Wednesday, August 30, 2017

કાકાઓના અધિકારો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૩૦-૦૮-૨૦૧૭

કાકા અને કાકી બહાર જવાના હતા. કાકી તૈયાર થતાં હતા એટલામાં લાઈટ ગઈ. કાકીએ પાઉડરને બદલે કંકુ મોઢા પર ચોપડી દીધું. કાકી તૈયાર થઈને બહાર આવ્યા અને કાકાને પૂછ્યું “હું કેવી લાગુ છું?” કાકા કહે “પોસ્ટ ઓફીસના ડબ્બા જેવી”. આ ધોળાવીરા જોકમાં કાકાની સેન્સ ઓફ હ્યુમર ઉંચી બતાવી છે. પરંતુ અત્યારે આવી જોક મુકો તો મહિલા અધિકારવાળા નાકના ટીચકા ચઢાવે. પરંતુ અમારું માનવું છે આવા જોક કાકીઓના ન જ બને. ધારો કે બનાવવા જઈએ તો શું થાય? એક કાકા ડાઈ કરતા હતા. એટલામાં લાઈટ ગઈ. ડાઈ માથાને બદલે મોઢા પર લગાડી દીધી. પછી કાકા અને કાકી રિસેપ્શનમાં ગયા. ત્યાં લોકોએ કાકાનું ધ્યાન દોર્યું. હાસ્તો, કાકાઓ તૈયાર થઈને કાકીને પૂછે કે ‘હું કેવો લાગુ છું” એવું જોકમાં પણ શક્ય નથી. અને કાકીઓ કાકાના મોઢા તરફ નજર કરે, એ પણ એટલું જ ભૂલ ભરેલું છે. એક્ચ્યુઅલી કાકાઓ ઉપેક્ષિત છે. મહિલાઓ, બાળકો, દિવ્યાંગ, માઈનોરીટી, અને બંને તરફના શૌચાલયમાં પગ નાખનારાઓના અધિકારો માટે લડનારા અનેક છે. પરંતુ જુના જોક્સમાં, જૂની ફિલ્મો અને સીરીયલોમાં આવતા, અને જેમના ‘જોક્સો’ સાંભળીને એક જનરેશન મોટી થઈ એ કાકાઓના હક વિષે કેમ કોઈ વાત નથી કરતુ?

એક જમાનામાં મિમિક્રી આર્ટીસ્ટ તરીકે ઓળખાતા આપણા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સની સર્કિટમાં કાકાઓ હિટ હતા. એમાં પણ અમદાવાદના કાકાઓ પાછાં ટોપ ઉપર. વિનોદ જાની, મહેશ શાસ્ત્રી, કાંતિ પટેલ, દિનકર મહેતા, મહેશ વૈદ્ય અને દિનેશ શુક્લ જેવા કલાકારોએ જે કાકાઓની ઓળખાણ આપણા સમાજને કરાવી, એ આજના લાલુ જેવા ચાલુ માણસની પણ અણી કાઢે તેવા, અને ઉસ્તાદીમાં નાગા બાવાનું પણ ખિસ્સું કાપી લે એવા હતા. એમની કાકાગીરી આગળ ભલભલા ખાં સાહેબો હથિયાર હેઠા મૂકી દેતા. અનુ મલિક અને કમાલ આર. ખાન જેવા પકાઉ લોકો તો હમણાં હમણાં જાણીતા થયા, બાકી અસલના કાકાઓનું ઈન્સ્ટન્ટ દહીં કરી આપતા! ‘બહાર નેકરવાની એન્ટ્રી ક્યોં આઈ બકા?’ એવું અમને એક કાકાએ પૂછેલું, જેનો જવાબ અમે આજે પણ શોધીએ છીએ. શહેરના અડધા પાગલો એટલે કે બ્રાન્ડેડ પાગલોની કુલ સંખ્યાના અડધા, અને બાકીના છુટ્ટા ફરતા અર્ધપાગલો એ કાકાઓની દેણ છે એવું હજુ મનાય છે. એ સમયના પ્રવર્તમાન માનાંકોની મર્યાદામાં રહીને આવતી જતી મંગળાગૌરી કે કુસુમલતાઓ સાથે શિષ્ટ અને મધુર પ્રેમાલાપ કરવો એ કાકાઓમાં હીટ પ્રવૃત્તિ હતી! જવાનિયાઓને પણ બે વસ્તુ શીખવા મળતી. અને આજે?

જુના ધોતિયાધારી કાકાઓની સામે આજે દીકરી કે વહુની ડીલીવરી માટે પત્નીના થેલા ઉપાડી વિદેશ જતાં કાકાઓ પછી છો ને સોશિયલ મીડિયા પર જીન્સ પહેરીને લાસ વેગાસમાં ફરતા દેખાય, પણ અત્યારના કાકાઓમાં પહેલા જેવી મજા નથી. અસલના કાકાઓએ ઉસ્તાદી, તીક્ષ્ણ હાસ્યવૃત્તિ અને હાજરજવાબીપણાને લઈને કાકાત્વને (નવો શબ્દ છે લખી રાખજો) નવી ઊંચાઈઓ બક્ષી હતી. આજકાલ તો એવા કાકાઓ માઈનોરીટીમાં છે. અમને તો ભય છે કે અત્યારની પેઢી જો કાકાઓના મૌલિક અધિકારોનું રક્ષણ નહિ કરે તો આ આખી પ્રજાતિ લુપ્ત થઇ જશે! સમાજમાં આવા કાકાઓનો પુરવઠો જળવાઈ રહે એ માટે કાકાઓએ સ્વયં જાગૃત થવું પડશે. આપણી કાકા સંસ્કૃતિ એ આજના સમયની માગ છે.

આ ઘટનાક્રમમાં કાકાઓનો દોષ નથી. બધું કાળની થપાટોને કારણે થયું છે. અમદાવાદની જ વાત કરીએ તો પોળનું જીવંત વાતાવરણ છોડીને નદી પારની સોસાયટીઓ અને ફ્લેટોમાં રહેવા ગયેલા કાકાઓ એમનું કાકાત્વ જાણે વચ્ચે આવતી સાબરમતીમાં વહેતા નર્મદાના પાણીમાં પધરાવતા આવ્યા હોય એવું ચોક્કસ લાગે છે.

કાકાઓ વ્યાજના વ્યાજ એટલે કે છોકરાંના છોકરાં માટે ઘેલા હોય છે એ વાત સાચી. એટલે જ એ બાબાના બાબાને નર્સરીમાં એડમીશન મળે ત્યારથી એને લેવા-મુકવા જવાનું હરખભેર ઉપાડી લે છે. પણ, એનો મતલબ એ નહીં કે બધા કાકાઓને બધા સમયે આ કામ માથામાં મારવામાં આવે. વહુ સવાર-સવારમાં બેઠી બેઠી વોટ્સેપમાં ગુડાય ને બચારા કાકાઓ છોકરા મુકવા જાય એ ક્યાંનો ન્યાય? આવું જ બેન્કના કામનું છે. ઘરનાં જ નહીં, પડોશમાં પણ હુતોહુતી બેઉ નોકરી કરતા હોય, તો એ લોકો પણ ‘અંકલ પ્લીઝ આટલી એન્ટ્રી પડાવતા આવજો ને’ કહી બિન્ધાસ્ત રીતે કાકાઓને પાસબુક પકડાવી દેતા હોય છે. અંકલ બની મહાલતા આપણા આ કાકાઓને બની શકે કે બેન્કમાં આંટો મારવામાં કદાચ મઝા પણ આવતી હોય, પણ એનો મતલબ એ નથી કે એમને માથે આવા કામ મારવામાં આવે! આવા કાકાઓને જોઇને કોણ માને કે એક જમાનામાં કાકાઓનું ઘરમાં એકહથ્થુ શાસન રહેતું અને એમની સામે ચૂં કે ચાં કરવાની કોઈની હિમ્મત નહોતી?

આ સંજોગોમાં હવે જરૂર છે કાકાઓએ આત્મસન્માન ખાતર જાગૃત થવાની. એકલા ન કરી શકે તો પોતાના જેવા અન્ય કાકાઓને ભેગા કરી આંદોલન કરવાની. જરૂર છે વોટ્સેપ પર લોકોને બોરિંગ ગુડ મોર્નિંગ મેસેજ અને પેન્શનના સર્ક્યુલરો ફોરવર્ડ કરવાનું બંધ કરીને રસિક કાકાઓનું શૌકિન ગ્રુપ શરુ કરવાની. જરૂર છે બાંકડે બેસીને સની દેઓલ અને પૂનમ ધિલોનને બદલે સની લીઓની અને પૂનમ પાંડેની ચર્ચા કરવાની જરૂર છે. જરૂર છે બરોડા ટુ બેંગકોક ટુર કરવાની. હવે તમે એમ કહેશો કે આવા અવળા અને અનૈતિક આઈડિયા ન આપવા જોઈએ. કેમ? અનૈતિક કામ કરવાનો અધિકાર ફક્ત યુવાનોનો જ છે? કાકાઓનો નહીં? ઉંમર વધે એટલે હસીન ગુના કરવાના છોડી દેવાના? બિલકુલ નહિ. કાકાઓ તમે આગળ વધો, કંઈ થાય તો અમે બેઠા છીએ.

મસ્કા ફન

‘કંઈ થાય તો અમે બેઠા છીએ’ કહેનારા સમય આવ્યે ઉભા થતા નથી.

Wednesday, August 23, 2017

માણસ માત્ર ભૂખને પાત્ર

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૨૩-૦૮-૨૦૧૭

૨૯ મે ૧૯૬૪ના રોજ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈજીએ સંસદમાં નહેરુજીના ભય અને ભૂખ વગરના વિશ્વની કલ્પનાને યાદ કરી હતી. માનવજાતને મળેલી પેટની ભેટને કારણે ભૂખ વગરનું ભારત અમને તો આજે ૬૩ વર્ષ પછી પણ શક્ય લાગતું નથી. ભારત તો જવા દો, ભૂખ વગરનું બ્રિટન કે અમેરિકા પણ શક્ય નથી. કારણ કે માણસ માત્ર ભૂખને પાત્ર. કદાચ અટલજીની વાત ભૂખમરા અંગે હશે.પરંતુ બધા એવું માને છે કે પેટને કારણે જ બધા શૂળ ઉભા થાય છે. ચોળીને કે ચોળ્યા વગર. એટલે જ્યાં સુધી પેટ છે ત્યાં સુધી ભૂખ રહેશે.

પેટ નામનો કોથળો કે જેમાં બીજા અવયવો ભર્યા છે, એનું મુખ્ય કામ પાચન ક્રિયા છે. આંખો અને નાક ખાવા લાયક ચીજવસ્તુ નક્કી કરવાનું, હાથ ઉઠાવવાનું, મ્હોં ખાવાનું અને પેટ પાચનનું કામ કરે છે. પરિવારના બધા સભ્યોનું ભરણપોષણ વાલિયાએ લુંટેલા રૂપિયામાંથી થતું હોવા છતાં એના પાપમાં જેમ એ લોકો ભાગીદાર નહોતા; એમ આંખ, હાથ, મ્હોં બધાં ખાવાની ક્રિયામાં ભાગીદાર હોવા છતાં જાણે સઘળું પાપી પેટ માટે થતું હોય એવું માનવામાં આવે છે. જોકે શરીરના મધ્ય ભાગ એટલે કે સેન્ટરમાં હોવાથી પેટને જેટલું મહત્વ મળે છે તેટલું ગામના છેવાડે આવેલા પગની પાની કે અંગુઠાને (અગ્નિદાહ સિવાય) નથી મળતું એ હકીકત છે.

અંગ્રેજીમાં પૅટ એટલે પાલતું પ્રાણી. ગુજરાતીમાં પેટ એ એક શરીરનું અંગ છે. જયારે પેટ પાળવામાં આવે અને એ ફુલાઈને ફાળકો બને ત્યારે એ ફાંદ કહેવાય છે. ફાંદ નિરાકાર નથી. ડુંટીને કેન્દ્ર તરીકે સ્થાપી ફાંદ ચારે બાજુ ગોળીની માફક વિસ્તરે છે. ફાંદ બધા અંગોમાં અગ્રેસર છે, ખાસ કરીને દરવાજામાંથી પસાર થાવ ત્યારે ફાંદ દરવાજાની પેલી બાજુ સૌથી પહેલી પહોંચે છે. ફાંદ હોય એ વધારે ખાય છે કે વધારે ખાતો હોય એને ફાંદ પ્રગટે છે; આ બેમાંથી કયું વિધાન વધુ યોગ્ય ગણાય એ અંગે તર્કશાસ્ત્રમાં મતમતાંતર જોવા મળે છે. પેટનું ઓપરેશન કરવાનું આવે ત્યારે પેટમાં અંદર પહોંચવામાં પડતી તકલીફને લઈને ફાંદવાળા પેશન્ટ પાસે વધારે રૂપિયા લેવા જોઈએ એવું ડોક્ટર લોકો ઓપરેશન થિયેટરમાં બબડતા સાંભળવા મળે છે. આમ છતાં ફાંદ એ સમૃદ્ધિની નિશાની ગણાય છે. લીટરલી. સમૃદ્ધિ સાથે ઘણીવાર ઈગો આવે છે. ફાંદ અને ઈગો ન નડે તો બે જણા આસાનીથી ભેટી શકે છે. 
 
એક સંસ્કૃત સૂત્રમાં કહ્યું છે કે आचारम् कुलमाख्याति, वपुराख्याति भोजनम्. અર્થાત મનુષ્યના આચરણ પરથી એનું કુળ જણાઈ આવે છે તથા તેની દેહયષ્ટિ પરથી તેની ભોજન રૂચી વિશેનો અંદાજ લગાવી શકાય છે. અહિ આચરણવાળી વાત તો સમજી શકાય પણ શરીર પરથી વ્યક્તિની ખોરાક અંગેની પસંદગી અંગે ધારણા કરવા બાબતે થોડું વિચારવું પડે એમ છે. જેમ કે વ્યક્તિ બપ્પી લાહિરી જેવી કદકાઠી ધરાવતી હોય તો દેખીતી રીતે જ એ વ્યક્તિ અચૂક ભોજનપ્રિય હોવાની. પણ સાવ ખેંપટ અને બાલકુંજર એટલે કે મદનિયાની વચ્ચેની કક્ષામાં આવતા જાતકો તમને ભૂલ ખવડાવી શકે છે. એમાં ગદા આકારનું ફિગર ધરાવતા પુરુષો મુખ્ય છે. એમના પગ પાતળા પણ પેટ વિશાળ હોઈને દેખાવે ઉભી મુકેલી ગદા જેવા લાગતા હોય છે. એમને દૂરથી જુઓ તો પાણીની ટાંકી જેવા લાગે અને રંગીન શર્ટ પહેર્યું હોય તો બરફ ગોળા જેવા લાગે. શર્ટ પેન્ટમાં ‘ઇન’ કરવું કે ‘આઉટ’ રાખવું એ એમની મોટી સમસ્યા હોય છે. કારણ કે જો ઇન રાખે તો કોનમાંથી બહાર ઢોળાતા આઈસ્ક્રીમ જેવું પેટ પેન્ટની બહાર દેખાઈ આવે અને જો આઉટ શર્ટ રાખે તો એમના પાતળા પગ અને દૂર ઝૂલતા શર્ટને કારણે ખુલેલી છત્રી જેવા લાગે.

ભોજનની જેમ સુખ અને ફાંદને સીધો સંબંધ હોવાનું જણાઈ આવે છે. જેને અવતરણ ચિન્હોમાં ‘સુખી’ થવું કહે છે એ પરિસ્થિતિ આવે એ પહેલાં ફાંદ કળી અવસ્થામાં હોય છે. સુખ નામનું ખાતર મળ્યા પછીએ ફૂલ ફટાક ફાંદ બને છે. કેરીનો રસ, પૂરી અને ઢોકળાના જમણ પછી પડ્યા પડ્યા ફાંદ ઉપર હાથ ફેરવનારને પોતાની માલિકીના પ્રાઈમ લોકેશન પરના પ્લોટ ઉપર લટાર મારવા સમો આનંદ પ્રાપ્ત થાય છે. કહે છે કે ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહિ છુપતે. આ ઉક્તિમાં અમે ફાંદનો ઉમેરો કરવા માંગીએ છીએ. મેકઅપથી ખીલને સંતાડી શકાય છે પણ ફાંદને નહિ. આમ એકવાર પેટ ફાંદ બને પછી એને ફરી પેટ બનાવવા માટે અનેક યત્ન કરવા પડે છે, જેમાં જિંદગી પૂરી થઈ જાય છે. એમાં કારણ માત્ર એટલું કે આપણે ત્યાં ડાયેટિંગના કાર્યક્રમો હમેશા આવતીકાલથી શરુ થતા હોય છે.

એવું કહેવાય છે કે પુરુષના હ્રદય સુધી જવાનો રસ્તો એના પેટમાં થઈને જાય છે. તો પછી કાર્ડિયોલોજીસ્ટ લોકો ફીમોરલ આર્ટરીના રસ્તે એન્જીયોગ્રાફી શુ કામ કરતા હશે, એ સમજાતું નથી. સાંકડી શેરીમાં રીક્ષા ફેરવવાની મજા આવતી હશે એમને? બાકી જેણે પણ આ પેટ સુધીના રસ્તાવાળું ક્વોટ આપ્યું છે એણે પાણીપુરીની લારી કે રોડ-સાઈડ પર ભાજીપાઉં દબાવતી સ્ત્રીઓને જોઈ જ નહીં હોય. ખરેખર તો વર્ષોથી સ્ત્રીઓએ રસોડા પર એકહથ્થુ કબજો શા માટે જમાવી રાખ્યો છે એ વાત હજુ પણ લોકોને સમજાઈ નથી. ઉપરથી પુરુષોએ પણ રસોડામાં જવું જોઈએ એવા આંદોલનો ચલાવે છે! અરે, પુરુષોને તો બચારાને કોઈ રસોડામાં ઘુસવા જ દેતું નથી. આખિર પાપી પેટ કા સવાલ હૈ!

મસ્કા ફન જો અડધી રાત્રે ખાવાની જરૂરીયાત જ ન હોય તો પછી ફ્રીજમાં લાઈટ શું કામ મુકતા હશે? છે કોઈ જવાબ?

Wednesday, August 09, 2017

હાજર-ગેરહાજર


કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૯-૦૮-૨૦૧૭

ગયા સપ્તાહમાં રાજ્યસભામાં સચિન તેંદુલકરની ગેરહાજરી વિષે ચર્ચા ચાલી. સોશિયલ મીડિયા પર સચિન રાજ્યસભામાં બેઠેલો હોય એવો ફોટો ફરતો થયો જેમાં સચિનના ચહેરા પર ભરાઈ પડ્યો હોય, કંટાળ્યો હોય કે પછી અંજલીએ ડંડા મારીને પરાણે મોકલ્યો હોય એવા હાવભાવ સ્પષ્ટ જણાતા હતા! કોલેજમાં પ્રોફેસર બોર કરતા હોય છતાં એટેન્ડન્સ જરૂરી હોય અને જેમ વિદ્યાર્થીઓ પરાણે ક્લાસમાં બેસે બિલકુલ એમ બેઠો હતો. સામાન્ય રીતે બેસણામાં, સાસરામાં કે હોસ્પિટલમાં ખબર કાઢવા લોકો આમ જ હાજરી પુરાવવા જતાં હોય છે. કોલેજમાં તો પ્રોફેસર ગફલતમાં રહે તો તમારા બદલે કોઈ બીજો પ્રોક્સી પુરાવી શકે, પરંતુ સચિન માટે તો એ પણ શક્ય નથી!

આવા વિદ્યાર્થીઓને કારણે જ પ્રોફેસરોને ખાલી હાજરીથી સંતોષ નથી થતો. હાજરી શારીરિક નહીં, માનસિક પણ જરૂરી છે. ‘તારું ધ્યાન ક્યાં છે?’ આ વાક્ય જેટલી વાર કલાસરૂમમાં બોલાયું હશે એટલી વાર ‘મિ. લોર્ડ’ વાક્ય કોર્ટમાં નહીં બોલાયું હોય. સંગીતના રીયાલીટી શોમાં જજીઝ ગાયકના સ્ટેજ પરફોર્મન્સ ઉપરાંત કપડા, હાથ અને ચહેરાના હાવભાવ અને ક્યારેક ડાન્સના સ્ટેપ્સ પણ જજ કરે છે. તો પછી સાવ લઘરવઘર કપડા પહેરીને આવતા અને એજ બોરિંગ મોનોટોનસ અવાજમાં એપ્લાઈડ મિકેનિકસ ભણાવતા પ્રોફેસર પર ધ્યાન ટકાવી રાખવું કેટલું અઘરું છે? આવામાં ક્લાસની બહાર કોયલના ટહુકા અને ઢેલની કળામાં મોરલાનું ધ્યાન હોય એમાં નવાઈ શું છે? સિવાય કે ભણાવનાર આલિયા જેવી ફટાકડી કે રણબીર જેવો ક્યુટડો હોય!

અમુક વિરલાઓ ધ્યાન બહેરા હોય છે, જયારે અમુક બેધ્યાન હોવાનો સારો અભિનય કરી શકતા હોય છે. તમે છાપું વાંચતા પતિના કિસ્સાઓ સાંભળ્યા હશે કે જે પત્નીની વાતમાં હા એ હા કર્યા કરતો હોય. આવા કારીગરની નસેનસથી વાકેફ પત્ની એને એમ પૂછે કે ‘સાંજે જમવામાં તાડપત્રી અને વઘારેલો હાથી ફાવશે?’ અને પેલો હા કહી બેસે, પછી એ દિવસે હોજરી ખાલી રહે એવું બને. આવા ધ્યાન બહેરા પાછા પત્નીની ફ્રેન્ડ મળવા આવી હોય ત્યારે અક્કર-ચક્કરમાંથી હાજર થઈને વાતમાં રસ લેવા મંડે એમ પણ બને.

‘બેફામ’ કહે છે કે

રડ્યા 'બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

અહીં કવિને પોતાના મરણ સમયે પોતાની જ ગેરહાજરી ખુંચે છે. તો બીજાની હાજરીની તો અપેક્ષા સૌ કોઈને હોય જ ને? પરંતુ બેસણામાં મૃતકના અમુક સગા એવા બાઘા હોય છે કે એ તમારી હાજરીની નોંધ લે એ માટે તમારે ફોટા આગળ જઈ ખિસ્સામાં ફાંફાફોળા કરી ટાઈમ પાસ કરવો પડે. અને તોયે ના જોવે તો એમને કોન્ગ્રેચ્યુલેશન કહેતા હોઈએ એમ પાસે જઈ હાથ મિલાવવા પડે છે. જયારે અઠંગ બેસણાબાજો મરનારના નજીકના સ્વજન જ્યાં સુધી હાજરીની નોંધ ન લે ત્યાં સુધી વોટ માગવા નીકળેલા નેતાની જેમ હાથ જોડીને ઉભા રહેતા હોય છે. એમ કરવું પડે છે કારણ કે સામેવાળાને ત્યાં પણ ગણતરી પાક્કી હોય છે. ‘બાબ્ભ’ઈ ન બચુભ’ઈ આઈ જ્યા. રંછોડને ત્યોં આપણે તૈણ બેસણામાં જઈ આયા પણ હજી એ દેખાયો નહિ. બાયડી લાકડા ભેગી થઇ પછી હાળાના ટાંટિયામાં ભમરો પેઠો લાગઅ છ’ આવી ગુસપુસ પણ ‘તુ હી માતા તુ હી પિતા હૈ...’ની ધૂનની આડમાં થતી હોય છે. મોટે ભાગે તો ફોટાની પાસે બેસનારામાં શિક્ષક જેવું એકાદ તો હોય જ છે જે ‘કોણ આવ્યું’ અને ‘કોણ હજુ બાકી છે?’ એનો સતત હિસાબ રાખતું હોય. પણ દિવંગતના સ્વજન આવા પર્ટીક્યુલર હોય તો બેસણામાં હાજરી આપવી લેખે લાગે. બાકી પીંજારો એના ધનુષનો ટ્રેંવ.. ટ્રેંવ.. ટ્રેંવ.. અવાજ કર્યા વગર સોસાયટીમાં ફરી ને જતો રહે એમ બેસણામાં જઈ આવવાનો અર્થ શું? કોઈ જોતું હોય તો કમસેકમ જતાં કે આવતાં આપણી હાજરીની પાકી રસીદ તો મળે. એટલે જ અમને બેસણામાં બાયોમેટ્રીક્સની તાતી જરૂર જણાય છે જેમાં આવનાર અંગુઠો સ્કેન કરે એટલે આધાર કાર્ડના ડેટાબેઝ સાથે સરખામણી કરીને આવનારનું નામ રેકોર્ડ પર આવી જાય અને બેસણું પતે એટલે કોણ આવ્યું હતું એનું પાકું લીસ્ટ પણ મળી જાય. આમ થાય તો આધાર કાર્ડ રજીસ્ટ્રેશન પણ વધશે એ વાતમાં કોઈ શંકા નથી.

જમાઈની સાસરે હાજરી બાબતે બે પ્રકારના મત જોવા મળે છે. એક વર્ગ માને છે કે ‘દીકરી વિના દાઝ નહિ અને જમાઈ વિના લાજ નહિ’. અર્થાત સાસરાની આબરૂ રાખવા માટે જમાઈએ ટાણે હાજરી આપવી જરૂરી છે. સસરો માલદાર હોય તો જમાઈઓ રાજીખુશીથી હાજરી આપતા હોય છે. એટલું જ નહિ પણ શાહરૂખ ખાનની જેમ સ્ટેજ ઉપર જઈને નાચવા પણ આતૂર હોય છે. રાજકીય ફલક પર નજર કરો તો જમાઈઓ કેમ સાસરે પડ્યા પાથર્યા રહેતા હશે એ સમજાઈ જશે. પરંતુ ઘણા જમાઈઓને ‘अति परिचयात अवज्ञा’ ઉક્તિ અન્વયે સાસરે હાજરી આપતા ચૂંક આવતી હોય છે. વાતમાં અસ્થમા છે! ચંદન વૃક્ષના જંગલમાં વસતા વનવાસીઓ માટે ચંદનનું લાકડું એક સામાન્ય ઇંધણ જ છે! આવા જમાઈઓ થોડો ભાવ ખાધા પછી સાસરે હાજરી આપતા હોય છે. જોકે આપણા દેશમાં સાસુઓને આવા ભૂતોને બાટલીમાં ઉતારવાનો મહાવરો હોય છે.



હાજરી આપવાથી જો ભવિષ્યમાં ગેરહાજરીથી ઉભા થતાં સવાલોથી બચી શકાતું હોય તો હાજરી આપવી આવું સૌ કોઈ માને છે. કદાચ એટલે જ મન વગર માળવે જનારાથી આ સંસાર ભરેલો છે. હવે તમે આ લેખ વાંચ્યો છે એનું પ્રૂફ અમને આપી દેજો, નહીંતર ....

મસ્કા ફન

કમર પર લેંઘો ટકાવવા નાડુ અને

ઉમેદવારને જીતાડવા માટે ધારાસભ્યોનો ટેકો જરૂરી છે.

Friday, August 04, 2017

Wassup Zindagi-Gujarati Film


વોટ્સપ નહીં વોસ્સ્પ ઝિંદગી ...

ગુરુવાર રાત્રે અમદાવાદ પીવીઆર એક્રોપોલીસ ખાતે વોસ્સ્પ ઝિંદગીનો પ્રીમિયર યોજાયો હતો. ફિલ્મ ચોથી ઓગસ્ટે રીલીઝ થાય છે. ફિલ્મના રાઈટર ડાયરેક્ટર તરીકે મનોજ લાલવાની છે જેમણે ૨૦૦૦ની સાલમાં જમરૂખની બે ફિલ્મો લખી હતી તથા નુક્કડના અમુક એપિસોડમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે જે અનુભવ અહીં ફિલ્મમાં દેખાય છે.

ફિલ્મ ચાર મિત્રો, મિત્રતા, મેરેજલાઈફ અને સુરતના સેટિંગમાં બનાવેલી છે. આ ત્રણ-ચાર મિત્રોવાળી સ્ટોરીથી દાઝેલાઓ માટે આ ફિલ્મ સુખદ આશ્ચર્ય સર્જશે. સુરતી પ્રજા મોજીલી છે અને ખાવા-પીવામાં માને છે. વર્સેટાઈલ એકટર જયેશ મોરે દિનેશભાઈ તરીકે ટીપીકલ સુરતી બોલે છે અને સુરતના માલેતુજાર અને દિલદાર વ્યક્તિ તરીકે મઝા કરાવે છે. તેના મિત્રોમાં પ્રેમ ગઢવી એઝ એક્સ્પેકટેડ સરસ કોમિક ટાઈમિંગ સાથે જલસા કરાવે છે. ખાસ કરીને જયેશ મોરે અને પ્રેમના સીન્સ પેટ પકડીને હસાવે છે. એમાંય જયેશભાઈના ઘરમાં ધમો ધામા નાખે છે એ સિક્વન્સ મઝાની છે તો રેહાન સાથેની ત્રણે મિત્રોની એક સિક્વન્સ પણ જમાવટ કરે છે.

 
ફિલ્મમાં હિરોઇન્સમાં નિશાના રોલમાં ઝીનલ બેલાની રૂપકડી અને ખરેખર હિરોઈન જેવી દેખાય છે (આ મારી જૂની ફરિયાદ છે કે અર્બન ગુજરાતી ફિલ્મોમાં હીરો-હિરોઈન જરાય પ્રભાવશાળી નથી હોતા!) તથા તેનું પરફોર્મન્સ એકદમ કન્વીન્સીંગ છે. જોકે નિશા સહીત આટલા બધા કેરેક્ટર સુરતના હોવા છતાં જયેશભાઈ સિવાય બીજા સુરતી નથી બોલતા એ ખુંચે છે, કદાચ થોડું અઘરું હશે એ નેચરલી કરવું. શમા ના સ અને શમાં થોડાક લોચા છે, કે એવું લખાયું હશે તે જલ્દી ખબર નથી પડતી. જાયકા (ફિલ્મમાં ઝરણાં) આપણે ત્યાં જેના માટે ‘ચોરી’ શબ્દ વધારે વપરાય છે તે લગ્નમંડપ માટે ગ્રીક ડીઝાઈનનો આગ્રહ રાખે તે જરા વધારે પડતું લાગે છે. પણ બેબી બેબી કરીને જાયકા એને ગૂંગળાવી મારે તો ભાવેશ બચારો જાય કાં? Wassup Zindagi Trailer

નવી ગુજરાતી ફિલ્મોનો જે ટ્રેન્ડ છે એમાં એક મોટો માથાનો દુખાવો એ છે કે રાઈટર-ડાયરેક્ટર-હીરો-હિરોઈન-સિનેમેટોગ્રાફર-એડિટરથી માંડીને આખી ટીમ શીખાઉ હોય એવું બને છે અને પછી ફિલ્મ વિષે સારું લખવું હોય તો ફિલ્મમાં પડદા સારા હતા કે ઝુમ્મર સારું હતું એવું શોધવા જવું પડે, અને પાછું એ પણ ન મળે! પરંતુ મુંબઈની ટીમ હોવાને કારણે કદાચ ફિલ્મે ડાયરેકશન, કેમેરા, એડીટીંગ, લાઈટ, લોકેશન્સ વગેરે બાબતોમાં પ્રોફેસનલ ટચ દેખાય છે. હા, ચાર ફ્રેન્ડસ પૈકી એકાદનો રોલ ઓછો કરી ફિલ્મ ટૂંકી અને મેઈન સ્ટોરી પર વધુ ફોકસ કરી શકાત. ગીતો ફિલ્મને સપોર્ટ કરે છે પરંતુ યાદ પોપ્યુલર થાય તેવા નથી. ફિલ્મમાં સમીર કક્કરનો નાનો પણ મજબુત રોલ છે અને પ્રીમિયર બાદ એમને ગુજરાતી બોલતા સાંભળવું ગમ્યું. અગાઉની ગુજરાતી ફિલ્મોમાં પણ જે હિન્દી ફિલ્મના કલાકારોને લીધા છે તેઓ સીન્સ અને ફિલ્મને જરૂર તારે છે, હા ક્યારેક એમની પાસ ડાયરેકટર કામ ન લઇ શક્યા હોય એવું બને.

એકંદરે ફિલ્મ જોવા જેવી છે છે અને પોતાના દમ પર ચાલવી જોઈએ. મનોજભાઈને અગાઉ જમરૂખ ફળ્યો હતો, હવે નડે નહીં તો સારું!

Wednesday, August 02, 2017

ઉપવાસ કરો ફરાળ ખાવ, મજ્જાની લાઈફ છે

 
કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી ૦૨-૦૮-૨૦૧૭ 

શ્રાવણ માસ ભક્તિ અને ઉપવાસનો મહિનો છે. ધાર્મિક કારણ તો છે જ પણ ચોમાસા જેવી સિઝનમાં ઉપવાસ કરવાથી શરીરને પણ ફાયદો થાય છે એવું મનાય છે. પરંતુ ઉપવાસમાં ખાઈ શકાય એવી ખાદ્ય સામગ્રીનું લીસ્ટ લાંબુ થતું જાય છે એમ ઉપવાસના ફાયદા ઘટતા જાય છે. જોકે બધા ઉપવાસ કરનારા ધાર્મિક કારણસર નથી કરતા, ઘણા ઘરોમાં સ્ત્રી વર્ગ ઉપવાસ કરે એના કારણે આખા ઘરને ઉપવાસ કરવો પડે છે. જોકે એમાય પાછી બધી સ્ત્રીઓ સંપૂર્ણરીતે ધાર્મિક કારણસર ઉપવાસ નથી કરતી, કેટલીય ડાયેટિંગ માટે પણ કરે છે. દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી. હા સ્ત્રીઓ માટેય વપરાય. જોકે પુરુષ વર્ગ ઉપવાસમાં જોડાય એટલે વજન ઘટે કે ન ઘટે, તેલના ડબ્બામાં તેલની સપાટી તળિયે જરૂર જાય છે.

ઉપવાસ ને અંગ્રેજીમાં ફાસ્ટ કહે છે, પરંતુ ઉપવાસ કરનારનો દિવસ સ્લો જાય છે. એમાં પાછું રાત્રે બાર વાગે દિવસ પૂરો થયેલો ગણવો કે સવારે સૂર્યોદય સમયે, તે અંગે પાછા મતમતાંતર છે. ઉપવાસ કરીને મોડે સુધી ટીવી જોઈ મધરાતે પારણા કરવાના અમારા જેવાના પ્રયાસો પર ‘શાસ્ત્રમાં કહ્યું છે’ કહી પાણી ફેરવવામાં આવે છે. અમને આશ્ચર્ય થાય છે કે દિવાળીમાં આખીને આખી તિથી ઉડી જાય, વચ્ચે ખાડાનો દિવસ આવે, બપોર સુધી એક તિથી હોય અને બપોર પછી બીજી થઇ જાય એવું શાસ્ત્રના નામે ચલાવવામાં આવે છે. આમાં ને આમાં કેટલી ય રજાઓ ખવાઈ ગઈ! અરે ભાઈ, અડધી રાત્રે તિથી બદલાતી હોય તો અમને એનો લાભ આપો ને! એકાદવાર તો અડધી રાત્રે અગીયારાશની બારશ કરો! પણ એવું કરવામાં આવતું નથી. એટલું જ નહીં આ બાબતમાં આરટીઆઈ ક્યાં કરવી તે અંગે પણ કોઈ સ્પષ્ટ જણાવતું નથી. અમારો તો સરકારને આગ્રહ છે કે આ બાબતને પણ આરટીઆઈના દાયરામાં લાવવામાં આવે.

ઉપવાસ કરનારની મુખ્ય સમસ્યા એ છે કે શું ખવાય અને શું ન ખવાય એ અંગેનું નીતિશાસ્ત્ર. આમ તો ક્યાંક લખ્યું હશે, પરંતુ ક્યાં લખ્યું છે તેની માહિતીના અભાવે લોકો જુદીજુદી વસ્તુઓને ફરાળી ગણાવે છે અથવા નથી ગણાવતા. રાજગરા, મોરૈયા, શિંગોડા જેવાને સાર્વત્રિક રીતે ફરાળી ગણવામાં આવે છે જયારે ઘઉં, ચોખા, દાળ વગેરે ફરાળી નથી ગણાતા. એ બરોબર છે. રાજગરાનો લોટ ફરાળી હોય તે આવકાર્ય છે, કારણ કે તેમાંથી શીરો બને છે. પરંતુ આઈસ્ક્રીમ, કોલ્ડડ્રીંક, ચોકલેટ, ફ્રુટસલાડ જેવી આઈટમ્સને ચુસ્ત ઉપવાસકો ફરાળી નથી ગણતા. અમારા જેવા ‘ગળ્યું તે ગળ્યું બાકી બધું બળ્યું’ વાળાને આ અન્યાય છે. જો કોઈ બાબતના અર્થઘટનમાં ગુંચવણ હોય તો સુપ્રિમ કોર્ટ ફેંસલો કરે છે, પરંતુ કોને ફરાળી ગણવી અને કોને ના ગણવી તે અંગે સુપ્રિમ કોર્ટે પણ કોઈ ચુકાદો આપ્યો નથી. ધાર્મિક બાબતોમાં આવા ગૂંચવાડા ઉભા થાય ત્યારે છેવટે સગવડિયા ધર્મનો આશરો લઈને એનો ઉકેલ લાવવામાં આવે છે.

ઉપવાસ ખરેખર સંયમ કેળવવા માટે કરવાના હોય છે. એમાં ફળ, કંદમૂળ, દૂધ, ઘી, સાકર વગેરે અને તેની બનાવટો ખાવાની સામાન્ય છૂટછાટ અને કોઈ અજ્ઞાત કલમ નીચે વાવ્યા સિવાય ઉગે તેવા સામો અને રાજગરા જેવા ખડધાન્યની પણ છૂટ મૂકી છે. પછી છીંડામાંથી દરવાજા બનાવવામાં પ્રવીણ પ્રજાએ જલસા કરવાના રસ્તા કહેતા સિક્સ લેન રોડ બનાવી દીધા છે. દોડવું હોય અને ઢાળ મળે એમ હવે જાતજાતના રસોઈ શોમાં ઉપવાસમાં ખવાય તેવા ફરાળ બનાવતા શીખવાડે છે. અબ આલમ યે હૈ કી બટાટાની સુકી ભાજી, શિંગોડાના લોટની કઢી, રાજગરાની પૂરી, સાબુદાણાના વડા અને મઠ્ઠા જેવી રેગ્યુલર વાનગીઓ કરતાં પણ વધુ ચટાકેદાર અને પચવામાં ભારે એવા ફરાળી પિત્ઝા, પેટીસ, ઢોંસા, પાણીપુરી અને સેન્ડવીચ પણ મળતા થઇ ગયા છે. આપણી ભોળી પબ્લિક પાછી ખાતા પહેલા ભગવાનને ધરાવે પણ ખરી! જાણે કે ભગવાનને કંઈ ખબર જ ન પડતી હોય!

અમેરીકામાં આપણી જેમ ઉપવાસનો મહિમા નથી. સ્વાભાવિક છે કે ત્યાની મેરી અને મારિયાઓ સારો વર મેળવવા માટે સોળ સોમવાર નથી કરતી. તો ત્યાંના જ્હોન, પીટર, કે રોબર્ટ પણ વિદ્યા ચઢે અથવા તો મંગળ નડે નહીં તે હેતુથી ગુરુવાર કે મંગળવાર નથી કરતા. ત્યાંના ક્લીન્ટન કે ટ્રમ્પ પોતાના પાપ ધોવા માટે અગિયારસ કે પુનમ નથી કરતા. નથી કોઈ શ્રાવણ મહિનો કે ચાતુર્માસ નથી કરતુ. સામે આપણે પુરુષો સારી પત્ની મળે એ માટે વ્રત નથી કરતા, કદાચ જે મળે એને સારી માનવાનું આપણે શીખી ગયા છીએ. અમેરિકામાં તો તહેવારો આવે તો લોકો ખાય અને પીવે છે. આ કારણ હોય કે અન્ય, અમેરિકાના ૬૮.૮% લોકો ઓવરવેઇટ છે. એમને ભૂખ્યા રહેતા આવડતું જ નથી. હા, વજન માટે ડાયેટિંગ જરૂર કરે છે પણ એ બધું દળી દળીને ઢાંકણીમાં. જોકે ભુરિયાઓને જે કરવું હોય એ કરે, આપણે કેટલા ટકા?

ઉપવાસમાં અમેરિકન્સને રસ નથી તો આપણા પુરુષોને જશ નથી. પુરુષો ઉપવાસ કરે તો આખા ગામને ખબર પડે તેમ દાઢી વધારે છે. ઓફિસમાં બધા અહોભાવપૂર્વક પૂછે કે ‘કેમ શ્રાવણ મહિનો કર્યો છે?’ અને ફેશન માટે દાઢી ઉગાડનાર ભાઈ સાંજે લારી પર વડાપાઉં પણ સંતાઈને ખાતો થઈ જાય છે. જોકે પુરુષ ચીટીંગ કરે, બહાર મોઢું મારીને આવે તો પણ ‘ટેઢા હૈ પર મેરા હૈ’ ભાવે ભારતીય સ્ત્રીઓ એમના માટે જાતજાતની ફરાળી વાનગીઓ બનાવી તેમના પાપ ધોવાની કોશિશ કરતી રહે છે! ●

મસ્કા ફન

“મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેંક બેલેન્સ હૈ તુમ્હારે પાસ ક્યા હૈ?”

“મેરે પાસ બોટ હૈ મેરે ભાઈ”.