ઉભી કરી લે છે. એની પાસે ચાવવાના હોય છે, દેખાડવાના એ ઉગાડી લે છે. 
 
એટલે જ બહારથી જે દેખાતું હોય એવું અંદર હોય એ જરૂરી નથી. બરછટ નારિયેળની વચ્ચે કુણું કોપરું પણ હોય, ને કૂણી દેખાતી કાકડી અંદરથી કડવી નીકળે એવું પણ બને. હિરોઈન ખરેખર કેવી દેખાય છે, એ એનાં ઘેર કામ કરતી બાઈ જ સૌથી વધારે જાણતી હોય છે. કામવાળી બાઈ કરતાં પણ જો દુધવાળા કે છાપાવાળાને સવાર સવારમાં દર્શન કરવાનો મોકો મળે તો એ વધારે કહી શકે. બીજું એનો મેકઅપ કરનાર જાણે. હીરો સિક્સ પેક એબનો રીલ લાઈફમાં ઉપયોગ જુદો કરે છે. હીરો જયારે રીઅલ લાઈફમાં પોતાની તાકાતનો ઉપયોગ સામાન્ય સિક્યોરીટીવાળા પર કરે, ત્યારે સાલું લાગે કે આ સિક્સ અને એઈટ પેક એ એબ છે! કારણ કે હજુ સુધી રીઅલ લાઈફમાં અમે કોઈ સિક્સ પેક્વાળાને ચેઈન-સ્નેચર કે ગુંડાઓને પકડતાં કે પડકારતાં જોયા નથી. એ કામ અમદાવાદમાં કાકીઓ જ કરે છે, એક પણ પેક વગર!

વાત ચાદર પ્રમાણે પગ લાંબા કરવાની છે. ઓઢવામાં ટુવાલ જેવું કંઇક હોય તો ટૂંટિયું પણ વળાય. હાલ તો હાથરૂમાલની હેસિયતવાળા લાંબા પગ કરીને સુવે છે! એંશીના દાયકામાં ખરેખર પૈસાપાત્ર હોય એ જ કાર ખરીદતાં. એમ્બેસેડર કે ફિયાટ જ હતી ત્યારની વાત છે. તોયે કાર માલિક અને કાર માત્ર રવિવારે, એ કાર ધોતાં હોય ત્યારે જ સાથે દેખાતાં. કાર ગેરેજમાંથી બહાર કાઢવી, એન્જીન સ્ટાર્ટ કરી ઓઈલ ફરતું કરવું, દોઢ બે કલાક સુધી એને ધોઈને ચમકાવવી, અને પછી પાછી ગેરેજમાં પાછી મુકવી એ એમનું મુખ્ય કામ રહેતું. કાર અને સ્ત્રીઓની હાલતમાં એ વખતે હજુ ખાસ ફેર નહોતો, એમને બહારની દુનિયા ખાસ જોવા મળતી નહિ. પરિવાર આખો, સ્કુટર કે બસમાં જ ફરતો. આમ કરવામાં વચ્ચે કારની બેટરી ઉતરી જાય તો આખું ફેમીલી (વા વાળા કાકીને બાદ કરતાં) ભેગું થઈને ધક્કા મારે. એમાં ઘણીવાર તો કાર પેટ્રોલ કરતાં ધક્કાથી વધારે કિમી. ચાલી હોય એવું બનતું. એકંદરે આમ થવાથી કાર એવરેજ સારી આપે છે, એવી માન્યતા બંધાતી.

પણ હવે તો सर्वे गुणा: ऑडीमाँश्र्यन्ते. કાંચન કહો તે સોનું તો તૂટી ગયું. અને શેર તો કોની પાસે કેટલા છે એ શું ખબર પડે? એટલે જ કોઈ કેટલી મોંઘી કાર વાપરે છે એનાથી તોલવામાં આવે છે. સમાજમાં ઔડીવાળો બીએમડબ્લ્યુવાળીને જ પરણે. છોકરીનાં ઘરમાં એસી હોય તો એને નોન-એસી ઘરમાં કઈ રીતે ‘નખાય’? અરે, હવે તો મોબાઈલના મોડલથી પણ માણસ મપાય છે! જેમ પહેલા અમુક પરિવાર આફ્રિકાવાળા, લંડનવાળા તરીકે ઓળખાતાં હતાં એમ, હવે ‘આઈફોનવાળા’, ‘ઓડીવાળા’ માણસોનાં એવા ક્લાસ બનતાં જાય છે.

આવું થવાનું એક કારણ એ છે કે રાતોરાત માલેતુજાર થવાની રેસ સતત ચાલુ છે. પણ પછી આ રેટ રેસમાં જોડાઈ, પાંચ લાખની મૂડી શરાફો પાસેથી વ્યાજે લાવી ધંધો કરનાર પછી ધંધો ન ચાલે, અને વ્યાજ ન ભરી શકે, તો પાયમાલ થઈ આપઘાત કરી લે છે. પણ ૧૦૦ કરોડની શેર કેપિટલ ધરાવતી કંપની ફડચામાં જાય તો એનાં ઓનરનાં પેટનું પાણી પણ નથી હાલતું, ન એની કારનું મોડલ ડાઉનગ્રેડ થાય છે. એટલે જ કોર્પોરેટ વ્હાઈટ કોલર ક્રાઈમ માટે ટ્રીસ્ટન બર્નાર્ડે કહ્યું છે કે “નાદારી એ કાનૂની પ્રક્રિયા છે જેમાં તમે રૂપિયા તમારા પેન્ટના ખિસ્સામાં મુકો છો અને જેકેટ લેણદારોને પકડાવી દો છો”.

હવે તો એમાં કોઈ નવાઈ નથી રહી. અમેરિકા, ઇંગ્લેન્ડ જઈ આપણા ભારતીય છોકરાં ત્યાં ગોરીઓ જોડે પરણે એમાં. પણ અમિતાભે લાવારિસમાં જે ગાઈને વમળો સર્જ્યા હતા એ ગીત, ‘જિસ કી બીબી ગોરી ઉસકા ભી બડા નામ હૈ’ એ પણ દેખાવની જ વાત કરે છે. પત્ની તો ગોરી જ જોઈએ. પછી ભલે ભણેલી ન હોય અને બોલે તો પૈસા પડી જતાં હોય. દુનિયા દેખાવ પર ચાલે છે. ફેરનેસ ક્રીમથી કોઈ ગોરું નથી થતું માત્ર કંપનીની બેલેન્સ-શીટ તગડી થાય છે. આ સત્ય લોકોને જલ્દી સમજાતું નથી, કારણ કે ફેરનેસ ઘેલાં ઘેટાઓ એક્ટર્સ-બીજાં કરે એવું કરે છે. એ પોતાની વિવેકબુદ્ધિથી કામ નથી કરતાં. ઘેટાં બધે જ છે. અને એ ટોળામાં જ હોય છે.

---

છેલ્લે એક લઘુ-સત્યઘટના-કથા જોઈએ. અનામત મહારેલીના બે દિવસ પહેલા અમદાવાદ-મહેસાણા ટોલ બુથ પર અમે એન્ટર થતાં હતાં એ પહેલા જ આગળ જતી એક લક્ઝરી કાર એકાએક ડાબી તરફ ફંટાઈ. અમારા એક મિત્ર પાસે પણ એ જ કારનું મોડલ છે, એટલે અમને ખબર છે કે કારની કિંમત અંદાજે ૧૨.૫૦ લાખ રૂપિયા છે. મોંઘી કાર ચલાવતા આ મિત્રને કદાચ ટોલના પચીસ-પચાસ નહિ પોસાતાં હોય, એટલે ટોલ બુથને બદલે સર્વિસ રોડ પર વળી ગયા હશે. અને બસ, ટોલ બુથ વટાવ્યાને, પહેલી એન્ટ્રી પર એ મિત્ર અમારી સાથે થઈ ગયા, ટોલ વે પર. અને જોતજોતાંમાં અમને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા. એકદમ સહજતાથી. પણ એ કારની નંબરપ્લેટ પર લખેલું લખાણ વાંચ્યું, ત્યારે અમને લાગી આવ્યું. લાલ અક્ષરમાં ત્યાં લખ્યું હતું “જય સરદાર”. અમદાવાદ-મહેસાણા એક્સપ્રેસ વે વાપરનારા માટે આવું દ્રશ્ય જોકે સામાન્ય છે.

Sunday, August 23, 2015

અઠવાડિયામાં ચાર શનિવાર ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૦૮-૨૦૧૫

મનમાં ઉઠતા તરંગોનું કંઈ નક્કી નથી હોતું. ગરીબોની ડુંગળી જેવો સીલીંગ ફેન પણ હપ્તેથી લેવો પડે એમ છે એ જાણતો હોવા છતાં માણસ મોજમાં હોય ત્યારે એ દીપિકા પાદુકોણ સાથે ઘર માંડવાનું સપનું પણ જોઈ શકે છે. આ ક્ષેત્રે ફક્ત શેખચલ્લીઓનો જ ઈજારો છે એવું નથી, એમાં ગાલિબ જેવા ડાહ્યા માણસો પણ સામેલ છે. ઉલટાનું ગાલિબે તો ‘દિલકો ખુશ રખને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ’ કહીને મન ખુશ રહેતું હોય તો આમ કરવામાં કંઈ વાંધા સરખું નથી એવું કહીને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે.

આપણી મોજીલી પ્રજા માટે ‘તાલાબ કા પાની સારા ઘી હો જાય ઓર પેડ કે પત્તે રોટી બન જાયે, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાય’ એ હંમેશનું સ્વપ્ન રહ્યું છે. એમાં ‘ઓહ માય ગોડ’ ફેમ ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’નાં એક ગીતમાં ગીતકાર શબ્બીર અહેમદે મગણી કરી છે કે ‘હપ્તેમે ચાર શનિવાર હોને ચાહિયે!’ એનાથી પ્રજા ટેસમાં આવી ગઈ છે. વાહ! અમે તો કહીએ છીએ કેમ નહિ? એટલું જ નહિ, બાકીના ત્રણ દિવસ રવિવાર કરી દો. હોવ. પસે આપડે ઘેર બેઠોં જલશા કરવાના અને કોમ કરશી મારી બુનનો દિયોર. શાતેય દહાડા જ તો!

ફિલ્મમાં આ ગીત અભિષેક બચ્ચન ગાય છે જેના માટે અઠવાડિયામાં સાતેય દિવસ રવિવાર હોવાનું કહેવાય છે. આપણે ત્યાં તો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પાંચ દિવસનું અઠવાડિયું છે. હમણાં સરકારે બેન્કોમાં શનિવારે અડધા દિવસને બદલે આખો દિવસ કામ ચાલુ રાખીને બીજા અને ચોથા શનિવારે રજા આપી છે. સરકારમાં તો બીજો ચોથો શનિવાર રજા ગણો તો સાડા પાંચ દિવસનું અઠવાડિયું છે જ. પ્રાઈવેટ ઓફિસોમાં છ દિવસનું અઠવાડિયું અને ધંધો કરનાર સાતેય દહાડા કામ કરે છે. આવામાં ચાર શનિવાર ખરેખર હોય તો શું થાય.

આ ગીતમાં ગીત લેખકે ચાર શનિવાર બેક-ટુ-બેક આવશે કે કેમ એ ચોખવટ નથી કરી. એટલે બેક-ટુ-બેક હોય તો સોમ, મંગળ અને પછી ચાર શનિવાર અને એક રવિવાર એવું અઠવાડિયું બને. આમ થાય તો બુધવારે બેવડાવાનો ચાન્સ હાથથી ચાલ્યો જાય. જોકે એની સામે બેસણું કરવામાં જે બુધવાર નડતો હતો તે નડતો બંધ થઈ જાય એ ફાયદો પણ થાય. ગુરુવારે ઉપવાસ કરી જે પાસ થતાં હતાં એમણે હનુમાનજીના ભરોસે રહેવું પડે. એમાં જોકે અઠવાડિયામાં એકના બદલે ચાર ચાર શનિવાર કરી શકાય એ ફાયદો. નવી વ્યવસ્થામાં શુક્રવાર પણ ડુલ થઈ જાય એટલે અઠવાડિયે એક દિવસ નહાતા હોય એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડે.

પરદેશમાં શનિવારનું માહત્મ્ય છે. શુક્રવાર અને શનિવારે રાતે ત્યાં પબમાં પીવા જવાનો રીવાજ છે. આપણે ત્યાં અઠવાડિયામાં સાતેય દહાડા રાતે સીરીયલો જ જોવાની હોય છે. એટલે સોમવાર હોય કે શનિવાર બધું સરખું જ છે. પણ જે લોકો શુકન અપશુકનમાં માનતા હોય છે એ લોકો શનિવારે વાળ કપાવતા નથી કે દાઢી પણ કરતા નથી. વાળ કપાવવામાં તો અઠવાડિયું આમ કે તેમ ચાલે, પણ દાઢીમાં ચાર શનિવાર કોરાં જાય તો સમાજમાં કટપ્પા અને બાહુબલી જેવા દાઢીધારીઓની સંખ્યા વધી જાય. હેરકટિંગ સલૂનોની ઘરાકી પર આની અસર પડે અને કદાચ રેઝર બ્લેડ તથા શેવિંગ ક્રીમ બનાવનારી કંપનીઓના શેરના ભાવ ગગડી જાય એવી શક્યતા પણ નકારી ન શકાય.

આ ફેરફારનાં એક અસરગ્રસ્ત શ્રી હનુમાનજીને પણ ગણી શકાય કેમ કે હનુમાનજી પાસે આમ પણ ઓછું કામ નથી. જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં સૌ પહેલું આસન એમનું પડે છે એ તો જાણે નક્કી જ છે. બીજું ભૂત-પિશાચને ભગાડવા માટે અડધી રાત્રે બીજા કોઈને નહીં પણ ફક્ત એમને જ યાદ કરવામાં આવે છે. કપીશ્રેષ્ઠ પોતે તો અણીશુદ્ધ બ્રહ્મચારી છે પણ એમને સૌથી વધુ અરજીઓ બ્રહ્મચર્યાશ્રમ છોડીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે થનગનતા ઉમેદવારોની મળે છે. અમુક લોકો દર શનિવારે હનુમાન મંદિરમાં હાજરી પણ પુરાવતા હોય છે. હવે પ્રસ્તુત ગીતમાં કવિએ કરેલી માગણી અનુસાર જો ચાર શનિવાર મંજુર કરવામાં આવે તો હનુમાનજીનું કામ વધી જાય એવું ચોક્કસ લાગે છે.

સરકાર માટે પણ આ માગણી ચિંતાજનક છે. સરકારી કર્મચારીઓ કામ કરતાં નથી અને મફતનો પગાર લે છે એવા આક્ષેપો થાય છે, છતાં પણ સરકારી તંત્ર ધમધમે છે એ બતાવે છે એમાંથી થોડાઘણા પણ કામ તો કરે જ છે. પણ જો અઠવાડિયામાં ચાર શનિવાર અને બાકીના રવિવાર થઇ જાય તો તંત્ર પડી ભાંગે એમાં શક નથી. આથી સરકારે કવિ સાથે વાટાઘાટની ભૂમિકા ઉપર આવવું અનિવાર્ય છે. સરકાર ધારે તો એમને શનિવાર પછી રવિવાર જ આવે એવો આગ્રહ પડતો મુકવાની ફરજ પાડી શકે. આનાથી આગળ વધીને અઠવાડિયું ત્રીસ દિવસનું અને વર્ષ બાર અઠવાડિયાનું કરીને પણ માગણી સંતોષી શકે. આમાં કવિને સમજાવવું અઘરું નથી. આમ પણ કવિઓનું ગણિત કાચુ હોય છે.

મસ્કા ફન

ખિસકોલી માટે નાખેલી રોટલી કાગડા ખાઈ જાય ત્યારે સાલું બહુ લાગી આવે.

દોઢ ડહાપણની દાઢ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૩-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી | 

સામાન્ય રીતે ડહાપણની દાઢ નાનપણમાં નથી આવતી. અંદાજે સત્તરથી પચીસ વર્ષની ઉંમર વચ્ચે આવે છે. કેટલાક કિસ્સામાં એ મોડી પણ ઉગે. જયારે પણ એ ઉગે, એ પછી માણસમાં ડહાપણ આવે છે એવું મનાય છે. ડહાપણની દાઢ ઉગે એટલે અક્કલ આવે, એવું ઘણાં લોકો નથી માનતાં. કારણ કે સમાજમાં દરેક પ્રકારના દાખલા મળી આવે છે. ટીવી ઓન કરો અને માત્ર બે ન્યૂઝ ચેનલ્સ ફેરવશો તો તમને અક્કલ વગરના ઢાંઢા વર્તાઈ આવશે. પણ કેટલાંક બુદ્ધિશાળી લોકોને ડહાપણની દાઢ મોડી ઉગે છે, અથવા ઉગતી જ નથી. અમારી જ વાત કરું તો અમને હજુ ઉગી નથી. પણ ડહાપણ જુઓ તો આખા ગામનું નથી ઠોકતાં ?

આ દાંત કે દાઢનાં દુખાવા ખરેખર ત્રાસજનક હોય છે. ફિઝીકલ અને મેન્ટલ ટોર્ચર કરતાં ડેન્ટલ ટોર્ચર વધારે ખતરનાક હોય છે. જેણે એ સહન કર્યા હોય તે જ જાણે. આરબભાઈનાં ઊંટની જેમ ડહાપણની દાઢ અન્ય સારા દાંતને અંદર રહી ધક્ક્મધક્કા કરે ત્યારે મોઢાની અંદર દર્દના દરિયા હિલોળા લે છે. પણ કવિઓને એમની પ્રેમિકા આપે એવું આ દર્દ નથી હોતું, એટલે દાઢનાં દર્દ પર કોઈ કવિએ ગઝલ નથી લખી. આના ઉપર હાસ્ય લેખ જ લખાય, અને એ પણ જેણે વેઠયું ન હોય, એ જ લખી શકે!

દુનિયાભરમાં વિઝડમ ટુથ તરીકે એ જાણીતી હોવા છતાં ડહાપણની દાઢનાં ડહાપણ સાથેના સંબધ વિષે ભારતમાં લોકો જોઈએ એટલાં ગંભીર નથી. આનું પ્રમાણ એ છે કે લગ્ન કરતી વખતે હજુ કુંડળી જોવાય છે, ક્યાંક બ્લડ ગ્રુપ અને મેડીકલ રેકોર્ડઝ પણ જોવાતાં હશે, પણ કોઈ ‘છોકરાને ડહાપણની દાઢ ઉગી છે કે નહિ?’ એવું નથી જોતું. બેઉ પક્ષે નુકસાનીવાળો માલ હોવાથી કદાચ મભમ રાખતાં હોય તો વાત જુદી છે, બાકી અમને આનો સ્પષ્ટ મતલબ એ દેખાય છે કે ડહાપણની દાઢ એ નર્યું ધુપ્પલ છે.
 

અમારા કુટુંબમાં ધવલનાં લગ્ન થયા ત્યારે ઘણાંને એવી આશા હતી કે લગ્ન થશે એટલે એને સમજણ આવશે. સામે જેની સાથે એ પરણ્યો એ ઈશિતા વિષે પણ એવું જ મનાતું હતું. પેલું કહે છે ને કે દુનિયામાં દરેક લાકડાને માકડું મળી જ રહે છે. લગ્ન બાદ બે-ત્રણ વરસમાં બેઉમાંથી એકેયમાં અક્કલ આવી હોય એવું કોઈને લાગ્યું નહિ. સમય જતાં બધાં એવું માનવા લાગ્યા કે છોકરાં થશે એટલે આપોઆપ ઠરેલ થઈ જશે. હવે એમને બબ્બે છોકરાં છે, અને છોકરાં એમની આગળ ડાહ્યાં લાગે છે. કદાચ ઉત્ક્રાંતિવાદમાં નવું વર્ઝન હંમેશા સારું આવે છે.

મેનેજમેન્ટમાં એક સક્સેસિવ પ્રિન્સિપલ આવે છે. આ સિધ્ધાંત મુજબ આગળ એક ઘટના બને એ પછી જ એનાં પછી બનનાર ઘટનાઓનું ભાવિ નક્કી થાય છે. જેમ કે, કાગનું બેસવું અને તાડનું પડવું. સોરી, સોરી. જેમ કે, પહેલાંના જમાનામાં બાબો આવે તો પેંડા અને બેબી જન્મે તો જલેબી વહેંચાતી હતી. આમાં બાબા કે બેબીના આગમન બાદ મીઠાઈનાં ઓર્ડર નક્કી થતાં. આગળ જતાં એજ છોકરો બોર્ડની પરીક્ષામાં પાસ થાય તો પેંડા અને ફેઈલ થાય તો લાફો આપવામાં આવતાં હતા. ડહાપણની દાઢ ઉગવાથી અક્કલ આવે, એવું ગુજરાતીઓએ સાવ ઠોકી બેસાડ્યું છે. એમાં સક્સેસીવ પ્રિન્સિપલ જવાબદાર નથી. ગુજરાત અને દુનિયાનાં દરેક પ્રદેશમાં આવી કોઈને કોઈ માન્યતાઓ પ્રચલિત છે, જેનો કોઈ આધાર નથી હોતો.

હમણાં હમણાં રવિવારે સવારે ફેસબુક ખોલું તો ફ્રેન્ડસ સાયકલ લઈને ૨૦-૨૫ કિમી. દુર કોક અગમ જગ્યાએ પહોંચી ત્યાં લીધેલાં ફોટા શેર કરતાં જોઉં છું. બધાંય સમ્પન્ન છે. કાર ધરાવે છે. એમને જોઇને લાગે છે કે કાર આવ્યા પછી જ સાયકલ ચલાવવાનું જોશ આવતું હશે. સાયકલ ચલાવનાર બાઈકના અને બાઈકવાળા કારના સપના જોતાં હોય છે. કારનો મોહ પૂરો થાય એટલે સાયકલ ગમવા લાગે છે. સાયકલ જ હોય ત્યારે જે મઝાથી સાયકલ ચલાવતું હોય એ સાચી મઝા. પાતળો માણસ કસરત કરે કે સાયકલ ચલાવે તો પણ વાજબી છે. પણ ઘણાંને ચરબીના થર જામે, પછી કસરત કરવાની ઈચ્છા થાય છે. ઘણાંને ચરબીના થર જામ્યા બાદ પણ આવી ઈચ્છા નથી થતી.

સક્સેસીવ પ્રિન્સિપલ મુજબ જો ડહાપણની દાઢ ડહાપણ માટે જવાબદાર ન હોય, તો શું કરવાથી અથવા ઉગાડવાથી ડહાપણ આવે એ જાણવામાં ઘણાં (માબાપો, પત્નીઓ, પતિઓ) ને રસ હશે. કાલિદાસને પરણ્યા પછી, પત્નીનાં અપમાનોથી, અક્કલ આવી હતી. જોકે આજકાલ એવું થતું હોત તો માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોને મોડામોડા પણ અક્કલ આવત. રા’ખેંગાર રાણકદેવીનું હરણ કરી જાય છે એ ટર્નીંગ પોઈન્ટ પછી સિદ્ધરાજ જયસિંહમાં પોલીટીકલ ડાહપણ આવે છે અને છેવટે જુનાગઢ સર કરે છે. એમ તો પોલીટીકલ ડહાપણ ઓછું હોય તો લાંબુ વેકેશન લઈ ગુપ્ત કોર્સ કરી શકાય છે. ઘર છોડી દુનિયાની ઠોકરો ખાવાથી પણ ડહાપણ આવે છે. જાણીતાં ગુજરાતી હાસ્યલેખકો પહેલાં ઘર છોડી મુંબઈ ગયા, પછી હાસ્યલેખનનાં રવાડે ચઢ્યા. આનાં એક કરતાં વધારે પુરાવા છે. જોકે અમારો કિસ્સો જુદો છે. અમે ઘર છોડ્યા વગર મુંબઈ સમાચારનાં માધ્યમથી હાસ્યલેખનના રવાડે ચઢેલા છીએ. આમાં મુંબઈ જોકે કારક તો થયું જ.

ગાંડપણ, દોઢડહાપણ અને ડહાપણ એ અનુક્રમે ડહાપણના ત્રણ સ્તર થાય. આમાં માણસમાં ડહાપણ છે કે નહિ તે નક્કી કરવું કઠિન છે. ગાંડપણ અને દોઢ-ડહાપણ આસાનીથી પરખાઈ આવે છે. ગાંડપણની ટ્રીટમેન્ટ પણ થઈ શકે છે. ડહાપણની દાઢ ઉગે છે, દોઢ ડહાપણની નહિ. દોઢ ડહાપણ જન્મજાત કે વારસાગત નથી હોતું, એ સ્વપરાક્રમથી મેળવવામાં આવે છે. પેલું સંસ્કૃતમાં કહે છે ને કે ‘स्वयमेव मृगेन्द्रता’. સિંહે પોતાને રાજા છે એવું સ્થાપિત કરવું પડતું નથી. એમ જ દોઢ ડાહ્યા તરીકે કોઈ ચૂંટાઈને આવતું નથી. નથી એનાં માટે કોઈ ક્લાસ ભરવા પડતાં. એ ગુણ છે જે સ્વયં પ્રગટ થાય છે. દોઢ ડાહ્યા તરીકે છપાઈ ન જવું હોય તો એનો રસ્તો બહુ સરળ છે. માપમાં રહો!

Sunday, August 16, 2015

માખી, તેલ, દાઢી અને સાવરણી

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૧૬-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |
આપણે ત્યાં એવા અનેક કિસ્સા સાંભળવા મળે છે કે માણસને બાળી મુકવા કાઢી જાય અને ત્યાં સ્મશાનમાં જીવ આવે કે બેઠો થાય. આપણા સ્વભાવની આ વિચિત્રતા છે કે આપણે જીવતાં માણસને બેદરકારીથી સ્મશાને લઈ જઈએ છીએ, પણ રિમોટના સેલ ઉતરી જાય તો આટલી જલ્દી કોઈ કાઢી નથી નાખતું. રીમોટ થપથપાવીને જોવામાં આવે છે. ઢાંકણું ખોલ-બંધ કરવાથી અને સેલને દબાવવાથી ક્યારેક રીમોટ ચમત્કારિક રીતે બેઠો થઈ જતો હોવાનું દાદીમાની ડાયરીમાં લખેલું જોવા મળે છે. દાદીમાનો આ નુસખો કામ ન કરે તો સેલ કાઢી અદલાબદલી કરવામાં આવે છે. મતલબ કે ડાબે-જમણે. આમ પણ ન થાય તો સ્થાનફેર કરી એક રિમોટના સેલ બીજામાં બદલી જોવામાં આવે છે. આટલું કર્યા પછી સેલ ન ચાલે તો એ સેલ ઘડિયાળમાં ચેક કરવામાં આવે છે. ત્યાં પણ ન ચાલે તો ખાનાંમાં મુકવામાં આવે છે, કે કદાચ પડ્યા પડ્યા ફરી ચાર્જ થઈ જાય તો?

શું આપણે આટલાં કંજૂસ છીએ? ના. આપણે આનાથી વધારે કંજૂસ અને મખ્ખીચૂસ છીએ. આપણે હાઈજીનની પરવા કર્યા વગર દાઢીને સાવરણી તરીકે વાપરવાની મનોવૃત્તિ ધરાવીએ છીએ. આ વાતની સાબિતી એ છે કે સાઈડકારવાળા સ્કુટર ભારતમાં શોધાયાં હતાં. છાપાથી કારનો કાચ લૂછવાની ક્રાંતિકારી શોધ ભારતમાં થઈ હતી. મિસ કોલની શોધ ભારતમાં થઈ હતી. વન બાય ટુ સૂપ દુનિયામાં ભારત સિવાય બીજે ક્યાંય નહિ મળે. ડૂબી મરવું જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાતનાં મૂળમાં પણ પાણી બચાવવાનો જ આઈડિયા છે. આપણે અઢીસો રૂપિયાનો પીઝા ખાઈએ શકીએ છીએ, કોફી પાછળ સવા સો રૂપિયા ખર્ચી શકીએ છીએ, પણ રિમોટના સેલની વાત આવે એટલે એનર્જી સેવિંગ મોડમાં આવી જઈએ છીએ. આપણે ગેસનું લાઈટર બદલવાને બદલે ટ્રાય કરી કરીને લાઈટરની કિંમત કરતાં દસ ગણો ગેસ હવામાં જવા દઈએ છીએ!


આપણે દિવસની શરૂઆત જ કંજુસાઈથી કરીએ છીએ. દુનિયા સવારે ટૂથબ્રશ કરતી હતી ત્યારે આપણે દાતણનાં ગુણગાન ગાઈ એ વાપરતાં રહ્યાં, ખાસ કરીને જ્યાં સુધી બાવળ-લીમડા પરથી તોડીને મફત મળતાં હતાં ત્યાં સુધી તો ખાસ. પછી દાતણ માટે રૂપિયા ખર્ચવાનાં થયા એટલે આપણે મોડર્ન થઈ ટુથપેસ્ટ વાપરતાં થયા. પણ ગીનીઝ રેકોર્ડઝમાં ટુથપેસ્ટમાંથી પેસ્ટ કાઢવાની હરીફાઈ હોય તો વેલણ સાથે કે માત્ર હાથથી રોલ કરીને પેસ્ટ ખાલી કરવામાં આપણને વિક્રમ બનાવતાં કોઈ રોકી ન શકે. એમાંય સામાન્ય રીતે આ કામ બાય ડીફોલ્ટ પુરુષોનાં ભાગે આવે. જૂની પેસ્ટ હજુ પંદર દિવસ ચાલી શકે તેમ હોય ત્યારે ઘરની કર્તા એવી સ્ત્રી નવી પેસ્ટનું ઉદઘાટન કરી નાખે છે. પછી ઘરનાં મુખ્ય પુરુષ સિવાયના બાકીના સભ્યો નફ્ફટાઈપૂર્વક નવી જ પેસ્ટ વાપરે છે, જયારે ઘરનો મુખિયા પંદર દિવસ સુધી એ જ જૂની ટ્યુબ સાથે કુસ્તી કરતો નજરે ચઢે છે. આમ તો આ કાર્ય માટે ખાસ શારીરિક સૌષ્ઠવની જરૂર ન હોવા છતાં પુરુષોના ભાગે જ કેમ આવે છે તે પણ એક સંશોધનનો વિષય છે.

આવું જ કેરીમાં છે. વર્ષોથી કેરીને ઘોળીને એટલા માટે રસ કાઢવામાં આવતો હતો કે રસ નીકળી જાય એ પછી છોતરાં ધોઈ એમાંથી ફજેતો બનાવાય. ગોટલા સુકવીને એમાંથી મુખવાસ તો બનાવવાનો જ. સક્કર ટેટીનાં બી, કે જે સો ગ્રામ ખાવા હોય તો એ માટે કદાચ એક મણ ફોલવા પડે, એ પણ સૂકવવામાં આવે છે. સક્કર ટેટીનાં બી સુકવીને ખાનારને એની ધીરજ માટે કોકે પુરસ્કાર આપવો ઘટે. કદાચ એ જ બી કાઢ્યા બાદ, વધેલા ફોતરાંમાંથી, કૈંક વેસ્ટમાંથી બેસ્ટ ટાઈપનું બનાવીને આપી શકાય !
ચા ગાળ્યા બાદ કુચા કુંડામાં ખાતર તરીકે જાય છે. મોટે ભાગે એ કુંડુ તુલસીનું જ હોય છે! ગુજરાતણ ફ્લેટમાં રહેતી હોય એટલે એના બાલ્કની-ગાર્ડનમાં છેવટે બે કુંડા બચ્યાં હોય છે. તુલસીનું અને ઓફીસ- ટાઈમનું. બે કુંડાનાં વૈભવને ગુજીષા બગીચો માનતી હોય તો એને એમ માનવા દેવામાં કંઈ ખોટું નથી.

દુધમાંથી મલાઈ, માખણ, અને છેલ્લે ઘી બને છે. સવારની વધેલી રોટલી સાંજે વઘારેલી રોટલી કે ખાખરા, સવારના ભાત સાંજે મુઠીયા કે વઘારેલા ભાત, અને સવારની બચેલી બટાકાની સુકી ભાજી સાંજે અન્ય સબ્જીમાં સિફતપૂર્વક મિક્સ થઈ જાય છે. આમાં વસ્તુ ફેર એટલા માટે કરવામાં આવે છે કે ખાનારને એનું એ ખાઈ ને કંટાળે નહિ! પણ એટલે જ કદાચ ગુજરાતી ઘરોમાં હજુ વિદેશી રેસિપી એટલી પોપ્યુલર નથી થઈ. સવારનાં વધેલા પાસ્તા કે મેક્રોનીનું સાંજે શું કરવું એ હજુ કદાચ આપણને ખબર નથી! જે દિવસે પાસ્તામાંથી ભજીયા કે મુઠીયા બનાવવાની રેસિપી બજારમાં આવશે તે દિવસે ઘરઘરમાં પાસ્તા બનતાં થઈ જશે. આમેય પાસ્તામાં રોટલી-દાળ-ભાત-શાક કરતાં કેટલી ઓછી કડાકૂટ છે નહિ?

જોકે કંજૂસોની આટલી ટીકા કર્યા પછી અમે ચોખવટ કરવા માંગીએ છીએ કે અમે પોતે ટુથપેસ્ટનો કસ કાઢનારા પૈકીનાં છીએ. વાત એમ છે કે રૂપિયાથી ખુશી ખરીદી નથી શકાતી. પણ રૂપિયા બચાવવામાં ખુશી જરૂર થાય છે. ૫૦% ડિસ્કાઉન્ટ સેલ લોકોને ખુશ કરવા જ રાખવામાં આવે છે, બાકી ૫૦% ડિસ્કાઉન્ટ જેવો ખોટનો ધંધો કોઈ શું કામ કરે? 

 
દુનિયા કહે છે રિસાયકલ કરો. દુનિયા કરતાં આપણે કદાચ વધારે જ રિસાયકલ કરીએ છીએ. અમેરિકામાં વાંચ્યા બાદ છાપાં કચરાપેટીમાં ફેંકી દેવાય છે. આપણે એમાંથી કુપન કાપી ભેટ મેળવીએ છીએ. પછી પસ્તીમાં વેચીએ છીએ. પસ્તીમાંથી પડીકા વળે છે. એ પડીકાનાં કાગળ સાફસૂફીમાં વપરાય છે. ટેબલના પાયા નીચે પેકિંગમાં મુકાય છે. અમેરીકામાં તો ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ફર્નિચરના કોઈ લેવાલ ન હોય તો કચરાપેટી પાસે છોડી દેવી પડે. જરૂરીયાતવાળું એ લઈ જાય, નહીંતર ત્યાંની મુનસીટાપલીની ગાડી ઉઠાવી જાય. આપણે ત્યાં રેગ-પીકર્સ આખો દહાડો તૂટી જાય ત્યારે સો-દોઢસો રૂપિયા જેટલું પ્લાસ્ટિક-કાગળ માંડ ભેગું કરી શકે છે, આપણે એટલું બધું રીસાયકલ કરીએ છીએ. એમાં કંઈ ખોટું નથી, માટે કોઈ ટુથપેસ્ટની ટ્યુબ પર વેલણ ફેરવતું હોય તો હસવું નહીં, એની મદદ ન કરી શકો તો કંઈ નહિ, કમસેકમ કદર તો કરી જ શકો ને ??

Sunday, August 09, 2015

પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૯-૦૮-૨૦૧૫

આદિમાનવના આજદિન સુધી મળી આવેલા અવશેષોમાં સંશોધકોને ધારદાર ચોપર જેવા પથ્થરના છરા અને ચપ્પા બનાવ્યા હોવાના પુરાવા મળે છે. અગ્નિની શોધ પછી ક્રમશ: પૈડામાંથી બનેલી ઘંટી, પથ્થરની આડણી, ડાયનોસોરની જાંઘના હાડકાનું વેલણ, ગોરિલ્લાની ખોપરીનું ફ્રાયપેન અને ચૂલા જેવા કિચન એપ્લાયન્સીસ શોધાયા હશે. ત્યારબાદ રસોડું એનું આધુનિક સ્વરુપ પામ્યું હશે એમ કહી શકાય. સંશોધનમાં પથ્થરના બનેલા બીજા ઘણા ઓજારો મળ્યા છે પણ ખલ-દસ્તો કે ખાંડણી-પારાઈ મળ્યા નથી એ બતાવે છે કે એ લોકો ગ્રેવી વગરની સબ્જી કે નોનવેજ ડીશીઝ ખાતા હશે કારણ કે એવી વાનગીઓમાં તેજાના, આદુ-મરચાં-કોથમીર, સુકો મેવો વગેરે જેવા અમુક ઘટકોને વાટીને કે પીસીને નાખવા પડતા હોય છે. આજકાલ. મેગી નુડલ્સ ઉપર પ્રતિબંધ આવ્યા પછી અખતરે ચડેલી કન્યાઓએ બનાવેલી વાનગીઓને સુપેરે ખાવા માટે આમ તો લોકો હથોડી અને બંદૂકથી લઈને તીર કામઠા સુધીના હથિયારો શોધતા હોય છે પણ એ માટે ખંડણી દસ્તાથી વધુ અસરકારક સાધન એક પણ નથી. જોકે જે લોકો બોલીને વાટવા માટે પંકાયેલા છે એમને તો ખાંડણી દસ્તાની જરૂર પડતી નથી.

બોલીને વાટવાનો અવગુણ કદાચ બોલીના વિકાસ જેટલો જ જુનો છે. ઈંગ્લીશમાં એને પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા કહેવામાં આવે છે. ઈંગ્લીશમાં એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા એટલે ભૃંગરાજ એટલે કે ભાંગરો. પાઉન્ડીંગ એક્લીપ્ટા પ્રોસ્ટ્રેટા એટલે ભૃંગરાજનું પિષ્ટપેષણ અથવા સરળ ગુજરાતીમાં ભાંગરો વાટવો. અમુક રાજકારણીઓ ભાંગરો વાટવાના મશીન જેવા હોય છે જે બહુ ઓછા સમયમાં લસોટીને મોટો ઘાણ ઉતારી શકતા હોય છે.
 
અભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબનાં નિધનના બે અઠવાડિયા પહેલાં ઝારખંડનાં શિક્ષણ મંત્રીએ એમને જીવતેજીવ અંજલિ આપી દીધી હતી એવા સમાચાર હતાં. દારુ પીને એરહોસ્ટેસનો હાથ પકડનાર મંત્રીનો કિસ્સો જુનો થયો, પણ સુસુ કરીને ડેમ ભરવાની ઓફર આપતાં મંત્રીનો કિસ્સો નવો છે પણ નવાઈનો નથી. ૨૦૧૧માં એસએમ ક્રિશ્ના વિદેશ મંત્રી હતાં ત્યારે યુનોમાં પોર્ટુગીઝ મંત્રીની સ્પીચ વાંચવાની ચાલુ કરી દીધી હતી. તો ૨૦૧૨માં આ કિસ્સો કાનપુરમાં બનેલ. કોલસામંત્રીએ જૂની પત્ની વર્ષો થતાં પોતાનો ચાર્મ ગુમાવી બેસે છે એવું બોલીને પોતાની જીભ કાળી કરી હતી જેનાં કારણે કેટલાય મહિલા સંગઠનો એમનું મ્હો કાળું કરવા તત્પર થયાં હતાં. એક સીનીયર રાજકારણીએ બીજા જાણીતા મહિલા રાજકારણીને ‘સો ટચનો માલ’ જાહેર કર્યા હતા. આ રીતે વાટવા માટે ખાસ લાંબી સ્પીચની જરૂર નથી હોતી, નિર્ભયા કેસમાં ટીવી પ્રસારણ બાદ માત્ર બે શબ્દ ‘ઠીક હૈ?’ માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનજીએ વાટી બતાવ્યું હતું.

ચીની પ્રેસિડેન્ટ જીનપિંગ જયારે ભારતમાં આવવાનાં હતા ત્યારે દુરદર્શનની એક ન્યુઝ રીડરે Xi Jinpingનો ઊલ્લેખ ઈલેવન જીનપિંગ કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડમાં જેમ જ્યોર્જ પાંચમા અને એલીઝાબેથ બીજા હોય છે, આપણે ત્યાં પણ નામ આગળ એકસો આઠ, એક હજાર આઠ જેવા નંબરો લગતા જ હોય છે એટલે સોશિયલ મીડિયા પર કાગારોળ ન થઈ હોત તો આપણી પ્રજા આ ઈલેવનને એક માનવાચક વિશેષણ જ સમજત. જોકે અઘરાં નામને કારણે ઘણા લોકો આવી વિકટ પરિસ્થિતિમાં મુકાતાં હોય છે એ જોતાં આ ન્યુઝ રીડરને સોશિયલ મીડિયા પર સારી એવી સિમ્પથી મળી હતી. આ બાબતે ગુજરાતી ન્યૂઝ રીડર્સ જોકે વધુ નસીબદાર છે એવું ચોક્કસ કહી શકાય. ગુજરાતી સમાચારોએ સ અને શ, અને ળ અને ર વચ્ચેની ભેદરેખા મિટાવી ગુજરાતી ભાષાને ‘શરર’ બનાવી દીધી છે.

ભાંગરો વાટ્યા પછીનુ કામ થયેલ બફાટનો ડેમેજ કન્ટ્રોલ છે. આલિયા  ભટ્ટને યાદ કરો. ફિલ્મોમાં આઈઆઈએમમાં ભણી પૃથ્વીરાજ ચૌહાણને ભારતના પ્રેસિડેન્ટ જાહેર કરનાર આલિયાનાં જોક સોશિયલ મીડિયા પર એટલા ફરતાં થઈ ગયા હતા કે પાછળ એણે ડેમેજ કન્ટ્રોલ પીઆર માટે સારા એવા રૂપિયા ઢીલાં કરીને પ્રમોશનલ વિડીયો ‘જીનીયસ ઓફ ધ યર (જીઓટીવાય-ગોટી) બહાર પાડ્યો હતો. જોકે આમ છતાં તાજેતરમાં યાકુબને હેંગ કરવામાં આવ્યો ત્યારે લોકોને કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવાવાળી જોકમાં આલિયાને જોડી જ કાઢી હતી. આમ ભાંગરો વાટ્યા બાદ વાટ્યા હોય છે. એક સમાન ડીએનએ ધરાવતાં ઘણાં ફિલ્મ સ્ટાર્સ પાછાં આલીયાના આ વીડિયોના સમર્થનમાં આવ્યા હતા. આવો જ બફાટ જેકી ભગનાનીએ નોબેલ પ્રાઈઝ વિનર મલાલાનું નામ મસાલા તરીકે ટ્વીટ કરી કર્યો હતો, પાછળથી વિડીયો બનાવી માફી માંગી હતી, તેમજ પ્રશંસા પણ કરી હતી. જોકે જેની પાસે રૂપિયા ન હોય એવી મહેસાણાની માલતી કે જસદણની જીજ્ઞાસા આવો બફાટ કરે તો એની જિંદગી નર્ક બની જાય એ નક્કી છે.

ડેમેજ કન્ટ્રોલના ભાગ રૂપે ક્યાંક માફી મંગાય છે તો ક્યાંક થૂંકેલું ચાટવામાં આવે છે. પ્રિન્સ ફીલીપે અંગ્રેજીમાં આને માટે ડોન્ટોપેડાલોજી એવો સરસ શબ્દ શોધ્યો છે. ડોન્ટોપેડાલોજી એટલે સ્ટરીલાઈઝ કરેલાં કે વગર કરેલાં, પોતાનાં ખુદનાં ચરણકમળ ઉર્ફે ટાંટિયા, પોતાનાં જ મોઢામાં નાખવાની આવડત અને વિજ્ઞાન !

મસ્કા ફન

ત્રીજું વિશ્વયુદ્ધ માઉસથી લડાશે.

તમે ટળો

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૯-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગાંધીજીએ મુંબઈ ગોવાળિયા ટેંક ખાતેથી કવીટ ઇન્ડિયા (ભારત છોડો) મુવમેન્ટ શરુ કરી. અગાઉ મે મહિનામાં ગાંધીજીએ અંગ્રેજોને આ મતલબની વોર્નિંગ આપી હતી કે ‘અમારા દેશમાં જો અવ્યવસ્થા હોય તો ભલે રહી, પણ હવે તમે વટો’. એ દરમિયાન અંગ્રેજોને પાછું જવા કહેવા સારું કોઈ સારા સ્લોગનની તલાશ ચાલી જેમાં ‘ગેટ આઉટ’ પણ વિચારાયું હતું જે ગાંધીજીને (અંગ્રેજો માટે!) જરા વધારે તોછડું લાગતાં એના ઉપર ચોકડી મુકાઈ હતી. રાજગોપાલાચારીએ રીટ્રીટ કે વિડ્રો જેવું સૂચન કર્યું પણ છેવટે યુસુફ મેહરલી (એ સમયના બોમ્બેનાં મેયર) દ્વારા અપાયેલ ‘કવીટ ઇન્ડિયા’ સ્લોગન અમલમાં મુકાયું જેનાં પરિણામસ્વરૂપ બ્રિટીશરોએ દેશ છોડ્યો. આ અરસામાં મૂળ વિસનગરના પણ ઘાટકોપર-મુંબઈથી સ્વ. નવનીત શાહની રાહબરી હેઠળ અમારા વતન વિસનગરમાં પણ આ આંદોલન ચાલ્યું હતું અને એ ‘તમે ટળો’ તરીકે પ્રચલિત થયું હતું. અમારા વડવાઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ ‘તમે ટળો’ થકી લોકજુવાળ ઉભો કર્યા અંગેની ગૌરવકથાઓ સાંભળીને અમે મોટા થયા છીએ.

આંદોલન એ રીતે ચાલતું કે રોજ વિસનગરના કોઈ ચોક્કસ વિસ્તારમાં અંગ્રેજોને ચેલેન્જ કરી તેમણે દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપતું લખાણ ધરાવતી ભીંતપત્રિકાઓ ચોંટાડી જતું. તમાશાને તેડું ન હોય એ હિસાબે જેમને વાંચતા નહોતું આવડતું એ પણ ‘ભળાતું નહિ પણ જબરું લશ્યું શ’ કરી એ જોવા ભેગા મળતાં. પોલીસ માટે એ નાલેશીની વાત હતી. અને પછી તો પોલીસના પહેરા વચ્ચે, પોલીસનું ધ્યાનભંગ કરીને, પોસ્ટર ચોંટાડવાની મઝા તોફાનીઓમાં ભળી. આ ભીંતપત્રિકાના કુલ ૧૬૭ અંક બહાર પડ્યા. પણ આ બધ્ધાંમાં અમને આ ‘તમે ટળો’ નામ ખુબ ગમી ગયું. માન-સન્માન અને શિષ્ટાચારનાં પુંછડા એવા અંગ્રેજો માટે કેવું વિનયસભર?

આપણી લાઈફમાં એકએક દેખાં દેતાં ગરોળી અને વંદા, મોકો મળતાં ઘુસી જતાં કૂતરા, ચીટકું પડોશી, વણનોતર્યા મહેમાનો, ક્રેડીટકાર્ડ બિલનાં ઉઘરાણી ગુંડાઓ, ઓફિસમાં અવારનવાર કેબિનમાં ઘૂસી આવતાં સહકર્મીઓ, પરાણે મદદરૂપ થનારાથી લઈને લગ્નમાં થર્ડ જેન્ડરને વિનયપૂર્વક માત્ર ‘તમે ટળો’ કહી ભગાડી શકાતાં હોત તો જોઈતું’તું જ શું? મૂળમાં આપણી જીભ જ ઉપડતી નથી. આપણે ત્યાં મરતાંને મર ન કહેવાનો રીવાજ છે, એમાં ટકી ગયેલા ને ટળ કેમ કહેવાય? આ સંજોગોમાં મહેમાનને જે બેડરૂમમાં ઉતારો આપ્યો હોય ત્યાં પોસ્ટર ચોંટાડી અવાતું હોત તો કેવી મઝા પડત?

અને હવે તો ઘણી સગવડ છે. વોટ્સેપ પર પણ મેસેજ કરાય કે ‘ડુડ ઓફિસમાં ગુલ્લી મારીને તારા માટે સસ્તી ખરીદી કરવા ત્રણ દિવસથી રખડું છું, આમાં તને સાડા છ હજાર રૂપિયાની બચત ભલે થઈ હોય પણ હજુ બે દિવસ આ રીતે કાઢીશ તો મારું પંચોતેર હજારનું ઇન્ક્રીમેન્ટ ડુલ થઈ જશે, માટે બિસ્તરા-પોટલા સમેટી આવતીકાલની ફ્લાઈટ પકડ સારું ડીલ જોઈતું હોય તો મને કહેજે, જરૂર પડે મારા ફ્રિકવન્ટ ફ્લાઈંગ પોઈન્ટ વાપરીને પણ તને સસ્તી ટીકીટ અપાવી દઈશ, શું સમજ્યો?’ આ મતલબનો કોઈ મેસેજ ટોઇલેટમાં પણ ચોટાડી શકાય તો કેવું?

પણ આપણા સંસ્કાર આવું કરવા દેતાં નથી. આપણા સંસ્કાર મહેમાનને ભગવાન કે અતિથી માનવાનું કહે છે. અતિથી એટલે જેના આવવાની કોઈ તિથી નક્કી ન હોય તે. અમેરિકામાં અતિથી નથી હોતા. ત્યાં પ્લાન કરીને જ આવે. છ મહિના પહેલાથી લગ્નમાં હાજરીનું આરએસવીપી આપવું પડે. પાછું લગ્ન હોય કે ખાલી મળવા આવ્યા હોય, સાથે ભેટ લઈને આવે. અહીં તો બબૂચકો ખાલી હાથે આવે. બધું રામભરોસે ચાલે. ‘અમદાવાદ જતો તો અને રસ્તામાં થયું કે વડોદરા ઉતરી જઉં, તે ઉતરી ગયો’. ટીકીટનાં રૂપિયાની તો આજકાલ કોઈને પડી જ નથી! આપણે ત્યાં મહેમાનને ભગવાન ગણવામાં આવે છે. એને જવાનું કેમ કહેવાય? એમાં મહેમાન આવે, જમી પરવારી ઘેર પાછા જવાને બદલે રાણા પ્રતાપ કે એવી, ખાસ કરીને તમે ન જોતાં હોવ એવી કોક સિરિયલ જોઇને જવાનું નક્કી કરે, ત્યારે જો આવું કહી શકાતું હોત તો? કે ભાઈસાબ, તમે ટળો ! એમાં આપણે તો એ સિરિયલ જોઇને જતાં રહેશે એવી આશા રાખીને જ બેસવાનું.

મહેમાનો ટળે એવું ઈચ્છવાનાં કારણોમાં માત્ર એમનો બોરિંગ સ્વભાવ જવાબદાર નથી હોતો. ઘણીવાર આખું ફેમીલી પેકેજ નકામું હોય છે. પતિ બોરિંગ હોય, પત્નીમાં જોવા જેવું તો ઠીક, વાત કરવા જેવું પણ કંઈ ન હોય, અને છોકરાં ઘરમાં હોય એ દરમિયાન ઈલેક્ટ્રીસીટીનાં મીટરની જેમ ઘરમાં નુકસાનીનું મીટર ચાલુ હોય. હવે નુકસાની ખાલી ફિઝીકલ નથી રહી, ઈન્ટરનેટનું ડેટા પેક ફ્રી લિમીટની ઉપર ડાઉનલોડ કરી નાખે અને સાડા સત્તર દિવસ પછી આપણને ખબર પડે કે રાસ્કલ રાહુલ ૩૪ જીબીના પિકચરો ડાઉનલોડ કરી ગયો. એટલી દાઝ ચઢે કે ગધેડાએ કહ્યું હોત તો ખરીદીને બધી ડીવીડીઓ અપાવી દેત! પણ સાળીના દીકરાને ગાળ દેવાનો રીવાજ ગુજરાતીઓમાં પ્રચલિત નથી.

ઓફિસમાં ટાઈમ મેનેજમેન્ટ ખુબ અગત્યનું હોય છે. એમાં કોઈ સાથી પોતાનું કામ પતાવીને આપણી કેબીનમાં આવી ચોટી જાય, તો આપણું કામ તો થાય જ નહી ને? આવાને ભગાવવો એ પણ એક કળા છે. મારા એક એક્સ બોસે શીખવાડ્યું હતું કે આવી નોટ કેબિનમાં આવે તો પહેલાં જ આપણે ઉભા થઇ જવું. એને બેસવાની તક જ ન આપવી. કારણ કે જે બેસે છે, એ ચોંટે છે. જોકે સામે જક્કી પાર્ટી હોય તો ક્યારેક એવું બને કે આપણે ઉભાઉભા બોલતાં હોઈએ ને એ આરામથી બેઠાંબેઠા સાંભળે. છેવટે આપણે પણ હથિયાર હેઠાં, એટલે કે તશરીફ ખુરશીમાં નાખવી પડે.

જામી પડનાર પોતાનું કામ આટોપીને ફુરસદે અને મોટે ભાગે ટાઈમપાસ કરવા આપણી પાસે આવે છે. મોબાઈલ-ઈન્ટરનેટનાં જમાનામાં ટાઈમપાસ કરવા માટે કોઈનાં ઘેર કે કોઈની કેબિનમાં જવું પડે તે માણસની ટેકનો-અજ્ઞાનતા કેટલી હશે? પહેલાના જમાનામાં રાજાઓ યુધ્ધમાંથી નવરા પડે તો શિકાર કરવા નીકળતા. શિકારમાંથી નવરા પડે તો અન્ય રાજાઓને જુગાર રમવા બોલાવતાં. આઠ-દસ રાણીઓ તો હોય જ. જામી પડનાર વર્ગ આમાંનો નથી. જેમની પાસે શિકાર કરવાની આવડત કે હોંશિયારી નથી, કે જેમને કોઈ શ્રાવણમાં પણ જુગાર રમવા બોલાવતું નથી તે આમંત્રણની રાહ જોયા વગર પધરામણી કરી નાખે છે. ગુજરાતમાં તો આમ ટપકી પડનાર કોઈનાં કરેલા ‘પોગરામ’ પર પાણી ફેરવે છે. જોકે આમ કોઈ આપણી પ્રાઈવસીની પથારી ફેરવે તેનો બદલો આપણે વહેલા મોડા લઈને જ રહીએ છીએ. માટે પોતાની જાતને ક્લીન-ચીટ આપવાની કોઈ જરૂર નથી. હા, આપણે મહેમાન બનીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે પણ માથે પડેલાં મહેમાન છીએ! એટલે સમજદારી એમાં છે કે કોઈ ‘તમે ટળો’ કહે એ પહેલા વટી જવું! જવાનું તો સૌએ છે, અંગ્રેજો પણ છેવટે ગયા જ હતાં ને!

Sunday, August 02, 2015

તારા માટે ચાંદ તારા તોડી લાવવા

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૨-૦૮-૨૦૧૫

વાયદાની વાત આવે ત્યારે આપણે કાયમ અગત્સ્ય ઋષિને જ કેમ યાદ કરીએ છીએ? અરે ભાઈ, આપણી પાસે ચૂંટણી વખતે કોણીએ વચનોનો ગોળ લગાડી જતા રાજકારણીઓ જેવો તૈયાર માલ પડ્યો છે છતાં પણ આટલે દૂર શું કામ જાવ છો? જોકે પબ્લિકને આમલી પીપળી રમાડનારા બીજા પણ ઘણા છે, તો સામે પક્ષે આપણી પબ્લિક પણ ઓછી નથી. પૂ. રવિશંકર મહારાજ કહેતા કે ‘ઘસાઈને ઉજળા બનો’, પણ આપણી પબ્લિક ત્વચાને ગોરી બનાવવાના વાયદા કરતી ક્રીમની ટ્યુબો ઘસીને ઉજળા થવાનો ટૂંકો રસ્તો અપનાવતા અચકાતી નથી. હજી પણ લોકો નમક, ઓક્સિજન, લીમડો, આદુ, લીંબુ કે ફુદીનાયુક્ત ટૂથપેસ્ટથી તમારા દાંતના બધા કીટાણુંને મરી જશે કે સોડા નાખેલી અમુક તમુક ચ્યુઈંગમથી તમારા દાંત માત્ર ઉજળા જ નહીં પરંતુ એટલા પ્રકાશિત થઇ જશે કે એના અજવાળામાં તમે ભૂવામાં પડ્યા હશો તો બહાર નીકળવાનો રસ્તો જોઈ શકશો, એવા વાયદા કરતી કંપનીઓને ખટાવતા રહે છે. એવું લાગે છે કે આપણે ત્યાં કદાચ બધા વેપાર ધંધામાં મંદી આવશે પણ વાયદાનો વેપાર હંમેશા તેજીમાં રહેશે. 

કામ કઢાવવા માટે કે પોતાનો હેતુ પાર પાડવા માટે ગજા બહારના વાયદા આપવાની પ્રથા નવી નથી. પ્રેમીજનોમાં તો આવું ખાસ. એમની સમક્ષ શેણીને પામવા માટે સસરાને હજાર નવચંદરી ભેંશોનું નજરાણું આપવા તૈયાર થયેલા વિજાણંદનું ઉદાહરણ હોય છે. આમ પણ આજકાલ ગર્લફ્રેન્ડને જાળવવાનું કામ હજાર નવચંદરી ભેંસો ભેગી કરવા જેટલું જ દુષ્કર છે એટલે છોકરાઓ વખત આવ્યે ‘वचनेषु किम दरिद्रता’ના ધોરણે આસમાનના ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી નાખતાં હોય છે. ખરેખર તો અત્યારે જે ઉમરે છોકરાંઓ પ્રેમમાં પડતા હોય છે એ ઉમરે ગીફ્ટમાં બોરિયા, બક્કલ અને હેર પીન આપવા કે મમ્મી ભોળી હોય તો ડીનર અને મલ્ટીપ્લેક્સમાં મુવી બતાવવાથી વધુ કોઈની હેસિયત હોતી નથી. પણ પ્રેમના મામલામાં મૂળ વાત ભાવનાની હોય છે છોકરીઓ પણ બધું જાણતી હોય છે. છોકરાઓ પણ ભેટ આપવાનું વચન આપ્યા પછી સલામતી ખાતર ‘Conditions apply’ કે પછી રામ ભરોસે હોટેલ જેવું ‘જે ચીજ તૈયાર હશે તે મળશે, વેઈટરો સાથે તકરાર કરવી નહિ’ એવું કંઇક આડકતરું કહી જ રાખતા હોય છે. એક થીયરી એવી પણ આગળ કરવામાં આવે છે કે વચન આપવું તો ઊંચું આપવું. એન્ટિલામાં મુકેશ કાકાને ઘેર ત્રણ દિવસને ચાર રાતનું પેકેજ ઓફર કરવું કે વ્હાઈટ હાઉસમાં મિશેલ-ઓબામાં સાથે કોફી પીવાનું સેટિંગ પાડીશ વગેરે જેવું કૈંક પ્રોમિસ કરવું. એમાંય રીંગ સેરીમનીમાં જમરૂખને ‘રઈસ’ના પ્રમોશન માટે બોલાવવાનું પ્રોમિસ સુપ્રીમ છે.

આવા પ્રોમિસ પાછી એ વ્યક્તિ છોડતી હોય જેને કબીર બેદી અને કિરણ બેદી વચ્ચેનો ફેર પણ ખબર ન હોય. જે પોતે કદી ડોમેસ્ટિક ફ્લાઈટમાં ન બેઠો હોય, જેને કમરની તકલીફને લીધે ડોકટરે વજન ઊંચકવાની ના પાડી હોય અને જેને ઊંચાઈથી ડર લાગતો હોય એવા લોકો પણ ચાંદ તારા તોડી લાવવાની વાત કરતાં હોય છે. દિવંગત લોકપ્રિય રાષ્ટ્ર પ્રમુખ ડૉ. કલામ કહેતા કે સપનું જુઓ એવું જુઓ કે જે તમને સુવા ન દે. અમને આ વાત પ્રોમિસ માટે પણ સાચી લાગે છે. એટલે પ્રોમિસ આપો તો એવું આપો કે તમને પોતાને એ પ્રોમિસ કેમનું પૂરું કરીશ એવી ચિંતા રહે અથવા પ્રોમિસ એવાને આપો કે જેણે ‘કોણીએ ગોળ’ વાળો રૂઢિપ્રયોગ સાંભળ્યો ન હોય.

વચનો ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં હોય છે. ટૂંકાગાળાના વચન આપવા જોખમી હોય છે. મુંબઈ અમદાવાદ વચ્ચે વધુ એક ટ્રેન તાત્કાલિક ચાલુ કરાવવા કરતાં અમુક-તમુક વર્ષો પછી બુલેટ ટ્રેન ચાલુ કરાવવાનું પ્રોમિસ આપવું સહેલું છે. એટલે જ લાંબા ગાળાના વચનોમાં બાબા લાખ, તો સામે બચ્ચા સવા લાખ કહેવામાં ઘડીનો વિલંબ ન કરવો.

શેરબજાર એ વાયદાનો વેપાર છે. કોમ્પ્યુટર આવ્યું એ પહેલા શેરબજારમાં હાથના ઇશારાથી સોદા થતાં હતા. દિવસમાં લાખો રૂપિયાનો માલ ઈશારામાં આપ-લે થઇ જતો. વ્યવહારમાં આવું થતું નથી. ગર્લફ્રેન્ડને ‘જા દસ તોલાનો હાર આપ્યો’, અને સાંજે ભાવ ફેર થાય ત્યારે પાછો લઈને નફો બુક કરાતો નથી. એમાં તો ડીલીવરી કરવી પડે છે. મૂળ તકલીફ ત્યાં છે. જોકે વાયદો આપ્યા પછી જવાબદારીમાંથી છટકવાનો એક અમદાવાદી બ્રાન્ડ અકસીર મંત્ર છે – ‘કોને આપ્યા અને તમે રહી ગયા?’

આપવાવાળાની શાખ સારી ન હોય તો લેવાવાળો ભાગતા ભૂતની ચોટલી લેખે જે મળે તે લઈ લેવામાં માને છે. બધા ભગવાન શ્રીકૃષ્ણ નથી હોતાં કે જે મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને ન્યાલ કરી દે. અહીં તો આપવાનું આવે ત્યારે ફૂલ તો નહિ જ અને ફૂલની પાંખડી જ આપવાની, અને એ પણ ફૂલબજારમાં સાફસૂફી ચાલતી હોય ત્યાંથી ઉઠાવીને બારોબાર પધરાવે એવા નમૂના હોય છે. અમુક નંગ અમિતાભ બચ્ચનની ફીલ્મ ‘શરાબી’ના આ ડાયલોગ તૌફા દેનેવાલે કી નિયત દેખી જાતી હૈ, તૌફે કી કીમત નહિ... નો દુરુપયોગ કરી રિસેપ્શનમાં આઠસો રૂપિયાની ડીશ જમ્યા પછી રોકડ ચાંલ્લો કરવાના બદલે સુખી દામ્પત્યજીવન માટે લાખ રૂપિયાની સલાહો આપતી રૂપિયા પંચાવનનાં મૂલ્યની પુસ્તિકાઓ ગરબડીયા અક્ષરે સહી કરીને પકડાવી જાય છે. આ અમુલ્ય હસ્તાક્ષરને પરિણામે એ પુસ્તિકા રિસાયકલ કરી બીજા લગ્નમાં ઠપકારવાની આશા પર પાણી ફરી વળે છે.

હિન્દીમાં જોકે એવું કહે છે કે ઉમ્મીદ પર દુનિયા કાયમ હૈ. એટલે જ હથેળીમાં ચાંદ દેખાડનાર છે તો જીવનમાં કંઈક આશા રહે છે, બાકી હાથની રેખાઓને ભરોસે રહીએ નર્વસનેસને કારણે ભીની થયેલી હથેળીથી કપાળ કુટવાનો જ વારો આવે ! 

મસ્કા ફન

એમાં મત છે, એટલે અનામત છે.

આપણે રહસ્યપ્રિય છીએ

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૨-૦૮-૨૦૧૫ | અધીર અમદાવાદી |

મારી આગળ એક છોકરી ચાલતી જતી હતી. એની ચાલ પરથી લાગતું હતું કે એણે ક્યાં જવું છે એ એને ચોક્કસ ખબર છે. એણે લેમન યેલો કલરનો ચુસ્ત પંજાબી ડ્રેસ પહેર્યો હતો જેમાંથી શરીરના વળાંકોની આસાનીથી નોંધ લઈ શકાય. એનાં ખભા ઉપર ક્રિમસન રેડ કલરનું પર્સ લટકાવેલું હતું. પર્સમાં કોઈ બોથડ પદાર્થ હોય તેવું જણાતું હતું. એનાં વાળ છુટ્ટા હતા, પણ છતાં કાનમાં પહરેલી સિલ્વર રંગની ઓક્સીડાઈઝ બુટ્ટી દેખાતી હતી. પાછળથી એ બેહદ ખુબસુરત લાગતી હતી. હું એનો ચહેરો કેવો દેખાતો હશે એ અંગે હજુ અંદાજ બાંધુ તે પહેલાં અચાનક એ ડાબી તરફ વળી. સામે જ એક શોરૂમ હતો. એ શો રૂમમાં ઘુસી ગઈ. જાણે કોઈ અગમ બળ ખેંચી જતું હોય એમ હું એની પાછળ પાછળ શોરૂમમાં ગયો. પણ અંદર દાખલ થતાં જ હું એકદમ ચકિત થઈ ગયો. આગળની વાત આવતાં અઠવાડિયે ! પ્રોમિસ ! માધુરીના સમ !

સાચું કહો, ગુસ્સો આવ્યો ને? પણ જો તમે ટીવી પર સીરીયલ જોતાં હશો તો ચોક્કસ અમને માફ કરી દેશો. કારણ કે એમાં ડગલે અને પગલે આમ સસ્પેન્સ ઉભું કરીને પછી વધુ આવતા અંકે લટકાવી દેવામાં આવે છે. રામાયણ અને મહાભારત જેવી સિરિયલોમાં તો આગળ શું બનવાનું છે એ દર્શકોને ખબર હોવા છતાં સિરિયલ બનાવનાર સફળતાપુર્વક દર્શકોને આવતાં અઠવાડિયા માટે અંકે કરી લેતાં હતા. 
 
પણ આ આખી વાત બાહુબલિ નામની ફિલ્મનાં કારણે ઉભી થઈ છે. આ ફિલ્મ ખાનસાહેબોનાં બનાવેલા બોક્સ ઓફિસ રેકોર્ડ્સ અને મનોબળ તોડી રહી છે. બાહુબલિ ફિલ્મમાં એક પ્રશ્ન લટકતો મુકાયો છે, કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો? આનો જવાબ ફિલ્મના બીજા ભાગમાં મળશે. આજકાલ સોશિયલ મીડિયા પર આ સસ્પેન્સ બાબતે અનેક અટકળો થઈ રહી છે. કારણ કે મૂળભૂત રીતે આપણે રહસ્યપ્રિય છીએ.

જિંદગી ખુદ એક સસ્પેન્સ છે. આવું પ્લેટોએ નથી કહ્યું, આવું અમે કહીએ છીએ. સસ્પેન્સની શરૂઆત ગર્ભધારણથી થઈ જાય છે. હિન્દી પિકચરમાં તો આ સમાચાર જયારે હિરોઈન હીરોને આપે ત્યારે ક્યાં તો ખુશીના માર્યા બેકગ્રાઉન્ડમાં તંબુરા તતડવા લાગે છે, અથવા આકાશમાંથી વીજળી પડે છે - હિરોઈન કે હિરોઈનનાં બાપના માથા પર જ તો ! તંબુરાવાળા કિસ્સામાં વાત આગળ વધીને બાબો આવશે કે બેબી આવશે એ સસ્પેન્સ ઉપર ઉભી રહે છે. એટલું જ નહિ ક્યારે આવશે એ પણ એક સસ્પેન્સ હોય છે. આ સસ્પેન્સ પાછું ક્યારેક વહેલું કે મોડું ખુલે છે. ક્યારેક બેબી વહેલી આવીને ઘરમાં દોડાદોડી કરાવી દે છે. એ પછી કઈ સ્કુલમાં એડ્મિશન મળશે, એટીકેટીમાંથી આ વખતે ક્લીયર કરશે? નોકરી મળશે? તડબુચ મીઠું નીકળશે? કેવી છોકરી મળશેથી લઈને સાંજે ઘેર આવીશ તો ચા મળશે કે નહિ મળે જેવી બાબતોમાં સસ્પેન્સ આપણો પીછો છોડતું નથી.

હિન્દી ફિલ્મોમાં તો હીરો વિલનનો પીછો કરે ત્યારે એ વિલનને પકડી શકશે કે કેમ એ સસ્પેન્સ હોય છે, જે મોટા ભાગે બધાને ખબર હોય છે. કે પકડી પાડશે. આથી વિરુદ્ધ જયારે વિલન હીરો કે હિરોઈનની પાછળ પડ્યો હોય ત્યારે એ બચીને ભાગી શકશે કે કેમ એ જોનાર માટે એક સસ્પેન્સ હોય છે. આમ તો બીબાઢાળ ફિલ્મો જોવામાં રૂપિયા વસુલ થશે કે કેમ એ સસ્પેન્સ કાયમ પ્રજાને સતાવે છે.

સસ્પેન્સ ફિલ્મ જોવામાં સૌથી વધારે ડર વિલનનો નથી લાગતો. કોથળામાંથી બિલાડું નીકળે એનો લાગે છે. પોપોકોર્નને બાદ કરતાં માથાદીઠ દોઢસો ખર્ચીને મલ્ટીપ્લેક્સ ગયા હોઈએ અને ઉત્સાહથી સસ્પેન્સ અંગે ધારણા કર્યા બાદ અંતે ખબર પડે છે કે, અલા સસ્પેન્સ તો મધ્યાહ્ન યોજનામાં પીરસાતાં ભોજન જેવું, ગળે ઉતરે નહિ તેવું, છે. સરકારનું બજેટ પણ એક ભારે સસ્પેન્સ થ્રીલર જેવું હોય છે. બજેટનું સસ્પેન્સ સમજવા માટે વિશ્લેષકોની મદદ લેવી પડે છે. નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને બોનસ બાબતે કંપની છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખતી હોય છે, અંતે તો એકાદ-બે ચમચાનાં કોથળામાંથી ઘઉં ચોખા નીકળે છે, બાકીનાઓનાં કોથળામાંથી બિલાડું નીકળે તેને પરાણે મ્યાઉ-મ્યાઉ કરીને રમાડવું પડે છે.

ગુલઝારજીએ લખ્યું છે કે ‘આપકી આંખોમે કુછ મહેંકે હુએ સે રાઝ હૈ’. ગુલઝાર સહીત બીજાં અગણિત કવિઓને હસીનાઓની આંખોમાં રાઝ જણાય છે. જોકે કવિ અહીં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આ આઈટમ અઘરી અને સમજાય નહીં તેવી છે. એટલે જ એનાં ભૂતકાળ વિષે જાણવાની કોશિશ કરવી નહિ. એ મનોમન શું ઈચ્છે છે તે જાણવાની કોશિશ કરતાં હોઈએ એવો દેખાવ જરૂર કરવો, પણ એમ કરવામાં ખોટું પેટ્રોલ બાળવું નહિ. કારણ કે સ્ત્રીના મનને રજનીકાંત પણ સમજી શક્યો નથી, આપણે તો સામાન્ય માણસ છીએ.

સ્ત્રીઓની બાબતમાં અન્ય એક વાત પણ નોંધવા લાયક છે. બ્રિટનમાં ૩૦૦૦ સ્ત્રીઓ પર થયેલા એક અભ્યાસ મુજબ સ્ત્રીઓ કોઈ પણ વાત ૪૭ કલાકથી વધુ પોતાનાં પેટમાં નથી રાખી શકતી. બ્રિટન કરતાં ભારતમાં સોશિયલાઈઝિંગ વધારે હોઈ ભારતીય સ્ત્રીઓ કદાચ ૪૭ કલાકને બદલે ૨૪માં વટાણા વેરી નાખતી હશે. ટૂંકમાં કહીએ તો સ્ત્રીઓ સસ્પેન્સ સાથે જીવી નથી શકતી, એ ન બોલે તો એમનું તાળવું બોલે છે. ખાલી બોલતું નથી, બોલબોલ કરે છે!

એલીસ્ટર મેકલીનનાં ‘નાઈટ વિધાઉટ એન્ડ’ અને ‘વ્હેર ઇગ્લ્સેવ ડેર’ જેવા અશ્વિની ભટ્ટ અનુવાદિત પુસ્તકોથી અમારી સસ્પેન્સ થ્રીલર યાત્રા શરુ થઈ હતી. અંગ્રેજીમાં આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મો અને શેરલોક હોમ્સની વાર્તાઓ. જૂની હિન્દી ફિલ્મોમાં ‘વોહ કોન થી?’, ‘ગુમનામ’, ‘બીસ સાલ બાદ’ ‘બાત એક રાત કી’, ‘ઇત્તેફાક’ જેવી મઝાની સસ્પેન્સ ફિલ્મો. આ બધામાં એક વાત કોમન હતી. લગભગ દરેકમાં ફિલ્મમાં સસ્પેન્સ સાવ છેલ્લે ખુલે છે! એક જમાનામાં સસ્પેન્સ ફિલ્મનું સસ્પેન્સ જેણે ફિલ્મ ન જોઈ હોય એને કહી દેવાની મઝા પણ કંઈ ઓર જ હતી. આજે એ સ્પોઈલર કહેવાય છે. જોકે પાંડુ પુત્ર સહદેવ કદી સસ્પેન્સ ફિલ્મ જોવા જતો નહિ હોય કારણ કે એને બધા જ સસ્પેન્સ પહેલેથી જ ખબર પડી જતાં હશે. આ તો એક વાત છે !

આમ તો મૌન પણ સસ્પેન્સ ઉભું કરે છે, બોલવામાં બાહોશ એવા પ્રધાનમંત્રી મૌન રાખે ત્યારે તો ખાસ ! વિરોધપક્ષની આ ખૂબી અમને ગમી. આપણા પ્રધાનમંત્રી બોલે ત્યારેય એનો વિરોધ કરે છે અને મૌન રહે ત્યારે પણ !