શોર્ટ સર્કીટ – લાબું ચાલે એવી સીમાચિન્હરૂપ ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ
આપણો પ્રિય ધ્વનિત શોર્ટ સર્કીટ નામની સાયન્સ ફિક્શન ફિલ્મ લઈને આવ્યો છે. આ ટાઈપની ફિલ્મ બનાવવી જોખમી છે, કારણ કે ક્યારેક તે હાંસીને પાત્ર ઠરતી હોય છે. પરંતુ, શોર્ટ સર્કીટ સોલીડ ઇન્ટરેસ્ટીંગ ફિલ્મ બની છે. જેમ એક ચોક્કસ ગુજરાતી છાપું મોદી સરકારના કામમાં ભૂલો જ શોધે એમ તમે પણ ભૂલો શોધવા જ ફિલ્મમાં ગયા હશો તો પણ નિરાશ થશો. લખી રાખજો. ટ્રેલરમાં છે એનાથી વધારે સ્ટોરી અહીં નહીં કહું, નહીંતર તમે મારા માથા પર સ્પોઈલરના માછલા ધોશો, જે શિયાળામાં નથી પોસાય એવું!
સમય એટલે કે ધ્વનિત એક કોમ્પ્યુટર રીપેર કરવાવાળો છે જેને બ્રાઉઝરની હિસ્ટ્રી ડીલીટ કરતા ના આવડતી હોય એવા ક્લાયન્ટ મળ્યા છે. પણ એકાએક આપણા હીરોની જીંદગીમાં અડધી રાત્રે નોર્ધન લાઈટ્સ થાય છે, અને પછી તો બધી ઘટનાઓ ફરી ફરીને થાય છે. પરણેલાની જીંદગીમાં તો એકની એક વાત ફરી ફરીને થાય તે સ્વાભાવિક છે. પરંતુ અહીં હીરો-હિરોઈન પરણેલા નથી તોયે થાય છે. હિરોઈન સીમા (કિંજલ રાજપ્રિયા) નામની ગુજરાતી ન્યુઝ એન્કર જે ફોર અ ચેન્જ એક લીટીના સમાચાર ખેંચી ખેંચીને સાત-આઠ વખત વાંચતી નથી તોયે તેનું ખૂન થઈ જાય છે. એ પણ સાયન્ટીસ્ટના ઈન્ટરવ્યુ કર્યા પછી. આ એક જ વાત આખી ફિલ્મની હિંમત બતાવે છે. ગુજરાતી મહિલા ન્યુઝ એન્કર, સાયન્સની, અમનેય જે બરોબર સમજાઈ નથી તેવી, કોમ્પ્લેક્સ ઘટના વિષે સાયન્ટીસ્ટનો ઈન્ટરવ્યુ કરે એ આ ફિલ્મ ફિક્શન છે એ સાબિત કરે છે. જોક્સ અપાર્ટ, સીમા અને સમય બેઉ એકદમ કન્વીન્સીંગ છે. ધ્વનિતને રેડિયો પર વર્ષોથી સાંભળીએ છીએ પણ એણે આરજેના અવતારમાંથી સંપૂર્ણ બહાર નીકળીને રોલ કર્યો છે.
ધ્વનિત કહે છે કે ‘બાળકો ન મોટા થશે ન યુવાનો વૃદ્ધ થશે’ એ ડાયલોગને કારણે જ અમને તો લાગે છે કે આખી ફિલ્મ હીટ જશે. ધ્વનિતના ચાહકોમાં ફિમેલ લીસનર્સનું એક મોટ્ટું ધાડું છે. ધ્વનિત ઘરડા નહીં થવાની વાત લાવ્યો એ એમના માટે વધુ એક કારણ બનશે ફિલ્મ જોવાનું! સો લેડિઝ ગો! હું ના પાડું તો જાણે તમે નથી જવાના ! પુરુષો માટે પણ કૈંક છે. કિંજલ એટલે કે સીમા સ્ત્રી છે, પણ એને બીજા દિવસે આગલા દિવસની ઘટનાઓ યાદ જ નથી આવતી! હાઉ અમેઝિંગ નહીં?
Premier of Short Circuit in Ahmedabad |
મોટાભાગની અંગ્રેજી સાઈ-ફાઈ ફિલ્મોમાં જે મિસિંગ હોય છે તે, કોમેડી, સ્મિત પંડ્યા એટલે કે કરસન કાકા અદભૂત ટાઈમિંગ સાથે કરે છે અને જે ફિલ્મમાં ખુબ ઉપડે પણ છે. એ પણ જરા પણ રસભંગ થયા વગર.
ફિલ્મના એડીટીંગ અને કેમેરા વર્કમાં ગુજરાત બહારના એક્સપર્ટસ હોવા છતાં મજા ના આવી, પણ બેકગ્રાઉન્ડ સ્કોર અને મ્યુઝીક (અમારા પ્રિય મિત્ર મેહુલ સુરતીનો), વીએફએક્સ અને બીજી બધી ટેકનીકલ બાબતોમાં ફિલ્મ સરસ બની છે. ગુજરાતીમાં આવી ફિલ્મ પહેલીવાર બની છે. જોઈ આવજો! અધીરે કહ્યું છે એટલે ...
સ્મિત પંડ્યા પ્રીમિયર વખતે