Wednesday, November 30, 2016

ચેન્જ લાવો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૩-૧૧-૨૦૧૬
મેનેજમેન્ટ ગુરુઓ ચેન્જમાં માને છે. બસ કંડકટર પણ ચેન્જ માંગે છે. આધ્યાત્મિક ગુરુઓ વિચારો અને વ્યવહારમાં ચેન્જ લાવવાનું કહે છે. ડાયેટીશિયન્સ ભોજનમાં ચેન્જ લાવવાનું કહે છે. ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતના કોચ પ્રતિસ્પર્ધી પ્રમાણે રમતના વ્યૂહમાં ચેન્જ લાવવાનું કહે છે. એકનું એક ખાઈને કંટાળે એટલે પુરુષ વર્ગ પણ ઘરના ભોજનમાં ચેન્જ ઈચ્છે છે, પરંતુ ધાર્યું ધણીનું થતું નથી. અમારું સજેશન છે કે જે પુરુષો ઘરના ભોજનમાં બદલાવ જોવા ઈચ્છતા હોય તેમણે અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસવું જોઈએ! પણ અત્યારે કોઈની પાસે બેસવાનો સમય નથી. કારણ કે દેશભરનાં પુરુષો અત્યારે બેંકમાં નોટો ઠાલવી રહ્યા છે. અને સ્ત્રીઓ એ નોટો ગણવાનું કામ કરી રહી છે. બેન્કોમાં તો હાલ નોટો ગણવા કરન્સી કાઉન્ટીંગ મશીનો વપરાય છે પણ જૂની પદ્ધતિ પ્રમાણે જો થૂંક લગાવીને નોટો ગણવામાં આવે તો ગણનારને ચોક્કસ ડીહાઈડ્રેશન થઈ જાય એટલી સંખ્યામાં નોટો બેંક પહોંચી રહી છે.

આ અગાઉ અમે અહીં જ ફાટેલી નોટ ચલાવવાના ઉપાયો બતાવી ચુક્યા છીએ. પણ અમુક લોકો પાંત્રીસ રૂપિયાની ફાટેલી નોટ જેવા હોય છે, જે આખી હોય તો પણ ન ચાલે. અત્યારની ૫૦૦-૧૦૦૦ની નોટ સાથે પણ એમને ન સરખાવી શકાય કારણ કે એ નોટો તો હજુ પણ બદલાવી શકાય છે. અમુક લોકો આપણે ત્યાં ચૂંટણી, મોટી સભાઓ કે ટ્રાફિક વખતે સેવાઓ આપતા અને કિશોરોમાં ‘ચકલી પોલીસ’ તરીકે ઓળખાતા વોલન્ટીયર્સ જેવા હોય છે જેમની પાસે સીટી વગાડવા સિવાય કોઈ સત્તા હોતી નથી અને એમની સીટી પણ કોઈ સાંભળતું નથી હોતું. આવા લોકોનું ક્યાંય ચાલતું નથી હોતું. ઘરમાં નથી ચાલતું, ઓફિસમાં નથી ચાલતું, સમાજમાં નથી ચાલતું.પણ જે લોકોનું ક્યાંય નથી ચાલતું એવા લોકોનું સોશિયલ મીડિયા ઉપર ચાલે છે. આજની તારીખે ભારતમાં જનધન યોજનામાં ખુલેલા ખાતાની સંખ્યા અને ફેસબુક ખાતા લગભગ સરખા છે. જેમ જનધન યોજનામાં ઝીરો બેલન્સ ચાલે છે એમ સોશિયલ મીડિયા પર પણ મગજમાં બુદ્ધિનું બેલેન્સ હોવું જરૂરી નથી. જોકે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો ઠાલવવા માટે મોબાઈલમાં બેલેન્સ હોવું જરૂરી છે!

ગાંધીજી એ કહ્યું છે કે બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. જોકે આપણે ત્યાં અને આપણા પાડોશી દેશમાં તો ખાસ, અંગ્રેજીની ઓછી જાણકારીને કારણે ‘બી ધ ચેન્જ’ના બદલે ‘પ્રિન્ટ ધ ચેન્જ’ કરે છે. ગાંધીજીના ફોટાવાળી નોટો! પૂ. બાપુના આ સૂત્રથી પ્રેરણા લઈને દુનિયા બદલવા માટે તૈયાર થયેલા અમુક લોકોમાં કપડા બદલતી વખતે લેંઘાની એક બાંયમાં બે પગ નખાઇ જવાને લીધે ભોંય ભેગા થઇ જાય તો ઉભા થવાની પણ તાકાત નથી હોતી. આઝાદીની ચળવળમાં બાપુને આવી ઘણી નોટો મળી હતી. પણ એમને દરેક પ્રકારનું યોગદાન સ્વીકાર્ય હતું. ધર્મસ્થાનોની દાનપેટીઓ પાંચસો અને હજારની નોટોથી ઉભરાય છે. આજે ગાંધીજી, જે તિજોરીઓમાં, કોથળાઓમાં, સુટકેસોમાં, ડબલબેડ નીચે, માળીયામાં બંધ હતા એમને હવે ચોખ્ખી હવા ખાવા મળી રહી છે એનો અમને આનંદ છે, ફોર અ ચેન્જ!

બદલાવના આ દૌરમાં બદલી શકાય એવું બધું બદલાવી નાખવું જોઈએ એવું ઘણા માને છે. જુનું આપીને નવું લઈ જવાની સ્કીમ પહેલા વસ્તુઓ અને હવે નોટોમાં લાગુ પડી છે તેથી ઘણાને આશા જન્મી છે. ઉંમરલાયક પુરુષોને નોટો અને લગ્નજીવન માટે એક સરખી તકલીફ્ છે, જૂની જતી નથી અને નવી મળતી નથી. જોકે સરકાર પરણિત પરુષો માટે અત્યારે કોઈ વિશેષ લાભદાયક યોજના લાવે તેવી આશા રાખવી નકામી છે. તેમ છતાં કદાચ આવી કોઈ સ્કીમ અમલમાં આવે, તો સ્ત્રીઓ ‘ગધેડાએ પહેલી ફૂંક મારી’ જેવું કંઈ કરે તો નવાઈ નહિ. આમેય સ્ત્રીઓને કળવી મુશ્કેલ છે.

નોટો બદલાવવાની પરિસ્થિતિમાં ગુજરાતીઓની સેન્સ ઓફ હ્યુમર ખીલી ઉઠી છે. રોકડાના અભાવે અને લાઈનમાં પડતી અગવડ વચ્ચે જાત પર અને પરિસ્થિતિ ઉપર રમૂજ કરી રહ્યા છે. કેટલાક ભેજાએ અમુક જૂની ફિલ્મોના ગીત જો નોટબંદીના માહોલમાં લખાયા હોત તો એ કવિની કઈ મનોદશાનું નિરૂપણ કરતા હોત એ સમજાવતા વોટ્સેપ ફોરવર્ડઝનો દોર ચલાવ્યો છે. અમને પણ કેટલાક એવા ગીતો જડ્યા છે. જેમ કે,

બેંકમાં કેશ ખલાસ થઇ જવાના કારણે સાંજે ખાલી હાથે પાછા આવેલી પત્નીને જોઇને કવિએ નાખેલો નિસાસો ફિલ્મ ઈજાજતના ‘ખાલી હાથ શામ આઈ ...’ ગીતમાં જોઈ શકાય છે. ગીતમાં આગળ કવિ લખે છે ‘રાત કી સિયાહી કોઈ, આયે તો મિટાયે ના, આજ ના મિટાયે તો યે, કલ ભી લૌટ આયેગી..’ મતલબ કવિને ખબર છે કે નોટ બદલતી વખતે આંગળી પર કરેલું અવિલોપ્ય શાહી (Indelible ink) નું ટપકું મિટાવી શકાય એવું નથી. એ કહે છે કે ‘આજ ભી યે કોરી રૈના, કોરી લૌટ જાયેગી ...’ મતલબ કે કવિને ડર પણ છે કે આમ જ ચાલશે તો હજારની ‘કોરી’ (શ્લેષ) કડકડતી નોટો કચરામાં નાખવી પડશે. આવામાં ડાયમંડનાં બિઝનેસમાંથી કવિતામાં ઊંધેકાંધ ખાબકેલા કવિને કોઈએ પૂછ્યું કે ‘તમે કેમનું ગોઠવ્યું છે?’ તો કવિ કહે ‘ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ ...’ અર્થાત કવિ ઓગણ પચાસ હજારના હપ્તામાં મોટી રકમ વગે કરવાની ફિરાકમાં છે.

બાય ધ વે, તમે કેમનું ગોઠવ્યું છે?

મસ્કા ફન
જે પ્રશ્ન અત્યાર સુધી સંતાનો માટે પૂછાતો હતો.
એ હવે રૂપિયા માટે પુછાય છે ...
"તમારા ઠેકાણે પડી ગયા?"

Wednesday, November 23, 2016

એલિયન્સ સાથે લડવા આપણે કેટલા સજ્જ છીએ ?

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૨૩-૧૧-૨૦૧૬
 
એલિયન્સ એટલે કે પરગ્રહના જીવો જો પૃથ્વી પર આક્રમણ કરે તો આપણે એમનો સામનો કરવા કેટલા સજ્જ છીએ એ કદી વિચાર્યું છે? પોલીસ કે લશ્કર પાસે આ માટે તાલીમબદ્ધ જવાનો છે ખરા? આ બાબતમાં આપણો અનુભવ કેટલો? ‘કોઈ મિલ ગયા’ના ફ્રેન્ડલી ‘જાદૂ’ અને જોકર જેવા ‘PK’ સિવાય બીજા કોઈ સાથે આપણે પનારો પડ્યો છે ખરો? બીજી ઘણી બાબતની જેમ, એલિયન સામે લડવામાં પણ અમેરિકા મોખરે છે. અમેરિકા એ વિલ સ્મિથ, આર્નોલ્ડ શ્વોરઝેનેગર, ટોમ ક્રુઝ જેવા વીરોની ભૂમિ છે જેમણે ફક્ત માભોમ જ નહિ પણ સમગ્ર વિશ્વના રક્ષણ માટે પોતાની જાનની પરવા કર્યા વગર સાહસો ખેડ્યા છે. એમના પરાક્રમોને ગ્રંથસ્થ કરનાર કોઈ મજબુત લેખક મળ્યો હોત તો જગતને ‘અમેરિકાની રસધાર’ પણ મળી હોત એમાં કોઈ શક નથી. જો કે એ વાત જુદી છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર પેસેન્જર પ્લેન લેન્ડ થયા ત્યારે વિલ સ્મિથની સાસુ હોસ્પીટલમાં હતા, આર્નોલ્ડ એના બાબાને પીકનીક પર લઇ ગયો હતો અને ટોમ ક્રુઝ પેનેલોપ ક્રુઝ સાથે ડેટિંગ પર હતો એટલે આ દુર્ઘટના ઘટી. બાકી પૃથ્વી પર સંકટના વાદળ ઘેરાય ત્યારે હોલીવુડની ફિલ્મોમાં બતાવે છે એમ સાઈરન વગાડતી પોલીસની ગાડીઓ, એમ્બ્યુલન્સ અને સ્ટાઈલથી ઉડતા હેલીકોપ્ટરો તો ૯/૧૧ વખતે પણ આવી ગયા હતા, પણ હિન્દી ફિલ્મની પોલીસની જેમ બધું પત્યા પછી.

અમે આ વાત ભલે હળવાશથી માંડી હોય પણ મુંબઈના અજય કુમાર આ બાબતે બહુ ગંભીર અને ચિંતિત છે. એમણે આર.ટી.આઈ. હેઠળ ગૃહખાતા પાસેથી એલિયન્સ, ઝોમ્બી અને બીજા અગોચર વિશ્વના તત્વો જો આપણા દેશ પર હુમલો કરી દે તો આપણું તંત્ર એનો સામનો કરવા માટે કેટલું સજ્જ છે એ જાણવા માગ્યું હતું. જોકે ગૃહખાતાએ તો આ બાબત પૂર્વપક્ષાત્મક એટલે કે hypothetical જણાતી હોઈ તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી એમ કહીને એની ઉપર ટોપલો ઢાંકી દીધો પણ અમને લાગે છે કે આ બાબતે ચર્ચા થવી જોઈએ.

સદનસીબે અત્યાર સુધી આપણો પનારો જે એલીયનો સાથે પડ્યો છે એ બધા ડાહ્યા હતા. પણ ન કરે નારાયણ કોઈ એલિયન વાયડું નીકળ્યું અને આપણું ઈન્ટરનેટનું નેટવર્ક ખોરવી નાખે તો દેશના ઝૂઝારુ યુવાનોની શી હાલત થાય? અહીં ગુજરાતમાં બેને ફક્ત થોડા જ દિવસ માટે નેટ-બેન મુક્યો હતો એમાં કેટલાક તો એટલા નવરા પડી ગયા હતા કે વોટસેપ-ફેસબુક વગર હવે જીવવામાં રહ્યું શું એમ વિચારીને ગૂગલ સ્ટોર ઉપર મરવાના ઉપાયો બતાવતી એપ્લીકેશનની શોધવા મંડ્યા હતા. એમાં પણ એમને કમબખ્ત ઈન્ટરનેટ નડ્યું. હવે જ્યાં સરખી રીતે મરી પણ શકતું હોય તો એ પ્રજા જાય ક્યાં?

રોજબરોજની જીંદગીમાં આપણો પનારો પૃથ્વી પરના જ અનેક ભયાનક અને કદાવર જીવો સાથે પડે છે, પણ એનો નીડરતાથી સામનો કરવા માટે આપણી સજ્જતા તપાસશો તો આંચકો લાગશે. જેમ કે, તમારે સ્વીચ પાડવી હોય પણ સ્વીચબોર્ડ ઉપર ગરોળી બેઠી હોય ત્યારે ‘છીછ ... છીછ...’ કરવા અને તાલી પાડવા સિવાય કંઈ કરી શકતા નથી. કૂતરાને ભગાડવા માટે ‘હોડ..’ કે ‘હટ્ટ..’ જ બોલો છો કે બીજું કંઈ? સમજ્યા કે વંદાને મારવા માટે તમારી પાસે સાવરણી જેવું મહાશાસ્ત્ર છે, પણ વંદો સામે આવીને ઉભો રહે ત્યારે તમારી હાલત બંદૂક વગર બોર્ડર પર પહોંચી ગયેલા સૈનિક જેવી હોય છે કે નહિ? અને તમે સાવરણી લઈને આવો ત્યાં સુધી વંદો તમારી રાહ જોઇને ઉભો રહેવાનો હતો? એક જમાનામાં તડકે સૂકવેલા અનાજ, પાપડ અને સાળેવડામાં ગાય મોઢું ના નાખે એ માટે બહાદુર માજીઓ લાકડી લઈને બેસતી. અત્યારે તો બ્યુટીપાર્લર અને સ્પાના લીધે માજીઓ લુપ્ત થવાના આરે છે ત્યારે લાકડી પણ ક્યાંથી હોવાની? આ સંજોગોમાં લેસર બીમવાળી ‘લાઈટસેબર’ તલવારો લઈને ઉતરી આવેલા ‘સ્ટાર વોર્સ’ ના જેડાઈ યોદ્ધાઓનો સામનો સાવરણીથી કરવાના હતા? વાત કરો છો! આપણી પણ કોઈ જવાબદારી ખરી કે નહિ?

આમ જુઓ તો એલિયન્સને દૂર રાખવાના આપણી પાસે ઘણા ઘરગથ્થું ઉપાયો છે. જેમ કે લીંબુ-મરચાં લટકાવવા. આ માન્યતા દૂર કરવામાં આવે તો લીંબુના ભાવ અડધા થઈ જાય. વર્ષો પહેલા હજીરા સાઈટ પર સર્વેયર અને મિત્ર રામ સુમેર પટેલે અમને એકવાર હળવાશથી કહ્યું હતું કે ‘સાહબ, પ્રાબ્લેમ નહિ હૈ તો ખડા કરો, મેનેજમેન્ટ કો બતાઓ કે પ્રાબ્લેમ હૈ, ફિર ઉસકો સોલ્વ કરો’. આપણા તાંત્રિકો અડદના દાણા નાખીને કેટલાય કલ્પનાતીત ભૂતો ઉભા કરે છે, અને પછી તેમને ઝાડું મારીને ભગાડી પણ દે છે. અફકોર્સ, એમાં ઘણીવાર અસરગ્રસ્તની તિજોરીમાં પણ ઝાડું વાગી જાય છે. તાંત્રિકોમાંના અમુક તો પાછા ગોલ્ડ મેડાલીસ્ટ છે! આ પ્રકારના વિશિષ્ટ ક્વોલીફીકેશન ધરાવનારાઓમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલને સ્થાન નથી હોતું. આમેય પરીક્ષા લીધા વગર અપાતા હોય ત્યારે શું કામ બ્રોન્ઝ મેડલ લેવો?

અમદાવાદમાં તો જોકે એલિયન્સ આવી શકે તેમ નથી કારણ કે એવું મનાય છે કે ગાયના છાણમાં અનેક ગુણ છે અને એમનો એક આ આસુરી શક્તિઓને દૂર રાખવાનો પણ છે. હવે અમદાવાદમાં તો કોઈ રસ્તો કે કોઈ આંગણું છાણ વિનાનું નથી તો આસુરી શક્તિઓ ઘૂસે ક્યાંથી? તેમ છતાં ધારોકે એલિયન્સ અમદાવાદમાં એકવાર ઘુસી જાય તો અમદાવાદના ફાફડા, ઊંધિયું ને જલેબી ખાઈને પછી અહીં જ રહી પડે ને?

મસ્કા ફન

નોટ ને બદલાવવામાં જલ્દી કરો ‘અધીર’
એક તો ઓછો સમય ને પાછળ લાંબી લાઈન છે.

Wednesday, November 16, 2016

નોટની નૌટંકી

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૧૬-૧૧-૨૦૧૬

ચલણમાંથી પ૦૦-૧૦૦૦ની નોટ રદ થવાથી લોકો દોડતાં થઈ ગયા છે. નોટ બદલાવવા. છૂટા મેળવવા. બ્લેકના વ્હાઈટ કરવા. ખરેખર અત્યારે કહી શકાય કે દેશ બદલ રહા હૈ … અલબત્ત પુરાની નોટ્સ. આમ પણ ગુજરાતમાં તો દિવાળી ટાઈમે કચરો સાફ કરવાનો રિવાજ છે જ. એમાં જૂની અને નકામી વસ્તુઓ સામે વસ્તુ લેવાય છે, ફેંકી દેવાય છે, વેચી દેવાય છે કે પછી કોઈને આપી દેવાય છે. આ બધું જ અત્યારે નોટોનાં સંદર્ભમાં થઈ રહ્યું છે. અત્યાર સુધી પાનના ગલ્લે જ દેશહિતની વાતો થતી હતી, હવે ક્લબોમાં, ફાર્મહાઉસોમાં, જીમોમાં બધે થવા લાગી છે. જોકે શરૂઆતની અપેક્ષિત હાલાકી છતાં જેના બ્લેકના રૂપિયા ફસાયા છે એ ગરીબોને નામે પોક મૂકી રહ્યા છે. જે લાઈનમાં ઉભા રહ્યા નથી એ લાઈનમાં ઉભા રહેલા વતી રોવે છે.

નોટો બદલાવવા માટે લાંબી લાઈનો લાગે છે. ‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ..’ એવો અમિતાભ ટાઈપનો દુરાગ્રહ ધરાવતા લોકો અડધી રાત્રે, જ્યાં ભોજીયો ભ’ઇ પણ ન ફરકતો હોય એવી બેંક શોધી રહ્યા છે જેથી એ જ્યાં ઉભા રહે ત્યાંથી લાઇન જ શરુ થાય. પણ હાલના સંજોગોમાં તો રાતના બાર વાગે પણ એમના પહેલાં એમના જેવા જ પંદર-વીસ અમિતાભો આવીને ઉભેલા જોવા મળે છે. સરવાળે આવા લોકો લાઈન વગરની બેંક શોધવા માટે પેટ્રોલ બાળીને એની સામે જૂની નોટોથી પેટ્રોલ પુરાવીને નોટોનો નીકાલ કર્યાનો સંતોષ લઇ રહ્યા છે.

આવામાં અમારા એન્ટેનામાં કેટલાક એક એવા ન્યૂઝ આવ્યા છે, જે સાચા છે નહિ, પણ સાચા જેવા લાગે છે :

ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હોવા છતાં બંડલોની હેરફેર કરવા જતાં આવ્યો હાર્ટ-એટેક!

રાણીપનાં રહેવાસી હસમુખભાઈ હૈયાફૂટાને ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હતી, પરંતુ બ્લેકના બન્ડલોનો થેલો ભરી લોકરમાંથી કાઢી ફ્લેટમાં માળીયે ચઢાવવા જતાં હસમુખભાઈને એટેક આવી ગયો હતો. અહીં ચોખવટ એ કે હૈયાફૂટા એ એમની અટક નથી પણ એમની પ્રકૃતિ છે, ઓવર ટુ હસમુખભાઈ. હા, તો હસમુખભાઈને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટર પોતાની કેશનો વહીવટ કરવા ગયા હોવાથી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ ન હોવાથી પણ તાત્કાલિક સારવાર મળી શકી નહોતી. ત્યાંથી એમને સરકારી દવાખાનામાં ખસેડાતા ત્યાં એમને જરૂરી ટ્રીટમેન્ટ મળતા જીવ બચ્યો હતો. નોટોનાં બંડલો પોલીસે કબજે કર્યા છે તે વાત હસમુખભાઈથી પરિવારે છુપાવી છે નહિતર એમને બીજો હાર્ટએટેક આવવાની શક્યતા હતી.

મોટી સંખ્યામાં બિલ્ડરોએ વિદેશ સફરની ટીકીટો બુક કરાવી

એરલાઈન્સને મોટી નોટો સ્વીકારવાની છૂટ હોવાથી ઘણા બિલ્ડરો વિદેશની ટીકીટો બુક કરાવીને બે-ચાર મહિના વિદેશ જવાની તૈયારીઓ કરી છે. રીઅલ એસ્ટેટમાં મોટા પાયે કેશ ટ્રાન્ઝેક્શન થાય છે એ ઓપન સિક્રેટ છે ત્યારે કાળાનાણા પર નિયંત્રણ આવતાં બિલ્ડરો પોતાની પાસે રહેલી કેશનો વહીવટ કરી, બાકીની કેશથી ટીકીટ લઇ વિદેશ જવાની તૈયારીમાં છે. કારણ કે કેશના અભાવે અગામી વરસમાં ધંધો મંદ રહેવાનો છે એ નક્કી છે. જોકે સપ્લાયરોને અત્યાર સુધીનો હિસાબ ચૂકતે અને એ પણ રોકડામાં મળી રહ્યો છે એ અલગ વાત છે!

એકએક નોટો બંધ કરવાના નિર્ણયને પગલે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જયારે ઘણાને બગાસું ખાતા મોંમાં પતાસું પડ્યા જેવું થયું છે. જેમ કે ટ્રાવેલ કંપનીઓ, જેમને દિવાળી પછી અને લગ્નની સિઝનમાં ઘરાકી નીકળી છે. સોનાચાંદીના વેપારમાં અમુકે પહેલા સ્પેલમાં ચોર, કસાઈ કે શિકારી સ્વરૂપે મોટી સંખ્યામાં બકરા વધેરી નાખ્યા હોવાના સમાચાર ઇન્કમટેક્સવાળાના કાને પડ્યા છે. ખાનગી કંપનીઓના કર્મચારીઓના ખાતામાં એમના બોસે છ-છ મહિનાની સેલરી એડવાન્સમાં જમા કરી દીધી છે. એમાંથી કેટલાકે તો મહિનામાં નોકરી અને શહેર બદલવાના પ્લાન પણ કરી દીધા હોવાનું બિનસત્તાવાર રીતે અધીર ન્યુઝ નેટવર્ક દ્વારા જાણવા મળ્યું છે.

આમ છતાં તકલીફ તો રહેવાની. ઘણાને તો ઉંચો વટાવદર આપીને સોના સાઇંઠ કર્યા પછીનો આંકડો એટલો મોટો છે કે રીટર્ન મારફતે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના ગળે ઉતારવો અઘરુ પડશે. બાકી હોય એમ સાહેબે કર્ણાટકના બેલગામ ખાતે કાળા નાણાના સોદાગરોને ઝાટકતા કરેલા બે-લગામ ભાષણ બાદ ‘સોકે હુએ સાઠ, આધે ગયે નાઠ, દસ દેંગે (ટેબલ નીચેથી જ સ્તો), દસ દિલવાયેંગે ઔર દસમેં ક્યા લેના ઔર દેના?’ ટાઈપના હિસાબો નહિ ચાલે એવું લાગે છે.

હવે સરકારના આ પગલાથી કાળુ નાણું ઘટશે કે નહિ ઘટે એ તો સમય બતાવશે પણ ભવિષ્યમાં એની અસરો જરૂર દેખાશે. જેમ કે, સાતમા ધોરણના ગણિતના પેપરમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે -

પ્રશ્ન ૬ (અ) મુલચંદભાઈ પાસે ૮૦ લાખ રૂપિયા રોકડા પાંચસો અને હજારની નોટો રૂપે હતા. વોલન્ટરી ડિસ્કલોઝર સ્કીમમાં એમણે રૂપિયા ભર્યા હોત તો સરચાર્જ-પેનલ્ટી સહીત કુલ ૪૫ ટકા ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નોટ બેન થયા પછી એમણે ૧૦ લાખ રૂપિયાની ચાંદી ૪૫૦૦૦ હજારના માર્કેટભાવ સામે ૫૫૦૦૦ આપીને લીધી. આ ઉપરાંત ૩૫ લાખનું સોનું બજાર ભાવ કરતાં ૨૪ ટકા વધારે ભાવ આપીને લીધું. બાકીના રૂપિયા એમણે ચાર સગાઓને અનુક્રમે ૧૨ ટકા, ૧૫ ટકા, ૧૮ ટકા અને ૨૦ ટકા વટાવ તરીકે આપી ફેરવ્યા. ટેક્સ ભર્યો હોત એની સરખામણીમાં આ સોદામાં મુલચંદભાઈના વારસોને કેટલો ફાયદો થયો?
નોંધ : મુલચંદભાઈ આ વહીવટ કરવામાં ગુજરી ગયા છે!

મસ્કા ફ્ન

પસ્તીવાળાએ અમને પાંચસોની નૉટ આપી!
અમે કહ્યું 'પહેલાં એ નકકી કરી લઇએ કે આપણા બેમાંથી પસ્તીવાળો કોણ છે.'

Saturday, November 12, 2016

હાર્દિક અભિનંદન - ગુજરાતી ફિલ્મ ફન રીવ્યુ

ગુજરાતી ફિલ્મનો હળવા હાથે લખાયેલો ફન રીવ્યુ. ૧૨-૧૧-૨૦૧૬ સીટી ગોલ્ડ, શ્યામલ.

સૌથી પહેલા તો એ ચોખવટ કરી દઈએ કે આ ફિલ્મ અનામત આંદોલન કે આંદોલનની ખરી-ખોટી સફળતા વિષે નથી. હીરોનું નામ હાર્દિક છે, પણ એ પોરબંદરનો છે અને એના જેવા ઘણા સ્મોલ-ટાઉન ગાયઝની જેમ પોતાને હીરો સમજે છે. બીજા બે નંગ કચ્છ અને ડીસાના છે જેમના નામ અભિ અને નંદન છે. નંદન ફિલ્મમાં એક જ વાર જીજે-૦૨ ભાષા બોલે છે. આ ત્રણે નંગ અમદાવાદમાં ભણવા આવે છે અને પછી બાપને પૈસે ચીલ મારવા લાગે છે! આવું થવું સ્વાભાવિક છે કારણ કે યુનીવર્સીટીનાં મોટાભાગના ડીગ્રી કોર્સમાં પરીક્ષા સિવાય વિદ્યાર્થી ખાસ કામ પાસે હોતું નથી !

શુટિંગ અમદાવાદમાં અને થોડું પોરબંદર થયું છે. અમદાવાદમાં એલિસબ્રીજ, રીવરફ્રન્ટ સિવાયના સ્થળો અને ભીડ નથી દેખાતી તે જામતું નથી. અમદાવાદ હોય, કોલેજીયન્સ હોય અને કીટલી પરનાં સીન ન હોય? જોકે ત્રણેય જણા યુનીવર્સીટી વિસ્તારની કોઈ કીટલી પરથી ઉઠાવી લીધા હોય એવા લાગે છે ખરા. હાસ્તો, હિન્દી ફિલ્મોમાં તો હજુ સલમાન, આમીર અને શાહરૂખ કોલેજીયનનાં રોલ કરે છે ત્યારે ગુજરાતી ફિલ્મમાં કોલેજીયન હીરો કોલેજીયન જેવો લાગે તે માટે કાસ્ટિંગ ડાયરેકટરને દાદ આપવી પડે!

જૂની હિન્દી ફિલ્મોની જેમ ફર્સ્ટ હાફ પતન અને સેકન્ડ હાફમાં ઉત્થાન બતાવ્યું છે. ફિલ્મમાં વાસ્તવિકતા ઉમેરવા, પહેલા હાફમાં ખાસ, ડબલ મિનીંગ અને અશ્લીલ ભાષાનો ઉપયોગ થયો છે જે વગર પણ ફિલ્મ બની શકે તે સમજવું જરૂરી છે. મા-બાપ પણ નિષ્ફળ જાય ત્યારે ત્રણેયની આંખો એક છોકરી ખોલે છે, કઈ રીતે? ફિલ્મ જોવી હોય તો જોજો. અમને તો ઇન્ટરવલ વખતે તો ફિલ્મ પૂરી થઈ હોય એવું લાગ્યું હતું, પરંતુ સેકન્ડ હાફમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ છે. 


ફિલ્મની સ્ટ્રેન્થમાં રાગિણીજીનો મજબુત રોલ, સંગીત અને અમુક સરસ રીતે ફિલ્માવેલા ઈમોશનલ સીન્સ છે. હાર્દિકનાં રોલમાં દેવર્ષિ શાહ મજબુત અને પ્રોમિસિંગ છે.

ફિલ્મ સ્મોકિંગ, ડ્રિન્કિંગ, સેક્સ અને કેરેક્ટર વિષે ઘણા મેસેજ આપે છે. કદાચ દિવાળીમાં મોબાઈલ સાફ ન કર્યો હોય તો વોટ્સેપમાં વધેલા મેસેજ કરતાં પણ વધારે! તો ફિલ્મ અંગે અમારો મેસેજ. આ મેસેજ અમે અગાઉ પણ આપી ચુક્યા છીએ. ગુજરાતી ફિલ્મના નવા પ્રવાહ અને નવા કલાકારોને વધાવવા જોવા જવાય એવી ફિલ્મ. થોડીક ટૂંકી કરવાની જરૂર છે. 
Trailer 
Song

Thursday, November 10, 2016

કંઈક કરને યાર

હળવે હાથે લખાયેલ ગુજરાતી ફિલ્મ રીવ્યુ
~ સ્પોઈલર ચેતવણી ~

ગુરુવારે રાત્રે ‘કંઈક કર ને યાર’ ફિલ્મનો પ્રીમિયર પીવીઆર એક્રોપોલીસ ખાતે યોજાયો તેમાં જવાનું થયું. જાજરમાન અરુણા ઈરાનીજીને મળવાનું થયું અને પોપકોર્ન ખાતા ખાતા સાથે ફિલ્મ જોઈ. ફિલ્મ એકવાર જરૂર જોવાય એવી છે. અમારી સ્ટાઈલમાં રીવ્યુ વાંચવો હોય તો આગળ વધો.

સૌથી પહેલા તો ફિલ્મ શરુ થતાં રાહુલ દ્રવિડ ગુજરાતીમાં ધુમ્રપાન અંગે ભાષણ આપે તેવી માહિતી ખાતાની જાહેરાત આવે છે જેમાં રાહુલ ધુમ્રપાનને ધૂમરપાન કહે છે. સારું ગુજરાતી જાણતા કોપી રાઈટર અને સારું ગુજરાતી હિરોઈનની તંગી છે એટલું નક્કી છે તે આ જાહેરાત અને પછી ફિલ્મ જોઇને ખબર પડે છે.


સુરતનો સોફ્ટવેર એન્જીનીયર ઋષભ પરણીને મુંબઈ જવા માંગે છે. ભારત માટે એલર્જી ધરાવતા કરોડપતિ ટીકુની એકની એક દીકરી જીયા એનઆરઆઈ સાથે ન પરણવાની જીદ સાથે અમેરિકાથી ભાગીને સુરત આવી જાય છે. સામાન સાથે જીયા સીધી મેરેજ બ્યુરોમાં પહોંચી જાય છે જ્યાં જોગાનુજોગ ઋષભ પણ આવી જાય છે. સોફ્ટવેર એન્જીનીયરને કોઈ છોકરી નથી આપતું તે સામાજિક સમસ્યા આ ફિલ્મ આડકતરી રીતે રજૂ કરે છે તે માટે ડાયરેક્ટરને ધન્યવાદ. મેરેજબ્યુરોની નોટ-સો-ટીપીકલ સંચાલક બંનેના હસ્તમેળાપ કરાવી દે છે અને પછી બંને વચ્ચે હોટ હોટ રોમાંસ થાય છે જે તાપી છોડીને સ્વીમીંગ પુલના પાણી સુધી પહોંચી જાય છે. બંને એક થાય છે અને એમના નામ ઋષભ જીયા સાથે બોલીએ તો ઋષ-ભજીયા જેવી હોટ આઈટમ પણ બની જાય !

કોઈ એકવીસ વરસના છોકરાનું નામ ચીમન હોઈ શકે? ગુજરાતી ફિલ્મમાં હોઈ શકે, ઋષભનો કઝીન ચીમન છે જે લીમડીથી સુરત આવી ચડે છે અને એની પાછળ પાછળ એની કાઠીયાવાડી ગર્લફ્રેન્ડ પણ ભાગી આવે છે. ચીમનને અંગ્રેજી સાથે છત્રીસનો આંકડો છે. પેલી તરફ અમેરિકાથી ટીકુ પણ સુરત એરપોર્ટ પર ઉતરે છે અને પછી ઋષભને ઓળખતા બધા જ આવી જાય છે અને શરુ થાય છે કોમેડી ઓફ એરર્સ. કોમેડી ઓફ મિસ્ટેકન આઇડેન્ટિટી. ટીકુભાઈનાં અદભૂત ટાઈમિંગને લીધે ઢીલી પડતી પ્રેડીકટેબલ સ્ટોરી અને કવચિત નબળા સીન પણ સચવાઈ જાય છે. ગે અને ટોઇલેટ હ્યુમર થોડુક આપત્તિજનક છે, પરંતુ પબ્લિક એ એન્જોય કરે છે !

ગીતો સારા છે એમાં ટીકુ-અરુણાજીનું ફ્લેશબેક રેટ્રો સોંગ તથા રેપ સોંગ મઝા કરાવે છે. સ્ટુડિયોનાં ભાડા બચાવવા ઘરમાં થયેલા શુટિંગમાં કેમેરાની ગોઠવણી અને લાઈટીંગ સિવાય આઉટડોર સીન્સ સારા લેવાયા છે. એકંદરે એન્ટરટેઈનમેન્ટ મળે છે અને ગુજરાતી ફિલ્મનાં નવા પ્રવાહને આવકારવા માટે પણ આ ફિલ્મ જોવાય. 
--
ટ્રેલર

દલડું Retro ગીત 
 

Wednesday, November 09, 2016

નવા વરસમાં કૈંક નવું કરજો

કટિંગ વિથ અધીર-બધિર અમદાવાદી | ૦૯-૧૧-૨૦૧૬

અમે તો વર્ષોથી એ જ કહીએ છીએ.
પણ, તમે કૈંક નવું કરજો.
નવા વરસમાં કૈંક નવું કરજો.
ચશ્માં પર વાઈપર લગાડીને ફરજો,
ચડ્ડીને બદલે ડાઈપર પહેરીને ફરજો,
નવા વરસમાં કૈંક નવું કરજો.
આ શું મઠીયા, ઘૂઘરાને કાજુકતરી?
આ વર્ષે ચાઇનીઝ ચોકલેટ કેક
કે સિંગાપોરના સીઝ્લીંગ સિંગદાણાથી
મહેમાનોનું સ્વાગત કરજો.
નવા વરસમાં કૈંક નવું કરજો.


અમને ખબર છે અઘરું છે - એજ મામા, માસી, ફોઈ, કાકાઓને બદલે પત્નીને લઈને છૂટાછેડા લીધેલ એક્સ-ગર્લફ્રેન્ડનાં ઘેર જવું. ખબર છે અઘરું છે - બોણી માગવા ઘેર આવેલા પોસ્ટમેન, વોચમેન, કે  લીફ્ટમેનને હજારની નોટ પકડાવવી. પણ તમારો પગાર લાખ રૂપિયાનો થયો તોયે ક્યાં સુધી પચાસની નવી નોટોના બંડલ મંગાવ્યા કરશો? હવે તો કોઈ કાકો હોય તો જ પચાસની નોટ હાથમાં પકડશે. બાકી પચાસ રૂપિયામાં તો બે દિવસ ચા પણ પીવા ના મળે. વડા-પાંવના પણ ત્રીસ રૂપિયા થયા પ્રભુ, પચાસ રૂપિયામાં પેલો એની ગર્લફ્રેન્ડને વડા-પાંવની પાર્ટી પણ ન આપી શકે! ખબર છે અઘરું છે – નાના બચ્ચાને દસ કે વીસની નોટમાં પટાવવું. ભલું હશે તો એ સામે કહેશે ‘અંકલ, તમે પણ નોટ છોને! વીસ રૂપિયામાં તંબૂરો આવવાનો હતો? લીલી પત્તી કાઢો!’
Image via Amazon


તમારું એકટીવા કે સ્કૂટી રોકવા માટે પગ ઘસડવાની ટેવ હોય તો નવા વર્ષમાં તમારા ચંપલ કે સેન્ડલ નીચે એસ્બેસ્ટોસના બ્રેક લાઈનર નખાવજો. મિરઝાપુર કે શાહઅલમ ટોલનાકાના મિકેનિક એ કામ ખુશી ખુશી કરી આપશે. હેર-સ્ટાઈલ કે બિંદી સરખી કરવા માટે રીઅરવ્યુ મિરર ફેરવીને જોવાની ટેવ હોય તો એ કામ માટે ગાડીના હોર્નના પેડ ઉપર એક મિરર લગાવડાવજો જેથી ‘જરા ગર્દન ઝૂકાઈ ઔર દેખ લી’ સ્ટાઈલમાં મુખારવિંદ જોઈ શકાય. રીંગ વાગે ત્યારે પર્સમાંથી મોબાઈલ શોધવા જતા મિસકોલ થઇ જતો હોય તો મોબાઈલ સાથે એક દોરી બાંધી રાખજો અને એનો છેડો પર્સની બહાર રાખજો જેથી રીંગ વાગે ત્યારે એને બહાર ખેંચી શકાય. એક જ રોટલી અને તે પણ ઘી વગરની ખાતા હોવા છતાં તમારું રૂપ દર્પણમાં ન સમાતું હોય તો ડબલ એકસેલ અરીસા લગાવો. અથવા નવા વર્ષમાં એક રોટલી ભલે ખાવ, પણ મંચિંગ અને કૂકીઝ ભરેલા ડબ્બાઓ પર આલિયા ભટ્ટ અને કરીના કપૂરના ઝીરો ફિગરવાળા ફોટા ચોટાડી રાખજો. અમારું સંશોધન કહે છે કે જીવ બાળવાથી પણ કેલરી બળે છે.

તમે સ્ટુડન્ટ હોવ તો તમારા માટે પણ નવા આઈડીયાઝ છે. આ વર્ષે મોબાઈલમાંથી અરિજિતના મરશીયા કાઢીને જગ્યા કરજો. અથવા નવું 16GBનું કાર્ડ નખાવજો જેથી નોટ્સની ફોટો-કોપીને બદલે કેમ-સ્કેનરથી સીધી પીડીએફ બનાવીને વોટ્સેપ ગ્રુપમાં શેર કરી શકાય. નોટ્સ ઉતારવાને બદલે બ્લેકબોર્ડના સ્નેપ્સ લેવાનું રાખો. લેકચરનું વિડીયો રેકોર્ડીંગ કરી શકો તો ઉત્તમ. જોકે આ માટે કોકે તો લેકચર ભરવું પડશે અને એ માટે બકરો શોધવો પડશે. તમે પ્રોફેસર હોવ તો મોબાઈલના કેમેરાનો ઉપયોગ સીસીટીવી તરીકે કરજો જેથી તમે બોર્ડ પર લખતા હોવ ત્યારે પાછળ ચાલતા સંસ્કૃતિક આદાન-પ્રદાનને નિહાળી શકો. ક્લાસના કોઈ છાપેલા કાટલાનો વારો કાઢવો હોય તો પુરાવા રૂપે વિડીયો રેકોર્ડીંગ પણ કરી શકો. આખરે તમે પણ એમના ગુરુ છો એવું એને પણ લાગવું જોઈએ ને!

અને તમે કોર્પોરેટીયા કર્મચારી હોવ તો ઘણું કરવા જેવું છે. સિગારેટ પીવાથી ટાર્ગેટ અચીવ થતાં નથી. બૉસને મસ્કા મારવાથી કાયમ પ્રમોશન મળતા નથી. કામ એવું સોલ્લીડ કરો કે બૉસ ખુદ તમને મસ્કા મારતો ફરે કે ‘બકા આટલું કામ તો કરી ને જ જજે, હું પીઝા મંગાવું છું’! ઓફિસમાંથી ગુલ્લી મારી વહેલા ઘેર જઈ તમે કશું ઉકાળવાના નથી, ચા પણ નહી. કામચોરમાંથી કામગરા બનો. ઓફિસમાં સાંજે રોકાઈ પ્રોફાઈલ પિક્ચર ઉર્ફે છબિ ઉર્ફે ઈમેજ સુધારો. અને વાતવાતમાં કસ્ટમરને જે ગોળી આપો છો ને, એ બંધ કરો. એમ કરશો તો કદાચ કસ્ટમર પેમેન્ટ સમયે સામે જે ગોળી આપે છે તે બંધ થશે. અને સૌથી વધારે તો જે ઘરને ઓફિસ બનાવી છે ને તે, જમતા જમતા પણ ‘ઓર્ડર નીકળ્યો કે નહિ?’ ફોન ચાલે છે ને, એ બંધ કરો. લંચ અને ડીનર સિવાય તમારી પાસે પુષ્કળ સમય છે, ખબર છે? બીજાના મહેલ જોઇને પોતાની ઝુંપડી સળગાવી ન દેવાય. સુંદર સ્ત્રીઓ સાથે નોકરી કરતી હોય એમાં આપણા અને એના ઘરમાં આગ ન લગાડાય શું સમજ્યા? માટે ચાપલુસી છોડો અને કામથી કામ રાખો!

આવું તો બીજું ઘણું બધું થઇ શકે એવું છે, પણ તમને થશે કે હવે પાકા ઘડે કાંઠલા ન ચઢે અને આ ઉમરે નવું કરવું તો પણ શું કરવું? તો લો આ ઉંમરે થઇ શકે એ કરો. જેમ કે, ફોર અ ચેન્જ કચરો કચરાપેટીમાં નાખો. અને એક દિવસ ઘેર બનેલુ ખાવાનું કોઈપણ જાતની કચકચ વગર ખાઈ લો. અઠ્ઠાવન થયા, હજુ જીવનમાં કોઈ ધાડ નથી મારી તો પછી સિગ્નલ પર આટલી ઉતાવળ શેની કરો છો? જરા શાંતિ રાખતા શીખો. અને પેલું શાહબુદ્દીનભાઈએ કહ્યું હતું ને એ, બીજું કંઈ ન કરી શકો તો ‘કોઈને નડો મા’. અને છેલ્લે, લાઈફ ‘ડલ’ લાગતી હોય, અને એક્શન જેવું કંઈ જોઈતું હોય, તો ગાંધી ચિંધ્યા માર્ગે પત્નીને ‘બા’ કહેવાનું ચાલુ કરો. પણ કૈંક નવું કરો!

બોન અન્ની.

હવે, ક્યાં સુધી સાલ મુબારક કહેશો?●

મસ્કા ફન
વિસનગર પાસે કાંસા નામનું ગામ છે અને
એ ગામ બાજુથી આવતા પવનને 'કાંસાનો વા' કહે છે!

Friday, November 04, 2016

શિવાય : જોવા શિવાય રહી જવાય એવું નથીContains spoilers
-
શિવાય એક ધમાકેદાર એક્શન ફિલ્મ છે જેમાં ઈમોશનનું ફીટીંગ બરોબર નથી થયું. હિમાલયમાં પર્વત ખેડું અને ટ્રેકિંગ કરાવતો શિવાય શરીર પર ટાટુ કરાવી પોતે શિવનો અવતાર છે એવું માને છે. જોકે એ બોલે છે એકદમ અજય દેવગન જેવું જ. બધાને ખબર છે પહાડોમાં ચઢવું અઘરું છે, અને ઉતરવું સાવ સહેલું છે. હા, સાજાસમા ઉતરવું હોય તો થોડુક મુશ્કેલ પડે. પરંતુ બેકગ્રાઉન્ડમાં શ્લોક જોરશોરથી વાગતા હોઈ શિવાય તેજ રફતારથી પહાડ ઉતરે છે. કારણ કે શિવાય એક સુપરહીરો છે.


પણ આ પહાડોમાં કુદરતી અને શિવાયની જીંદગીમાં બલ્ગેરિયાથી હિન્દીમાં બોલતું તોફાન આવે છે. બલ્ગેરિયાનું આ તોફાન બર્ફીલી પહાડીઓમાં હોટ ઓપન શોલ્ડર ડ્રેસ અને મીની સ્કર્ટ પહેરી ચોંકાવી દે છે. જોકે ફિલ્મમાં તોફાન કરતાં શાંતિની પળો માથાના વાળ ખેંચવાનું મન થાય એવી છે. પછી તો જે થવાનું હતું તે- રૂપ તેરા મસ્તાના પ્યાર મેરા દીવાના ... - થાય છે. 

તોફાન શમે એના દસ વરસ પછી શિવાય બલ્ગેરિયા જાય છે, અને જતાં વેંત જ ત્યાની પોલીસ એને કોઈ કેસમાં સંડોવી દે છે. અતિશય ઠંડીમાં હેન્ડગ્લોવ્ઝ પહેરીને ફરતી પોલીસને અનેક વખત હાથતાળી આપી શિવાય ભાગે છે. પછી તો શિવાય ત્યાંની વેશ્યા અને હ્યુમન ટ્રાફિકિંગનાં ધંધાને ખુલ્લો પાડવા કમર કસે છે, જેમાં એને ઇન્ડીયન એમ્બેસીમાં કામ કરતી છોકરીનો સપોર્ટ મળે છે. જોકે શિવાય એકલા હાથે જ માફિયા સામે લડે છે કારણ કે શિવાય કોલેજ ગયો નથી કે એને ફ્રેન્ડ હોય જે મારામારીમાં બે-ચાર ગુંડાને ફની રીતે મારે. પર્વતારોહણ અને બરફમાં રહેવાની તાલીમ શિવાયને કામ આવે છે. 

પણ અંતે શિવાયની જીત થશે કે નહીં ? તે જો તમે ગેસ ન કરી શકતા હોવ તો જ આ પિક્ચર જોવા જજો. પિક્ચર દરમિયાન બે-ત્રણ વાર બહાર આંટો મારી આવો અથવા તો ફિલ્મ હજુ પણ અડધો એક કલાક ટૂંકી કરે તો કદાચ સહ્ય બને !